Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Friday, January 18, 2013

ઈશ્વરદર્શનનો કોઈ ચોક્કસ સમય નથી


ઈશ્વરદર્શનનો કોઈ ચોક્કસ સમય નથી

ગીતાના સંગીતનો આસ્વાદ લેતાં લેતાં આપણે આગળ ને આગળ વધ્યે જઈએ છીએ, નવાં નવાં રસભર્યા સૂર છૂટતા જાય છે. તેથી આપણને આનંદ પણ થાય છે. પણ પહેલાંના સૂરને ભૂલી જવાનું કામ ઠીક નથી. ભૂલી જવાની ટેવ આપણે માટે નુકશાન કરનારી સાબિત થશે. બદરીનાથની યાત્રાએ આવનારા માણસોના માર્ગમાં કેટલાંક તીર્થો, સુંદર સ્થળો ને કેટલાંય આનંદ આપતા દૃશ્યો આવે છે. જેમ જેમ તે માણસો આગળ વધે છે, તેમ તેમ નવાં નવાં ને વધારે સુંદર સ્થળો આવે છે. પણ તેમને જોવાનાં આનંદમાં જુના સ્થળોને તે ભૂલી જાય છે ? ના, કેમ કે જુના કે જોયેલા સ્થળો વિશે જ્યારે પણ તેમને પૂછવામાં આવે છે, ત્યારે તેમના પડદા પર તે સ્થળો તાજાં થાય છે, ને તેમનું વર્ણન સાંભળી આપણને આનંદ આવે છે. આપણી યાત્રા પણ તેવી થવી જોઈએ. જે જોયું, સાંભળ્યું કે વિચાર્યું તેનું મનન ચાલુ રહેવું જોઈએ. આ બાબતમાં તમે પશુને ગુરૂ કરી શકો છો, ને તેમની પાસેથી વાગોળવાની ક્રિયામાંથી શિક્ષા લઈ શકો છો. સારું લાગે તેને વાગોળો ને પચાવો, એટલે તમે શક્તિશાળી બનશો.
કેટલીકવાર મને પૂછવામાં આવે છે કે યોગી થવું હોય તો કેટલા વખતમાં થઈ શકાય ? ઈશ્વરપ્રાપ્તિ કેટલા વખતમાં થાય ? પરમાત્માનું દર્શન એક જન્મમાં થાય ખરું ? અમારા સંસ્કાર તો ઘણા અલ્પ છે, તો અમને પરમાત્માની કૃપા મળે ખરી ? શાસ્ત્રો ને સંતો તો સાધનાના માર્ગને ખાંડાની ધાર જેવો કહે છે. તો શું અમારાથી તેના પર ચાલી શકાય ને તેને પાર કરી શકાય ? કેટલીકવાર ઉત્સાહમાં આવી જઈને લાંબા વખત સુધી સાધના કરીએ છીએ પણ ખાસ અનુભવ થતો નથી. એટલે સાધના મૂકી દઈએ છીએ. તો સાધના કર્યા છતાં અમને આનંદ કેમ આવતો નથી ને ખાસ અનુભવ કેમ થતો નથી ?    ગયા અધ્યાયમાં ભગવાને યોગી થવાનું કહ્યું છે, તેમજ શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાનું પણ કહ્યું છે. પણ યોગી કેટલા વખતમાં થઈ શકાય તે કહ્યું નથી. કેટલા વખતમાં કોણ યોગી થઈ શકશે, અથવા કેટલા વખતમાં કોને ઈશ્વરપ્રાપ્તિ થઈ શકશે, તે ચોક્કસ કહી શકાય તેમ નથી.
