Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, January 22, 2013

પરીક્ષિતને શાપની પ્રાપ્તિ


 પરીક્ષિતને શાપની પ્રાપ્તિ

કલિયુગના પ્રભાવમાંથી મુક્તિ મેળવવા માગનાર મનુષ્યે પોતાના જીવનનું પદપદ પર પરીક્ષણ કરવું પડે છે. જો સહેજ પણ પ્રમાદ અથવા ગફલત થઇ જાય તો એનું પરિણામ ખૂબ જ પ્રતિકૂળ અને ભયંકર આવે છે. ભાગવતકાર પ્રથમ સ્કંધના અઢારમાં અધ્યાયમાં એ હકીકત પ્રત્યે પણ અંગુલિનિર્દેશ કરે છે. પરીક્ષિતનું પોતાનું જીવન ખૂબ જ ધર્મમય તથા પરમાત્માપરાયણ હતું. અને એમણે કલિયુગનું દમન કરીને પોતાના સામ્રાજ્યમાં એને ફાલવાફૂલવાનો અનુકૂળ અવસર આપવાને બદલે સત્યયુગની શુભ ભાવના કે સાત્વિકતાને અખંડ રાખવાનો ને વધારવાનો ભરચક પ્રયાસ કરેલો, પરંતુ એક દિવસ એ પોતે જ ગફલતમાં પડીને, અહંકારી બનીને, કલિયુગનો શિકાર બની ગયા ને ભયંકર ભૂલ કરી બેઠા. એ ભૂલ ના થઇ હોત તો ભાગવત આપણી આગળ આજના સ્વરૂપમાં રજૂ ના થઇ શક્યું હોત.

ભાગવતકાર સ્વનામધન્ય મહર્ષિ વ્યાસ સૂચવવા માગે છે કે માનવ જ્યાં સુધી અપૂર્ણ અથવા સ્વરૂપ સાક્ષાત્કારથી વંચિત છે ત્યાં સુધી એનાથી જ્ઞાત-અજ્ઞાત અવસ્થામાં પણ ભૂલો થવાનો સંભવ છે. એની અંદર દૈવી અને આસુરી બંને પ્રકારની પ્રકૃતિના શુભાશુભ સંસ્કારો રહેતા હોય છે ને કદીક દૈવી તો કદીક આસુરી સંસ્કારો જોર પકડે છે. મનુષ્ય એ સંસ્કારોથી અભિભૂત બને છે એ એના જીવનની કરુણતા છે. માનવ બાહ્ય દૃષ્ટિએ ગમે તેટલો મોટો કે નાનો, સમૃદ્ધ કે અસમૃદ્ધ, અને સાક્ષર કે નિરક્ષર હોય તો પણ આસુરી સંપત્તિના કામક્રોધ, અસૂયા અને અહંકારાદિ કુસંસ્કાર એને બીજાના જેવી જ કક્ષામાં લાવી દે છે. એમની વચ્ચેના બધા જ ભેદો કામચલાઉ વચગાળાના વખતને માટે ભૂંસાઇ કે ગૌણ બની જાય છે.

પરીક્ષિતે સદ્દબુદ્ધિસંપન્ન, ધર્મપરાયણ અને લોકહિતમાં નિરંતર પ્રવૃત્ત હોવાં છતાં પણ એવી કયી ભૂલ કરેલી અને ક્યા સંજોગોમાં ? એના પ્રત્યુત્તર માટે આપણે આપણી કલ્પનાની પાંખ પર બેસીને વનવિહારે નીકળીએ તો સારું રહેશે.

પરીક્ષિત હસ્તિનાપુરને છોડીને વનમાં મૃગયા માટે નીકળેલા.

મૃગોની પાછળ દોડતાં દોડતાં આખરે એ થાકી ગયા ને ક્ષુધા તથા તૃષાથી બેચેન બન્યા.

એમણે કોઇક આશ્રયસ્થાનની અભિલાષાથી આજુબાજુ બધે દૃષ્ટિ દોડાવી તો થોડેક દૂર એક એકાંત આશ્રમ દેખાયો.

