કર્મફળનો આશ્રય ન લેવો
ગીતામાતા એક બીજી વાત તરફ આપણું ધ્યાન દોરે છે. તે કહે છે કે સંન્યાસી કે યોગી કાર્ય કર્મ કરે છે. પણ કર્મફલનો આશ્રય લેતો નથી. એટલે શું ? કેટલાક માણસો એવા અર્થ કરે છે કે કર્મફલનો આશ્રય લેતો નથી એટલે કર્મફલની ઈચ્છા રાખતો નથી. પણ એ અર્થ મારી સમજ પ્રમાણે બરાબર નથી. એ વિશે આપણે આગળ વિચાર કર્યો છે. કર્મફલનો આશ્રય લેવો એટલે શું તે સમજવા એક બીજો વિચાર કરો. આપણે સાધારણ રીતે કહીએ છીએ કે એક માણસ બીજાને આશ્રય આપે છે. એટલે બીજાની સંભાળ રાખે છે, ને બીજાનું પોષણ કરે છે. આશ્રય લેનારા માણસ આશ્રય આપનાર પાસેથી મદદ ને પોષણ મેળવે છે. તે પ્રમાણે કર્મના ફલનો આશ્રય લેનાર માણસ કર્મના ફલની અસર નીચે આવે છે. કર્મના ફલનો દાસ કે ગુલામ થાય છે ને કર્મના ફલ દ્વારા પોષણ મેળવે છે. ગીતામાતા કહે છે કે આ વાત સારી નથી.
માણસે કર્મના ફલની સારી કે નરસી અસરથી મુક્ત રહેવું ને કર્મના ફલના ગુલામ ના થવું. કર્મના ફલથી પ્રભાવિત ના થવું. કર્મના ફલ દ્વારા પોતે જ પોષણ ના મેળવવું, પણ વધારેમાં વધારે જીવોના હિતને માટે તેનો ઉપયોગ કરવો. કર્મનું ફલ ગમે તેવું આવે તો પણ તેથી મદોન્મત્ત, અહંકારી કે નિરાશ થવાને બદલે છેવટ સુધી યોગ્ય કર્મ કરતા જ રહેવું. આ પ્રમાણે કમલ જેમ પાણીથી લેપાતું નથી, ને વાદળના રંગથી આકાશ રંગાતું નથી, તેમ કર્મના ફલથી લેપાયા વિના–નિર્લેપ રહીને જે કર્મ કરે છે, તે જ જ્ઞાની છે, યોગી છે, ભક્ત છે, સંન્યાસી પણ તે જ છે. છઠ્ઠા અધ્યાયની શરૂઆતમાં જ ભગવાન આપણને આ મહાન શિક્ષા આપે છે.
આટલી ચર્ચા પછી હવે તમે વિચાર કરો કે સંન્યાસી કે યોગી થવા માટે ઘરબાર છોડવાની જરૂર છે કે ? નામ ને રૂપ બદલવાની અથવા વેશપલટો કરવાની પણ જરૂર છે કે ? સંન્યાસી કે યોગી થવા માટેનાં લક્ષણોને કેળવો એટલે જ્યાં હો ત્યાં તમે સંન્યાસી કે યોગી થઈ જશો. ઘરમાં કે વનમાં ગમે ત્યાં હો, ને ગમે તે રૂપમાં હો, આ વાત ધ્યાનમાં રાખો એટલે તમે મહાન બની જશો, ને જીવનનું શ્રેય સાધી શકશો.
- શ્રી યોગેશ્વરજી
સંન્યાસ ને યોગ એક છે
જીવનમાં જેને યોગી થવું છે, અથવા પરમાત્માના દર્શન દ્વારા જેને પરમશાંતિ મેળવવાની ઈચ્છા છે, તેણે સંસારની મમતા ને આસક્તિનો ત્યાગ કરવો જ જોઈએ. બહારથી તજે ને અંદરથી તો તેને ભજે એવી ભયંકર દશાનો તેણે ત્યાગ કરવો જોઈએ. બહારથી તજે ને અંદરથી પણ તજે તેવી ઉત્તમ દશા માટે તો કાંઈ કહેવાનું જ નથી. તે દશા કલ્યાણકારક છે, પણ માણસ બહારથી જોતાં વિષયોની વચ્ચે રહેતો દેખાય, ને વિષયોને ભજતો જણાય, છતાં અંદરથી તો તેણે વિષયરસનો ત્યાગ કરેલો હોવો જોઈએ. જુદાં જુદા કામ કરવા છતાં તે કામથી અલિપ્ત રહેવો જોઈએ. સંસારના બધા જ પદાર્થો વિનાશી છે. તે સૌ સાથે મળીને પણ માણસને શાંતિ આપી શકે તેમ નથી. ને મુક્તિ ને પૂર્ણતાનું દાન દઈ શકે તેમ પણ નથી. પોતાના મનમાં એ ગાંઠ તેણે કાયમને માટે વાળી લેવી જોઈએ. પોતાની નબળાઈઓનો ત્યાગ કરવાની તમન્ના તેને લાગી જવી જોઈએ. જીવનમાં એકમાત્ર પરમાત્મા જ મેળવવા જેવા છે. તેમને મેળવ્યા વિના જીવનની સમસ્યા ઉકલે તેમ નથી. જીવનના દુઃખદર્દ દૂર થાય તેમ નથી, ને જીવન અમૃતમય થાય તેમ નથી એ વિચાર તેના દિલમાં દૃઢ થઈ જવો જોઈએ. તો જ તે યોગી બની શકે.
સંન્યાસ લઈને પણ માણસે શું કરવાનું છે ? બહારનો કે અંદરનો ત્યાગ કરીને પરમાત્માની પ્રાપ્તિ માટે જ પુરૂષાર્થ કરવાનો છે. પરમશાંતિ, મુક્તિ કે પૂર્ણતા પામવા પ્રયાસ કરવાનો છે ને બંધન, અલ્પતા ને દુઃખથી છૂટવાનું છે. એ રીતે સંન્યાસ એક સાધના છે. પરમાત્મા સાથેના યોગ અથવા મિલન માટેની સાધના છે.
આ પ્રમાણે યોગ ને સંન્યાસ એક છે, બંનેનું ધ્યેય એક જ છે, ને તે પરમાત્માનું દર્શન, સ્વરૂપનો સાક્ષાત્કાર અથવા પૂર્ણતા, વાસના, વિકાર, મમતા, આસક્તિ, અહંકાર ને દુર્ગુણોનો ત્યાગ કર્યા વિના યોગ થાય નહિ, ને યોગ કે પરમાત્મદર્શનની સાધના વિના ત્યાગ કે સંન્યાસ શોભે નહિ. ત્યાગ કે સંન્યાસનો આનંદ મળે નહિ. યોગ વિના સંન્યાસ અધૂરો રહી જાય, ને સંન્યાસ કે ત્યાગના સંકલ્પ વિના, ત્યાગીની આધારભૂમિ વિના, યોગની ઈમારત થાય નહિ. આમ બંને પરસ્પર પૂરક છે, સંકળાયેલા છે, ને એક છે. તેમને અલગ ગણાવવાનો કે જુદાં પાડવાનો પ્રયાસ નિરર્થક છે. તેને અલગ કરવાનો પ્રયાસ કરવાથી જીવન બેડોળ બને છે, રસ વિનાનું થાય છે, ને સાધનાની જરૂરી શક્તિને ખોઈ બેસે છે. સંન્યાસ એટલે ત્યાગની ભાવના ને યોગ એટલે પરમાત્માના મિલનના વિચારનો વિવેકી માણસે એકીસાથે સ્વીકાર કરવો જોઈએ. પરમાત્માના દર્શન માટે સાધના કરનાર માણસે વિષયોની રસવૃત્તિનો ને દુર્ગુણોનો ત્યાગ કરી દેવો જોઈએ તો જ જીવન દીપી શકે.
પરંતુ યોગની સાધના કાંઈ એમનેમ થાય છે કે ? પરમાત્માનું દર્શન કરીને ધન્ય થવાની સાધના કાંઈ પ્રમાદી બનીને બેસી રહેવાથી અથવા એકાદ બે દિવસ થોડીગણી મહેનત કરવાથી જ પૂરી થાય છે કે ? તે માટે તો ભગીરથ પ્રયાસ જોઈએ. વિચાર તો કરો કે ભગીરથ રાજાને સ્વર્ગમાં વહેતી ગંગા પૃથ્વી પર લાવતાં કેટલો પરિશ્રમ કરવો પડ્યો હશે, કેટલું તપ ને કેટલું કર્મ કરવું પડ્યુ હશે ! એક કૂવો કે સાધારણ તળાવ તૈયાર કરતાં પણ કેટલી મહેનત કરવી પડે છે ? તો આ તો અમૃતનો કૂવો તૈયાર કરવાનો છે. અંતરના અંતરતમમાં વહેતી શાંતિ, સુખ ને પૂર્ણતાની પાવન ગંગા ને ભગીરથ બનીને તન, મન ને અંતર તથા રોમરોમમાં વહેતી રમતી કે વિહરતી કરવાની છે !
- શ્રી યોગેશ્વરજી
યોગારૂઢ દશા
જીવનના વિકાસને માટે અથવા સાધનાના આનંદને માટે સતત તપની કે કર્મની જરૂર છે. એ વાત આપણે કહી ગયા. તેની સાથે એક બીજી વાત પણ યાદ રાખવાની છે. તે એ કે પરમાત્માના દર્શનથી જેને ધન્ય બનવું છે ને તે માટે જે સાધના કરે છે તેવા સાધકે શરૂઆતમાં હૃદયશુદ્ધિ પર ખૂબ ભાર મૂકવો જોઈએ. સત્વગુણી કે સદ્ ગુણી બનવા તરફ તેણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. સદ્ ગુણી બનવાથી આગળની સાધનાનું કામ સહેલું થઈ જાય છે. દર્પણ જેટલું મેલું તેટલું જ તેમાં પડનારું પ્રતિબિંબ ઝાંખું પડવાનું. મેલી બુદ્ધિ ને મેલા મનના માણસને પરમાત્મદર્શનની સાધનામાં સફળતા મળવી મુશ્કેલ છે, એ તે દ્રષ્ટાંત પરથી સમજી લેવું. માટે બધા જ મહાપુરૂષો મન કે હૃદય શુદ્ધિ પર ભાર મૂકે છે. સંસારના જુદાં જુદાં કર્મો હૃદયની શુદ્ધિ કરવામાં મદદ કરે છે. સંસારના જુદાં જુદાં કર્મ કરનાર માણસ જો જાગૃત બને તો પોતાની શુદ્ધિ કરી શકે છે, ખરી રીતે તો વ્યવહારમાં રહીને જ હૃદયશુદ્ધિ થઈ શકે, ને વ્યવહારમાં જ તેની કસોટી થાય છે.
