Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Friday, January 18, 2013

બે પ્રકારની પ્રકૃતિ


બે પ્રકારની પ્રકૃતિ


ભગવાન કહે છે કે હે અર્જુન, મારી પ્રકૃતિ બે જાતની છે. એક તો પરા ને બીજી અપરા. અથવા કહો કે એક સાધારણ ને બીજી અસાધારણ. અપરા અથવા સાધારણ પ્રકૃતિ આઠ પ્રકારની છે. (૧) પૃથ્વી (૨) પાણી (૩) પવન (૪) અગ્નિ (૫) આકાશ (૬) મન (૭) બુદ્ધિ ને (૮) અહંકાર. પરા અથવા અસાધારણ પ્રકૃતિમાં જીવનો સમાવેશ થાય છે. સંસારમાં જે છે તે બધા જ પદાર્થો આ બે જાતની પ્રકૃતિમાંથી બનેલા છે એમ કહો કે સંસાર ભગવાનની પ્રકૃતિમાંથી થયેલો છે એટલે ભગવાનનું સ્વરૂપ છે. એ જ ભાવમાં ભગવાન કહી રહ્યા છે કે હે અર્જુન, મારા વિના આ સંસારમાં બીજું કાંઈ જ નથી. જેમ દોરમાં મણકા પરોવ્યા હોય, અથવા ફૂલ ગૂંથીને માળા બનાવી હોય, તેમ આ આખુંયે જગત મારી અંદર ગૂંથાયેલું, પરોવાયલું કે ઓતપ્રોત થયેલું છે. મારા વિના સંસારનું અસ્તિત્વ જ નથી. રસથી ભરેલા પદાર્થોમાં હું જ રસરૂપે રહેલો છું, ને સૂર્ય તથા ચંદ્રમાં, ગ્રહ ને નક્ષત્રમાં પ્રકાશરૂપે પણ હું જ રમી રહ્યો છું. વેદોમાં ૐકાર રૂપે પણ હું જ છું. સંસારમાં જે કાંઈ પવિત્ર, પ્રકાશમય કે રસમય છે, તે મારું જ સ્વરૂપ છે. પંખીના સ્વરમાં ને શિશુના શબ્દોમાં મારી જ મધુરતા રહેલી છે. વનસ્પતિ ને વૃક્ષોમા હું જ વિરાજી રહ્યો છું ને વિશાળ સાગર તથા સુંદર સરિતાના રૂપમાં હું જ મારા હૃદયને ખુલ્લું કરીને વહી રહ્યો છું.


ભગવાન વિના સંસારમાં કાંઈ જ નથી. જુદા જુદા પદાર્થોનું રૂપ લઈને એક ભગવાન જ પ્રગટ થઈ રહ્યા છે ને લીલા કરી રહ્યા છે એ વાતનો અનુભવ કરવાની જરૂર છે. ભગવાનના વિરાટ વિશ્વરૂપનું દર્શન કરવાનું છે. સંસારમાં બધે ઈશ્વર રહેલા છે, ને બધાં રૂપોમાં તે જ રમી રહ્યા છે, એવું જ્ઞાન થાય, ને તે પ્રમાણે અનુભવ કરાય, તો જીવન મંગલમય, પ્રેમમય ને આનંદમય બની જાય. એ અનુભવી દશા પર માણસે પહોંચવાનું છે એ દશા પર પહોંચેલા ઉપનિષદના ઋષિઓએ પોતાના અંતરના આનંદને શબ્દોમાં ઠાલવતાં કહ્યું છે કે સંસારમાં બધે આ અમૃતમય પરમાત્મા જ રહેલા છે. આગળ, પાછળ, ઉપર ને નીચે, જમણા તરફ ને ડાબી તરફ બધે તે પરમાત્માનો જ વાસ છે. પરમાત્મા બધે જ ફેલાયેલા છે, ઉત્તમ છે, ને સર્વશક્તિમાન પણ તે જ છે.  કવિ દલપતરામે પોતાની સરલ, સાદી પણ સુંદર, સચોટ ને સુમધુર ભાષામાં ગાયું છે કે,


આસપાસ  આકાશમાં, અંતરમાં આભાસ

ઘાસચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ.


કવિ કહે છે કે ઈશ્વર વિના રજ જેટલી જગ્યા પણ ખાલી નથી. ખરું છે, બહાર તો શું પણ માણસની અંદર પણ તેવી ખાલી જગ્યા ક્યાં છે ? તનમાં, મનમાં, અંતરમાં ને રોમેરોમમાં ઈશ્વરનો વાસ છે. છતાં આવા વ્યાપક ને આટલાં બધા સમીપ રહેતા ઈશ્વરને ઓળખવામાં માણસ પાછો પડે છે ને કેટલીકવાર તેનો ઈન્કાર કરવા પણ તૈયાર થાય છે, એ શું ઓછી નવાઈની વાત છે ?


ઈશ્વરને જોવા માટે માણસે અજ્ઞાનના આવરણને દૂર કરવું જોઈએ, વિવેકને જગાવવો જોઈએ ને અંતરની આંખ ઉઘાડવી જોઈએ. તે આંખ ઉઘડે તો ઈશ્વર તેને પાસે જ દેખાય ને બધે તેમનો અનુભવ થાય. ગમે તેટલાં પુસ્તકો વાંચો, જપ ને તપ તથા યજ્ઞાદિ કરો, તીર્થોમાં ફરો, પંડિતોને પણ મહાત કરે તેવી મેઘા મેળવો. પણ અંતરની આંખ ઉઘડ્યા વિના ને ચરાચરમાં પ્રભુનું દર્શન થયા વિના સાધના ફળે નહિ; શાંતિ મળે નહિ, ને બંધન ટળે નહિ. જપ, ધ્યાન, યાત્રા, અભ્યાસ ને બીજી ક્રિયાઓથી કરવાનું કામ આ જ છે. તે બધી ક્રિયાઓની મદદથી અંતરની આંખ ઉઘાડવાની છે ને છેવટે ચરાચરમાં પ્રભુની ઝાંખી કરવાની છે. જેમની અંતરઆંખ ઉઘડી જાય છે તેમને પ્રભુની ઝાંખી થઈ જાય છે. શુકદેવની દશા આવી હતી. રાધા ને ગોપીઓની દશા પણ આવી હતી. તેમને સર્વત્ર પ્યારા પ્રભુનું દર્શન થતું.


આપણે પણ પ્રભુનું શરણ લઈને, સંતોના ચરણમાં ઢળીને, પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી આંખ આગળથી અજ્ઞાનના આવરણને હઠાવી દો, ને કૃપા કરી દો.


- શ્રી યોગેશ્વરજી


માયાનો પ્રભાવ


પરમાત્મા પોતાની પાસે છે, ને પોતે પણ પરમાત્માસ્વરૂપ છે. છતાં માણસ એ વાત ભૂલી ગયો છે; ને તેથી દુઃખી, દરિદ્ર થઈ ફર્યા કરે છે. આ કેટલી બધી નવાઈ ઉપજાવે તેવી વાત છે, તેનો જરાક વિચાર તો કરો. કોઈ માણસના ગજવામાં અપાર ધન હોય. છતાં તે વાતને ભૂલી જઈને તે દરિદ્ર થઈને ફર્યા કરે ને માગણ બને, તો કેટલું આશ્ચર્ય લાગે ? કેટલાંક માણસો ગાંઠે પૈસા બાંધીને કોઈ વસ્તુ ખરીદવા બજારમાં નીકળી પડે છે. પણ બજારમાં જઈને પૈસાની વાત વિસરી જાય છે, ને પૈસા વિના વસ્તુ લીધા વિના ઘેર પાછાં ફરે છે. તપાસ કરે છે ત્યારે કેટલેય વખતે તેમને યાદ આવે છે કે પૈસા તો તેમની ગાંઠે જ બાંધેલા છે. માણસની દશા પણ તેવી જ છે. ગાંઠે બાંધેલા રતનની જેમ પરમાત્મા તેની પાસે જ છે, પ્રાણ કરતાં પણ વધારે પાસે છે છતાં તે વાતને તે વિસરી ગયો છે ને સંસારના સુખશાંતિ ને સમૃદ્ધિના બજારમાં આમતેમ ફર્યા કરે છે. પોતાને દીન ને હીન માનીને રડે છે, ને દુઃખી થાય છે. તેનું કારણ શું ? સંસારનો રસ, વિષયોનું સુખ, અજ્ઞાન ને લાંબા વખત લગી તેમાં રમવા કે ભમવાથી થયેલી ભ્રાંતિ. તેને માયા પણ કહે છે. તેમાં ફસાઈને માણસ ભગવાનને ભૂલી જાય છે, ને જે ખોટું છે તેને સાચું ને સાચાને ખોટું માની બેસે છે. માયાનો પડદો જેના પર પડી ગયો છે. તેને પાસેમાં પાસે રહેલા પરમાત્માનું દર્શન પણ થઈ શકતું નથી. માયાનો પ્રભાવ જ એવો છે. વ્યવહારમાં ડૂબેલા સાંસારિક માણસો જ નહિ પણ મોટા મોટા મુનિ, યોગી, જ્ઞાની ને તપસ્વી પણ તેની જાળમાં સપડાય છે. પોતાની સુંદરતાથી જે સૌને મોહિત કરે છે, તે પણ આ નટખટ માયાના મોહમાં પડીને સૂધબૂધ ભૂલી જાય છે. કીડીથી કુંજર ને રજથી માંડીને ગજ સુધીના સઘળા પ્રાણી ને પદાર્થો માયાવતી દેવીની આંખના ઈશારા પ્રમાણે ચાલી ને નાચી રહ્યા છે. ભગવાનની જેમ તેમની શક્તિ જેવી માયા પણ સર્વવ્યાપક હોય તેમ બધે જ ફેલાયલી છે. માનવ તો શું, દેવો પણ તેની અસર નીચે આવી જાય છે. તેની આણ બધે જ પ્રવર્તે છે.


ભગવાન પોતે કહે છે કે હે અર્જુન, મારી માયા દૈવી શક્તિથી ભરેલી છે. ત્રણ જાતના ગુણથી ભરેલી છે, ને તરવી મુશ્કેલ છે. પેસિફિક કે એટલાન્ટિક મહાસાગરને તરી જવાય, સુએઝની નહેર ને સંસારના બધા જ દરિયાને કદાચ તરી જવાય, પણ માયાને તરવાનું કામ એથીયે મુશ્કેલ છે. પોતાના સ્વભાવમાં રહેલાં તમોગુણ ને રજોગુણને જીતીને સત્વગુણી બનવું ને છેવટે ઈશ્વરનું દર્શન કરી ત્રણે ગુણોથી પર થવું એથીયે કપરૂં છે. લોઢાના ચણા ચાવવા જેવું છે. ભલભલા પહેલવાનો, મલ્લો ને કુસ્તીબાજો પણ એ કામમાં સફળ થઈ શકતા નથી. માયા તેમને પણ-આંખ બંધ કરીને ઉઘાડે એથી પણ ઓછા વખતમાં-ગુલાંટ ખવડાવી દે છે ને મહાત કરે છે. એ માયા મહામસ્તાની છે. મોટામોટા મુનિ ને પંડિત પણ તેની મસ્તીમાં મોહાઈ જાય છે. ભગવાન કહે છે કે તેના મોહમાંથી છૂટવાનું કામ કઠિન છે.


