Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, January 22, 2013

માતા દેવહૂતિને ઉપદેશ


માતા દેવહૂતિને ઉપદેશ

હવે પછીનો સમય ભાગવતનો અત્યંત અગત્યનો અમર વિષય છે. એને લીધે ભાગવતની ગુણવત્તા, મહત્તા ને શોભા વધી જાય છે. ભાગવતના અતિશય આકર્ષક, અદ્દભુત, આહલાદક, સુંદર વિષયોમાંનો એ એક છે અને અગ્રસ્થાને છે. એ વિષયની સ્મૃતિ જ કેટલી બધી સુખકારક છે ? એનું શીર્ષક કેટલું બધું સારગર્ભિત તથા પ્રેરક છે ? માતા દેવહુતિને મહર્ષિ કપિલે આપેલો ઉપદેશ. માનવ સંસ્કૃતિની એ એક સાધારણ ઘટના છે એવું ના કહી શકાય. એની અસાધારણતા અનોખી છે. એમાંથી આજ સુધી અનેકને પ્રેરણા મળી છે. એ ઉપદેશ કેટલાયને માટે કલ્યાણકારક થયો છે. એને માટે મહર્ષિ કપિલનાં જેટલાં ગુણગાન ગાઇએ એટલાં ઓછા છે. એમના અસાધારણ અનુગ્રહને લીધે જ માતા દેવહુતિને તથા સમસ્ત સંસારને એ શાસ્ત્રોના સનાતન નિષ્કર્ષ જેવા સદુપદેશની પ્રાપ્તિ થઇ છે. સંસાર એમનો ઋણી છે. અને એમની સાથે વિદુષી પરમાત્માપ્રેમી માતા દેવહુતિનો પણ ઋણી છે. કારણ કે એણે જિજ્ઞાસા જ ના બતાવી હોત તો મહર્ષિ કપિલની સ્વાનુભસંપન્ન જ્ઞાનગંગાને પ્રકટીને પ્રવાહિત થવાનું નિમિત્ત ભાગ્યે જ ઊભું થયું હોત. એમની પણ જેટલી પ્રશસ્તિ કરીએ એટલી ઓછી છે. માતાઓ તો જગતમાં અનેક થઇ છે, પરંતુ પોતાના પુત્રમાં પરમાત્માના પરમપાવન પ્રકાશને પેખીને, એને પરમાત્માનું પ્રતીક માનીને, એની પાસે સદુપદેશ કે શાંતિની પ્રાપ્તિ કરનારી માતાઓ જવલ્લે જ જડે છે. માતા પુત્રની અંદરથી પુત્રભાવ કાઢી નાખીને પ્રશ્નો પૂછતી બેઠી હોય એ દૃશ્ય જ કેટલું બધું અદ્દભુત છે ? એવું દૃશ્ય જ્યાં ત્યાં નથી મળતું. માતા પ્રત્યે લાગણી રાખવી ને માતાની સેવા કરવી એ એક વાત છે અને માતાને આત્મિક શાંતિ આપવાનો સમજપૂર્વકનો પ્રયત્ન કરવો એ વળી જુદી જ વાત છે. મહર્ષિ કપિલે એવું અસાધારણ કર્મ કરી બતાવ્યું. ભાગવતમાં એ બંનેનાં સુંદર દૃશ્યો જોવા મળે છે. એ અદૃષ્ટપૂર્વ દૈવી દૃશ્યો આંખ અને અંતરને ઠારે અથવા અનુપ્રાણિત કરે એવાં છે. ભાગવતનું એ એક વિરલ-અતિવિરલ દૃશ્ય છે. એવું દૃશ્ય એ અદ્દભુત ગ્રંથરત્નમાં અન્યત્ર નથી મળતું.