સાધનાની ક્રિયાઓ બે પ્રકારની છે : એક તો બહિરંગ ને બીજી અતરંગ. પૂજા, પાઠ, સ્તવન, જપ, આસન, પ્રણામ ને સ્વાધ્યાય જેવી ક્રિયાઓ બહારની છે ને ધ્યાન, સમાધિ, પ્રભુ માટેની ઉત્કટ ભક્તિ જેવી ક્રિયાઓ અંદરની ક્રિયાઓ કહેવાય છે. સાધનાની શરૂઆતમાં તો બહારની ક્રિયાઓ ખૂબ ઉપયોગી થાય છે પણ પછી અંદરની ક્રિયાઓનો આધાર લેવો પડે છે. સાધનાના સાચા આનંદને માટે તે જરૂરી છે. સાધનાના સિદ્ધિ પણ તે વિના થઈ શકતી નથી. અંદરની ક્રિયા કે સાધના મુખ્યત્વે માનસિક છે. તે દ્વારા મનને તાલીમ મળે છે, મનનો સંયમ થાય છે, ને મનની પાર પહોંચીને પરમાત્માનો અનુભવ કરાય છે. જેમ ફૂલ ને ફળ એકમેક પર આધાર રાખે છે ને બાલ્યાવસ્થા ને યૌવન એકમેક સાથે સંકળાયેલા છે, તેમ બહારની ને અંદરની સાધના સંકળાયેલી છે. પહેલાં બહારની સાધના, પછી અંદરની મહત્વની સાધનામાં સાધકે પ્રવેશ કરવો જ જોઈએ. તે વિના સાધનાની ઉચ્ચોચ્ચ ઈમારત પર ચઢીને તે જીવનની ધન્યતા મેળવી ના શકે. સાધનાની ઈમારત પર ચઢી ચૂકેલા માણસને ગીતામાતાએ યોગારૂઢ કહ્યો છે ને તેવા યોગારૂઢ થવા માટે મનની તાલીમ મેળવવા પર ભાર મૂક્યો છે.
સાધનામાં આગળ વધેલા કે યોગારૂઢ પુરૂષનાં બે મહત્વનાં લક્ષણ ભગવાને કહી બતાવ્યાં છે. શરીર, મન ને ઈન્દ્રિયોના કર્મોમાં તે પુરૂષને રાગ થતો નથી. તે કર્મો તેને બાંધી શકતાં નથી, કે લલચાવી શકતાં નથી આ વાત તદ્દન સાચી છે. તેમાં કરવા જેવું કશું જ નથી. અનુભવી પુરૂષો આ વાતને સહેલાઈથી સમજી શકશે. વળી જેમને અનુભવ નથી, તે વિચારની મદદથી પણ આ વાતનો સાર સમજી શકશે. માણસો પકવાન ખાય છે, ને હોંશે હોંશે ખાય છે. પણ વિષ્ટા ખાવાની ઈચ્છા થાય છે ખરી ? ડાહ્યા માણસો તરત બોલી ઊઠશે કે એ શું બોલ્યા ? વિષ્ટા તે કોઈ ખાવાની ચીજ છે ? તે ખાવાની ઈચ્છા કદી થાય નહિ ! જ્યાં ખાવાની ઈચ્છાનો જ અભાવ છે, ત્યાં આસક્ત થવાની તો વાત જ શી ? તે જ પ્રમાણે પ્રભુના કૃપાપાત્ર ભક્તો, જ્ઞાનીઓ ને યોગીઓ પણ કહે છે કે શરીર, મન ને ઈંદ્રિયોનાં કર્મોમાં કે સંસારના વિષયી પદાર્થોમાં છે જ શું ? તેની અંદર આસક્ત થવા જેવું છે જ શું ? આસક્ત થવું જ છે તો જે રસનો સાગર છે, આનંદ ને સુખનો મૂળ ખજાનો છે ને પ્રેમનો ભંડાર છે, તે પરમાત્મામાં જ શા માટે આસક્ત ના થવું ?
એક માણસને ધનવાન બનવાની ઈચ્છા છે. તેને માર્ગમાં જતાં ધારો કે એક પૈસો ને એક હીરો મળે. હવે તમે જ વિચાર કરી જુઓ કે ધનવાન થવા માટે તે પૈસાને લે કે હીરાને ? જો તે સમજદાર હશે તો હીરાને જ લઈ લેશે એ દેખીતું જ છે, તે જ પ્રમાણે આ જીવનની મહાયાત્રામાં નીકળેલાં માણસો ધની ને ધન્ય થવા ઈચ્છે છે. સુખ, શાંતિ ને સમૃદ્ધિની ઈચ્છાથી તે ફરી રહ્યાં છે, સંસારના રસ ને પરમાત્મા બંનેની વચ્ચે તેમણે પસંદગી કરવાની છે. તો તે કોને પસંદ કરશે ? ઝેર ને અમૃત એ બેમાંથી કોઈ એકની પસંદગી કરતી વખતે દેવ ને દાનવ બંનેએ અમૃતને જ પસંદ કર્યું હતું. તેમ વિવેકી માણસે પરમાત્માની જ પસંદગી કરવાની છે. એનો અર્થ એમ નથી કે સંસારના પદાર્થ કર્મ કે રસને વિવેકી માણસ ધિક્કારે છે. ધિક્કાર જેવો શબ્દ તો તેના શબ્દકોષમાં છે જ નહિ. સંસારના પદાર્થ, કર્મ ને રસની વચ્ચે રહીને પણ તે પરમાત્માને ભૂલતો નથી. એ તેનો સહજ સ્વભાવ થઈ જાય છે. બાળક જેમ માને ભૂલતું નથી; માનો પ્રેમ તેના હૃદયમાં ને રોમેરોમમાં વણાઈ ગયો હોય છે, તેવી રીતે તેના હૃદયમાં એક પરમાત્માની જ વીણા વાગી રહી હોય છે, ને તેના રોમેરોમમાં પરમાત્માનાં પ્રેમનો અખંડ રાસ રમાતો હોય છે. બાળક પોતાની રમત તથા રમકડાં રમવાના રસને તિરસ્કારતું નથી; તે રસ ને રસવાળાં પદાર્થો તેને આનંદ આપે છે. પણ તેને માની પાસેથી જે રસ ને આનંદ મળે છે, તેની આગળ તેને તેની કાંઈ વિસાત જણાતી નથી. વિવેકી પુરૂષની દશા પણ કૈંક અંશે તેવી જ છે. પરમાત્માના પરમ રસ આગળ બીજા પદાર્થોનો રસ તેને કાંઈ જ મહત્વનો લાગતો નથી. તેથી તે તેની અંદર આસક્ત પણ થતો નથી.
એવા મહાપુરૂષના મનમાં સાંસારિક પદાર્થોની પ્રાપ્તિના વિચાર તો હોય જ ક્યાંથી ? સંસારના સુખની તૃષ્ણા તેના દિલમાં હોતી નથી. બધી જ ઈચ્છા ને તૃષ્ણા પર તેણે પાણી ફેરવી વાળ્યું હોય છે. બધી કામનાને દૂર કરીને તે નિષ્કામ થયો હોય છે. ફક્ત એક જ ઈચ્છા, તૃષ્ણા કે કામના તેના દિલમાં રમી રહી હોય છે. તે કઈ કામના તે જાણો છો ? પરમાત્માને પ્રાપ્ત કરવાની–પરમાત્માની પરિપૂર્ણ કૃપા પામવાની કે પૂર્ણ થવાની. આ કામના કલ્યાણકારક છે, ને કોઈયે સંજોગોમાં છોડવા જેવી નથી. એ છૂટી ગઈ તો જીવનનો બધો આનંદ પણ છૂટી ગયો. જીવનનો રસ પણ જતો રહ્યો એ નક્કી સમજવું. તે કામનાના બીજમાંથી જ્યારે અંકુર ફૂટે છે, એટલે કે જ્યારે તે સફળ થાય છે ને પરમાત્માના પરમ દર્શનથી જીવન ધન્ય બને છે, ત્યારે તે કામના આપોઆપ દૂર થાય છે. પોતાનું કામ પૂરું કરીને તે શાંત થાય છે. સાધનાની છેવટની કક્ષાએ પહોંચેલો મહાપુરૂષ આ પ્રમાણે બધી જ કામનાથી મુક્તિ મેળવે છે. જીવનમાં તેને માટે ચાહવા જેવું કશું જ નથી રહેતું. આ દશાનું વર્ણન કરતાં ગીતા કહે છે કે તેવો મહાપુરૂષ સર્વે જાતના સંકલ્પનો ત્યાગ કરે છે, અથવા કહો કે સર્વસંકલ્પ સંન્યાસી બને છે.
- શ્રી યોગેશ્વરજી
માણસ પોતે પોતાનો મિત્ર થઈ શકે છે
આત્મિક વિકાસની ઉચ્ચોચ અવસ્થાએ પહોંચવા કે પરમાત્માની સંપૂર્ણ કૃપા મેળવી, પૂર્ણ, મુક્ત ને કૃતાર્થ બનવા સૌ કોઈ સ્વતંત્ર છે. આત્મિક ઉન્નતિ માનવનો જન્મજાત અધિકાર છે. તે અધિકારનો ઉપભોગ કરવા તેણે તૈયાર થવાનું છે. માણસ ધારે તો પરમાત્માનું દર્શન કરીને કૃતાર્થ થઈ શકે છે. ત્યાગી કે સંસારી તથા સ્ત્રી કે પુરૂષ બધાંને માટે આત્મિક ઉન્નતિનાં દ્વાર સદાને માટે ઉઘાડાં જ છે. તેનો લાભ લેવાની છુટ સૌનેય છે. પણ માણસો એ છુટનો ઉપયોગ ભાગ્યે જ કરે છે. વધારે ભાગનાં માણસો સંસારમાં જાણે ખાવા–પીવા, ભોગ ભોગવવા ને છેવટે વિદાય થવા માટે આવ્યા હોય, તેમ જીવન જીવે છે. જીવનની શક્યતા ને મહાનતાનો વિચાર તે ભાગ્યે જ કરે છે. આવાં માણસો જીવનના વિકાસ તથા અમૂલ્ય એવા આત્મિક ધનથી વંચિત રહી જાય છે. આ દશા દુઃખદ ને માનવની અજ્ઞાનતાની પરિચારક છે. દુઃખદ દશાનો અંત આવવો જોઈએ ને જીવનના ઉચ્ચ વિકાસ માટે માણસે તૈયાર થવું જોઈએ. પરમાત્માની પ્રાપ્તિ કરવા, જીવનને પવિત્ર, પ્રેમમય ને મંગલ બનાવવા તથા અલ્પતાને તોડી પૂર્ણતામાં પ્રવેશ કરવા ને વામનમાંથી વિરાટ બનવા દિલમાં નાદ લાગી જવો જોઈએ, ને મૃત્યુંજય બનવા માટે તલપાપડ બનવું જોઈએ. પરમાત્માની ઝાંખી કરી પરમાનંદ મેળવવા માટે દિલમાં થનગનાટ થવો જોઈએ. ઉચ્ચ ભાવના ને મહત્વાકાંક્ષાથી હૃદય રંગાઈ જવું જોઈએ.