ભારે ધીરજ તથા ઉત્સાહ અને હિંમતપૂર્વક એ ત્યાં પહોંચી ગયા તો એમણે એ શાંત એકાંત અદ્દભુત આશ્રમમાં એક આત્મધ્યાનની સાધનામાં સંલગ્ન મહાત્માપુરુષને આંખ બંધ કરીને આસનબદ્ધ બનીને બેઠેલા જોયા. શરીર, ઇન્દ્રિયો, પ્રાણ તેમજ મનના પ્રદેશને પરિત્યાગીને તથા જાગૃતિ, સુષુપ્તિ અને સ્વપ્નાવસ્થાને છોડીને એ ઊંડી સમાધિમાં ડૂબી ગયેલા. એવી અવસ્થામાં એમને કશું બાહ્ય ભાન ના હોય એ સમજી શકાય એવું છે. યોગી જ્યારે મનને એકાગ્ર કરીને ઇશ્વરપરાયણ બનીને પોતાના આત્મિક જગતમાં અવગાહન કરે છે ત્યારે શરીરનું ને બાહ્ય જગતનું ભાન ભૂલી જાય છે. એનો બાહ્ય સંસાર સાથેનો સંબંધ સંપૂર્ણપણે છૂટી જાય છે.

ઋષિની એ અદૂભુત અવસ્થાને  પરીક્ષિત સહાનુભૂતિપૂર્વક તટસ્થ રીતે સમજી શક્યા હોત તો તો એમને એમના પ્રત્યે અસાધારણ આદરભાવ થાત, પરંતુ એને એ ના સમજી શક્યા.

કેટલાક લોકો મહાત્માઓ પાસે જાય છે ખરા પરંતુ પૂર્વગ્રહથી પ્રેરાઇને કે દેહાભિમાનને લઇને જાય છે. એ ખુલ્લા હૃદયે અને નમ્ર અથવા નિરહંકાર બનીને નથી જઇ શક્તા. ત્યાં જઇને પણ મનની ઇચ્છાઓ રાખે છે, અને એમની ઇચ્છા પ્રમાણેનું માન એમને ના મળે તો એમને જબરો આઘાત લાગે છે. એની અસર નીચે આવીને એ ક્રોધે ભરાય છે ને કેટલીક વાર ન કરવાનું કામ કરી બેસે છે. એવા લોકોએ સમજવું જોઇએ કે મહાત્માપુરુષોની પાસે પહોંચીને કોઇ વિશેષ સન્માનની આકાંક્ષા રાખવાની ના હોય. ત્યાં તો નમ્રાતિનમ્રભાવે જ્ઞાન, પથપ્રદર્શન કે શાંતિ મેળવવા માટે જ જવાનું હોય. એવા પ્રાતઃસ્મરણીય મહાપુરુષોની સંનિધિમાં સૌ સરખા છે અને કોઇ વધારે કે કોઇ ઓછા મહત્વનું નથી મનાતું.

પરીક્ષિતનો એવો વિવેક નષ્ટ થઇ ગયો. એમને કોઇએ યોગ્યતાનુસાર સત્કાર્યા નહિ અને બેસવાનું આસન સરખું ના આપ્યું; વળી એમણે મુનિ પાસે પાણી માંગ્યું તો શમીક મુનિએ-એ સમાધિમગ્ન મુનિનું નામ શમીક હતું - એમને પાણી ના આપ્યું એટલે એ ઉત્તેજીત બની ગયા ને મન પરનો કાબુ ખોઇ બેઠા.

માણસ ક્ષુધા તથા તૃષાના વેગને સહી શકે છે, શીતોષ્ણને પણ સહી શકે છે, મોટી મોટી યંત્રણાઓને અને વ્યાધિઓને પણ સહી શકે છે, પણ સાચા તો શું પરંતુ પોતાના માની લીધેલા મિથ્યા માનપાનના વેગને નથી સહી શકતો. એ એની મોટામાં મોટી પરવશતા કે કરુણતા છે.

પરીક્ષિતના સંબંધમાં પણ એવું જ બન્યું. મુનિના આશ્રમમાંથી મુનિની સંનિધિમાં પણ એ રાજા જ રહ્યા અને જિજ્ઞાસુ કે દર્શનાર્થી ના બની શક્યા. એમના નામ પ્રમાણેના ગુણ એમનામાંથી કામચલાઉ સમયને માટે જતા રહ્યા. જીવનમાં સમગ્ર રીતે સર્વાંગીય વિચાર કરીને વિવેકપૂર્વક આગળ વધવાની એમની વૃત્તિએ એમનો સંબંધવિચ્છેદ કર્યો. ઉત્તેજનામાં ને ઉત્તેજનામાં ક્રોધાતુર બનીને પોતે શું કરે છે એનું એમને ભાન જ ના રહ્યું. ત્યાંથી પાછા ફરતી વખતે એમની નજર એક મરેલા સાપ પર પડી. એ સાપને ધનુષ્યના અગ્રભાગની મદદથી ઊંચકીને એમણે શમીક મુનિના ગળાની આજુબાજુ વીંટી દીધો. એ પછી એ પોતાની રાજધાની હસ્તિનાપુરમાં પાછા ફર્યા.