ભાગવતના ત્રીજા સ્કંધના અધ્યાય પચીસથી તેત્રીસમાં માતા દેવહુતિને મહર્ષિ કપિલે આપેલા સદુપદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા તેત્રીસમા અધ્યાયમાં એ સુંદર સદુપદેશની દેવહુતિ પર પડેલી પ્રતિક્રિયાને સંયમપૂર્ણ છતાં સારવાહી રીતે કહી બતાવવામાં આવી છે. એ અદ્દભુત અને આનંદદાયક છે તેની ના નહિ. એ સદુપદેશનું મહત્વ આજે પણ એટલું જ મોટું છે. જીવનના આધ્યાત્મિક ઘડતરમાં એ અત્યંત અગત્યનો, આશીર્વાદરૂપ ભાગ ભજવી શકે તેમ હોવાથી એનો ઉલ્લેખ અસ્થાને તો નહિ જ ગણાય પરંતુ આવકારદાયક લેખાશે.

પચીસમા અધ્યાયના આરંભમાં જ આપણે વિષયાભિલાષી થાકેલી દેવહુતિનું દર્શન થાય છે. વિવિધ વિષયોની લાલસાઓ માનવનું આત્યંતિક કલ્યાણ નથી કરી શક્તી. એ એને શાશ્વત શાંતિ નથી આપતી. એ નિત્યનિરંતર વધતી જ જાય છે અને અંતરાત્માને અશાંત બનાવે છે. ઘીથી અગ્નિ વધે તેમ એમનો ઉપભોગ એમની અભિવૃદ્ધિનું કારણ થઇ પડે છે. દેવહુતિને એ અનુભવજ્ઞાન લાધ્યું છે. અત્યાર સુધી એણે ભાતભાતના વિષયોપભોગોનો વરસો સુધી આસ્વાદ લીધો છે. એને લીધે એ જરા વધારે વિચારશીલ બની છે. એ મોહનો અને એના પરિણામે પેદા થનારી પ્રબળ બનનારી આસક્તિનો અનુભવ કરે છે અને એથી પ્રેરાઇને મહર્ષિ કપિલને કહે છે કે હું પુરુષ તથા પ્રકૃતિના સ્વરૂપજ્ઞાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી તમારા શરણે આવી છું ને તમને પ્રણામ કરું છું. અહંતા અને મમતાની ગ્રંથિનું ભેદન કરનારા માનવજીવનના આત્યંતિક સર્વશ્રેષ્ઠ અમોઘ સાધન વિશે મને કહી બતાવો.

દેવહુતિનાં એ વચનો એની અંતરંગ યોગ્યતાના ને નમ્રતાના સૂચક છે. એના સિવાય એ એવા પ્રશ્ન ના પૂછી શકી હોત.

અને મહર્ષિ કપિલે એની જિજ્ઞાસાનો જવાબ આપતાં આરંભમાં જ સરસ શબ્દોમાં કહ્યું કે માતા ! માનવના આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન અધ્યાત્મ યોગ સિવાય બીજું કોઇ જ નથી. એ સંબંધી મને લેશ પણ શંકા નથી રહી. એ અધ્યાત્મયોગથી સુખ તથા દુઃખ જેવાં દ્વન્દ્વોની સંપૂર્ણ નિવૃત્તિ થાય છે.

योग आध्यात्मिकः पुंसा मतोनिश्चयसाय मे ।
अत्यन्तो परतिर्यत्र दुःखस्य च सुखस्य च ॥ (અધ્યાય રપ, શ્લોક ૧૩)

‘दुःखस्य च सुखस्य च’ કારણ કે પ્રકાશ હોય ત્યાં અંધકારનો અને અંધકાર હોય ત્યાં પ્રકાશનો અવકાશ હોય જ છે. એવી રીતે જ્યાં સુખ હોય ત્યાં દુઃખની ને દુઃખ હોય ત્યાં સુખની શક્યતા સ્વાભાવિક રીતે જ રહે છે. આપણે ત્યાં મોટે ભાગે એવું મનાય છે કે આધ્યાત્મિકતાનો આશ્રય લઇને માણસે દુઃખમાંથી મુક્તિ મેળવીને સુખમાં પ્રતિષ્ઠિત થવું જોઇએ. એ રીતે વિચારતાં મહર્ષિ કપિલનું આ વિધાન પરંપરાગત પ્રસ્થાપિત વિચારધારથી જરાક જુદું લાગે તેવું છે. તો પણ એ આદર્શ અને આવકારદાયક છે એની ના નહિ.