મહાન થવાનો માર્ગ સૌને માટે ઉઘાડો છે. ઉચ્ચ વિચારોને સેવવાની સ્વતંત્રતા પણ સૌને સરખી જ છે. તેનો ઉપયોગ કરવા માટે તૈયાર થવાની જરૂર છે. નરમાંથી નારાયણ બનવાનો પ્રયાસ કરવાની જરૂર છે. માણસે હાથે કરીને પોતાનું પતન કર્યું છે. પોતાની જાતને નાની ને નિરર્થક માની લઈને તે સાધારણ જંતુની જેમ જીવ્યા કરે છે, ને કેટલાક સંજોગોમાં તો તે નરાધમ બને છે, ને ના કરવા જેવાં કામ કરે છે; બીજાનું બૂરું કરે છે, ને અનીતિ, અધર્મ તથા અત્યાચાર ને પાપનો ભાગી બને છે. યાદ રાખો કે અનીતિ ને અધર્મના કામ કરનાર માણસ પોતાને હાથે જ પોતાના પતનની ખાઈ તૈયાર કરે છે, ને છેવટે તેમાં ડૂબી મરે છે. માણસ આમ પોતે જ પોતાનો શત્રુ બને છે. પણ જો તે ધારે તો પોતાનો મિત્ર થઈ શકે છે, નીતિ, સદાચાર તથા પ્રભુનો આધાર લઈને સંસારના શોક, ક્લેશ ને દુઃખને જે તરી જાય છે, ને જન્મમરણની યંત્રણામાંથી મુક્તિ મેળવે છે તે પોતાની જાત પર મહાન ઉપકાર કરે છે, ને તેથી પોતે પોતાનો મહાનમાં મહાન મિત્ર ઠરે છે. એવી રીતે પોતે પોતાના મિત્ર થવા, પોતાનું મંગલ કરવા કે પોતાની જાતનો ઉદ્ધાર કરવા તૈયાર થવાની જરૂર છે. ગીતામાતાનો આ સંદેશ છે.
- શ્રી યોગેશ્વરજી
એકાંતની આવશ્યકતા
આત્મિક ઉન્નતિની ઈચ્છાવાળા પુરૂષે એકાંત સ્થાનમાં વાસ કરવો એવી ગીતાની સૂચના છે. યોગના ગ્રંથોમાં પણ એકાંતવાસનો મહિમા સારી પેઠે ગાવામાં આવ્યો છે. એકાંતમાં મન જલદી સ્થિર થાય છે, ને શાંત બને છે. જ્યાં ખૂબ અવાજ થતો હોય, ધમાધમ હોય, ને બીજા અનેક જાતના વિક્ષેપ હોય, ત્યાં શાંતિપૂર્વક રહેવાનું ને મનને એકાગ્ર કરવાનું કે પ્રભુના ધ્યાનમાં જોડવાનું કામ કપરૂં બને છે. માણસની કેટલીક શક્તિ વાતાવરણનો સામનો કરવામાં ને વાતાવરણને પોતાને અનુકૂળ બનાવવામાં જ ચાલી જાય છે. એકાંતમાં મનની એકાગ્રતાનું કામ સહેલાઈથી થાય છે. એટલે સાધનાની શરૂઆતમાં એકાંતસેવન ખૂબ લાભકારક છે. માણસ પર વાતાવરણની અસર કાંઈ ઓછી નથી થતી. માણસ ઘરમાં રહે છે ને મંદિરમાં જઈને બેસે છે, એ બે ક્રિયાઓ તેના પર કેવી જુદી જુદી અસર કરે છે ! ઘર કરતાં મંદિરમાં તેને વધારે શાંતિ લાગે છે, ને ત્યાંના શાંત વાતાવરણમાં તેનું મન સહજ શાંતિ ધારણ કરે છે. નદીના કિનારા કેટલા સુંદર લાગે છે ! સમુદ્રના તટ પર પણ કેટલો આનંદ આવે છે ! સુંદર ને સુવાસિત પુષ્પોથી સુશોભિત થયેલા બાગબગીચા પણ કેટલા રમણીય લાગે છે ? ત્યાં જવાથી વધારે શાંતિ ને આનંદ મળશે તથા રસ પડશે એમ માનીને તો આપણે ત્યાં જઈએ છીએ. એટલે એકાંત સુંદર ને શાંતિમય સ્થાનોમાં રહેવાથી અથવા રહીને સાધના કરવાથી લાભ થાય છે એ વાત નક્કી છે.
આજે તો એકાંતસેવનની વૃત્તિ ઓછી થઈ હોય તેમ દેખાય છે. માણસને એકાંતમાં ઓછું ફાવે છે. પ્રવૃત્તિ ને પ્રવૃત્તિના જાપ જપનારો માણસ સંગ વિના ભાગ્યે જ રહી શકે છે. નિવૃત્તિ તેને ગમતી નથી ને એકાંત પણ ફાવતું નથી. મોટા શહેરો કેટલાં પ્રવૃત્તિમય બની ગયાં છે ! તેમાં જીવનારો સામાન્ય માણસ ભરચક વસતી, ધમાલ ને સંકડામણથી ભરેલા માળાઓમાં જીવે છે. કેટલાંક લત્તા ને કેટલાંક મકાનો તો એવાં છે કે જ્યાં રહેવાથી તંદુરસ્ત જીવન પણ જીવી ના શકાય તો પછી ધ્યાન, ધારણા ને સમાધિ કે પરમાત્માના દર્શનને માટે શાંત સાધનામય જીવન તો કેવી રીતે જીવી શકાય ?
છતાં પણ તેને માટે કોઈને દોષ દેવાનો પ્રયાસ કરવાની જરૂર નથી. દોષ દેવો હોય તો માણસને પોતાને જ દેવાનો છે. મોહ, મમતા ને અજ્ઞાનનો શિકાર બનેલો માણસ પોતાની મેળે જ પોતાની બેડીમાં બંધાયો છે, ને પોતાની જાળમાં જકડાયો છે. તેને લીધે તે અશાંતિ, દીનતા ને દુઃખનો ભોગ બન્યો છે. તેમાંથી છૂટવાનો એક જ ઉપાય પરમાત્માના શરણનો છે પરમાત્માનું શરણ લેવાથી તે સર્વ રીતે સુખી, શ્રીમાન ને સંપન્ન થઈ જશે.
એકવાર અમે હેન્ગીંગ ગાર્ડન ગયા તો ત્યાં કેટલાક વિલાસમય સ્ત્રીપુરૂષો જોયાં. આશ્ચર્ય એ હતું કે તેમને મન તેવો વિલાસ સાવ સ્વાભાવિક હતો. માણસોની હાજરીમાં પણ તેમને કોઈ શરમ ન હતી. જાહેર સ્થાનોમાં આવાં વિલાસ કરનારા માણસોની હાજરી જરાય ઈચ્છનીય નથી. પ્રજાના માનસ પર તેની બહુ જ ખરાબ છાપ પડે છે. છતાં ઢાલની બીજી બાજુ પણ હોય છે. તેમાં કેટલાંક સારા દૃશ્યો પણ જોવા મળે. હેન્ગીંગ ગાર્ડનમાં એક દિવસ અમે વહેલી સવારે ફરવા ગયેલા, ત્યાં ગયા પછી સૂર્યનાં કિરણ લેવા સમુદ્ર તરફ જોતાં બેઠા. એક ભાઈ ત્યાં બંધ આંખે બેઠા હતા, સૂર્યનાં કોમળ કિરણો તેમના ચહેરા પર પડી રહ્યાં હતાં. કેટલું સુંદર ! તે જોઈને મને વરસો પહેલાંના પ્રસંગ યાદ આવ્યાં. મુંબઈમાં હતો ત્યારે હું પણ હેન્ગીંગ ગાર્ડનનો લાભ લેતો. સૂર્યની સામે આ પ્રમાણે બેસતો, ને ધ્યાન ધરતો. ખૂબ આનંદ આવતો. ગાર્ડન તો મારા ઘર જેવું હતું. દિવસનો વધારે ભાગનો વખત હું ત્યાં જ પસાર કરતો. એકાંતની એ અમૂલ્ય સંપત્તિનો લાભ લેવાય તો કેટલો લાભ થાય ? ગાર્ડનનો લાભ બધાથી ના લેવાય પણ પોતાની અનુકૂળતા પ્રમાણે, પોતાની પાસેના એકાંત સ્થાનનો લાભ તો લેવાય ને ? તેવો લાભ બધાં લઈ શકે. છેવટે પોતાના ઘરમાં પણ એકાંત શોધી શકાય. આખો દિવસ પ્રવૃત્તિ રહે પણ રાતે તો નિવૃત્તિ મળે ને ? તે વખતે સૂતાં પહેલાં એકાંત મેળવી શકાય. તે પ્રમાણે વહેલી સવારે પણ એકાંત મળી શકે, બાકી તો મનને શાંત કરો, સદ્ ગુણ ને સાત્વિકતાથી ભરી દો એટલે તે એકાંતમય બની રહેશે. તેવું મન સહેજે એકાગ્ર થશે, ને પ્રભુના ચિંતન ને ધ્યાનમાં લીન બનશે. બહારની ગડબડથી તે બેચેન નહિ બને.
માણસો કેટલીકવાર વૈરાગ્યના ઉભરાની અસર નીચે આવીને એકાંતનો આશ્રય લે છે પણ તેમનું મન ત્યાં લાગતું નથી. માણસે તદ્દન નિવૃત્તિ કે એકાંતનો આશ્રય લેતાં પહેલાં તે માટેની યોગ્યતા કેળવવી જોઈએ. સાધનામાં મન લગાડવું જોઈએ, ટાઢ, તાપ, સુખદુઃખ ને માનાપમાનને સહન કરવાની તાલીમ લેવી જોઈએ ને નિર્ભય બનવું જોઈએ. જેને પ્રભુ પર શ્રદ્ધા છે તેને વળી ભય શાનો ? તે તો જાણે છે કે પ્રભુ પોતે તેની રક્ષા કરવા સદા તૈયાર છે ને સંસારમાં સઘળે તે પ્રેમમય પ્રભુ જ રહેલા છે. એકાંતમાં પણ તે એકલવાયાપણાનો અનુભવ નથી કરતો. પ્રભુ પોતાની અંદર ને બહાર હાજર છે, એ શ્રદ્ધા તેના દિલમાં અડગ રીતે રહેલી હોય છે. જેમ માણસ પ્રેમમય ને પવિત્ર થતો જાય છે, તથા પરમાત્માનો પ્રકાશ પામતો જાય છે, તેમ તેમ તે નિર્ભય બનતો જાય છે, ને છેવટે સંપૂર્ણપણે નિર્ભય બને છે. ભારતમાં આવા અભયની મૂર્તિ જેવા મહાત્માઓ ઘણી મોટી સંખ્યામાં થઈ ગયા છે. તેમના આશ્રમમાં વાઘ ને સિંહ તથા ગાય ને હરણ પાસે પાસે બેસતા; તેમને પોતાને તો કોઈનો ભય ન હતો, પરંતું તેમની પાસે આવનારનો ભય પણ ભાગી જતો. ભૂતકાળમાં જ આવું હતું એમ નથી. વર્તમાનકાળમાં પણ પ્રેમ ને નિર્ભયતાની મૂર્તિ જેવા એવા કેટલાક સંતો છે, ને ભવિષ્યમાં પણ થતા રહેશે. એકાંતમાં રહેનારા કે રહેવા માંગતાં સાધકોએ તેમના જીવનમાંથી ઘણું શીખવાનું છે, ને સાપ, વીંછી, જંગલી જનાવર તથા ચોર લૂંટારાના ભયમાંથી મુક્ત થવાનું છે. જે નિર્ભય હશે તે જ એકાંતમાં રહી શકશે.