એમને એ વખતે ખબર ના પડી કે એ મૃત સાપ કેવળ સાપ રહેવાને બદલે એમના અમંગલનો સંદેશવાહક થઇ પડશે. મુનિને નિહાળીને એમને લાગ્યું કે એમને શું સાચેસાચ સમાધિની પ્રાપ્તિ થઇ છે ને બાહ્ય જગતનું ભાન નથી રહ્યું કે પછી પોતાને દૂરથી દેખીને પોતાની પ્રત્યે બેપરવા બનીને કે ઉપેક્ષાભાવ કેળવીને જ એ આંખ બંધ કરીને બેસી ગયા છે ? ભાવો કે વિચારોના એવા અવિવેકયુક્ત મનોમંથનમાં એ એવું ઉતાવળિયું પગલું ભરીને કુત્સિત કર્મ કરી બેઠા.

એ કુકર્મની પ્રતિક્રિયા ઘણી ભારે થઇ. શમીક મુનિનો સુપુત્ર શ્રૃંગી બીજા ઋષિકુમારોની સાથે થોડેક દૂર ક્રીડા કરી રહેલો. એણે પોતાના પિતાની એવી ઘોર અવહેલના જોઇ ત્યારે એની પીડાનો પાર ના રહ્યો. એને માહિતી મળી કે પોતાના પિતાનું એવું અસાધારણ અપમાન કરનાર પરીક્ષિત છે ત્યારે તો એનો ક્રોધ પરાકાષ્ઠા પર પહોંચી ગયો. એણે કહ્યું કે પ્રજાના પાલક કહેવાતા પુરુષો ધર્મ ને નીતિની પ્રસ્થાપિત માન્ય મર્યાદામાં રહીને પ્રજાનું સમ્યક્ સંરક્ષણ અને પાલન કરવા માટે છે. એમની પાસેથી એવા સંરક્ષણ અને પાલનની અપેક્ષા સેવવામાં આવે છે. એને બદલે એ મર્યાદાનો ભંગ કરીને એ પ્રજાજનોના ભક્ષણ, અહિત અથવા અપમાનનાં કર્મો કરવા માંડે એ કેટલું બધું અયોગ્ય, અમંગલ અને અનર્થકારક કહેવાય ? પ્રજા એમને લીધે શાંત, સુખી અને સુરક્ષિત કેવી રીતે રહી શકે ? સમાજમાં પોતાના જીવનનાં જઘન્ય કર્મો દ્વારા આંતક અથવા અશાંતિ ફેલાવનારા એવા પુરુષો સત્તાના ગમે તેવા શિખર પર બેઠા હોય તો પણ ખરેખર દંડનીય છે. એમને કોઇ પણ સંજોગોમાં દંડ દીધા વિના ના જવા દેવાય.

આશ્રમની સમીપમાંથી સરળતાપૂર્વક સરી જતી કૌશિકી નદીનું આચમન કરીને શ્રૃગીએ એ પછી એની અમોઘ વાણીનો પ્રયોગ કરીને શાપ આપતાં કહ્યું કે કુલાંગાર પરીક્ષિતે ધર્મની પ્રસ્થાપિત મર્યાદાનો ભંગ કરીને મારા પિતાનું અપમાન કર્યું છે માટે આજથી સાતમે દિવસે તક્ષક નાગના કરડવાથી એમનું મૃત્યુ થાય.

બહારથી છેક સાધારણ સરખી દેખાતી ઘટનાએ એકદમ અસાધારણ રૂપ ધારણ કર્યું અને એ પણ અત્યંત અલ્પ વખતમાં. એ વખતના અપાયેલા આશીર્વાદ અને શાપ અમોઘ થઇ પડતા, એટલે એ શાપની અવશ્યંભાવિતામાં કશી શંકા ના રહી.

શાપ આપીને શ્રૃંગી આશ્રમમાં આવ્યો ત્યારે પોતાના પિતાના કંઠની આસપાસ એણે મૃત સાપને જોયો. એ પ્રત્યક્ષ દર્શનથી એના દુઃખનો પાર ના રહ્યો. એ પોક મૂકીને રડવા લાગ્યો.

એનું રુદન સાંભળીને શમીક મુનિ પોતાની સાધનામાંથી જાગ્રત થયા. ગળાની આજુબાજુથી મૃત સર્પને અતિશય આશ્ચર્યચકિત થઇને દૂર કરીને એમણે શ્રૃંગીને રુદનનું કારણ પૂછ્યું.