- શ્રી યોગેશ્વરજી



માયાને તરવાનો ઉપાય


માયાને વશ કરવાનું કે તરવાનું કામ કઠિન હોય તો માણસે શું હતાશ બનીને બેસી રહેવું ? શું માણસે નિરાશ થઈ જવું ? કદાપિ નહિ. ભગવાનના કહેવાનો અર્થ એવો નથી. ભગવાન તો માયાને તરવી મુશ્કેલ છે એમ કહે છે. જેથી આપણે સાવધાન થઈએ ને માયાને તરવાના કામમાં બધી શક્તિને કામે લગાડીએ. માણસે સંસારમાં મુશ્કેલ લાગતાં કેટલાંય કામ કર્યા છે. સંસારના જીવો ને પદાર્થોને વશ કર્યા છે. તેવો માણસ માયાને વશ ના કરી શકે એમ બને જ નહિ. એટલે કોઈયે સંજોગોમાં તેણે નિરાશ થવાની જરૂર નથી. રણમાં લડવા નીકળતી વખતે જ શત્રુની શૂરવીરતાની વાતો સાંભળીને જેના પગ ઢીલા પડી જાય છે, ને જેના શરીરમાં કંપ તથા હૈયામાં ફફડાટ થાય છે, તેવો યોદ્ધો રણમાં જઈને શત્રુની સામે કેવી રીતે લડી શકશે ને વિજય પણ કેવી રીતે મેળવી શકશે ? માટે શરીરમાં કંપ ને હૈયામાં ફફડાટ લાવવાની જરા પણ જરૂર નથી. હિંમત રાખો, ઉત્સાહ ધરો ને વીર બની વિજય મેળવવાનો માર્ગ શોધી કાઢો. તો જરૂર ફત્તેહ થશે.


રામાયણમાં સંત તુલસીદાસે લખ્યું છે કે : ‘માયા ને ભક્તિ બંને નારી જાતિ છે. તે બંનેમાં ભગવાન રામને ભક્તિ ખૂબ વહાલી છે. માયા તો તેમની સામે ને તેમની આંખને ઈશારે નાચતી નર્તકી છે. ભક્તિ તેમની પ્રિયતમા હોવાથી સ્વાભાવિક રીતે જ તેની પર તેમની કૃપા છે. કહો કે ભગવાન ભક્તિને વશ છે ને ભક્તિની અનુકૂળતા સાચવે છે, તેથી માયા તેનાથી ડરે છે. રખેને ભક્તિનું કાંઈ અહિત થાય ને ભગવાનનો ખોફ વહોરવો પડે એવા વિચારથી તેને સદા ભય લાગે છે. જેના હૃદયમાં ભગવાનની અપાર ને અનન્ય ભક્તિ જાગી ઊઠે છે. તેને જોઈને માયાને સંકોચ થાય છે. ભગવાનના તેવા પરમ ભક્તની પાસે માયાનું જોર જરા પણ ચાલતું નથી. એટલા માટે જે મુનિ છે તે પરમ જ્ઞાની છે, તે સર્વ પ્રકારના સુખના ભંડાર જેવી ભક્તિની માંગણી કરે છે. ભગવાનનું આ રહસ્ય વધારે ભાગે કોઈના જાણવામાં આવતું નથી. ભગવાનની કૃપા વિના તે જણાતું નથી ને જે જાણી લે છે, તેને સ્વપ્ને પણ મોહ થતો નથી. માયાના પ્રભાવથી તે પર થઈ જાય છે.’


એટલે કે ભક્તિનો આશ્રય લેવાથી માયાનું જોર ઢીલું પડી જાય છે. જેના હૃદયમાં ભગવાનની  ભક્તિ છે તેને માટે માયાનો ભય રહેતો નથી. તુલસીદાસજી ફરી લખે છે કે, ‘ભગવાનની ભક્તિ તો ચિંતામણી છે. જેના અંતરમાં તે વસી જાય છે તેના અંતરમાં સદાને માટે પ્રકાશ છવાઈ જાય છે. પ્રકાશને માટે તેને પછી દીપક, દીવેટ કે ઘીની જરૂર પડતી નથી. તેવા માણસની પાસે મોહ ફરકી શકતો નથી, લોભની વાત તેને ગમતી નથી. તેના અંતરમાંથી અજ્ઞાનનો અંધકાર મટી જાય છે, ને બીજી તૃષ્ણાઓ ટળી જાય છે. કામ, ક્રોધ ને લોભ જેવા લૂંટારા તેની પાસે જતા નથી. જેના હૃદયમાં ભક્તિ જાગી જાય છે, તેને માટે વિષ અમૃતમય ને દુશ્મન હિત કરનારો મિત્ર થઈ જાય છે. બધા જ જીવો જેના હુમલાને લીધે દુઃખી થાય છે, તે માનસરોગ તેને થતો નથી. ભગવાનની ભક્તિનો મણિ જેના દિલમાં વસી જાય છે તેને સ્વપ્ને પણ દુઃખ પડતું નથી. ભક્તિનો મણિ તેના હાથમાં આવી જાય છે તે સંસારમાં સૌથી ચતુર છે.’


માટે માયાને તરવા માટે હૃદયમાં ભક્તિ જગાવી દો. પ્રભુના પ્રેમને પ્રકટ કરી દો. પ્રભુના પ્રેમના પ્રકાશ પાસે માયાનો અંધકાર એક ક્ષણ પણ ટકી નહિ શકે. ભગવાનની ભક્તિ કરનારે માયાથી ડરવાની જરૂર નથી.


થોડા વખત પહેલાં અમે કાશ્મીરમાં આવેલા પ્રસિદ્ધ ધામ અમરનાથના દર્શને ગયા હતા. અમરનાથની યાત્રા ઘણી વિકટ છે. પર્વતના ચડાઈ ઉતરાઈના રસ્તા ઘણા ભયંકર છે. અમરનાથની યાત્રાનો લગભગ ત્રીસ માઈલનો છેલ્લો રસ્તો અમે ઘોડા પર બેસીને કાપ્યો હતો. ઘોડા પર મુસાફરી કરવાનું કામ પણ સહેલું ન હતું. ઘોડા પર બેઠેલા કેટલાક માણસોને પડી જવાની બીક લાગતી. વધારે ભાગે તો ઘોડા એકલા ચાલતા. પણ રસ્તો વધારે ભયંકર હોય, ત્યારે ઘોડા પર બેઠેલા માણસો ગભરાતા ને ઘોડાવાળાને બોલાવતા. ઘોડાવાળા દોડી આવતા ને ઘોડાની લગામ પકડતા ને પછી તે ઘોડાને ધીરે ધીરે દોરતા. એટલે બેઠેલા માણસોને સલામતી લાગતી. જીવનનો માર્ગ તેથીયે વધારે અટપટો છે. તે માર્ગે ચાલનારે ઘણી સાવધાની રાખવી પડે છે. માણસ જો પોતાની લગામ ભગવાનના હાથમાં સોંપી દે, તો જીવનના ભયસ્થાનો તેનો વાળ પણ વાંકો ના કરી શકે, ને માયા પણ તેને ડરાવી કે ભરમાવી ના શકે. એટલે જીવનનું મંગલ ચાહનાર માણસને આપણે કહીએ છીએ કે તમારા ઘોડાની લગામ ભગવાનના હાથમાં સોંપી દો. તમારા મનને ભગવાનનું કરી દો. ભગવાનનું શરણ લો. ભગવાનની પ્રાર્થના કરો ને ભગવાનની મદદ માંગો. ભગવાનની કૃપાથી તમારી જીવનયાત્રા સફળ થશે. ભગવાનની માયામાંથી મુક્તિ મળશે. માયાને વશ કરવા માટે માયાનો વિરોધ કે સામનો કરવાનું છોડી દો. માયા ભગવાનની છે, તમે ભગવાનનું શરણ લો, ભગવાન સાથે પ્રીતિ કરો એટલે ભગવાન પોતે માયાને દૂર કરી દેશે. આ જ એક અકસીર માર્ગ છે.


ભગવાન કહે છે કે હે અર્જુન, સાચું છે કે મારી માયા ભયંકર છે. તેને તરવાનું ને વશ કરવાનું કામ કપરૂં છે. પણ તે તો કાયર માણસોને માટે. જે મને ભૂલી ગયા છે, મારાથી દૂર છે, ને સંસારના રંગરાગમાં ડૂબેલા છે, તેવા માણસો પણ માયાને પાર કરીને પરમ શાંતિની પ્રાપ્તિ કરી લે છે.


- શ્રી યોગેશ્વરજી



નિર્ભય બનો


માયાના રંગમાં રંગાવાનો પ્રસંગ આવે ત્યારે ભયભીત ના થવું. મોહ ને અજ્ઞાનથી દુર્બળ ના બનવું પણ તેનો સામનો કરવો. માયાની શક્તિ ભારે છે એ વાત સાચી છે પણ પરમાત્માની શક્તિ એથી પણ વધારે ભારે છે. તે સર્વશક્તિમાન પરમાત્મા તમારી અંદર ને બહાર બધે જ બેઠેલા છે. તેમનું અનુસંધાન સાધો એટલે માયાથી ડરવાનું કોઈ જ કારણ નહિ રહે. માણસે પોતાને ઘણો દુર્બળ માની લીધો છે. તેથી તે દીન ને હીન થઈને સંસારમાં ફરે છે. માયા તેના પર તેથી જ જોર ચલાવે છે. જ્યારે માણસ જાગી ઊઠશે, પોતાની શક્તિ ને પોતાના ગૌરવને ઓળખી લેશે, ને પોતે પરમાત્મા સ્વરૂપ છે એમ સમજીને, પોતાના શુદ્ધ, બુદ્ધ ને મુક્ત સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થશે, ત્યારે પરમાત્માની કૃપાથી માયા તેને કાંઈ જ નહિ કરી શકે.