સાધકે બ્રહ્મચર્યના પાલનનું પણ ખૂબ ધ્યાન રાખવાનું છે. બ્રહ્મચર્ય વિના સાધનામાં સફળતા ભાગ્યે જ મળે. શરીરની શક્તિનો દુરૂપયોગ કરવો તે મૃત્યુને નોતરવા જેવું છે. માટે શક્તિનો સંયમ કરવો, મન ને ઈન્દ્રિયોનો સંયમ કરવો ને પવિત્ર તથા શાંત સ્થાનમાં રહેવાની ટેવ પાડવી. વ્યવહારમાં રહીને સાધના કરનાર માણસને પણ આ વસ્તુઓ ખૂબ ઉપયોગી છે એ યાદ રાખવાનું છે.
- શ્રી યોગેશ્વરજી
મનની સ્થિરતા
કેટલીકવાર મને સાધકો તરફથી પૂછવામાં આવે છે કે જપ કે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે મન સ્થિર કેમ રહેતું નથી ? જપ ને ધ્યાનમાં આનંદ કેમ નથી આવતો ? તેના ઉત્તરમાં મારે કહેવું પડે છે કે મન સ્થિર રહેતું નથી, ને આનંદ આવતો નથી તેનું મુખ્ય કારણ પાયાનો અભાવ છે. જેમ મજબૂત મકાનને માટે મજબૂત પાયાની જરૂર છે, તેમ સ્થિરતાપૂર્વકની સંગીન સાધનાને માટે સંગીન તૈયારીની જરૂર છે. માણસોમાં વધારે ભાગે એવી તૈયારીનો અભાવ હોય છે, એટલે આગળનું કામ નીરસ જેવું થઈ પડે છે. પહેલા ધોરણને પાસ કરીને કોઈ વિદ્યાર્થી સીધો સાતમા ધોરણમાં બેસી જાય ને પછી ફરિયાદ કરે કે સાતમા ધોરણની વાતોમાં મારૂં મન લાગતું નથી તો તેની ફરિયાદના જવાબમાં શું કહીશું ? આપણે તરત જ કહીશું કે ભાઈ, મન ના લાગે તેમાં નવાઈ જેવું કાંઈ જ નથી. જો ક્રમવાર અભ્યાસ કર્યો હોત તો આવી ફરિયાદ રહેત જ નહિ.
તે પ્રમાણે સાધકોને પણ આપણે કહીશું કે તમે પાયાને મજબૂત કર્યો નથી એટલે કે દૈવી સંપત્તિને મેળવી નથી, સદાચાર ને સદ્ ગુણોથી સુશોભિત થવા પાછળ બરાબર ધ્યાન આપ્યું નથી; મનની ને સ્વભાવની મલિનતાને દૂર કરવા પૂરો પ્રયાસ કર્યો નથી; તેમજ સંસારના વિષયોના રસને ઓછો કરી પરમાત્માના પ્રેમરસને પીવા માટે આતુરતા જગાવી નથી એટલે મન સ્થિર થતું નથી, જપ તથા ધ્યાનમાં આનંદ આવતો નથી. છતાં નિરાશ થવાની જરૂર નથી. આવી મુશ્કેલીઓનો સામનો સૌને કરવો પડે છે. આવી ફરિયાદો બધા જ સાધકો કરે છે. તેવી ફરિયાદોથી નાહિંમત થવાની જરૂર નથી. આગળ વધેલા માણસોને પણ આવી મુશ્કેલી સતાવે છે. તેથી હતાશ થયા વિના કામ ચાલુ જ રાખવું. મન જો સ્થિર થઈ જશે ને આનંદ આવવા માંડશે તો પછી બાકી શું રહેશે ? પછી તો પરમાત્માની પૂર્ણ કૃપા જ બાકી રહેશે. તે તો છેવટની દશા છે. ને તેને આવતાં સમય લાગશે આ તો વચગાળાની દશા છે. તેને સંભાળપૂર્વક પસાર કરો, ને સાધના કરતાં જ રહો. સાધનાના પ્રભાવથી આવી ફરિયાદો આપોઆપ દૂર થઈ જશે.
- શ્રી યોગેશ્વરજી
અનુભવની અવસ્થા
ગમે તેટલા ભારે અધ્યયનથી, વિદ્વતા કે તર્કથી છેવટની શાંતિ મળી શકશે નહિ. છેવટની શાંતિને મેળવવા માટે તો અનુભવની દુનિયામાં ઉતરવું પડે છે, અથવા કહો કે સાધનામાં પ્રવેશ કરવો પડે છે. શાંતિ ને સુખનો સનાતન ખજાનો માણસની પોતાની અંદર છે. તેને મેળવવા પોતાની અંદર જ દૃષ્ટિપાત કરવો જોઈએ. એ ગીતામાતાની ને ભારતનાં બધાં ઉત્તમ શાસ્ત્રોની શિક્ષા છે. એટલે છઠ્ઠા અધ્યાયમાં ગીતામાતા આપણી સામે પોતાની અંદર ઉતરીને પરમ શાંતિ મેળવવાની વિધિની રજૂઆત કરે છે.
એકાંત સ્થાનમાં સત્વગુણી બનીને અનુકૂળ રીતે આસન પર બેસવું, ને પછી યોગ કે સાધનાની શરૂઆત કરવી. શાને માટે ? એકાંતમાં બેસીને જે સાધના યોગની શરૂઆત કરવાની છે, તેનો હેતુ શો છે ? પોતાની જાતની શુદ્ધિ. શુદ્ધિ ? હા શુદ્ધિ. જો કે યોગસાધનાની શરૂઆત કરતાં પહેલાં હૃદયની શુદ્ધિ તો કરવી જ પડે છે. પરંતુ યોગની આગળની સાધના તે શુદ્ધિને સંપૂર્ણ કરે છે. હૃદયની શુદ્ધિ સંપૂર્ણ ક્યારે થાય ? જ્યારે તેની અંદર પરમાત્માનું પ્રતિબિંબ દેખાય ત્યારે, પરમાત્માનું દર્શન થાય ત્યારે. દર્પણની પૂરી શુદ્ધિ ત્યારે જ થાય છે જ્યારે તેમાં આપણું સ્વરૂપ સુંદર રીતે દેખાઈ આવે છે. જો હૃદયશુદ્ધિ સંપૂર્ણ સધાઈ હોત, તો પરમાત્માનું દર્શન સહેલું ને સહજ બની જાત. એટલે પરમાત્માનું દર્શન ના થાય ત્યાં સુધી તે અધૂરી છે એમ જ માનવાનું છે ને તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા રહેવાનું છે. આ પ્રયાસ કે સાધનાને યોગ કહે છે. માટે જ ગીતા કહે છે કે યોગ પોતાની જાતની વિશુદ્ધિ માટે છે. योगमात्म विशुद्धये ।
સમુદ્રને તળિયે રહેલાં મોતીને શોધી કાઢવા ખલાસીઓ કેવી ભયંકર સાધના કરે છે ! આત્માનું મોતી તેથી પણ ભયંકર ને સતત સાધના માગી લે છે. તે મોતીને શોધવા માટે સાધકે પોતાની અંદર ને અંદર ઉતરવાનું છે. જ્યારે આત્માનું મોતી મળી જાય છે, ત્યારે યોગ પૂરો થાય છે, ને સાધનાનો અંત આવે છે.
યોગના સાધકે સાધના કરતી વખતે શરીર, મસ્તક ને ડોકને સીધાં રાખવા ને નાસિકાગ્ર દૃષ્ટિ કરીને સ્થિર રીતે બેસવાની ટેવ પાડવી. આ વાતની ચર્ચા કરતાં ઋષિકેશમાં એક વિદ્વાન સંન્યાસી મહારાજે મને કહ્યું કે આ પદ્ધતિથી મન સહેલાઈથી સ્થિર થઈ શકે છે. આંખને બંધ રાખવાથી ઊંઘ આવવાનો સંભવ રહે છે. આંખને અડધી ઉઘાડી રાખવાથી તેવો સંભવ પણ રહેતો નથી. પણ મને તે ખુલાસો બરાબર ના લાગ્યો. આંખને અર્ધી ઉઘાડી રાખીને સ્થિરતા રાખવાનું કામ ધાર્યા જેટલું સહેલું નથી. તે વાત જરાક જેટલો અનુભવ કરવાથી સહેજે સમજી શકાશે. જે સાકાર ભક્તો છે, તે તો શરૂઆતમાં ઉઘાડી આંખે પ્રભુની મૂર્તિ કે છબીને જુએ ને જપ તથા ધ્યાન કરે તે વધારે સારું છે. તેમ કરવાથી આનંદ ને એકાગ્રતાનો અનુભવ વધારે પ્રમાણમાં ને સરળતાથી થશે. બાકી જે જ્ઞાની ને યોગી છે તેમને માટે આંખ બંધ કરવાનું કે નાકના આગળના ભાગ તરફ જોવાનું એમ બે પ્રકારના વિધાન મળે છે, તેમાંથી પોતાને અનુકૂળ લાગે તેનો આધાર લઈને આગળ વધી શકાય છે. બાકી આંખને બંધ રાખીને સાધના કરવાની પદ્ધતિ કઠિન છે એમ માનવું ભૂલભરેલું છે. વધારે ભાગના સાધકોને તો તે જ સાધન વધારે સહેલું લાગે છે.
પરમાત્માના દર્શન માટે આ પ્રમાણે નિયમિત ને સતત સાધના કરવી જોઈએ. ધીરે ધીરે મન શાંત થતું જશે, ને સાધનામાં આનંદ આવશે. યોગશાસ્ત્રમાં કહેલી કુંડલિની પણ જાગૃત થશે ને ધ્યાનની દશા પાકી થશે તેમ બીજા અનેક અનુભવોની પ્રાપ્તિ થશે. ધ્યાનની પાકી દશા પછી જે અનુભવો થાય છે, તેનું વર્ણન પાતંજલ યોગદર્શનમાં સારી પેઠે કરવામાં આવ્યું છે. તેમાં જ્યોતિદર્શન, સિદ્ધ પુરૂષોનાં દર્શન, પૂર્વજન્મનું જ્ઞાન તથા ભૂતભાવિના જ્ઞાનના અનુભવો ખાસ ઉલ્લેખનીય છે. એવા અનુભવોથી સાધકને આનંદ આવે છે. પણ તેવા અનુભવો સૌ કોઈને થાય છે જ એમ નથી. સાધકોના વ્યક્તિગત અનુભવો જુદા જુદા હોય છે. છતાં સાધનામાં એકાગ્રતા ને આનંદનો અનુભવ તો બધા જ સારા સાધકોને થાય છે.
