Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, January 22, 2013

સાંખ્યશાસ્ત્રની વિચારણા


સાંખ્યશાસ્ત્રની વિચારણા

તૃતીય સ્કંધમાં મહર્ષિ કપિલ સાંખ્યશાસ્ત્રની વિચારણાનો પરિચય કરાવે છે. છવ્વીસમાં અધ્યાયના આરંભમાં જ એ દેવહુતિને જણાવે છે કે પ્રકૃતિનાં તત્વોનું તથા પુરુષનું જ્ઞાન મેળવવાથી પ્રકૃતિના ગુણોમાંથી મુક્તિ મેળવીને સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને કૃતાર્થ થવાય છે. એના પરથી સમજાય છે કે જ્ઞાન અથવા સાંખ્યશાસ્ત્રનો વિચાર વિદ્વાન થવા, વાદવિવાદ કરવા કે ઊંચામાં ઊંચી બૌદ્ધિક પ્રતિભાથી પુરસ્કૃત થવા માટે નથી. એનું પ્રમુખ પ્રયોજન આત્મકલ્યાણનું છે.
સાંખ્યશાસ્ત્ર પ્રમાણે અનાદિ આત્માને પુરુષ કહેવાય છે. એ આત્મા નિર્ગુણ, પ્રકૃતિથી પર, સૌના અંતઃકરણમાં રહીને જીવન પ્રદાન કરનાર, જ્ઞાનસ્વરૂપ ને સ્વયંપ્રકાશ છે. એ સમસ્ત જગતમાં પણ વ્યાપક છે. એ આત્મા સ્વેચ્છાથી સહજ રીતે જ પ્રકૃતિના અને એના વિવિધ ગુણધર્મો તથા વિષયોના સંગમાં આવે છે. એને પ્રકૃતિનો સંસર્ગ થાય છે અને એ સંસર્ગના પરિણામે આસક્તિના અંકુર પેદા થાય છે. પ્રકૃતિની એ આસક્તિને લીધે જ એ બદ્ધ બને છે, દુઃખી થાય છે, ને પોતાના મૂળભૂત સ્વરૂપને ભૂલી જાય છે. મૂળભૂત સ્વરૂપનું એવું વિસ્મરણ એને એના અસલ આનંદથી વંચિત કરે છે. એ દૃષ્ટિએ જોઇએ તો મનુષ્યમાત્રની અવસ્થા આજે કેવી છે ? પેલી અહલ્યા જેવી કરુણ, રસહીન, જડ. એ આનંદસ્વરૂપ હોવા છતાં એમના જીવનમાં આનંદ નથી. શાંતિસ્વરૂપ હોવા છતાં એને માટે શાંતિનો અનુભવ આકાશકુસુમ જેવો અશક્ય થયો છે. એ સ્વયંપ્રકાશ હોવા છતાં અહર્નિશ અંધારામાં અટવાય છે ને જ્ઞાનનો ભંડાર - અક્ષય ભંડાર હોવા છતાં અજ્ઞાનનો અથવા અલ્પ જ્ઞાનનો અનુભવ કરે છે. શુદ્ધ, બુદ્ધ, મુક્ત હોવા છતાં અશુદ્ધિ, બંધન અને અવિદ્યાથી ગ્રસ્ત છે. એનો મહિમા અનંત હોવા છતાં એ દીન, હીન ને પતિતની પેઠે ફર્યા કરે છે. એ આશીર્વાદોના આશીર્વાદ અને વરદાનોના વરદાનરૂપ હોવા છતાં શાપિતની પેઠે શ્વાસ લે છે. એ પોતાના મૂળભૂત મહિમાને ભૂલી ગયો છે માટે જ આહલાદરહિત છે. એનામાં સ્ફુર્તિ, તાજગી, ઉલ્લાસ, ચેતના કે જીવન નથી. એની એ ખોવાયેલી મૂડી એને ક્યારે મળે ? એનું જીવન ફરીવાર રસાળ અને ઉલ્લાસપૂર્ણ ક્યારે બને ?