એટલે હિંમત રાખો. આત્મશ્રદ્ધાને કેળવો ને મનોબળ પેદા કરો. કાયર ને ડરપોક તો કદાપિ ના બનશો. પ્રભુની શક્તિ પર વિશ્વાસ રાખી પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલો ને પ્રભુના પ્રેમી બની જાવ, પછી ચિંતા મટી જશે. નાવે પોતાનું સર્વ કાંઈ નાવિકને અર્પણ કર્યુ છે. નાવિકના હાથમાં તેણે પોતાના ભાવિ ને વર્તમાનને મૂકી દીધું છે. હવે તેને તરવાનો કે ડૂબવાને ક્યાં ભય છે ? નાવ તરે કે ડૂબે તેમાં લાભ કે નુકશાન નાવિકને છે, તે પ્રમાણે તમે પણ તમારૂં સર્વ કાંઈ સંસારના સૂત્રધાર ને નાવિકને સોંપી દો ને તમે પણ તેના જ થઈ જાવ. પછી તે તમારી ચિંતા કરશે ને તમારી જવાબદારી ઉપાડી લેશે. જીવનના આઘાત ને પ્રત્યાઘાતથી તે તમારી રક્ષા કરશે, ને તમને જરૂર સલામત રીતે પાર ઉતારશે. માટે જીવનના જંગમાં એક તેનો જ આધાર લો. બીજા બધા આધાર નકામા છે. જીવનની શાંતિ ને સલામતિ માટે જે ઈશ્વરનું શરણ લેશે, ને ઈશ્વર પર આધાર રાખી જીવન પસાર કરશે, તે જરૂર સુખી થશે.


ઈશ્વરનું શરણ લેનાર ને ઈશ્વરને પ્રેમ કરનારા પુરૂષોથી માયા સદા દૂર રહે છે. બીજા બધા જ માણસોને માયા મોહ પમાડે છે પણ ઈશ્વરના ભક્તો અથવા હરિજનોથી તે દૂર રહે છે. એટલે જ કહે છે કે ‘માયા સૌને મોહ પમાડે, હરિજનથી રહી હારી રે’. ઈશ્વરના દૂત જેવા સંતોની શક્તિ પણ ક્યાં ઓછી છે ? સંતો પ્રભુના પ્રતિનિધિ છે. પ્રભુની કૃપાના સાકાર સ્વરૂપ જેવા છે. જે તેમને શરણે જાય તે પણ સલામત ને સુખી થઈ જાય છે. તેમની કૃપા જેના પર થઈ જાય તે મોહ ને માયાથી મુક્ત બની જાય છે, ને બંધનથી પર થાય છે. કવિ ને સંત પ્રીતમદાસે લખ્યું છે કે સંત કૃપાથી છૂટે માયા. તે પ્રમાણે સંતોની સેવા કરો. સંતોનો સમાગમ કરો. સંતોના દર્શન માટે આતુર બનો ને સંતોની કૃપા માટે સદા તલસ્યા કરો. સંતોની સુવાસ ચંદનની સુવાસથી પણ ચઢે છે. તે સુવાસ જેને મળી જાય છે, તેને સંસારની ગંદકીનો ભય રહેતો નથી. સંતો સંસાર સાગરની પાર પહોંચ્યા છે. માયા પર તે શાસન ચલાવે છે. તેમના શરણમાં જનાર પણ તેમની કૃપા મેળવીને સંસાર સાગરને સહેલાઈથી તરી જશે, ને માયાનો સ્વામી બનશે.


- શ્રી યોગેશ્વરજી




ગીતાના શરણથી પણ માયાને તરાય છે


એક માણસે કૂવામાં પડતું મૂક્યું. કૂવામાં પડતી વખતે તેણે હોહા કરી મૂકી. તેનો ને કૂવા પરનાં માણસોનો કોલાહલ સાંભળીને ત્યાં કેટલાંય માણસો જમા થઈ ગયાં. તેમાંના એકે કૂવામાં દોરડું નાખ્યું, પણ કૂવામાં પડેલા માણસની મરજી જુદી જ હતી. તેણે દોરડાને પકડવાનો જરાયે પ્રયાસ ના કર્યો ને છેવટે તેનું મરણ થયું. હવે તમે જ વિચાર કરો કે તે માણસની મરજી કૂવામાંથી બહાર નીકળવાની હોત તો શું તેને માટે કોઈ ઉપાય ન હતો ? ઉપાય તો હતો જ. પણ માણસે તેનો લાભ ના લીધો પછી શું થાય ? માયામાં પડેલા માણસોનું આમ જ સમજવાનું છે. માયામાંથી બહાર નીકળવું હોય તો તેમને માટે સાધનોનો અભાવ નથી. ઉપાય પણ છે. સંતો ને મહાત્માઓએ તે માટેના માર્ગ બતાવેલા છે. તે માર્ગે તેણે ચાલવાનું છે. તો તે જરૂર માયાના બંધનમાંથી મુક્તિ મેળવી શકશે. શરીરસુખ, લાલસા, ધન ને યશની લિપ્સા ને દંભ, દર્પ ને અભિમાન જેવા દુર્ગુણોની પકડમાંથી તે જરૂર છૂટી શકશે. યાદ રાખો કે માયાએ માણસને પકડ્યો નથી, પણ માણસે માયાને પકડી છે. બે હાથે લાકડું લઈને ઊભેલો માણસ લાકડું છૂટતું નથી એવી બૂમો પાડે તે જોઈને બીજાને કેવું લાગે ? ડાહ્યા માણસો તરત બોલી ઊઠે કે ભાઈ, એમાં બુમો શા માટે પાડે છે ? લાકડું તો તેં પકડ્યું છે. લાકડાએ કાંઈ તને પકડ્યો નથી. લાકડાને છોડી દે એટલે તે છૂટી જશે, ને તારો પણ છુટકારો થઈ જશે. તે પ્રમાણે આપણે માયાથી કંટાળેલા માણસને કહીશું કે ભાઈઓ, કંટાળો છો શા માટે ? માયા તમે જ ઊભી કરી છે. કરોળિયાની જેમ તમારી જાળમાં તમારી મેળે જ તમે બંધાયા છો. હવે બબડાટ શા માટે કરો છો ?


માયા કોઈ ભયંકર રાક્ષસી નથી, કે જે તમારો કેડો જ ના મૂકે. તમારી ઈચ્છા હશે તો તે તમને છોડી દેશે. નાનાં બાળકો કેટલીકવાર 'મા'ની પાસે દોરીથી હાથ બંધાવે પછી હાથ છોડવા માટે રોવા માંડે છે. માતા કહે છે કે હાથ બંધાવા માટે તો તું મારી પાછળ પડેલો. છતાં 'મા' કાંઈ બાળકની વેદના જોઈ શકે છે ? બાળકને રોતું જોઈ તે દોડી આવે છે, ને તેના બાંધેલા હાથ છોડી નાંખે છે. તમારા હાથપગ પણ ગમે તે કારણે બંધાયા હોય, તેમને છોડી નાખવાની ને માયાના નાનાં મોટાં બધા જ બંધનોથી મુક્ત થવાની તમારી ઈચ્છા હોય તો રડવા માંડો, ટળવળાટ કરી મુકો ને ઈશ્વરરૂપી 'મા' ને પોકાર પાડો. તમારો પોકાર તે જરૂર સાંભળશે ને તમને બધાં જ માયાવી બંધનોથી મુક્ત કરશે.


ભગવાન કહે છે કે મારૂં શરણ લે છે તે જ પુરૂષ કે સ્ત્રી માયાને તરી શકે છે. તેનો એક બીજો અર્થ પણ કરી શકાય છે. ભગવાન ને તેમની વાણી બે એક છે. ગીતા ભગવાનની વાણી છે. ભગવાનનું હૃદય ગીતામાં સંપૂર્ણપણે રેડાઈ ચૂક્યું છે. એટલે જ ગીતાના મહાત્મ્યમાં કહેવામાં આવ્યું છે કે ગીતા ભગવાનનું હૃદય ને જીવન છે. ગીતા આ પ્રમાણે કોઈ સાધારણ ગ્રંથ નથી. તરસ્યા કે ભૂખ્યાં થયેલા બાળકોને માતા પોતાના ખોળામાં લઈને જે પયપાન કરાવે છે ને શાંતિ આપે છે, તેમ શાંતિને માટે તલસતાં બાળકોને ગીતા શાંતિ આપે છે, અમૃત આપે છે, ને ભગવાનની પાસે પહોંચાડે છે. એટલે તો તેને ગીતામાતા કહેવામાં આવે છે. તે માતાનું શરણ લે તે પણ માયાને તરી શકે છે. ગીતાનો આશ્રય લેનાર માણસ સંસારમાં સદાને માટે સલામત બની જાય છે, ને સંસારની યાત્રા સફળતાપૂર્વક પૂરી કરે છે. એટલે તો ગીતાને નાવની ઉપમા આપવામાં આવી છે. તેનો આધાર લેનાર મોહ, માયા, વિષાદ ને અજ્ઞાનના સાગરને સહેલાઈથી તરી શકે છે. ગીતાની જેમ પ્રભુએ પ્રેરેલી વાણીવાળા બીજા બધાં જ ધર્મગ્રંથો વિશે આ પ્રમાણે સમજી લેવાનું છે. તે સૌમાં  માણસને શાંતિ આપવાની ને પ્રેરણા પાવાની શક્તિ છે. પણ આપણે ગીતાનો વિચાર કરી રહ્યા છીએ. એટલે કહીશું કે ગીતાનું શરણ લેનાર માણસને બીજા કોઈયે ધર્મગ્રંથનું શરણ લેવાની જરૂર રહેતી નથી. ગીતાનું સ્વર્ગીય ને સનાતન સંગીત જે સાંભળે છે તેને શાંતિ માટે બીજા કોઈયે સંગીતની જરૂર રહેતી નથી. ગીતામાતાના સંદેશને જીવનમાં ઉતારનારને માયાનો ભય રહેતો નથી.


- શ્રી યોગેશ્વરજી


સારાં અને નરસાં માણસો વિશે


કેટલાક માણસોને સ્ત્રીસંતાન, સગાંસ્નેહી ને ઘર તરફ નફરત હોઈ તેમાં રસ લેતાં માણસોને તે માયામાં પડેલાં માને છે. એકાંતમાં રહેનારા સાધુપુરૂષો પણ જો કોઈ નાનીમોટી પ્રવૃત્તિ કરે, તો તે માયામાં પડી ગયા એમ કહેવામાં આવે છે, પણ તે પ્રમાણે કહેવું ને માનવું બરાબર નથી. સ્ત્રીસંતાન ને સગાંસ્નેહીની વચ્ચે રહેવાથી કોઈ માયામાં પડી જતું નથી. ઘરમાં રહેવાથી ને પ્રવૃત્તિ કરવાથી પણ કોઈ માયામાં પડી જતું નથી. માયાનું સ્વરૂપ તો જુદું છે. માણસ બહારથી જોતાં ગમે તેવા વાતાવરણમાં રહે તે વસ્તુ બહુ મહત્વની નથી. મહત્વની વાત તો એ છે કે તે ભગવાનને ભૂલે છે કે નહીં અથવા તો પોતાની જાતના વિકાસથી વિમુખ થાય છે કે નહીં. તેના પરથી જ તે માયામાં પડ્યો છે કે કેમ તે નક્કી થાય છે. જે ભગવાનને ભૂલી જાય છે અથવા પોતાની અંદર રહેલા પરમાત્માને ઓળખવાનો પ્રયાસ કરતા નથી, તે માયામાં ડૂબેલા છે. તે ઉપરાંત જે અહંકાર, મમતા, સ્વાર્થખોરી ને રાગદ્વેષમાં રમી રહ્યા છે, તે પણ માયાના શિકાર થયેલા છે. તેવા માણસો માનવતા વિહોણા બને છે. તેમનામાં માણસાઈ મરી પરવારે છે. તે નરાધમ કહેવાય છે. અહંકાર ને અજ્ઞાનમાં ડૂબીને તે સંસારમાં રાક્ષસના જેવાં કર્મો કરે છે, ને મૂઢ થઈને ફરે છે. દુષ્ટ કર્મો કરનારા તે માણસો સંસારમાં ત્રાસ ફેલાવે છે ને પોતાને તથા બીજાને નુકશાન કરે છે. માયાના દાસ બનેલા તે માણસો ભગવાનનું શરણ લેતા નથી ને ભગવાનની પ્રાપ્તિ કરી શકતાં નથી.