ધ્યાનના લાંબા અભ્યાસથી ધીરે ધીરે મનનો લય થાય છે, ને સાધક સંસાર તથા શરીરના ભાનને તદ્દન ભૂલી જાય છે. સાધનાના સાચા આનંદની પ્રાપ્તિ યોગમાર્ગના સાધકને આ પછી જ થઈ શકે છે. આ દશાની પ્રાપ્તિ વિના યોગની સાધના હજી સાધારણ શરૂઆતની દશામાં છે એમ જ કહી શકાય. શરીરથી ઉપર જવાની દશા ખૂબ અલૌકિક છે ને લાંબા વખતની સાધના કર્યા પછી જ મળી શકે છે. તે દશાની પ્રાપ્તિ પછી જીવનમાં ઉલ્લાસ ફરી વળે છે, શાંતિ છવાઈ જાય છે, ને પરમાત્મારૂપી પરમ મોતી હાથ લાગે છે. જીવન ધન્ય બની જાય છે. પરમાત્માની અનુભૂતિ કરીને જેણે પરમશાંતિની પ્રાપ્તિ કરી લીધી, તેનું કુળ પાવન થયું ને તેની જનેતાનો જન્મ પણ સફળ થયો.
- શ્રી યોગેશ્વરજી
આહાર વિહારના નિયમ વિશે
ગીતામાતા આ પછી એક બીજી પણ જરૂરી વાત તરફ આપણું ધ્યાન દોરે છે, તે કહે છે કે યોગની સાધના કરનારે આહારવિહારની નિયમિતતા પર ખૂબ ધ્યાન આપવું જોઈએ. અકરાંતિયાંની જેમ ઘણું ખાનાર માણસને યોગસાધનાનો આનંદ મળી શકતો નથી. તથા જે તદ્દન ખાતા જ નથી કે ભૂખ્યા ને ઉપવાસી રહે છે, તે પણ યોગની સાધના કરી શકતા નથી. એદી બનીને ઊંઘ્યા કરનારા કુંભકર્ણના ભાઈ જેવા માણસો તથા ઉજાગરા કરનારા માણસો, એ બેમાંથી કોઈયે જાતના માણસો યોગ કરી શકતા નથી. યોગસાધના માટે માણસે સંયમી બનવાની જરૂર રહે છે. બોલવામાં, ચાલવામાં, ખાવામાં ને સુવામાં નિયમિત ને નિયમનમય બનવું પડે. ખૂબ ખાવાથી શરીર સુસ્ત થાય છે, સારી પેઠે ધ્યાનાદિ ક્રિયાઓ થઈ શકતી નથી, ને ધ્યાનાદિ કરતી વખતે ઉંઘ આવે છે. તદ્દન ના ખાવાથી કે ઉપરાઉપરી ઉપવાસ કરવાથી શરીર નબળું થઈ જાય છે, ને સાધના કરવાનું કામ પણ કઠિન થાય છે. એટલે શરીરનું સારી રીતે પોષણ થઈ શકે તેવો ને તેટલો ખોરાક લેવો જોઈએ તેમજ આરામ પૂરતી ઊંઘ પણ લેવી જોઈએ.
ગયાના વૃક્ષ નીચે બુદ્ધ ભગવાન બેઠા હતા. તેમનું શરીર કૃશ થઈ ગયું હતું. જ્યાં સુધી શાંતિ ના મળે ત્યાં સુધી વૃક્ષ નીચેથી ઊઠવું નહિ એવી તેમની ઈચ્છા હતી. તે વખતે તેમની પાસેથી ગાયિકાઓનું ટોળું પસાર થયું. તે ગાતું હતું કે, હે વીણા વગાડનારા ! વીણાના તારને એટલા જોરથી બજાવશો નહિ કે તાર તૂટી જાય ને ગીત જ ના નીકળે, તેમજ એટલી ધીરેથી પણ તેના પર આંગળી મૂકશો નહિ કે તેમાંથી સૂર જ ના છૂટે. સુંદર ને મધુર સ્વર નીકળે એવી રીતે તેના પર હાથ ફેરવજો. ગાયિકાઓનું ટોળું તો પસાર થઈ ગયું પણ તેની સ્મૃતિરૂપે જે ગીત રહી ગયું તેમાંથી બુદ્ધ ભગવાનને ઘણી જરૂરી પ્રેરણા મળી. તે પ્રેરણા પછી તેમણે સહજ રૂપે મળેલી ખીરનું ભોજન કર્યું, ને તેમને શાંતિ મળી.
- શ્રી યોગેશ્વરજી
યોગનો વિચાર
ત્યારે યોગ એટલે શું ?
સંસારનું નિરીક્ષણ કરવાથી સમજાય છે કે જીવો ક્લેશ, કષ્ટ ને પરિતાપ ભોગવી રહ્યા છે. માનવોની દશા પણ દુઃખદ છે. માનવને પોતાના સત્યસ્વરૂપ પરમાત્માનું જ્ઞાન નથી; પરમાત્માથી તે દૂર છે અથવા કહો કે પરમાત્માનો સંબંધવિચ્છેદ કરીને તે સંસારની સાથે સંબંધ બાંધી બેઠો છે, ને સંસારમાં રત છે. પરમાત્માને તે ભૂલ્યો છે; પોતાના મૂળ સ્વરૂપને ભૂલ્યો છે ને તેને પરિણામે સુખ ને દુઃખ, હર્ષ ને શોક તથા જીવન ને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાયા કરે છે. પરમાત્માથી તેનો વિયોગ થયો છે. પરમ શાંતિ, મુક્તિ ને પરમાનંદથી પણ તે દૂર હોઈ તેનો વિયોગ થયો છે, ને પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ શક્તિથી પણ તે દૂર છે. તે માર્ગને અપનાવવાથી કે યોગનો આશ્રય લેવાથી માણસ વિયોગીને બદલે સંયોગી કે યોગી બની જશે; પરમાત્માને મેળવી લેશે ને પોતાના સત્ય સ્વરૂપમાં સ્થિતિ કરશે; તથા સર્વ પ્રકારના દુઃખમાંથી મુક્તિ મેળવશે.
ધ્યાન જેવા માર્ગ દ્વારા સાધના કરનારો યોગી જ્યારે આગળ વધે છે, ત્યારે તેનું મન ઉપરામ બની જાય છે, ને ઉપરામતાની એ દશામાં તે પોતાના મૂળસ્વરૂપ આત્માને જુએ છે અથવા તો પરમાત્માનો અનુભવ કરે છે. તે વખતે તેને ઈન્દ્રિયાતીત દશાનો અનુભવ થાય છે. તે દશાની પ્રાપ્તિ પછી તે પરમસુખ, શાંતિ ને પરમાનંદની મૂર્તિ બને છે. ફુવારામાંથી છૂટતી અનંત ધારાઓ જેમ આનંદ સહજ છુટ્યા કરે છે. અનુભવની એ ઉત્તમોત્તમ દશાના લાભ પાસે સંસારના સાધારણ લાભ કે ત્રિલોકની પ્રાપ્તિનો લાભ પણ કાંઈ જ વિસાતમાં નથી. તે દશા મળ્યા પછી ગમે તેટલું ભારે દુઃખ પડે તો પણ યોગીને તેની ખબર પડતી નથી. તે દશામાં તેના શરીરને કાપી કે બાળી નાખવામાં આવે તો પણ તેને ખબર પડતી નથી. તે મહાન દશાની પ્રાપ્તિ થઈ જાય એટલે યોગસાધના સફળ થાય છે. યોગની સાધનાનું મુખ્ય ફળ આ જ છે. આજે કેટલાક માણસો આસન, પ્રાણાયામ, ષટક્રિયા ને મુદ્રા જેવી ક્રિયાઓને જ યોગ માની લે છે પણ તે તો યોગનાં જુદાં જુદાં અંગ છે. યોગનો ખરો મર્મ તો ઘણો ઊંડો છે. યોગની સાચી સફળતા પરમાત્માનાં દર્શન દ્વારા પરમસુખની પ્રાપ્તિમાં ને સર્વ દુઃખોની નિવૃત્તિમાં રહેલી છે. પરમાત્માના દર્શનને માટે આ અધ્યાયમાં ભગવાને ધ્યાનયોગ બતાવ્યો છે. તેની કેટલીક ચર્ચા શરૂઆતમાં થઈ ગઈ છે.
ત્યારે ઊંઘમાં ને યોગની આ મહાન દશા સમાધિમાં કાંઈ ફેર ખરો ?
જરૂર. બંને વચ્ચે આભ–જમીનનો ફેર છે. ઊંઘમાં મનની વૃત્તિઓ બહારના જગતમાં ફરવાનું છોડી દે છે, ને મનમાં એકઠી થાય છે. કલ્પના ખાતર સૂર્યાસ્તની કલ્પના કરો. સૂર્યાસ્ત થાય છે, ત્યારે સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે સૂર્યનાં કિરણો સંસારના પદાર્થો પરથી પાછાં વળીને સૂર્યમાં ભેગા થાય છે. સૂર્યોદય થતાં તે પાછા સંસારની યાત્રાએ નીકળી પડે છે. તે પ્રમાણે ઊંઘમાં મન રહે છે પણ મનની વૃત્તિઓ મનમાં ભેગી થાય છે. સમાધિમાં જે દશા છે તે તેથી જુદી જ હોય છે. સમાધિમાં મનની વૃત્તિઓ મનમાં ભેગી થાય છે એ તો ખરું, પણ એથી આગળ વધીને મન પણ પોતાના મૂળ સ્વરૂપ પરમાત્મામાં મળી જાય છે. આને લીધે જ્યારે સમાધિમાંથી માણસ જાગે છે, ત્યારે તેનો સ્વભાવ વધારે વિશુદ્ધ થઈ ગયેલો દેખાય છે, શાંતિ જેવાં સદ્ ગુણોથી ભરેલો દેખાય છે, ને તેનું મન પરમાત્માના રંગે રંગાયેલું તથા મમતા ને અહંતાથી રહિત બને છે. ઊંઘમાંથી ઊઠેલા માણસમાં આવા સ્વાભાવિક કે માનસિક ફેરફારો જોવા મળતા નથી. ઊંઘમાં શ્વાસોચ્છ્ વાસ ચાલુ રહે છે પણ સમાધિમાં શ્વાસોચ્છ્ વાસની ગતિ બંધ પડી જાય છે ને કેટલીક ઊંચી સમાધિમાં તો નાડી તેમજ હૃદયના ધબકારા પણ બંધ થયેલા દેખાય છે. આ પ્રમાણે ઊંઘ ને સમાધિ એક નથી.