પોતાના અસલ સ્વરૂપને ઓળખીને એનું અનુસંધાન સાધવું જોઇએ. પોતાના અસલ સ્વરૂપનું અનુસંધાન શક્ય બને એટલે પુરુષનો મહિમા પૂર્ણપણે જાગી ઉઠે અને પ્રકૃતિની પરવશતામાંથી કાયમને માટે મુક્તિ મળે. પછી એના અણુએ અણુમાં નવી શાંતિ, નવી સંવાદિતા, નવું જીવન, નવી ધન્યતા, નવી સંતૃપ્તિ અને નવો આહલાદ ફરી વળે. એની શાપિત દશા જેવી જડ દશા દૂર થાય, વિષયોની ઘોર તંદ્રા તૂટી જાય, અને એ ફરી પાછો શિલામાંથી અહલ્યા બને. પોતે તો આનંદ, શાંતિ પામે જ પરંતુ બીજાને પણ આનંદ, શાંતિ અને જીવનથી કૃતાર્થ કરે. સાંખ્યયોગ અથવા આત્મજ્ઞાનનું મહત્વનું પ્રયોજન એ જ છે. મહર્ષિ કપિલ પોતાની માતા દેવહુતિ સાથેના વાર્તાલાપ દરમિયાન એના પ્રત્યે અત્યંત અને સફળતાપૂર્વક અંગુલિનિર્દેશ કરે છે.
પુરુષના પ્રકૃતિના મોહને લીધે સ્વરૂપજ્ઞાનની જ્યોતિ જાગ્રત નથી રહી શક્તી. પ્રકૃતિના ગુણોથી કરાતાં કર્મોને પ્રકૃતિના અધ્યાસને લીધે પુરુષ પોતાની દ્વારા થતાં હોય તેમ માને છે. પુરુષ અકર્તા છે, ઇશ્વર છે, સર્વનો સાક્ષી, સુખસ્વરૂપ ને સર્વપ્રકારે સ્વતંત્ર છે તો પણ એવું કર્તૃત્વાભિમાન એને માટે દુઃખનું, અહંકારનું આસક્તિનું, અશાંતિનું ને બંધનનું કારણ બને છે. પ્રકૃતિને લીધે જ પુરુષ શરીરભાવને ને ઇન્દ્રિયભાવને પામે છે.
મહર્ષિ કપિલ કહે છે કે વિદ્વાનો પ્રધાન નામના ત્તવને જ પ્રકૃતિ કહે છે. ત્રણે ગુણોની સામ્યાવસ્થાને લીધે એમાં વિશેષ ભેદ દેખાતા નથી. તો પણ એ પોતાના અંશકાર્ય મહત્તત્વ વિગેરેના આશ્રયરૂપ છે. એ ત્રિગુણાત્મક હોવાથી બ્રહ્મસ્વરૂપ નથી. પાંચ મહાભૂતો, પાંચ તન્માત્રાઓ, અંતઃકરણ ચતુષ્ટય તથા દસ ઇન્દ્રિયો એ ચોવીસ તત્વોનો સમૂહ વિદ્વાનોની દૃષ્ટિએ પ્રકૃતિનું કાર્ય મનાય છે. પંચ મહાભૂતો - પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ; પાંચ તન્માત્રાઓ - શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ; પાંચ ઇન્દ્રિયો ને પાંચ કર્મેન્દ્રિયો મળીને દસ ઇન્દ્રિયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણચતુષ્ટય.
મહર્ષિ કપિલ કહે છે કે માતા ! શરીરની અંદર રહેનારો પુરુષ નિર્લેપ અથવા અસંગ છે. પાણીની અંદર પ્રતિબિંબિત થયેલો સૂર્ય પાણીના ભીનાશ જેવા ગુણધર્મોથી લેપાતો નથી તેમ જીવાત્મા જુદાં જુદાં શરીરોમાં રહેલો હોવા છતાં નિર્ગુણ, અકર્તા અને વિકારરહિત હોવાથી પ્રકૃતિના ગુણોથી પેદા થનારાં સુખદુઃખથી કે પુણ્યપાપથી લેપાતો નથી. પરંતુ એ જ્યારે પ્રકૃતિના ગુણોમાં આસક્ત થાય છે ત્યારે અહંતા-મમતાદિથી યુક્ત બનીને સ્વરૂપજ્ઞાનને ભૂલે છે ને કર્તાપણાનું અભિમાન કરે છે. એને લીધે એ મુક્તિના સર્વોત્તમ સુખથી વંચિત થઇને વિવિધ યોનિઓમાં ફરતો રહે છે. સંસારનું મુખ્ય કારણ એની વિષયાસક્તિ અને એના પરિણામે પેદા થનારી ભ્રાંતિ છે.