ઈશ્વરનું દર્શન એક જન્મમાં પણ થઈ શકે છે. એક જન્મમાં તમે પૂર્ણ યોગી બની શકો છો, ને પરમાત્માનો સાક્ષાત્કાર પણ કરી શકો છો ને તે માટે તમને કેટલાય જન્મો લાગી જાય એમ પણ બની શકે છે. તમારી લાયકાત ને ચાલ પર તેનો આધાર રહે છે. જો તમે લાયકાતની દૃષ્ટિએ નબળા હશો, ને કીડી કરતાંય ધીરી ચાલે ચાલતા હશો, તો કેટલાય જન્મે પરમાત્માની પાસે પહોંચી શકશો. પણ લાયકાત મેળવીને જો ઈશ્વરના દર્શનને માટે ઝડપથી પ્રયાસ કરશો, ને જંગલમાં ઝરણ ને ચંચલ હરણ જેમ વેગમાં દોડે છે, તેમ જો સાધનાનાં માર્ગે વેગથી આગળ ને આગળ વધ્યે જશો, તો ઈશ્વરનું દર્શન જલદી-એક જ જન્મમાં-કરી શકશો. આકાશમાં ઉડનારા પંખી કેવાં સડસડાટ ઉડ્યે જાય છે ! પંખા જેવી પાંખથી એકધારાં ઉડનારાં પંખી આ જ વાત કહી રહ્યાં છે. તમારી જાતની ઉન્નતિના આકાશમાં પણ એ જ રીતે ઊડો, તો કામ સહેલું થઈ જશે. બાકી પ્રમાદ કરશો, નાહિંમત ને નિરાશ બનશો ને આડામાર્ગે અટવાઈ જશો તો ન જાણે કેટલા જન્મે પરમાત્માનો સાક્ષાત્કાર કરીને જીવનને શાંતિમય, મુક્તિમય, સફલ ને ધન્ય બનાવી શકશો.
આ પ્રસંગે મને હિમાલયમાં પગપાળા કરાતી બદરીકેદારની યાત્રા યાદ આવે છે. દર વરસે કેટલાંય માણસો તે યાત્રાનો લાભ લે છે, સાધારણ રીતે માણસો રોજના પંદરેક માઈલ સહેજે ચાલે છે, પણ કેટલાક આરામપ્રિય ને કમજોર માણસો રોજના દશ માઈલ ને કેટલીકવાર તો તેથી પણ ઓછું ચાલે છે. જે ચાલવામાં પાવરધા છે તે તો રોજના અઢાર માઈલ પણ ચાલી જાય છે. એટલા માઈલ કાપી નાખવા તેમને મન રમત વાત થઈ પડે છે. હવે તમે જ વિચાર કરો કે એ બધા માણસોને હિમાલયની યાત્રા પૂરી કરતાં શું જુદોજુદો કે વત્તો ઓછો વખત નહિ લાગે ? કોઈ માત્ર પંદર દિવસમાં, કોઈ વીશ દિવસમાં તો કોઈ એકાદ મહિનામાં કે તેથીયે વધારે વખતમાં બદરીકેદારની યાત્રા પૂરી કરશે. જીવનની સાધનાયાત્રાનું પણ તેવું જ સમજવાનું છે. જેવી ને જેટલી ઝડપ તેવો ને તેટલો સમય તેને પૂરી કરવામાં લાગશે એ નક્કી છે.
ધ્રુવજીએ પાંચ જ મહિનામાં ભગવાનનું દશર્ન કર્યું. એ પહેલાં તેમની સાધના ન જાણે કેટલાંય વરસોથી ચાલતી આવી હશે, પણ તે જન્મમાં તેમને પાંચ જ મહિના લાગ્યા. કેમકે તેમનો વૈરાગ્ય દૃઢ હતો; નિશ્ચય પણ દૃઢ હતો ને તે નિશ્ચયનો અમલ કરવાનો પુરૂષાર્થ પણ પ્રખર હતો. પરીક્ષિત રાજાએ શુકદેવજીનું શરણ લઈને સાત જ દિવસમાં શાંતિ મેળવી લીધી, તક્ષકનો ભય દૂર કરીને સાત જ દિવસમાં શાંતિ મેળવી શક્યા. બુદ્ધ ભગવાને પણ મક્કમ નિરધાર કરીને ગયાજીના બોધિવૃક્ષ નીચે આસન વાળ્યું તો તેનું પરિણામ કેટલું ચમત્કારિક આવ્યું ? સાત જ દિવસમાં શાંતિ ને બોધિની પ્રાપ્તિ ! તે પ્રસંગોમાંથી શીખવાની કે ગાંઠે બાંધવાની વાત એ જ છે કે દૃઢ નિશ્ચય કરો ! શાંતિ, પૂર્ણતા ને પરમાત્માને માટે તલસાટ ઊભો કરો; અંતરના અંતરતમમાં ઈશ્વરને માટે ઈચ્છા ઉત્પન્ન કરીને, આરઝુ જગાવીને પ્રેમપૂર્વક પ્રાર્થના કરો, પ્રયાસ કરો ને રોવા માંડો તો ઈશ્વરનું દર્શન વહેલામાં વહેલી તકે મળી શકે ને આત્મિક ઉન્નતિનું સ્વપ્ન સહેલું બને.