કેટલાક માણસો આવેશમાં આવીને પડી જાય છે, તો કોઈ કીર્તન કે કથા કરતાં ઢળી પડે છે. તેમને સમાધિ થઈ એમ કહેવામાં આવે છે પણ તે સમાધિ નથી. વધારે ભાગના લોકો તો આવેશ અથવા સમાધિના નામે ઢોંગ જ કરતા હોય છે. પણ જે માણસો આવેશમાં આવીને ખરેખર શરીરનું ભાન ભૂલીને પડી જાય છે, તેમને સમાધિ થઈ એમ કહી શકાય નહિ. સમાધિ થાય ત્યારે માણસ નીચે પડી જતો નથી પરંતુ જે દશામાં સમાધિ થતી વખતે હોય તે દશામાં જ રહે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસદેવને કેટલીકવાર ઊભા ઊભા સમાધિ થતી. તે વખતે તેમનું શરીર જે દશામાં તે ઊભા હોય તે જ દશામાં રહેતું, નીચે પડતું નહિ. એટલે જો શરીર નીચે પડે તો તે દશાને સમાધિ નહિ પણ ભાવાવેશની દશા કહેવી જોઈએ.
પરમાત્માનું દર્શન કરી ચૂકેલો પુરૂષ સમદર્શી બની જાય છે. સમાધિમાં જેણે આત્મદર્શન કરી લીધું ને પરમશાંતિ મેળવી લીધી, તે પુરૂષ સમદૃષ્ટિવાળો થઈ જાય છે. સંસાર વિષમ એટલે ભેદભાવવાળો છે. તેમાં જુદા જુદા ગુણધર્મ ને રૂપરંગના અનેક પદાર્થો રહેલા છે. તેમાં રહેલા માણસોની દૃષ્ટિ પણ વધારે ભાગે વિષમ હોય છે. માણસો કોઈને મિત્ર માને છે ને કોઈને શત્રુ; કોઈને માઠી નજરથી જુએ છે તો કોઈને કડવી કે તીખી; કોઈને પોતાનાં માને છે તો કોઈને પરાયા; કોઈનું દુઃખ જોઈને દ્રવે છે તો કોઈનું દુઃખ દેખીને હસે છે. કોઈના સુખથી સુખી થાય છે તો કોઈના સુખની ઈર્ષા કરે છે. આવી જાતની વિષમતા દૂર કરીને માણસ સૌને પ્રેમ કરતો ને સૌને મીઠી નજરથી જોતો થાય ને સૌમાં રહેલા એકમાત્ર પરમાત્માનું દર્શન કરે, ત્યારે તે સમદર્શી બને છે. સમદર્શી બનવું એટલે સંસારમાં સઘળે સમાનરૂપે રહેલા પરમાત્માનું દર્શન કરવું ને ભેદભાવથી પર થવું. પરમાત્માની કૃપા પામેલા પુરૂષની દશા ઘણી ઉત્તમ હોય છે. રાગદ્વેષથી મુક્ત થઈને તે પરમપ્રેમ ને આનંદની મૂર્તિ બનીને જીવી રહે છે. સૌમાં પ્રભુનું દર્શન કરવાથી તેને કોઈનો ભય રહેતો નથી કે કોઈ સાથે વેર થતું નથી. જ્યારે બધે પ્રભુ જ વિરાજી રહ્યા છે, ત્યારે કોનો ભય ને કોની સાથે વેર ? પ્રહ્ લાદનું જીવન સમદર્શીપણાનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે. પ્રહ્ લાદને બધે પ્રભુનું દર્શન થતું હતું. તેલની ઉકળતી કઢાઈમાં ને ધગધગતા સ્થંભમાં પણ તેણે પ્રભુને જોયા, પરિણામે પ્રભુએ તેની રક્ષા કરી ને તેનો વાળ પણ વાંકો ના થયો.
સંસારમાં વ્યવહારની વચ્ચે રહીને પણ સૌએ સમદર્શી થવાની કોશીશ કરવાની છે. અંદર અંદરની ફાટફૂટ ને ઈર્ષા દૂર કરવાની છે. અંદર અંદરના કુસંપને કાઢી નાખવાનો છે, ને બધામાં પ્રભુની સત્તાની ઝાંખી કરવાની ટેવ પાડવાની છે. માણસ બધામાં પ્રભુને જોતા શીખશે તો પછી કોનાથી મોહાશે, કોનાથી લોભાશે, કોનાથી ડરશે ને કોની સાથે શત્રુતા કરશે ? કામ, ક્રોધ ને લાભ તથા ભય તો પછી આપોઆપ પલાયન થઈ જશે. માટે જીવનનો સાચો આનંદ લેવો હોય તો સમદર્શી થવાની ટેવ પાડો. આ રામબાણ ઉપાય છે. પરમાનંદની પ્રાપ્તિને માટે આ અકસીર ઈલાજ છે. તેની અજમાયશ કરો. વહેલામાં વહેલી તકે અજમાયશ કરો તો જીવન સુખી ને સફળ બની જશે. મિત્ર ને શત્રુના ભેદ ભૂંસી નાખો, મોટા ને નાના તથા ઉચ્ચ ને નીચના મિથ્યા ભેદ મિટાવી દો. સૌને સુખી કરવા કોશીશ કરો.
બે વાત યાદ રાખો : એક તો એ કે મને દુઃખ થાય છે તેમ સૌને થાય છે. માટે કોઈપણ જીવને દુઃખી કરવાનું કામ ના કરવું. કોઈનું દુઃખ દેખીને રાજી ના થવું ને બનતાં સુધી મૂઢ બનીને બેસી ના રહેવું પણ સૌના દુઃખને દૂર કરવા બનતો પ્રયાસ કરવો. બીજી યાદ રાખવાની વાત એ છે કે મને જેમ સુખની ઈચ્છા છે તેમ સૌનેય છે, ને મારી જેમ સૌને સુખ સારું લાગે છે. આ વાત યાદ રાખીને મન વચન ને વર્તન દ્વારા સૌને સુખી કરવા પ્રયાસ કરવો. જો બધાં માણસો આમ કરવા મંડી જાય તો સમાજ, ગામ, શહેર, દેશ ને દુનિયાનો દેખાવ ફરી જાય; વેરઝેર, વિખવાદ ને કડવાશ દૂર થઈ જાય, ને પ્રેમ, સંપ ને સહકારની પાવન ગંગા પૃથ્વીના પટ પર કાયમને માટે કિલ્લોલ કરતી વહેવા માંડે. અઢળક માલ ને જાનની ખુવારી કરતા ભયંકર યુદ્ધો પણ શમી જાય, ને માનવજાતિ ખરેખર શાંતિસંપન્ન ને સુખી થાય. અરે, થોડાક માણસો પણ આ ઉત્તમ સંદેશને જીવનમાં ઉતારે તો પણ સંસારનું ખૂબ જ મંગલ થાય એમાં સંદેહ નથી માટે સમદર્શી થવાનો પ્રયાસ કરો. દૃષ્ટિમાં પ્રેમનું અંજન આંજીને બધે પ્રેમમય પ્રભુની ઝાંખી કરવાનો પ્રયાસ કરો ને જીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરો.
પ્રેમ કે ભક્તિ અથવા જ્ઞાનની ગંગાને હૃદયને આંગણે ઉતારો એટલે બધે મંગલતાનું દર્શન થશે. ગંગા, હિમાલય, સાગરનાં ઉછાળા મારતા તરંગ, બગીચાનાં ફોરમવંતા ફૂલ ને વૃક્ષ તથા પત્થર ને રસ્તાની રજમાં પણ પરમાત્માનો પ્રકાશ દેખાશે; સુંદર ને અસુંદર ને મંગલ ને અમંગલ બધામાં પ્રભુની ઝાંખી જણાશે; ને બધી દશામાં ને બધે સ્થળે આનંદ આનંદ થઈ રહેશે.
- શ્રી યોગેશ્વરજી
મનને વશ કરવાનું કામ સહેલું છે
જીવનની ઉન્નતિનો આટલો વિચાર આપણે ગીતામાતાનાં વચનો પ્રમાણે કરી લીધો. પણ તમારામાંના કેટલાક બોલી ઉઠશે કે શું સમદર્શી થવાનું કામ સહેલું છે ? કામ, ક્રોધ ને લોભના લશ્કરને જીતીને વશ કરવાનું શું સહેલું છે ? યોગની સાધનામાં મનને લગાડવાનું કામ તો ખૂબ કપરૂં છે. આ મનની દશા તો જુઓ, માતેલા સાંઢના જેવું મન આમતેમ ભટક્યા કરે છે. તે કેમે કર્યું કબજામાં રહેતું નથી. વાવાઝોડું કેટલું ભયંકર હોય છે ! તેને વશ કરવાનું કામ સહેલું છે કે ? મનને વશ કરવાનું ને ધ્યાન ધારણા જેવી સાધનામાં લગાડવાનું કામ પણ તેવું જ મુશ્કેલ છે.
સંસારની શરૂઆતથી જ, મનને કાબુ કરવાનો પ્રયાસ માનવે શરૂ કર્યો ત્યારથી, તેવા પ્રયાસની મુશ્કેલીની માનવને ખાત્રી થઈ છે. ભગવાનના વિચાર સાંભળીને અર્જુને પણ તમારા જેવા જ પ્રશ્નો પૂછ્યા છે ને તમારા જેવી જ મુંઝવણ રજૂ કરી છે. પણ તેવી મુંઝવણથી કાંઈ હિંમત હાર્યે ચાલશે કે ? માતેલા સાંઢને વશ કરવામાં જેમ બળ ને કળ બંનેની જરૂર પડે છે, તેમ બળ ને કળથી મનને વશ કરવાનો પુરૂષાર્થ કરો તો કામ સહેલું થઈ જશે. આ સંસારમાં અસંભવ જેવી વસ્તુ કોઈ જ નથી. પ્રયાસ કરવાથી બધી વસ્તુ સિદ્ધ થઈ શકે છે. સાથે સાથે એ સાચું છે કે પામર માણસો મનને વશ કરવાની સાધનામાં કદી પણ સફળ થઈ નહિ શકે. ચંચલ, પ્રમાદી ને વિષયલોલુપ માણસો મનના માતેલા સાંઢ પર સવાર નહિ થઈ શકે. તે કામ તો ખંતીલા ને બહાદુર માણસોનું છે ને તેવા ઉદ્યોગી, વીર ને ધીર પુરૂષો જ તે કામ કરી શકશે. મનને વશ કરવાનું કામ અઘરૂં છે એમ માનીને અત્યારથી જ હિંમત હારીને, ઢીલા પગ કરીને બેસી ના જતા. મન કોઈ બહારની વસ્તુ નથી. તે તો તમારી અંદરની વસ્તુ છે. બહારની વસ્તુઓ પર અધિકાર જમાવવા તમે સફળ થાવ છો. તો મન પર અધિકાર કેમ ના કરી શકો ? ધારો તો જરૂર કરી શકો. તેમાં મુશ્કેલ જેવું કાંઈ જ નથી. તે તો સહેલું કામ છે. સહેલા કામને મુશ્કેલ માની પહેલેથી જ નિરાશ ને હતોત્સાહ થઈને બેસી ના જતા.