એ વિષયાસક્તિ અને ભ્રાંતિને દૂર કરવા માટે શું કરવું જોઇએ ? મનને ભક્તિમાં લગાડવું જોઇએ. ભક્તિના સમજપૂર્વકના સેવનથી અને વૈરાગ્યભાવથી મન ધીમે ધીમે વશ થાય છે. એ ઉપરાંત ભગવાનની કથાવાર્તાઓના શ્રવણથી પણ એ દિશામાં મદદ મળે છે. જેને યોગમાર્ગમાં રુચિ હોય તે યોગના અભ્યાસક્રમનો આધાર લઇને આગળ વધી શકે છે. જ્ઞાન, ભક્તિ કે યોગ ગમે તે સાધનવિશેષનો આધાર લેવામાં આવે તો પણ જીવનને જેટલું બને તેટલું સદ્દગુણી, શુદ્ધ અને સાત્વિક કરવાનું ધ્યાન રાખવું જોઇએ. ક્રિયાઓ છે તો સારી પરંતુ તેમની સાથે સાથે જીવનનું સ્વરૂપ પણ બદલાવું જોઇએ ને ઉત્તરોત્તર પવિત્ર થવું જોઇએ. તો જ જીવનનો વાસ્તવિક વિકાસ થઇ શકે અને અલૌકિક આનંદ મળી શકે.
આત્મસાક્ષાત્કારની ભૂમિકાના નિર્માણને માટે મહર્ષિ કપિલ આદર્શ વિશુદ્ધ જીવનવ્યવહારને ખૂબ જ મહત્વનો માને છે એ યાદ રાખવા જેવું છે. આત્મા નિર્મળ હોવાથી એને અનુભવવા માટે નિર્મળતા મેળવવી જરૂરી છે. જીવનવિકાસના સાધકે એ ખાસ સમજી લેવાનું છે.
મહર્ષિ કપિલ આત્મસાક્ષાત્કારને માટે આવશ્યક એવા વિશુદ્ધ જીવનવ્યવહારનાં કેટલાક આવશ્યક અંગો પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં કહે છે કે સાધકે સત્સંગની રુચિ કે રસવૃત્તિ રાખવી, સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખવો, સંગદોષથી બચવું, વેરભાવ ના રાખવો, બ્રહ્મચર્ય પાળવું, મૌન સેવવું, ઇશ્વરાર્પણભાવથી સ્વધર્મનું પાલન કરવું, સંતોષી બનવું, પોતાની પરિસ્થિતિ વિશે નિરર્થક બડબડાટ કરીને દુઃખી કે બેચેન ના થવું, મિતાહાર અને એકાંતનો અનુરાગ રાખવો, મનનશીલ થવું, શાંતિ જાળવવી, સર્વ પ્રત્યે મિત્રતા ને કરુણા રાખવી, જીતેન્દ્રિય થવાનો પ્રયત્ન કરવો, પોતાના શરીરની ને પરિવારની મમતાનો પરિત્યાગ કરવો અને પુરુષ તથા પ્રકૃતિનું જ્ઞાન મેળવવું.
એવા વિશુદ્ધ જીવનવ્યવહારથી વિચારો, ભાવો તથા સંસ્કારોની શુદ્ધિ થતાં અને ઉદાત્તતા સધાતાં આત્માનો સાક્ષાત્કાર સહજ બને છે. આત્મા સૂર્યની પેઠે પવિત્ર ને પ્રકાશમય બને છે. સૂર્યની આગળ વાદળ આવવાથી સૂર્ય થોડા વખતને માટે ઢંકાયેલો ને પ્રકાશરહિત લાગે પરંતુ વાદળના હઠવાથી એના પૂર્ણ પ્રકાશ સાથે દૃષ્ટિગોચર થાય; પાણીની ઉપર લીલ ફરી વળતાં પાણી મલિન લાગે, પરંતુ લીલ દૂર થતાં જેમ પાણી પૂર્વવત પવિત્ર દેખાય; તેમ અવિદ્યાનું - અહંતા મમતા તથા કુસંસ્કારોનું આવરણ દૂર થતાં આત્મા પોતાના અસલ અલૌકિક સ્વરૂપે પ્રકાશી ઊઠે છે. એને -આત્માના એવા અલૌકિક સ્વરૂપાનુભવને જ આત્મદર્શન તરીકે ઓળખવામાંઆવે છે.