પરંતુ તેમનાથી ઊલટી પ્રકૃતિનાં માણસો પણ સંસારમાં છે, પછી ભલે તેમની સંખ્યા ઘણી થોડી હોય. તેવા માણસો સારાં કર્મો કરવામાં ને બીજાને મદદ કરી સુખ પહોંચાડવામાં સદા સુખ સમજે છે. દ્વેષ ને નિંદાની સાથે તેમણે છુટાછોડા લીધા છે, ને અજ્ઞાનની સાથે તેમને બનતું નથી. માખણ પોતે શીતળ છે, પણ તેને અગ્નિ પર મૂકવાથી લાકડાનો તાપ પામીને તે દ્રવી જાય છે ને ગરમ થાય છે. તે પ્રમાણે સજ્જનો હોય છે. તે શીતળ સ્વભાવના પણ પારકાનું દુઃખ જોઈને દ્રવી જાય છે ને વેદનાનો અનુભવ કરે છે. બીજાના દુઃખને દૂર કરવા માટે તે બનતો પ્રયાસ કરે છે. બીજાના સુખથી તે સુખી થાય છે. સંસારના સઘળા જીવો સુખી થાય એવી તેમની કામના હોય છે. તે પોતે દુઃખ ભોગવે છે, પણ બીજાને સુખ આપવા માટે સદા તૈયાર રહે છે. ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ વાતાવરણમાં પણ તે ભગવાનને ભૂલતાં નથી. સત્ય, પ્રેમ ને દયા જેવા સદ્ ગુણોને મૂકતાં નથી, ને મોહ, માયા, મમતા ને અહંકારને ઝૂલે ઝૂલતાં નથી. પરમાત્માને ઓળખવા માટે તે સદાય પુરૂષાર્થ કરે છે. સંસારમાં જ્યાં વસે ત્યાં આંખ ઉઘાડી રાખી ડગલે ને પગલે સાવધ રહીને ચાલે છે. એવા માણસો બધાની વચ્ચે રહે તો પણ કશામાં ફસાતાં નથી, ને કશામાં લેપાતા નથી. સંસાર ને તેમાં મળેલું શરીર એક વિશાળ ધર્મશાળા ને તેની અંદરની નાનકડી ઓરડી જેવું છે. તેની અંદર મમતા કર્યા વિના તેમની મદદથી પરમાત્માને ઓળખી લેવા ને પરમશાંતિ, મુક્તિ ને પૂર્ણતા મેળવી લેવી, એ જ કામ કરવા જેવું છે, ને વહેલામાં વહેલી તકે કરવા જેવું છે. એ લેખ તેમના દિલમાં લખાઈ ચુક્યો હોય છે. તેવા માણસોનું જીવન ધન્ય છે. સંસારમાં પ્રકટ થઈને તેમણે પોતાના માતાપિતાને મહિમાવાળાં ને પાવન કર્યાં, ને પોતાનું કુળ ઉજાળ્યું. તેવા પુણ્યશાળી પુરૂષો જ ભગવાનનું શરણ લે છે, ને ભગવાનની ભક્તિ કરે છે.


- શ્રી યોગેશ્વરજી



મારી પાસે આવનારા જુદા જુદા માણસો


એનો અર્થ એમ નથી કે સારાં કર્મ કરે છે, તે જ ભગવાનને ભજે છે. ખરાબ કર્મો કરનાર માણસો પણ ભગવાનને ભજે છે. પણ ભગવાનની ભક્તિના પ્રભાવથી ખરાબ કર્મ કરનાર પણ સુધરી જાય છે, ને તે સારાં કર્મો કરે છે. વધારે ભાગે આવું બને છે. તે વાત જવા દઈએ તો પણ એટલી વાત તો જરૂર કહી શકાય કે ભગવાનને ભજનારા માણસો એક જાતના નથી હોતા. એ વાત સમજવા માટે એક બીજી વાત કરીએ.


જે માણસો સંતમહાત્માના દર્શને જાય છે તે કેટલાંય જુદા જુદા હેતુથી જાય છે. મારી પાસે કેટલાંય જુદા જુદા માણસો આવે છે. એક માણસે મારી પાસે આવીને કહ્યું કે મારી સ્ત્રી ખૂબ બિમાર છે. કૃપા કરીને તેને આશીર્વાદ આપો તો બિમારી ટળી જાય. બીજાએ કહ્યું : મારી સ્ત્રી સાથે મારે બિલકુલ બનતું નથી તો કોઈ કીમિયો બતાવો કે જેથી સ્ત્રી વશ થઈ જાય ને અનુકુળ બની જાય. એકવાર એક બીજા માણસે આવીને કહ્યું કે કેટલાક વખતથી મને ગ્રહદશા નડી રહી છે. આશિષ આપો તો દશા ફરી જાય. બીજા એક ભાઈએ કહ્યું; ઘરમાં ભૂત હોય એમ લાગે છે. અમે તેમાં રહેવા જઈએ છીએ તો બિમાર જ પડીએ છીએ. કોઈ ઉપાય કરો કે ભૂત ભાગી જાય. કોઈ માણસો ધન માટે આશીર્વાદ માગે, કોઈ સંતાનની ઈચ્છાથી આવે, તો કોઈ ધંધાની ઉન્નતિ માટે આવે. મારે તેમને કહેવું પડે કે ભાઈઓ, મારી પાસે કોઈ કીમિયો નથી. આશિષ આપવાની શક્તિ પણ નથી. હું તો બાળક છું. પ્રભુનું શરણ લો ને પ્રભુની મદદ માંગો તો દશા સુધરી જશે, ને બધી રીતે આનંદ થશે. પ્રભુ બહુ દયાળુ છે. તેને પોકારો તો તે દયા જરૂર કરશે.


કેટલાક માણસો જુદી જુદી જાતના હોય છે. તેમને મારા વિશે માહિતી મેળવવાનું થાય એટલે મારી પાસે આવે છે ને મારા જીવન વિશે, મારા વસવાટ વિશે ને મારા જીવનના ધ્યેય વિશે પ્રશ્નો પૂછે છે. બીજા કેટલાક કુતૂહલવૃત્તિથી પણ આવે છે કે ચાલો, જરા જોઈએ તો ખરા કે મહાત્મા કેવા છે ! તે લોકો પોતાની જિજ્ઞાસા પૂરી કરીને ચાલવા માંડે છે. કોઈ દુઃખના માર્યા પણ આવે છે. સંસારના કડવા અનુભવોથી તેમનું અંતર ઉકળી ઊઠ્યું હોય છે. ક્લેશ ને તાપથી તે તપી ગયા હોય છે ને વિપત્તિથી મૂંઝાયા હોય છે. એવા માણસો પણ શાંતિ મેળવવા માટે આવે છે. પ્રેમના બે મીઠા મધુર બોલ સાંભળવાની ઈચ્છાથી તે પણ આવે છે. તે પણ વત્તીઓછી શાંતિ મેળવીને પાછા જાય છે.


આ ઉપરાંત એક બીજી જાતના માણસો પણ મારી પાસે આવે છે તે માણસો વિવેકી છે ને સમજે છે કે સંતોની પાસે જવાથી શાંતિ મળે છે. તેમને પૂછો કે મહાત્માના દર્શન માટે શા માટે જાવ છો ? તો તે તરત કહેશે કે મહાત્માના દર્શને ના જઈએ તે બને જ કેમ ? એમના દર્શન માટે જવું એ તો અમારો સ્વભાવ છે. માછલીને પૂછો કે તું પાણીમાં શા માટે રહે છે, તો તે શું કહેશે ? ને સૂરજનો પ્રકાશ પામીને ખીલી ઊઠતા કમળને પૂછો કે કમળ, તું કેમ ખીલી ઊઠે છે, તો તે શું જવાબ આપશે ? હજારો સ્ત્રીઓના ટોળામાં એક નાના શિશુને છૂટું મૂકી દો તો તે શું કરશે ? એકેક સ્ત્રીની પાસેથી પસાર થતાં થતાં તે છેવટે પોતાની માતાની પાસે પહોંચી જશે ને તેની ગોદમાં બેસી જશે. હવે તમે તે શિશુને પૂછો કે બીજી બધી સ્ત્રીઓને મૂકી દઈને માતાની પાસે જ તું કેમ ગયું, તો તે શું કહેશે ? તે પ્રમાણે સંતોના દર્શન માટે અમે કેમ જઈએ છીએ તે કેવી રીતે કહી શકીએ ? પ્રભુ ને તેમના પ્રેમી સંતોની પાસે ના જઈએ તો બીજે ક્યાં જઈએ ? તેમની પાસે જવાથી અમને શાંતિ મળે છે. તેમના સમાગમમાં અમને સ્વર્ગથી પણ વધારે સુખ લાગે છે. સર્વ પ્રકારના યજ્ઞો ને તીર્થોનું ફલ અમને તેમના દર્શન ને સંગમાં સાકાર થતું લાગે છે. તેમની પાસે ગયા વિના અમને આરામ મળે જ કેમ, ને ચેન પણ કેમ પડે ? સંતસમાગમ કરવો એ તો અમારો સ્વભાવ છે.


- શ્રી યોગેશ્વરજી



ચાર જાતના ભક્તો - જ્ઞાની ભક્ત


ખરેખર આ માણસોનો સ્વભાવ જ એવો હોય છે કે સંત કે મહાપુરૂષોના સમાગમ વિના તેમને ચેન પડતું જ નથી. કોઈ પણ જાતના લૌકિક લાભની ઈચ્છા વિના તે મહાપુરૂષોનો સંગ કરે છે. એટલા માટે કે તે વિના તે રહી શકતા જ નથી. એ પ્રમાણે ગીતામાતા કહે છે કે ભગવાનને ભજનારા ભક્તો પણ ચાર જાતના હોય છે. (૧) આર્ત (૨) જિજ્ઞાસુ (૩) અર્થાર્થી અથવા કામનાવાળા ને (૪) જ્ઞાની.