પહેલીવાર અમે બદરીનાથ ગયા ત્યારે ચાલીને ગયા હતા. રસ્તામાં કેટલીકવાર ખૂબ થાક લાગતો. તાપ ને થાકથી શ્રમિત થવા છતાં ધર્મશાળા આવે ત્યાં સુધી ચાલ્યા વિના છૂટકો જ નહોતો. રસ્તામાં કોઈ પર્વતીય માણસ મળે તો તેને પૂછતા કે ધર્મશાળા કેટલે દૂર છે ? તો તે જવાબ આપતા કે હવે થોડે દૂર છે, જરાક ચાલશો એટલે આવી જશે. તેથી અમે ઉત્સાહમાં આવીને ચાલવા માંડતા પણ ધર્મશાળા ના દેખાતી. ત્યારે કોઈ બીજા માણસને પણ એ જ પ્રશ્ન પૂછતા તો તેનો ઉત્તર મળતો કે હવે બહુ જ પાસે છે. વળી અમે આશામાં ને આશામાં આગળ ચાલ્યા જતા. એમ લાંબે વખતે ધર્મશાળા આવતી પણ અમારો રસ્તો આશામાં ને આશામાં ખૂટી જતો. આને બદલે જો તે માણસો અમને એમ કહેત કે ધર્મશાળા ખૂબ જ દૂર છે, ને ત્યાં જતાં તો થાકી જશો. તો અમારી દશા કેવી થાત ? અમે નિરાશ થઈ જાત, ને એક ડગલું પણ ચાલી ના શકત. તે પ્રમાણે સાધકે પહેલેથી જ નિરાશ થઈ જવાનું નથી, ને કોઈ પરમાર્થના પંથનો પ્રવાસી સાધક નિરાશ થાય તેવી માહિતી પણ આપવાની નથી. પોતાનો ને બીજાનો ઉત્સાહ વધારવાનો છે ને એમાં ખોટું કાંઈ જ નથી.
જો ધારો તો મનને સહેલાઈથી વશ કરી શકો છો, ને આજ સુધી કેટલાય માણસોએ મેળવ્યો તેવો પરમાત્મદર્શન ને સાધનાનો આનંદ તમે પણ મેળવી શકો છો. મનમાં દૃઢ નિશ્ચય કરો. તેનો અમલ કરવા પુરૂષાર્થ કરો, પડો ત્યાંથી ફરીવાર ઊભા થઈને આગળ વધવાનું શરૂ કરો ને ભૂલો ત્યાંથી ફરી ગણવાનું શરૂ કરો. એ રીતે મનને વશ કરવાના કામમાં જરૂર સફળ થશો. મનોબળને મજબૂત કરીને માણસે શું શું નથી કર્યું ? તમે પણ તેવું મનોબળ તૈયાર કરો એટલે ધારેલું કામ કરી શકશો.
- શ્રી યોગેશ્વરજી
અભ્યાસ અને વૈરાગ્ય
ભગવાને અર્જુનને આ જ વાત કહી છે, ને સાથે સાથે મનને વશ કરવા માટે બે રામબાણ ઉપાય બતાવ્યા છે : અભ્યાસ ને વૈરાગ્ય. પહેલાંના વખતમાં યોદ્ધાઓ લડવામાં ઢાલ ને તલવારનો ઉપયોગ કરતા અથવા તો તીર ને કામઠું વાપરતા. તેમ અજ્ઞાન ને અશાંતિરૂપી યોદ્ધા ને તેમના સરદાર મનની સામે લડવા માટે અભ્યાસ ને વૈરાગ્યનાં બે શસ્ત્રોનો ઉપયોગ કરવાનો છે. વૈરાગ્ય ઢાલ છે ને અભ્યાસ તલવાર છે. અથવા કહો કે વૈરાગ્ય ધનુષ્ય છે ને અભ્યાસ તલવાર છે અથવા જરા જુદા શબ્દોમાં કહો કે અભ્યાસ ને વૈરાગ્યની બે પાંખ છે, તેમનો આધાર લઈને સાધકે સલામત થવાનું છે ને ઉન્નતિના આકાશમાં ઉડવાનું છે. સંસારના બધા પદાર્થોમાંથી રાગને કાઢી નાખો ને તેને પ્રભુમાં જોડી દો. આ બે કામ કરો એટલે વૈરાગ્યની સાધના પૂરી થઈ એમ કહી શકાશે.
એક માણસ નવલકથા વાંચે છે. વાંચવામાં તે એટલો બધો મગ્ન બની જાય છે કે આજુબાજુ શું બની રહ્યું છે તે પણ ભૂલી જાય છે. કોઈ પાસે આવીને ઊભું રહે છે તો પણ તેને કેટલીકવાર ખબર નથી પડતી. વાંચવામાં તેનું મન આટલું બધું ડૂબી જાય છે તેનું કારણ ? કારણ તેને નવલકથા ખૂબ ગમે છે. સંસારનો બધો રસ જાણે નવલકથામાં જ ઉતરી ગયો હોય એવું તેને લાગે છે. તેથી વાંચવાના રસમાં તે ખાવાપીવાનું પણ ભૂલી જાય છે. નવલકથા પૂરી ના થાય ત્યાં સુધી બીજું કોઈયે કામ કરવાનું તેને ગમતું નથી. નવલકથામાં તેને રાગ થયો છે એટલે બીજી વસ્તુનો રાગ આપોઆપ દૂર થાય છે, ને એકાગ્રતા સહજ થાય છે. એકાગ્રતાનું આ જ રહસ્ય છે. પરમાત્મામાં રાગ થાય ને પરમાત્મા જ સુખદાયક ને મેળવવા જેવા છે એમ સમજાય, તો બીજા પદાર્થોનો રાગ દૂર થઈ જાય, ને પરમાત્માના સ્મરણ, મનન ને ધ્યાનમાં મન એકાગ્ર બની જાય.
ભૂખ લાગે છે એટલે બાળક તરત માની પાસે દોડી જાય છે ને ખોરાકની માંગણી કરે છે. તેને ખાવાનો લાભ મળી જાય છે. ધરાયેલું બાળક તો ફરતું ફરે છે. તેને એ લાભ ક્યાંથી મળે ? સંસારના વિષયોથી ધરાઈ ગયેલા માણસો તે પ્રમાણે વિષયોમાં જ રમ્યા કરે છે. પણ જેનું મન ઈશ્વરના પ્રેમની ઝંખના કરતું રોઈ ઊઠે છે ને તે દશામાં જે ઈશ્વરની પાસે પહોંચી જાય છે, તેને ઈશ્વરની કૃપાથી એકાગ્રતાનો આનંદ જરૂર મળી જાય છે, ઈશ્વરરૂપી માતા તેને એકાગ્રતા ને આનંદ બંને આપે છે. માટે સંસારમાંથી મમતા દૂર કરો, આસક્તિ કાઢી નાખો, ને ઈશ્વરમાં પ્રીતિ કરવા તૈયાર થાવ. મન આપોઆપ વશ થઈ જશે. ધ્યાન, જપ કે બીજી જે પણ સાધના કરો, તેમાં રસ ઉત્પન્ન કરો. પછી મન દોડાદોડી કરવાનું બંધ કરીને સ્થિર થઈ જશે.
સાથે સાથે હિંમત હાર્યા વિના અભ્યાસ ચાલુ રાખો. જે સાધના કરો તે નિયમિતપણે કરતા રહો. સતત સાધના કરવાથી રસ આપોઆપ આવશે ને મન સ્થિર બનશે. બાળક નિશાળે જવાનું શરૂ કરે ત્યારે ભણવાનું તેને દરેક વખતે સારું લાગે છે ખરું ? કેટલાંક બાળકોને તો ભણવાનું ગમતું જ નથી ને નિશાળનું નામ સાંભળીને તે રોવાનું શરૂ કરે છે. છતાં માબાપ તેમને નિશાળે મોકલે છે. શરૂઆતમાં તો નિશાળે જવાનું તેમને કડવું લાગે છે, પણ પછી તેમનું મન લાગી જાય છે ને નિશાળ તેને મીઠી લાગે છે. પછી તો તેમને નિશાળે જવાની ના કહેવામાં આવે તો તે રડવા માંડે છે, એવી દશા થઈ જાય છે. સતત અભ્યાસથી મનની પણ એવી દશા થઈ જાય છે ને પછી તો મનને સાધનામાં એટલો બધો આનંદ આવે છે કે ઈશ્વરસ્મરણ ને ધ્યાનનું કામ મૂકીને તેને ક્યાંય જવાનું જ નથી ગમતું. આઠે પહોર તે સાધનાના આનંદમાં જ મસ્ત રહે છે.
અભ્યાસ કેટલીય જાતનો હોય છે : સારા પુસ્તકોનું શ્રવણ, મનન, વાંચન, આત્મપરીક્ષણ ને સારા પુરૂષોનો સમાગમ પણ અભ્યાસ કહેવાય છે. તેથી પણ મન વશ થાય છે. તેમાંય સંતપુરૂષોનો સમાગમ તો ભારે મદદરૂપ થાય છે. તેમના સમાગમમાં સારા વિચારો ને સારા ભાવો વધારે દૃઢ બને છે. મન ઈશ્વર તરફ સહેલાઈથી વળે છે માટે સંતસમાગમ જરૂર કરવો. તે ના મળે તો સારાં પુસ્તકો તો જરૂર વાંચવાં. મનની નબળાઈને ઓળખીને દૂર કરવા કોશીષ કરવી. તેમ કરવાથી મન વશ થશે ને સાધનામાં લાગી જશે.
માણસો ફરિયાદ કરે છે કે સાધના કરવાનું મન તો ઘણું થાય છે, પણ સમય મળતો નથી. પ્રભુસ્મરણ ને સત્સંગનો આનંદ પણ લેવો છે પરંતુ ફુરસદ નથી, તેવી તેમની ફરિયાદ નકામી છે. તેવા લોકો મેળામાં જવાનું હોય તો જરૂરી કામ મુકી દઈને પણ તૈયાર થઈ જાય છે. ટોળટપ્પાં મારવાનો વખત કાઢી શકે છે, ને આળસુ થઈને પડ્યા રહે છે કે ફર્યા કરે છે. પણ પોતાની ભલાઈનું કામ કરવાનો વખત કાઢી શકતા નથી. તેનું કારણ વખત નથી તે નહિ, પણ ભલાઈના કામમાં તેમને રસ નથી તે છે. વખત કાંઈ બધાને મળતો નથી જેમને કાંઈ જ કામ નથી, તેવા નવરા માણસો જ સાધનાના કામમાં પડે છે એમ નથી. વખત તો માણસે પોતે કાઢવાનો છે. જેને રસ છે તે તો ગમે તેમ કરી વખત કાઢી લે છે. ને વખત કાઢવો જ જોઈએ. જ્યારે મરણ આવશે ત્યારે કામ મૂકીને વખત કેવી રીતે કાઢશો ? માટે સમય નથી મળતો એ ફરિયાદ નકામી છે. ખાવાનો, ફરવાનો ને ઊંઘવાનો સમય મળે ને સાધનાનો સમય કેમ નથી મળતો તે કહેશો ? ગમે તેમ કરીને સમય કાઢીને તમારી ઉન્નતિના કામમાં લાગી જાવ, લગીર જેટલા જીવનનો સદુપયોગ કરવા કમર કસો તો જ આનંદ મેળવી શકશો.