આત્માનું દર્શન કરનાર પુરુષ સર્વ પ્રકારની ઉપાધિથી મુક્તિ મેળવે છે અને સર્વવ્યાપક પરબ્રહ્મને પામી લે છે. એ વખતે જીવન કૃતકૃત્ય બને છે.
આટલી વિચારણા પછી માતા દેવહુતિ એક અગત્યનો અટપટો પ્રશ્ન પૂછે છે. એ પ્રશ્નનો સાર એ છે કે પ્રકૃતિ પુરુષને કદી પણ છોડતી નથી. પ્રકૃતિ અને પુરુષ એકમેકના આશ્રયે રહે છે અને બંને નિત્ય છે. તો પછી મુક્તિ કેમ થઇ શકે ? પૃથ્વી ગંધ વિના રહે નહિ અથવા પાણી રસ વિના ને રસ પાણી વિના ટકે નહિ. તેવી રીતે પુરુષ અને પ્રકૃતિ સાથે જ રહે છે. પુરુષને પ્રકૃતિના ગુણોથી કર્મબંધન થતું હોય તો તે બંધન પ્રકૃતિના ગુણો જ્યાં સુધી હોય ત્યાં સુધી કેવી રીતે ટળી શકે અને પુરુષનો મોક્ષ પણ કેવી રીતે થઇ શકે ?
કપિલ ભગવાને એનો ઉત્તર પોતાની લાક્ષણિક રીતે આપતાં જે જણાવ્યું તે પણ એટલું જ અગત્યનું છે. પ્રકૃતિ પુરુષની સાથે ચિરસહચરી થઇને રહે છે એ સાચું છે પરંતુ એ પણ એટલું જ સાચું છે કે એનો પ્રતિકૂળ પ્રભાવ ક્રમેક્રમે ઓછો થતો જાય છે. એ પ્રતિકૂળ પ્રભાવને દૂર કરનારાં અથવા પ્રકૃતિની વિરોધી અસરનો અંત આણનારાં સાધનોમાંના કેટલાંક આ રહ્યા : નિષ્કામ કર્મનું કે સ્વધર્મનું આચરણ, નિર્મળ મન, સુદીર્ઘ સમય સુધી ભગવાનની કથાઓના શ્રવણથી પેદા થયેલી ગાઢ ભક્તિ, પુરુષ તથા પ્રકૃતિનું વિવેકજ્ઞાન, તીવ્ર વૈરાગ્ય, યમ-નિયમ તથા વિવિધ વ્રતો સાથેનો યોગાભ્યાસ અને એકધારું ધ્યાન.
કાષ્ઠમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ કાષ્ઠને પોતાને પણ બાળી નાખે છે તેમ પુરુષ અને પ્રકૃતિના વિવેકજ્ઞાનથી પ્રકૃતિનો પ્રભાવ ટળી જાય છે. પછી પ્રકૃતિનો જે શુદ્ધ ને સૂક્ષ્મ અંશ રહે છે તે પુરુષના બંધનનું કારણ નથી બની શક્તો. પરમાત્માનો સાક્ષાત્કાર કરનાર ને પરમાત્મામાં મન લગાડનાર પુરુષને માટે પ્રકૃતિ કદી અનર્થકારક નથી થઇ શક્તી. સ્વાનુભવસિદ્ધ આત્મજ્ઞાનને લીધે એના સર્વ સંશયો નાશ પામે છે અને પછી એનું વાસનામય અવિદ્યાયુક્ત કારણશરીર ના રહેતાં એ મહાપુરુષ આજ જન્મમાં કૈવલ્યપદની પ્રાપ્તિ કરે છે ને કૃતાર્થ બને છે.
આદર્શ આત્મજ્ઞાનીનું મન અણિમાદિ અષ્ટ સિદ્ધિઓમાં ને નવ નિધિઓમાં પણ આસક્ત નથી થતું. પ્રકૃતિના કોઇયે પદાર્થ, વિષય કે ભોગોપભોગ એને આકર્ષી નથી શકતા અને અંધ નથી બનાવતા. એવો પુરુષ પોતાના સ્વરૂપમાં જ સ્થિતિ કરે છે અને રમે છે. આત્માનંદનો અનુભવ કરનાર મહાપુરુષને બીજા કોઇયે લૌકિક કે પારલૌકિક આનંદની અનુભૂતિની આકાંક્ષા નથી હોતી. એની શાંતિ અને એનું સુખ એની પોતાની અંદર જ હોય છે. એના પોતાના જ આત્મામાં.

No comments:

Post a Comment