મારી તમને સલાહ છે, કહો કે વિનંતિ છે, કે તમારી જાતને નાની કે નીચી માની લેતા નહિ. તમારા વિશે નબળા કે ખોટા ખ્યાલો બાંધી દુર્બળતાના પીંજરામાં પહેલેથી જ ને કવખતે કેદ થઈ જતા નહિ. પોતાની જાતને ક્ષુદ્ર ગણવી ને પોતાના વિશે હલકા વિચારો રાખવા એ જરાય ઈચ્છવા જેવું નથી; એમાં પોતાની જાતનું અહિત રહેલું છે, ને મહાન અપરાધ સમાયલો છે. વિચાર, ભાવના ને મહત્વકાંક્ષાને પવિત્ર, પ્રબળ ને ઉત્તમ રાખો. પછી તે પ્રમાણે કામ કરવા મંડી પડો એટલે જરૂર સફળ થશો. જે પુરૂષો મહાન બની ગયા છે તે કાંઈ આકાશમાંથી ઊતરી આવેલા પુરૂષો ન હતા. દેવાંશી પણ ન હતા. તેમને માથે કાંઈ શીંગડા ન હતાં. તેમનું શરીર તમારા જેવું જ સાધારણ હતું. કેટલાક તો તમારાથી પણ વધારે નબળાઈવાળા હતા. પણ તે જાગ્યા, સત્યના સેવક થયા, ને પોતાની જાતના ઘડવૈયા થવાના સંકલ્પથી આગળ વધ્યા તો ઈશ્વરની કૃપા પામીને ખરેખર મહાન થઈ શક્યા. તમે પણ તેવી મહાનતા શા માટે ન મેળવી શકો ? મહાનતાનો માર્ગ સૌને માટે ઉઘાડો છે.
પ્રભુના મંદિરનાં દ્વાર સૌને માટે ખુલ્લાં છે, પ્રભુના હૃદયમાં બિરાજવાનો ને પોતાના હૃદયમંદિરમાં પ્રભુને પધરાવવાનો અધિકાર બધાંને છે. પંઢરપુરના વિઠોબાના દર્શને કોઈવાર ગયા છો ? કમર પર બંને હાથ રાખીને ભગવાન વિઠ્ઠલ ઊભા છે. તેમના મુખ પર કેટલું મધુર ને મંગલ સ્મિત છવાયું છે ! સ્મિત કરીને તે સૌને સત્કાર કરે છે, જેની મરજી થાય તે ત્યાં જાય, સ્મિતને ઝીલે, ચરણમાં મસ્તક મૂકે ને વિદાય થાય. કોઈને રોકટોક જ નહિ. કલકત્તામાં દક્ષિણેશ્વરની કાલી માતાની મુલાકાત લીધી છે ? મુખ પર મધુમય સ્મિત સજીને તથા બંને આંખમાં અમી આંજીને તે પણ સૌનું સ્વાગત કરે છે. 'મા'ની શોભાનો પાર નથી. એક હાથે તે સૌને અભયદાન આપે છે, ને બીજે હાથે પોતાનું સર્વ કાંઈ આપવાનો અભિનય કરે છે. ઈશ્વરનો દરબાર આમ સૌને માટે ખુલ્લો છે. ગંગાના પાણીમાં સ્નાન કરવાનો પ્રતિબંધ કોઈના પર નથી. પ્રભુનો પ્રેમરસ તે પ્રમાણે છે છતાં કોઈ લાભ ન લે ને હાથે કરીને પોતાને દરિદ્ર, દુઃખી ને અભાગી માને, દીન ને હીન સમજે, તો કોઈ શું કરે ?
- શ્રી યોગેશ્વરજી

No comments:

Post a Comment