મંથન કરીને માખણ તો કાઢયું. પણ તેને મોમાં ના મૂકો ને જોયા જ કરો તો શું ભૂખ ભાગી જશે કે ? ભલભલા થાકેલા માણસનો થાક પણ મટાડી દે ને ભલભલા દુઃખીનું દુઃખ પણ ઘડીભર તો દૂર કરીને તેને રસ ને આનંદની નદીમાં નવરાવી દે એવા સિતારના સ્વર છૂટ્યા જ કરે છે. તેનો સ્વાદ લેવાની કોઈ ફી નથી. તેમજ તેનો આનંદ લેવા માટે કોઈ જાતની યોગ્યતા મેળવવાની જરૂર નથી. કેટલાય લોકો રાત્રિની શાંતિમાં બાગમાં બેઠા બેઠા તે સાંભળે છે પણ એક માણસ કાનમાં આંગળી ઘાલીને ઊભો રહે છે, ને તે જ દશામાં ત્યાંથી ચાલવા માંડે છે. તમે જ કહો કે સિતારના સંગીતનો સ્વાદ તેને મળશે કે ? પ્રભુનું પ્રેમસંગીત પણ સમસ્ત સંસારમાં વાગી રહ્યું છે. માણસ હાથે કરીને તેને ના સાંભળે તો તેમાં તેને નહિ તો બીજા કોને દોષ દેવો ? દુઃખને દૂર કરનારી ને શાંતિ તથા મુક્તિની તરસ મટાડનારી પ્રભુની પ્રેમગંગા સદાને માટે વહ્યા જ કરે છે. પ્રમાદી માણસ હાથે કરીને તેનો સ્વાદ ન લે તો તેમાં દોષ બીજા કોને દેવો ? ભગવાન કૃષ્ણની વાણી પણ ખૂબ મંગલ ને મધુર છે. આપણા ગજા પ્રમાણે આપણે તેનું મંથન કરીએ છીએ મંથનમાંથી નીકળેલું જ્ઞાનરૂપી અમૃત આપણને આનંદ આપે છે. પણ તેને જોઈને ને તે વિશે સાંભળીને બેસી રહીશું તો ભૂખ કેમ ભાગશે, સ્વાદ કેમ મળશે, ને અમૃતમય પણ કેમ થવાશે ? જ્ઞાનનું નાણું જો ગાંઠે બાંધી રાખીશું, લોભિયાની જેમ તેના પર હાથ ફેરવી તેને પંપાળ્યા કરીશું, તો જન્મજન્માંતરનું દળદર કેવી રીતે દૂર થશે ? માટે ગીતાના વિચારમાંથી કે તેના સંગીતમાંથી જે સારું ને કામનું લાગે તેને ગાંઠે બાંધીને બેસી ના રહેતા પણ તેને વટાવવા કે જીવનમાં ઉતારવા તૈયાર રહેજો. શાંતિ તો જ મળશે ને જીવન પણ ત્યારે જ સફળ બનશે આ વાત યાદ રાખવાની છે.
- શ્રી યોગેશ્વરજી
યોગભ્રષ્ટ વિશે
સારાં કે નઠારાં કર્મોનું ફળ અહીં ને અહીં મળે છે એવું થોડું છે ? કેટલીકવાર ફળ તરત જ મળે છે, ને કેટલીકવાર જન્માંતરમાં મળે છે. આને લીધે સાધારણ લોકો ધીરજ ખોઈ બેસે છે. સાધનાનું ફળ પણ તરત જ મળે છે એવું નથી. માણસના પુરૂષાર્થ ને સાધનાના પ્રકાર પર તેનો આધાર રહે છે, પણ ફળ મળે છે એ નક્કી છે. કેટલાક સાધકો ખૂબ શ્રદ્ધાવાળા હોઈ મનને વશ કરવા પ્રખર પ્રયાસ કરતા હોય. કોઈ કારણથી તેમનું મન સાધનામાંથી ચળી જાય–સાધનામાં જોડાઈ ના શકે, અથવા પ્રયાસ કર્યા છતાં પણ કેટલીક વાર સાધકને સિદ્ધિ ના મળે, તો તેવા સાધકોનું શું થાય ? તેમણે કરેલી સાધના શું નકામી જાય છે ? તેમની મહેનત બાતલ થાય છે ? અર્જુને આવો પ્રશ્ન ઊભો કર્યો છે.
તેના જવાબમાં ભગવાન કહે છે કે એવા સાધકનો પ્રયાસ નકામો જતો નથી. ધનુષ્યમાંથી છૂટેલું બાણ નક્કી સ્થળે પહોંચશે જ. તેવી રીતે કરેલું કર્મ ફળ આપશે જ, એ નિયમ અફર છે. તેમાં શંકા કરવાની જરૂર નથી. આ સંબંધમાં બાંહેધરી આપતાં તે કહે છે કે કલ્યાણનું કામ કરનારનું કદી પતન થયું નથી, તેમજ તેની દુર્ગતિ થતી નથી. આવી લેખિત બાંહેધરી ભગવાન વિના બીજું કોણ આપી શકે એમ છે ? જે પોતાનું કે બીજાનું કલ્યાણ કરવાની સાધના કરે છે, તેનું કલ્યાણ જ થાય છે. એવો દસ્તાવેજ ભગવાને કરી આપ્યો છે, માટે નિરાશ થયા વિના સાધના કરો. સાધનાનું ફળ એક જીવનમાં ના મળે તેથી શું થયું ? એક જન્મમાં સિદ્ધિ ના મળે તેથી પણ શું થયું ? જીવન તો અનંત છે. કરેલું કર્મ નકામું જતું નથી. સરકારને ધીરેલા પૈસા સરકાર બદલાય તોય પાછા મળે છે. તે ના મળે તો પણ કરેલું કર્મ તો નકામું જતું જ નથી. માટે હિંમત રાખીને પુરૂષાર્થ કરો; કલ્યાણનાં કર્મ કરતાં જ રહો; સાધનાને ને શ્રદ્ધાને કોઈપણ સંજોગોમાં ના મૂકો. જેમ પ્રવાસીઓનાં પોટલાં ગાડી બદલવા છતાં પ્રવાસીઓની સાથે જ રહે છે, તેમ શરીર બદલવું એ તો ગાડીના ડબ્બા બદલવા જેવું છે. તે બદલવા છતાં પુરૂષાર્થનું પોટલું સંસારની અનંતયાત્રાએ નીકળેલા પ્રવાસી માનવીની સાથે જ રહે છે. બીજા જીવોને માટે પણ આ સાચું છે. સાધકોએ ભગવાનના આ ઉત્તરમાંથી આશા, પ્રેરણા ને સમાધાન મેળવીને આગળ વધવાનું છે.
યોગભ્રષ્ટ પુરૂષનું શું થાય છે ? તે શરીર છૂટ્યા પછી ઉત્તમલોકમાં જાય છે. ત્યાં કેટલોક વખત રહે છે ને પછી પવિત્ર ને ગુણવાન માતાપિતાને ત્યાં જન્મે છે અથવા યોગીઓના કુળમાં જન્મે છે. જન્મમાં બાલપણથી જ તેનાં પહેલાંના સંસ્કાર જાગી ઊઠે છે ને પરમાત્માની પાસે પહોંચવાનો તે પ્રયાસ કરે છે. પછી થોડા જ વખતમાં તે પરમાત્માને ઓળખી લે છે ને મુક્તિ મેળવે છે.
વધારે ભાગના માણસો એમ માને છે કે જેનો યોગ કે જેની સાધના અધૂરી રહી હોય તેવા સાધકને માટે આ બધું કહેવામાં આવ્યું છે. પણ સાચી વાત તેવી નથી. જે સાધકોનું મન કોઈ કારણથી સાધનામાંથી ચલિત થઈ ગયું હોય, ને કોઈ વસ્તુના મોહમાં પડવાથી જે સાધનાને પૂરી કરી શક્યા ના હોય, તેવા યોગભ્રષ્ટ પુરૂષોને માટે જ આ વાતો કહેવામાં આવી છે. આવા પુરૂષ તરીકે જડભરતને લઈ શકાય. પુર્વજીવનમાં તે મહાન તપસ્વી હતા. પણ મૃગની મમતામાં અને તપમાં પ્રમાદ કરવાથી તેમને બીજા જન્મમાં મૃગ થવું પડ્યું ને તે પછી તે જડભરતરૂપે જન્મ્યા. તે જન્મમાં તેમનું જ્ઞાન સંપૂર્ણ થયું ને તે પૂર્ણતાની પ્રાપ્તિ કરી શક્યા. છતાં અધૂરી સાધનાવાળા સાધકોને માટે પણ ગીતાના આ શબ્દો લાગુ પડી શકાય છે. તેમાં નુકશાન કાંઈ જ નથી, લાભ જરૂર છે.
- શ્રી યોગેશ્વરજી
યોગી થાવ
આ બઘી વાત કહીને અધ્યાયને અંતે ભગવાન કહે છે કે હે અર્જુન, તું યોગી થા. ભગવાનનો એ સંદેશ સૌએ સમજવાનો છે. કેવલ તપથી શાંતિ નહિ મળે; જ્ઞાન જો ફક્ત બોલવા પૂરતું હશે તો તેથી પણ શાંતિ નહિ મળે ને ઉપાસના તથા કર્મ પણ જો શુષ્ક ને પ્રભુપ્રેમથી રહિત હશે, તો તેથી પણ જીવનની ધન્યતા નહિ મળે. શાંતિ, મુક્તિ, પૂર્ણતા ને જીવનની ધન્યતા મેળવવા માટે તો માણસે યોગી થવું જોઈએ. એટલે કે પરમાત્માનું દર્શન કરવું જોઈએ. પોતાની અંદર ને બહાર બધે તેનું દર્શન કરવું જોઈએ. પરમાત્માનો વિયોગ દૂર કરવો જોઈએ તો જ તે પરમાનંદ પામી શકે ને અમૃતમય પણ ત્યારે જ તે બની શકે. શ્રદ્ધાભક્તિને વધારી ભગવાનનું દર્શન કરવા પ્રયાસ કરવો ને છેવટે ભગવાન સાથે એક થઈ જવું એ જ સાધનાનું રહસ્ય છે. યોગનું ફળ પણ તે જ છે. તે ફળ મેળવનાર જ સાચો યોગી છે ને તેવો યોગી જ ભગવાનને સૌથી પ્રિય ને શ્રેષ્ઠ લાગે છે. એવા યોગી થવા માટે આપણે તૈયાર થઈએ. આજે આપણે ક્યાં છીએ તેનો વિચાર કરીએ હવે ક્યાં જવું છે તેનો નકશો પણ નજર સામે રાખીએ ને કેવી રીતે ને કેટલા વખતમાં જવું છે તે પણ નક્કી કરીએ; પછી દૃઢ નિશ્ચય કરીને કામે લાગી જઈએ. જ્યાં જવાનું છે ત્યાં જરૂર પહોંચી શકીએ. આ સંસારમાં કોઈને માટે કશું જ અશક્ય નથી. એ વાતમાં વિશ્વાસ રાખીએ.
- શ્રી યોગેશ્વરજી
No comments:
Post a Comment