જ્ઞાની ભક્તો સંતોની પાસે જનારા છેલ્લી જાતના વિવેકી પુરૂષો જેવા જ હોય છે. ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું સ્મરણ–મનન ને સંકીર્તન કરવું ને ભગવાનને પ્રેમ કરવો એ તેમનો સ્વભાવ જ હોય છે. તે વિના તે રહી શકતા જ નથી. શ્વાસ લેવા ને છોડવાની જેમ ભગવાનને યાદ કરવાનું ને ભજવાનું કામ તેમને માટે સહજ બની ગયું હોય છે.  ભગવાનને પ્રેમ કરવાનો તેમનો સ્વભાવ કુદરતી થઈ ગયો હોય છે. ભગવાનની ભક્તિ કરીને બીજી કોઈયે કામના પૂરી કરવાની તેમને તૃષ્ણા નથી. તમે તેમને પૂછો કે ભગવાનને શા માટે ભજો છો તો તે જવાબ દેશે કે શા માટે ભજો છો એ કોઈ પ્રશ્ન છે ? પતિવ્રતા સ્ત્રીને પૂછવામાં આવે કે તું તારા પતિમાં પ્રેમ ને શ્રદ્ધા શા માટે રાખે છે, તો તે શું કહેશે ? પોતાના પતિમાં તે નિષ્ઠા નહિ રાખે તો બીજા કોનામાં રાખશે ? પતિ પર પ્રેમ રાખવો એ તેને માટે સ્વાભાવિક વસ્તુ છે. બે મિત્રોને પણ પરસ્પર પુષ્કળ પ્રેમ હોય છે. તેમના પ્રેમ માટે તેમની પાસે ખુલાસો માગો તો તે પણ શું કહેશે ? તે કહેશે કે પ્રેમ કરવાનું કામ અમારે માટે સ્વાભાવિક છે. તે પ્રમાણે ભગવાન સૌના સ્વામી, પ્રાણ ને સખા છે. તેમને પ્રેમ ન કરીએ તો બીજા કોને કરીએ ? તેમને પ્રેમ કરવા ને ભજવા માટે તો આ જીવન છે. જીવનની બધી શક્તિ એટલા જ માટે છે. તેમને યાદ કરવામાં ને ભજવામાં અનંત સુખ રહેલું છે. તેમને ભજ્યા વિના અમારાથી રહેવાતું જ નથી.


સંસારના બધા જ પદાર્થો વિનાશી છે. તે માણસને પરમ સુખ આપી શકતા નથી, ને અમરતા આપવાની પણ તેમની શક્તિ નથી. સંસારમાં જે સુંદરતા, પ્રકાશ, જ્ઞાન ને મધુરતા દેખાય છે તે પરમાત્માના પડછાયા જેવી છે. પરમાત્માની સુંદરતા ને મધુરતા એથી અનેકગણી વધારે છે ને પરમાત્માનું બલ, જ્ઞાન ને તેજ પણ તેથી ચઢિયાતું છે. પરમાત્માની પ્રાપ્તિથી જ માણસ મુક્તિ મેળવે છે. બંધન, અલ્પતા, અશાંતિ ને દુઃખમાંથી મુક્તિ મેળવવાનો બીજો કોઈ જ માર્ગ નથી. એ પ્રમાણે સમજી લેનાર માણસ પરમાત્માને મૂકી દઈને સંસારના બીજા વિષયોમાં કદી પણ ડૂબી જશે કે ?


પ્રભુના રૂપ, ગુણ, નામ ને આકર્ષણનો મહિમા જ એવો અજબ છે. ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી વાગતી એટલે ગોપી નશામાં આવી જતી. જમનાજીનાં નીર પણ પ્રેમની અસરથી થંભી જતા, પંખી વૃક્ષ ને વેલી આનંદમાં આવતાં, ગાયો પણ સ્તબ્ધ થઈને સમાધિદશાનો અનુભવ કરતી ઊભી રહેતી, ને જડચેતનમાં બધે મોહિની ફરી વળતી. ભગવાનનો સંદેશ ને પ્રેમ એવો ભારે છે પ્રેમની મૂર્તિ જેવા પ્રભુ માનવની અંદર ને બહાર બધેથી પોતાનો સંદેશો સંભળાવી રહ્યા છે. બધેથી પોતાનો પ્રેમ રેલી રહ્યા છે. જેને કાન છે તે સાંભળે છે, ને અંતર છે તે અનુભવે છે. તેને સાંભળીને, અનુભવીને, મુગ્ધ થયા વિના કોણ રહી શકે ? એવો પથ્થર હૃદયનો માણસ કોણ હોય જે ભગવાનના પરમપ્રેમની અસર નીચે ના આવે ?


પ્રભુના વિના રહી જ ના શકાય એટલી હદે આપણા પ્રેમને વધારવાનો છે. સંસારના વિષયોમાંથી મનને પાછું વાળી, પ્રભુના સ્વરૂપમાં લગાડી દેવાનું છે. આંખ ને અંતરમાં પ્રભુને માટે આતુરતા જગાવવાની છે, ને પ્રભુના જ સ્મરણ-મનનમાં મસ્ત બનવાનું છે. જીવન ઘણું ટૂંકું છે, ને કરવાનું કામ મોટું, લાંબુ ને કપરૂં છે. માટે પ્રમાદ ના કરશો, સમયને નકામો ના ગુમાવશો. દરેક ક્ષણનો હિસાબ રાખજો ને બરાબર ઉપયોગ કરજો. તો જ ધારેલું કામ કરી શકશો ને કૃતાર્થ બનશો. આ ચાલુ જીવનમાં જ પ્રભુનું દર્શન કરી લો ને જે મેળવવું હોય તે મેળવી લો. આવું ઉત્તમ કામ કરી લો. નિશ્ચય કરો ને કામમાં લાગી જાવ તો જરૂર સફળ થશો.


- શ્રી યોગેશ્વરજી




કામનાવાળા ભક્તો


પણ તમારામાંથી કોઈ બોલી ઉઠશે કે બધા માણસો કાંઈ કોઈપણ જાતની લૌકિક ઈચ્છા વિના ભગવાનને ભજે ખરા કે ? વાત સાચી છે. ભગવાન પણ આપણને એ જ વાત કહે છે. તેમનું કહેવું છે કે કેવલ જ્ઞાની ભક્તો મને ભજે છે એમ ના માનતા. જુદી જુદી જાતના-આ લોક ને પરલોકની ઈચ્છાવાળા માણસો પણ મને ભજે છે. જુઓને, માણસો મંદિરમાં જાય છે. તેમાંના કોઈ કોઈ કહે છે કે પ્રભુ, અમે જીવીએ છીએ ત્યાં સુઘી સુખી રહીએ ને મૃત્યુ પછી સ્વર્ગ કે વૈકુંઠમાં જઈએ એવું કરજો. કોઈ કહે છે કે પ્રભુ, અમારો ધંધો સારા ચાલે એવો આશીર્વાદ આપજો. તો કોઈ સ્ત્રીપુરૂષ, સંતાનની પ્રાપ્તિ, મુકદ્દમામાં જીત, લોટરી કે સટ્ટામાં સફળતા, રોગની નિવૃત્તિ, નોકરી ધંધાની પ્રાપ્તિ ને એવી બીજી કેટલીક ઈચ્છાઓ રજૂ કરે છે, ને તે પુરી કરવાની પ્રાર્થના કરે છે. તેવી રીતે ભગવાનને ભજનારા ભક્તનું પણ સમજવાનું છે. જ્ઞાની ભક્તો સાત્વિક હોય છે, ખૂબ પવિત્ર હોય છે, ને અનન્ય અનુરાગથી ભરેલા હોય છે. તેમના દિલમાં ભગવાનનો ભાવદરિયો સદા ઉછાળા મારતો હોય છે. ભગવાનને મળવા માટે તે આતુર થયા હોય છે, તેમાંના કેટલાક આગળ વધેલા ભક્તો તો બધે ભગવાનનું દર્શન કરે છે ને ભગવાનની લીલાનો અનુભવ કરે છે. પણ અર્થાર્થો અથવા કામનાવાળા ભક્તોના સંબંધમાં એવું સમજવાનું નથી. તે ભક્તો તો કોઈ કામના રાખીને જ ભગવાનને ભજે છે ને કેટલીયવાર યજ્ઞો ને અનુષ્ઠાન કરે છે, ને કોઈવાર નાનાંમોટાં વ્રત ને તપ પણ કરે છે. જ્ઞાની ભક્તોની જેમ એક ભગવાનના દર્શનની ઈચ્છાથી તે ભક્તિ કરતા નથી. પણ ભગવાન સિવાય બીજી વસ્તુઓની કામના રાખે છે.


છતાં તેમનો તિરસ્કાર કરવાની જરૂર નથી. તેમની તરફ મોં મચકોડવાથી કે તેમને દીન, હીન ને અજ્ઞાની માનવાથી પણ કાંઈ નહિ વળે. તેમને સહાનુંભૂતિથી જોવાની જરૂર છે. જરા વિચાર તો કરો કે આ સંસારમાં એવા હજારો માણસો છે જે ઈશ્વરને માનતાં જ નથી. ઈશ્વરની જરૂર તેમને જરા પણ લાગતી નથી. બીજા હજારો માણસો એવાં છે જે ઈશ્વરને નિરંતર યાદ કરતાં નથી. ઈશ્વરની કૃપા મેળવવાની તેમને ઈચ્છા જ થતી નથી. તે બધા માણસો કરતાં જે ઈશ્વરને યાદ કરે છે, ઈશ્વરની કૃપાની કામના રાખે છે, ને તે માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે, તેમનો દરજ્જો શું ઊંચો નથી ? શું તે વધારે આગળ નથી ? ભલે તે ઈશ્વરને કોઈ કામનાથી ભજતા હોય, પણ ભજે છે તો ખરાં ને ? કામના રાખીને પણ તે ઈશ્વરનું શરણ તો લે છે ને ? કોઈ રાક્ષસ કે શયતાનને તો તે ભજતા નથી ને ? કામના પૂરી કરવા માટે પણ ઈશ્વરનો આધાર લે છે ને એ રીતે ઈશ્વર તરફ વળે છે, તેમાં ખોટું શું ? એમ કરતાં કરતાં તેમના હૃદયમાં ઈશ્વરનો પવિત્ર પ્રેમ પ્રક્ટી ઊઠશે ને બધી જ લૌકિક તથા પરલૌકિક કામનાને છોડી દઈને એક ઈશ્વરના દર્શનને માટે જ તે ઈશ્વરને ભજવા માંડશે. માટે તેમને પણ સહાનુભૂતિથી જોતાં શીખો. તેમને પણ પ્રભુના પ્યારા ને કૃપાપાત્ર સમજો ને તેમની તરફ તિરસ્કાર રાખવાનું બંધ કરો.