શ્રૃંગીએ સઘળી કથા કહી સંભળાવી. એ સાંભળીને અને ખાસ તો શાપની વાત સાંભળીને મુનિને પ્રસન્નતા ના થઇ. અને ક્યાંથી થાય ? વિવિક્તવાસી, વીતરાગ, પરમાત્મપરાયણ ઋષિઓ એમનું કોઇ અહિત કરે તો પણ બીજાનું અમંગલ કરવાની ભાવના નથી સેવતા. એ સર્વે પ્રકારના શુભાશુભ અથવા અનુકૂળ-પ્રતિકૂળ સંજોગોમાં સ્વસ્થ અને શાંત રહે છે. એમનાથી ભૂલેચૂકે પણ કોઇને હાનિ નથી પહોંચી શકતી.

અને એમાંય આ તો મહારાજા પરીક્ષિત હતા. એમનાથી કોઇક આવેશમાં જ્ઞાત અથવા અજ્ઞાત રીતે આવો અલ્પ જેટલો અપરાધ થાય એટલે શું આવો મહાભયંકર શાપ આપી દેવાય ? ભગવાનના ભક્તોમાં, યોગીઓમાં કે તપસ્વીઓમાં શાપ આપવાની કે બદલો લેવાની શક્તિ હોય છે તો ખરી પરંતુ એનો ઉપયોગ એ આટલી બધી ઉતાવળથી ને પૂરતો વિચાર કર્યા વગર નથી કરતા. કોઇ એમનું અપમાન કરે, નિંદા કરે, નુકશાન કરે, એમને ગાળ આપે, સતાવે કે મારપીટ કરે, તો પણ એ શાંત રહે છે ને બદલો લેવા માટે પ્રતિશોધભાવમાં પ્રવૃત્ત નથી થતા. મનની સ્વસ્થતાને સદા સાચવી રાખે છે. એવી સ્વસ્થતા એમને માટે સ્વાભાવિક હોય છે. નહિ તો પછી એમનામાં ને સામાન્ય માનવમાં ફેર શો ?  શમીક મુનિની માન્યતા એવી અનોખી હતી અને એ માન્યતાના આધારે એમણે શ્રૃંગીને મીઠો ઠપકો આપ્યો.

શમીક મુનિ ક્ષમાવૃત્તિમાં ને શ્રૃંગી દંડનીતિમાં વિશ્વાસ રાખતા. એ માનવની દ્વિવિધ વિરોધાભાસી પ્રકૃતિના પરિચાયક છે. માનવસમાજમાં એવી વિભિન્ન પ્રકારની પ્રકૃતિ સદાયે રહેવાની. એક પ્રકારની પ્રકૃતિ કહેવાની કે માણસ માત્ર ભૂલને પાત્ર હોવાથી એણે જ્ઞાત અથવા અજ્ઞાત રીતે ગમે તેવો ને ગમે તેટલો અપરાધ કર્યો હોય તો પણ એ દંડનીય નથી.પરંતુ ક્ષમ્ય છે. બીજા પ્રકારની પ્રકૃતિ કહેવાની કે જ્ઞાત કે અજ્ઞાત ગમે તે રીતે કોઇ પણ પ્રકારનો અપરાધ કરનારને દંડ દેવો જ જોઇએ જેથી એ ફરી વાર અપરાધ ના કરે અથવા અપરાધ કરતાં પહેલાં પૂરતો વિચાર કરે. તો જ સમાજ પણ સુરક્ષિત રહી શકે. અપરાધ કરનાર કોઇ પણ હોય - એ કોણ છે એ મહત્વનું નથી; મહત્વની વસ્તુ અપરાધ છે. અપરાધનો દંડ મળવો જ જોઇએ. એક પ્રકારની પ્રકૃતિ મોટે ભાગે વિવિક્તસેવી સંતોની કે વીતરાગી મહાત્માઓની ને બીજા પ્રકારની પ્રકૃતિ મોટે ભાગે સંસારીઓની છે. ભાગવત એ બંને પ્રકારની પ્રકૃતિનો પરિચય કરાવે છે. શ્રૃંગી વિવિક્તવાસી તથા ઋષિપુત્ર હોવા છતાં એની અંદર બીજા પ્રકારની પ્રકૃતિનું પ્રાબલ્ય હતું. એનાથી કદાચ બીજું બધું જ સહન થઇ શકત પરંતુ પોતાના પિતાનું અસાધારણ અપમાન સહન ના થઇ શક્યું. એ અપમાને એના દિલને ઘાયલ કર્યું. એના અંતરને આઘાત પહોંચાડ્યો. પરિણામે એના મુખમાંથી શાપ નીકળી પડ્યો.

No comments:

Post a Comment