સંસારનાં વધારે ભાગનાં માણસો દુઃખથી પીડાય છે. આધિવ્યાધિ ને ઉપાધિથી હેરાન થાય છે. તેમને ખાવા માટે અન્ન ને રહેવા માટે ઘર નથી. પહેરવા માટે પૂરતાં વસ્ત્રો ને પૂરતું ધન પણ તેમની પાસે નથી. બીજાં એવાં કેટલાંય માણસો છે જેમને એક યા બીજી જાતનાં દુઃખો છે. ક્લેશ, કષ્ટ ને ચિંતામાં તે સપડાયાં છે. બીજા કેટલાંક અત્યાચાર, અનાચાર ને અન્યાયનાં ભોગ બનેલાં છે. એવાં માણસો સંસારમાં દરેક દેશ ને કાળમાં વધારે કે ઓછા પ્રમાણમાં રહેવાનાં જ. તેવાં માણસો સુખી થવા ને કામના પૂરી કરવા ઈશ્વર તરફ મીટ માંડે તો તેમાં ખોટું શું છે ? માણસ જો સાચા દિલથી ઈશ્વરને ભજે, ને ઈશ્વરના પ્રેમથી તરબોળ બને, તો ઈશ્વર તેની બધી સંભાળ રાખે છે, ને તે ઈચ્છે કે ના ઈચ્છે, ને પ્રાર્થના કરે ના કરે, તો પણ તેનાં બધાં જ દુઃખ દૂર કરી, તેની બધી કામના પૂરી કરે છે. આ પ્રમાણે જે સમજે છે તે તો એક ઈશ્વરને જ ભજે છે, ને બધો ભાર ઈશ્વરને સોંપીને, ઈશ્વરની કૃપા જ કામના કરે છે,


એ વાત સાચી છે કે માણસ જ્યાં સુધી સાંસારિક રીતે સલામત ના હોય, ત્યાં સુધી ઈશ્વરને મન મૂકીને ભજી શકતો નથી. ભૂખ્યો માણસ ઈશ્વર કરતાં રોટલાને જ પહેલો ભજશે, ને ઈશ્વરને ભજશે તો પણ રોટલા માટે જ ભજશે. એ સમજી શકાય તેવું છે. તે પ્રમાણે નિર્ધન ધનની ને રોગી આરોગ્યની ઈચ્છાથી ઈશ્વરનું શરણ લેશે. અત્યાચારીના હાથમાં પડેલો માણસ અત્યાચારમાંથી છૂટવા માટે ને બીજી ઉપાધિવાળો માણસ ઉપાધિમાંથી મુક્ત થવા માટે ઈશ્વરને યાદ કરશે. એ વાત દીવા જેવી ચોખ્ખી છે. એ વાતનો સ્વીકાર કર્યા વિના છૂટકો જ નથી. તમને ગમે કે ના ગમે, ને ઈશ્વરની નિષ્કામ ભક્તિના ચોકઠામાં આ વાત બેસે કે ના બેસે, તો પણ તમારે સ્વીકાર કરવો જ જોઈએ.


સાધારણ માણસનો સ્વભાવ જ એવો રહેવાનો. લૌકિક કામનાને છોડી શકવાના જ નહિ. ને ના છોડે તો પણ શું ? તેવી રીતે પણ તે સંતમહાત્મા ને ઈશ્વરનું શરણ લેવા પ્રેરાય તેમાં કાંઈ જ ખોટું નથી. એમ માનીને તમારા દિલને ઉદાર રાખજો, ને તેમને પણ માનની નજરથી જોજો.


- શ્રી યોગેશ્વરજી



જિજ્ઞાસુ અને આર્ત ભક્ત


આ પછી જિજ્ઞાસુ ભક્તનો વારો આવે છે. જિજ્ઞાસુ ભક્ત કેવો હોય છે તે જાણો છો ? ભગવાન ને ભગવાનની સૃષ્ટિના સંબંધમાં વધારે ને વધારે જ્ઞાન મેળવવામાં તેને આનંદ આવે છે. તે માટે શાસ્ત્રોને ઉથલાવે છે, સંતો તથા વિદ્વાનોની પાસે જાય છે, ને વધારે ને વધારે જ્ઞાન મેળવે છે. તીર્થોમાં ફરીને પણ તે ભગવાનના રૂપ ને ગુણની તથા ભગવાનની શક્તિની માહિતી મેળવતાં ધરાતો જ નથી. એ માહિતી મેળવવાથી છેવટે તેના દિલમાં શ્રદ્ધા જાગે છે ને તે ભગવાનનો પ્રેમી બની જાય છે. ભગવાનનું દર્શન કરીને પણ ભગવાન વિશે વધારે ને વધારે માહિતી મેળવવામાં જ તેને આનંદ આવે છે. આવા ભક્તોને કેવલ પંડિત કે પોથીપરાયણ ના સમજતા. પંડિત કે પોથીના પૂજારી કરતાં તેમની કિંમત વધારે છે. કેમ કે તે પવિત્ર છે, ભક્ત છે, ને ભગવાનની કૃપા મેળવવા માટે પ્રયાસ કરે છે. કહો કે તે ભગવાનની પરમ કૃપાના ઉમેદવાર છે. તેમનું જ્ઞાન સૂકું નથી હોતું.


જિજ્ઞાસુ ભક્ત ભગવાનના મહિમાને જાણે છે, ને ભગવાનમાં પ્રેમ જોડે છે. સુખમાં ને દુઃખમાં, સારી કે નરસી દશામાં તે ભગવાનને વળગી રહે છે, ને ભગવાનને જ મેળવવાનો નિશ્ચય કરે છે. તેની શરૂઆતની જિજ્ઞાસા કુતૂહલમાંથી પ્રેમમાં ને છેવટે આસક્તિમાં ફેરવાઈ જાય છે. ભગવાનનું જ્ઞાન મેળવીને તેનું મન ભગવાનમાં લાગી જાય છે, ને તેને ભગવાનનું જ ધ્યાન લાગે છે. પ્રેમ પાકો થાય છે તેમ તેને ભગવાનના વિના ચેન જ પડતું નથી. ભગવાનને જ વરવાનો નિશ્ચય કરીને તે ભગવાનની પૂજા કે આરાધનામાં લાગી જાય છે. ભગવાન વિના પોતાના પ્રિયતમ તરીકે તે કોઈનેય પસંદ કરતો નથી. ભગવાનની કૃપા તેને જરૂર મળી જાય છે. આ વાત સમજાઈને ? સમજાઈ હોય તો તેને ભૂલશો નહિ ને તમે પણ ભગવાનને વરવા ને ભગવાનના પ્યારા ભક્ત થવા માટે તૈયાર થજો. બીજી બધી જ વાતોમાંથી મન હટાવી લઈને એક ભગવાનમાં જ તેને સ્થિર કરજો. પરિણામે તમે ભગવાનનો પ્રેમ જરૂર મેળવશો ને તમારૂં જીવન સફળ, સુખી ને ધન્ય બનશે. જીવનનો સાચો આનંદ ત્યારે મળી શકશે.


આર્ત ભક્ત


જ્ઞાની, અર્થાર્થી ને જિજ્ઞાસુ ભક્તની વાત કર્યા પછી હવે આર્ત ભક્તની વાત આવે છે. આર્ત ભક્ત કેવો હોય છે તે જાણો છો ? પોતાનું દુઃખ દૂર થાય તે માટે તે ખૂબ આતુર ને દુઃખી થઈને ભગવાનને ભજે છે. ભગવાનની કૃપા માટે રડે છે ને પ્રાર્થે છે. હૃદયના ઊંડાણમાંથી પોકાર પણ પાડે છે. એ પોકાર એવો જબરો હોય છે, પ્રબળ હોય છે કે ભગવાન તેને સાંભળ્યા વિના ને તેનો ઉત્તર આપ્યા વિના રહી શકતા નથી.


આર્ત ભક્તની પ્રાર્થના કે અરજ સાંભળીને ભગવાન પ્રકટ થાય છે, કૃપા કરે છે, ને તેનાં બધાં દુઃખ દૂર કરે છે. દુઃખમાં ડૂબેલો ને સંકટમાં સપડાયેલો જીવ રૂદન કરતાં ગાઈ ઊઠે છે કે હે પ્રભુ પધારો ! તમારા વિના મારે કોઈ જ આધાર નથી. હે પ્રભુ, મારી રક્ષા કરો. મને દુઃખમાંથી મુક્ત કરો. હવે જરા પણ વાર ન લગાડો. બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હવે જલદી પધારો. સંસારના સઘળા પદાર્થોમાંથી મનને પાછું વાળી લઈને તે ભગવાનની કૃપા માટે આતુર બને છે. ભગવાનની કૃપાનો ભિખારી બને છે. ‘માત તાત સગાં સહોદર જે કહું તે આપ મારે’ એવી ભાવના અનુભવતાં એક ઈશ્વર પર આધાર રાખીને તે બેસી રહે છે. ચાતક જેમ મેઘના બિંદુ માટે આતુર થઈને બેસે છે, તેમ ભગવાનની કૃપા માટે તે આતુર થાય છે.


જેમ કામના પૂરી થઈ જાય એટલે અર્થાર્થી કે કામનાવાળા ભક્તની ભાવભક્તિ શમી જાય તેવો સંભવ રહે છે, તેમ આર્ત ભક્તનું દુઃખ દૂર થતાં તેની ભક્તિ પણ શાંત થઈ જાય એવું બની શકે છે. તેની સાથે સાથે તેની ભક્તિ વધવાનો કે ચાલુ રહેવાનો સંભવ પણ રહે છે. કેટલીકવાર એવું બને છે કે દુઃખી માણસ ભગવાનને ભજે છે, ને ભગવાનની વધારે ઓછી કૃપા મેળવે છે. પછી તે સુખ આવે તો પણ ભગવાનને ભૂલી શકતા નથી. આમ થાય તે ઈચ્છવા જેવું છે. કેવલ દુઃખમાં નહીં, સુખમાં પણ ભગવાનને યાદ કરવા જોઈએ. દુઃખ પડે છે ત્યારે માણસ ભગવાનને યાદ કરે છે પણ જો સુખમાં તે ભગવાનની યાદ ચાલુ રાખે, ને ભગવાનને ભાવથી ભજે, તો દુઃખ પડવાનો સંભવ જ રહે નહિ.


દ્રૌપદીના વસ્ત્રને ભરસભામાં ખેંચવામાં આવ્યું, ત્યારે પહેલાં તો તેણે પોતાની લાજ રાખવા બને તેટલો પ્રયાસ કર્યો. પણ કાંઈ જ વળ્યું નહિ, ત્યારે છેવટે તેણે ભગવાનને કરૂણ સ્વરે પોકાર કર્યો : હે પ્રભુ, હવે મને ઉગારી લો, દુઃશાસનને હાથે ભરસભામાં મારી લાજ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે તમે મને ઉગારો. મારી લાજ રાખો–લજ્જા મોરી રાખો શ્યામ હરિ.


દ્રૌપદીનો પ્રેમપોકાર સાંભળીને ભગવાન કૃપા કરવા દોડી આવ્યા. દ્રૌપદીની સાડી તેમણે અનંત કરી દીધી ને પોતાના પર શ્રદ્ધા રાખનારની લાજ રાખી. એટલે તો કહેવાય છે, આજે પણ ગવાય છે કે :


‘દ્રૌપદીકી લાજ રાખી તુમ બઢાયો ચીર.’


- શ્રી યોગેશ્વરજી



ગજેન્દ્રની વાત


દ્રૌપદીનું ઉદાહરણ આર્તભક્તિનું ઉદાહરણ છે. આજે તો તેને વરસો વીતી ગયાં છે. પણ ઈશ્વરના જગતના નિયમો દેશ ને કાળથી પર છે. બધા જ સમયને માટે તે સરખા લાગુ પડે છે એટલે આજે પણ જે આતુર બનીને ઈશ્વરની મદદ માટે પોકાર પાડશે, તે મદદ જરૂર મેળવી શકશે. ઈશ્વરની કૃપાથી તેનું દુઃખ જરૂર દૂર થશે ને તેને ઈશ્વરની અદ્ ભુત શક્તિનો પરિચય મળશે. આજે ધર્મ ને ભક્તિ ઓસરતાં જાય છે ને માણસોનાં મન વધારે ભાગે સંસારના સુખમાં ડૂબતાં જાય છે, ત્યારે પણ ભગવાનની શક્તિમાં શ્રદ્ધા રાખનાર ને દુઃખના પ્રસંગે ભગવાનને પોકાર કરી કૃપા મેળવનારાં કોઈ કોઈ માણસો થતાં જાય છે એ ઓછા આનંદની વાત નથી.


આર્તભક્તનું બીજુ ઉદાહરણ ગજેન્દ્રનું છે. તે ખૂબ જાણીતું છે. ગજેન્દ્ર મહાપરાક્રમી હતો. એકવાર તે પોતાની સ્ત્રી ને સંતતિ સાથે ફરવા નીકળ્યો હતો. ફરતાં ફરતાં તે એક સુંદર સરોવર પાસે આવી પહોંચ્યો. સરોવરને જોઈને તે ખૂબ આનંદ પામ્યો, ને પોતાની સ્ત્રીઓ સાથે તેમાં જળક્રીડા કરવા ઉતર્યો. ઉન્મત બનીને તે આનંદ કરી રહ્યો હતો. એટલામાં એક મગરે તેનો પગ પકડ્યો. તેથી ગજેન્દ્ર ગભરાયો ને અકળાયો. બહાર આવવાના તેના બધા જ પ્રયાસો નકામા ગયા. મગર તેને પાણીમાં આગળ ને આગળ ખેંચતો ગયો. છેવટે ગજેન્દ્રની શક્તિ ખૂટી ગઈ. ત્યારે તેણે ભગવાનને યાદ કર્યા. પૂર્વજન્મના કોઈ મહાન સંસ્કારને લીધે તેને ભગવાન યાદ આવ્યા. તેણે પોકાર કર્યો કે : હે પ્રભુ, સંકટ વખતે તમે જ બધાના બેલી છો. હે સર્વવ્યાપક પરમાત્મા, હું તમને પ્રણામ કરું છું. હું અજ્ઞાનના આવરણમાં ઢંકાયેલો છું. મને તેમાંથી મુક્ત કરો ને ભય તેમજ મૃત્યુમાંથી છોડાવો. હે કરુણાના સાગર, હે દયાના ભંડાર, તમે મારી મદદે આવો ને મારો ઉદ્ધાર કરો. તમારી શક્તિ અનંત છે. તમે સૌથી શ્રેષ્ઠ ને શરણાગતવત્સલ છો. તમારો મહિમા અપાર છે. તમારી માયાનો પાર કોઈ પણ પામી શકે તેમ નથી. હું તમારે શરણે આવ્યો છું. તમે મારો ઉદ્ધાર કરો.


સાચા હૃદયની પ્રાર્થના ભગવાને ક્યારે નથી સાંભળી ? ગજની પ્રાર્થના સાંભળીને તે દોડી આવ્યા ને સુદર્શન ચક્રથી મગરનો નાશ કરી, ગજને તેમણે છૂટો કર્યો. જે સાચા હૃદયથી પોકાર કરે છે, તેની વ્હારે ભગવાન જરૂર પધારે છે, એમાં શંકા નથી. ગજની આ વાત શ્રીમદ્ ભાગવતના આઠમાં સ્કંધમાં વિસ્તારથી આપેલી છે, જેને તે વાંચવી હોય તે વાંચી શકે છે. અહીં તો તેનો સાર જ આપ્યો છે કેમ કે વિસ્તાર કરવાની અહીં જરૂર નથી. આર્તભક્તિની આવી બીજી વાતો તમે પણ જાણતા હશો પણ બહુ વાતોના ચક્કરમાં ન પડશો. તેનો સાર લઈને તમે પણ પ્રભુને ભજતાં ને પોકારતાં શીખજો. તો જ જીવનનો આનંદ મેળવી શકશો ને પ્રભુના પ્યારા પણ ત્યારે જ બની શકશો.


- શ્રી યોગેશ્વરજી



જ્ઞાની ભક્ત સૌથી ઉત્તમ છે


ચાર જાતના ભક્તોની વાત કરીને ભગવાન હવે એક બીજી વાત તરફ આપણું ધ્યાન ખેંચે છે. તે વાતને સમજવા માટે બીજી એક વાતનો વિચાર કરીએ. ધારો કે એક માબાપના ચાર પુત્રો છે. ચારે બુદ્ધિમાન છે પણ ચારેના સ્વભાવ જુદા જુદા છે. ચારે માબાપથી જુદા રહે છે. એકનો સ્વભાવ એવો છે કે જ્યારે દુઃખ પડે ત્યારે તે માબાપને વધારે યાદ કરે છે, ને માબાપ પાસે દોડી આવે છે. માબાપ ખૂબ માયાળુ છે, એટલે દુઃખના વખતમાં તેને બનતી મદદ કરે છે, ને ધીરજ તથા હિંમત પણ આપે છે. બીજો પુત્ર સુખી છે. તે પણ કોઈ કોઈવાર માબાપની મુલાકાત લે છે. પણ તેનું કારણ જુદું હોય છે. વાત એમ છે કે તેને નવું નવું જાણવાનો ને નવી નવી વાતો સાંભળવાનો શોખ છે. તેથી તે માબાપ પાસે આવે છે, ને નવી નવી માહિતી મેળવીને વિદાય થાય છે. ત્રીજો પુત્ર વળી જુદી જ જાતનો છે. તે પણ કોઈવાર માતાપિતા પાસે આવે છે પણ શા માટે તે જાણો છો ? દરેક વખતે કોઈ ને કોઈ વસ્તુ લઈ જવાની ઈચ્છાથી તે આવે છે. ખાવા, પીવા, લ્હેર કરવા ને જાય ત્યારે કોઈને કોઈ કામની વસ્તુ લઈ જવા માટે જ તે આવે છે. આ ત્રણે પુત્રો માબાપની સંભાળ લેતા નથી. ફક્ત પોતાના કામને માટે માબાપ પાસે આવે છે. માબાપને શું જોઈએ છે ને શી તકલીફ છે તેનો ખ્યાલ પણ રાખતા નથી ને તેમને કોઈ ખાસ કામ હોય, કે કોઈવાર બિમારી થઈ હોય, તો તે મોં જ બતાવતા નથી. પણ ચોથા પુત્રનો સ્વભાવ જરા જુદો છે. તે ગમે તેવું ભારે કામ આવી પડ્યું હોય, તો પણ માબાપ પાસે આવે છે. જોઈતી વસ્તુ લાવવી, ઘરમાં ગોઠવવી બધી જ જવાદારી તે ઉપાડે છે. તે કહે છે કે માબાપની સેવા ના કરીએ તો કોની કરીએ ? માબાપ તો દેવતા છે. તેમની સેવા કરવાનો બાળકનો ધર્મ છે. મારૂં જીવન ગમે તેટલું વૈભવી ને સુખી હોય, તો પણ માબાપની સેવા વિના નકામું છે. તેમની સેવાનો મંત્ર તો મને છેક બાળપણથી વારસામાં મળેલો છે. તેને કેમ ભૂલાય ? શ્વાસ રહેશે ત્યાં સુધી તેને ભૂલવાનું કામ તદ્દન અશક્ય છે.


હવે તમે વિચાર કરો કે એક માબાપના આ ચાર પુત્રોમાં સૌથી સમજદાર કોણ છે ? માબાપની પ્રત્યે વધારે ભક્તિભાવ કોનો છે ? માબાપની અંદર કોની નિષ્ઠા વધારે છે ને સૌથી શ્રેષ્ઠ પુત્ર કોણ છે ? માબાપની નજર તો સમાન છે. પોતાના બધા જ બાળકો પર તેમને સરખું હેત હોય એમ સમજી શકાય તેવું છે. પણ તેમના હૃદયને વધારે પ્રમાણમાં કોણ જીતી લેશે ? તેમનો પ્રાણ કોણ કહેવાશે ? કયા પુત્રનો પ્રાણ તેમનામાં વધારે ને નિયમિત લાગેલો રહેશે ? કયા બાળકને માટે તેમના અંતરમાં ઉમળકો આવશે ? કોને જોઈને તેમનો આનંદ વધારે પ્રમાણમાં ઊભરાશે ? તેમના પ્રેમનાં છાંટાં વધારે પ્રમાણમાં કોના પર પડશે ? કોણ તેમના દિલમાં સ્થાન કરશે ને તેમની સેવા ને કૃપાનો વધારે લાભ કોને મળશે ? તમે જરૂર કહેશો કે કેમ ?  એમાં પૂછવા જેવું છે જ શું ? વધારે ચિંતા કરવાની પણ શી જરૂર છે ? કોઈ પણ જાતની કામના વિના સુખમાં ને દુઃખમાં સમજપૂર્વક માબાપની સેવા કરનારો છેલ્લો પુત્ર જ માબાપના દિલમાં ઘર કરશે, ને તેમના હૃદયને જીતી લેશે. છેલ્લો પુત્ર જ સૌથી શ્રેષ્ઠ છે. માબાપ પ્રત્યે તેની ભક્તિ વધારે છે. તેને જોઈને માબાપની સેવા ને કૃપાનો વધારે લાભ તેને જ મળશે.


આ વાત સમજાઈને ? જો સમજાઈ હશે તો આપણે જેનો વિચાર કરીએ છીએ તે ભગવાનની વાત તમે સહેલાઈથી સમજી શકશો. ભગવાન કહે છે કે હે અર્જુન, મારા ચાર જાતના ભક્તો છે. તે ચારેમાં જે જ્ઞાની ભક્ત છે તે મને વધારે પ્રિય છે ને તે સૌથી શ્રેષ્ઠ છે. બીજા બધા ભક્તો સારા છે, તેની ના નથી, પણ મારામાં એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ભક્ત તો સૌથી ઉત્તમ છે. તે મારા પર સૌથી વધારે પ્રેમ રાખે છે. તેનું મન મારામાં જ રમ્યા કરે છે. મારું સેવન કરવું ને મારી ભક્તિ કરવી એ તેનો સ્વભાવ જ છે. તે વિના તેને ચેન જ નથી માટે હું પણ તેને મારા પ્રાણ જેવો માનું છું ને ખૂબ પ્રેમ કરું છું.


- શ્રી યોગેશ્વરજી



જ્ઞાની ને પૂર્ણ મહાત્મા ખૂબ દુર્લભ છે


ભગવાનના આ શબ્દો ખૂબ ધ્યાનમાં રાખવાના છે. માણસે તેમાંથી પ્રેરણા મેળવીને ભગવાનમાં અનન્ય પ્રેમ ઉત્પન્ન કરવાનો છે, ભક્તિ કોઈ રમત નથી. તે તો એક મહાન કલા છે. તેનો આધાર લઈને ભગવાનની કૃપા મેળવીને પોતાનો ઉદ્ધાર કરવા માણસે તૈયાર થવાનું છે. જ્ઞાન, ભક્તિ અથવા વિવેક ને પ્રેમનો તેણે હસ્તમેળાપ કરવાનો છે. જ્ઞાન કે સમજ વિનાની ભક્તિ ખાસ ફળ નહિ આપી શકે. તે પ્રમાણે ભક્તિ કે પ્રેમ વિનાનું જ્ઞાન પણ નીરસ થશે, ભારરૂપ બનશે; ને માણસ જો પૂરતો સાવધ નહિ હોય તો તેને ભગવાનના દરબારમાં નહિ પહોંચાડી શકે. માટે વિવેક ને પ્રેમ કે જ્ઞાન કે ભક્તિનો સમન્વય કરતાં શીખવાનું છે. બંને વચ્ચે મિત્રતા કરી દેવાની છે. આ જીવન એક મહાન પ્રયોગશાળા છે. તેમાં માણસ નવા નવા પ્રયોગો કર્યા જ કરે છે. તે પ્રમાણે પ્રયોગ કરતાં ને સાચી વસ્તુ શીખતાં શીખતાં કોઈ એક જીવનમાં તે આવો મહાન જ્ઞાની ભક્ત થઈ શકે છે, ને ભગવાનનું દર્શન કરી ભગવાનની પૂર્ણ કૃપા મેળવી લે છે. એટલે જ ગીતામાતાએ ‘ઘણા જન્મો પછી’ (बहूना जन्मनामते) એવો પ્રયોગ કર્યો છે. ભગવાનની પૂર્ણ કૃપા મેળવ્યા પછી તેની દશા કેવી થઈ જાય છે તે કોણ કહી શકે ? એ દશા વધારે ભાગે ચર્ચા કે વિચારણા કરવાની નહિ, પણ અનુભવની છે. અનુભવ કરવાથી જ એનો સાચો ખ્યાલ આવી શકે છે. તો પણ આપણે એટલું કહીશું કે ભગવાનની કૃપાથી તે ભક્તને આખું જગત ભગવાનમય લાગે છે; ભગવાન વિના બીજું કૈં જ નથી એમ તે અનુભવે છે; જયાં જુઓ ત્યાં તેને ભગવાન જ દેખાય છે.


તમને વિચાર થશે કે એટલી બધી ઊંચી દશાએ પહોંચેલા મહાત્મા, ભક્ત કે સંત કેટલા હશે ? તમારો વિચાર પારખીને ગીતામાતાએ પહેલેથી જ કહી દીધું છે કે મારાં પ્યારાં બાળકો એવા સંત, ભક્ત કે મહાત્મા દુર્લભ જ નહિ, પણ અત્યંત દુર્લભ છે. પ્રભુની કૃપા થઈ હોય, ને તમારા પોતાનાં પુણ્ય ઉઘડ્યાં હોય, તો તેમનું દર્શન થઈ શકે છે, તેમની સાથે વાતચીત કરી શકાય છે, ને વધારે કે ઓછા વખત સુધી તેમની સાથે રહેવાનો લ્હાવો પણ ત્યારે જ મળે. એવા સંતો કાંઈ હજારોની સંખ્યામાં નથી, તે તો બહુ ઓછા છે.


દરેક કાળમાં પંડિત કે જ્ઞાની મળી શકે, દાતા પણ મળી શકે, વીર ને ભક્ત કે યોગી પણ મળી શકે, ને સાધારણ કે અસાધારણ એવા સાધુ ને તપસ્વી પણ મળી શકે, પણ ઈશ્વરનું દર્શન કરી ચૂકેલા ને સંસારમાં બધે ઈશ્વરનું દર્શન કરનારા સંત કે જ્ઞાની ભક્તનું મળવું મુશ્કેલ છે, ખૂબ મુશ્કેલ છે. તે તો ભાગ્યે જ મળી શકે.


પણ તેથી નિરાશ થવાની કે હિંમત હારવાની જરૂર નથી. તમારી તીવ્ર ઈચ્છા હશે તો તેવા સંતનું દર્શન તમને થઈ શકશે, ને જ્યાં હશો ત્યાં તમને તેની કૃપાનો લાભ મળી શકશે. તેવા પુરૂષો સંસારમાં સદાયે જીવ્યા કરે છે, ને સંસારનું અનેક રીતે કલ્યાણ કરે છે. તમે પોતે પણ પરમાત્મામય જ છો એટલે તો તમને મહાન, અજ ને અવિનાશી, પરમાત્માના પ્યારા તથા અમૃતમય કહેવામાં આવે છે. તમારી એ યોગ્યતાને ભૂલી જઈને તમે તેથી ભ્રષ્ટ થયા છો એટલું જ. તે ભૂલને સુધારો ને તમારા મહિમાને ઓળખી લો, તો તમે પણ પ્રભુની કૃપા મેળવીને તેવા મહાન સંત બની શકશો.


બધા માણસો એક ભગવાનને ભજતા નથી. કેટલાક માણસો જુદા જુદા દેવોને ભજે છે. જેની જેવી રૂચિ તે પ્રમાણે તે પોતાના દેવની પસંદગી કરે છે ને જુદી જુદી કામના પૂરી કરવા માટે તેમની ઉપાસના કરે છે. માણસો સંતાન મેળવવા, રોગ દૂર કરવા, વિદ્યાવાન થવા, પ્રભુતામાં પગલાં માંડવા ને એવી જુદી જુદી ઈચ્છા પૂરી કરવા જુદા જુદા દેવોનું શરણ લે છે ને બાધા રાખે છે. ઈચ્છા પૂરી થાય એટલે તેમની શ્રદ્ધા વધે છે. માણસો ઈચ્છા ને કામનાના દાસ છે તેથી દેવો પાસે પણ તે ઈચ્છા લઈને જ જાય છે. દેવોને તે કોઈ વેપારી માનતા લાગે છે. ચપટી ચોખા, ધન કે ઘરેણાંના બળથી તે દેવોની મારફત કામ કાઢી લેવા માગે છે. ભગવાન જુદા જુદા દેવો મારફત કેટલીક વાર ભક્તોના મનોરથ પૂરા કરે છે, પણ સાચા ભક્તો તો ભગવાનને જ ભજે છે. ભગવાનની શક્તિ તે જાણે છે. એટલે ભગવાનને છોડીને બીજા કોઈને શરણે જતા નથી. હીરા ને રતનને મૂકી દઈને કાંકરીની આશા કોણ કરે ? દેવો તો પ્રભુના દાસ છે. તેમની શક્તિ ને તેમનો વૈભવ પ્રભુની શક્તિ ને શ્રી પાસે તુચ્છ છે. ડાહ્યા માણસો તો સદા પ્રભુનું જ શરણ લે છે, ને પ્રભુની કૃપા વિનાની બીજી બધી જ કામનાનો તે ત્યાગ કરે છે. કેમ કે તેવી કામનાથી સુખ મળતું નથી. ઊલટું, તે કામનાઓ માણસને પોતાના મજબૂત બંધનથી બાંધે છે, સંકલ્પવિકલ્પથી ભરી દે છે, બેચેન બનાવે છે, ને જન્મ ને મરણ ને હર્ષ ને શોકના ચક્રમાં ફેરવ્યા કરે છે. તે કામનાઓથી તેને ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકતી નથી, કે મુક્તિ પણ મળી શકતી નથી. કામનાના પ્રભાવથી તે મોહ ને મમતાના કાદવમાં વધારે ને વધારે ઊંડો ઉતરતો જાય છે.


મોહ ને મમતાના શિકાર થયેલ માણસો જુદી જુદી ઈચ્છા રાખતાં સંસારમાં ફર્યા કરે છે. પરંતુ જેમનાં પુણ્યો ઉઘડ્યાં છે તેવા માણસોની વાત જુદી છે. મોહ ને મમતાથી પર થઈને તે ભગવાનને ભજે છે, ને મનને ભગવાનમાં જોડે છે એનો અર્થ એમ નથી કે પુણ્યશાળી માણસો જ ભગવાનને ભજે છે. માણસે પુણ્યના ઉદય માટે રાહ જોવાની નથી; પણ પોતે પુણ્યશાળી કે સદાચારી થવા પ્રયાસ કરવાનો છે. ને તેવો પ્રયાસ કરતાં કરતાં ભગવાનને યાદ કરતા રહેવાનું છે. આ જીવન કાંઈ જેમ તેમ જીવી કાઢવા કે વેડફી નાખવા માટે નથી. તેની પાછળ મહાન હેતુ રહેલો છે. તેનો સદુપયોગ કરીને ભગવાનનું દર્શન કરવાનું છે. ભગવાનની કૃપા મેળવવાની છે; ને સર્વ પ્રકારનાં બંધનમાંથી છૂટવાનું છે. આ માટે જે મહેનત કરે છે તે જ વીર છે, પંડિત છે, જ્ઞાની ને વિવેકી છે ને મહાપુરૂષ પણ તે જ છે. આ માટે મહેનત કરીને જેણે ભગવાનની કૃપા મેળવી લીધી છે, તેને આપણાં પ્રણામ છે. આપણે તે માટે પ્રેરણા ને પ્રકાશ આપે.


- શ્રી યોગેશ્વરજી

1 comment:

  1. બધા લેખો સરળ ભાષામા લેખન કરેલ છે જેથી સામાન્ય માણસને સમજવામા સરળતા થાય છે.
    ધન્યવાદ.
    પ્રણામ....
    - અશોકભાઈ ભાનુશાલી.
    વલસાડ

    ReplyDelete