માણસે સર્વ પ્રકારનાં દુઃખોની પાર તો પહોંચવું જ જોઇએ એમાં બેમત નથી પરંતુ સાંસારિક સુખોથી ઉપર ઊઠવું જોઇએ એ પણ એટલું જ સાચું છે. સાંસારિક સુખોથી ઉપર ઊઠીને આધ્યાત્મિક સાધના દ્વારા એણે આત્મિક સુખની ઉપલબ્ધિ કરવી જોઇએ. એ સુખ કોઇ બાહ્ય પદાર્થો, ભોગો કે સાધનો પર નિર્ભર નથી પરંતુ સ્વયંભૂ છે. કામચલાઉ નથી પરંતુ શાશ્વત છે. એ આત્માના આશ્રયે જ રહેતું હોય છે.

પરંતુ અધ્યાત્મયોગની સાધનામાં એવા શાશ્વત સુખની અનુભૂતિ જ કાંઇ સર્વોત્કૃષ્ટ અવસ્થા નથી કહેવાતી. એના કરતાં પણ આગળની અવસ્થા નથી એમ નહિ. સુખને કોણ અનુભવે છે ? મન. સુખની જેમ દુઃખને પણ એ જ અનુભવે છે. સાધકે સુખ તથા દુઃખની એ સંમિશ્રિત, વિરોધાભાસી અસરથી ઉપર ઊઠીને આત્માનુભૂતિ કરીને આત્માના અક્ષય અલૌકિક પ્રદેશમાં પ્રતિષ્ઠિત થવાનું છે. આત્મસાક્ષાત્કારની એ અનેરી અવસ્થામાં મન સંપૂર્ણપણે શાંત થઇને આત્મામાં લીન બને છે. ત્યારે નથી રહેતું સુખ કે નથી રહેતું દુઃખ. સાધક સમસ્ત પ્રકારના દ્વંદ્વો તથા પ્રકૃતિજન્ય ગુણધર્મો, રસો અને સારીય પ્રકૃતિની પકડમાંથી છૂટી જાય છે. એવી વિશાળ અનુભવાત્મક દૃષ્ટિથી વિચારીએ તો મહર્ષિ કપિલનું વિધાન સંપૂર્ણ સાચું ઠરે છે અને એમના પોતાના આત્મિક ઊંડાણની પ્રતીતિ કરાવે છે.

આત્મદર્શી પુરુષ પાછો જાગૃતિમાં આવે છે ત્યારે પણ દ્વંદ્વોથી અને સુખદુઃખની સંમિશ્રિત અસરથી પર રહે છે. એ સુખનિષ્ઠ નહિ પરંતુ આત્મનિષ્ઠ બની રહે છે અને સ્વભાવિક શાંતિમાં જીવન પસાર કરે છે. સુખ અને આનંદ તો આત્માના અલૌકિક અર્ણવનાં આવકારદાયક અને સારાં તો પણ તરંગ છે; શાંતિ એની સ્વાભાવિક ચિરસહચરી છે. એ શાંતિ એના વ્યક્તિત્વના અણુપરમાણુમાંથી પ્રકટ થાય છે.

મહર્ષિ કપિલ એવું પણ કહે છે કે અધ્યાત્મયોગનો ઉપદેશ મેં પૂર્વે શ્રવણ કરવાની ઇચ્છાવાળા ઋષિઓને કહેલો. તે જ શમદમાદિ સર્વાંગોની પૂર્ણતાવાળા યોગનો ઉપદેશ આજે તમને આપું છું.

એ શબ્દો ગીતાના ચોથા અધ્યાયના પેલા એવા જ સુંદર શબ્દોનું સ્મરણ કરાવે છે જેમાં ભગવાન કૃષ્ણ કહે છે કે આ યોગ મેં પહેલાં વિવસ્વાનને કહેલો, વિવસ્વાને મનુને, મનુએ ઇક્ષ્વાકુને; અને એવી રીતે એની પરંપરા ચાલેલી. સુદીર્ઘ સમયથી લુપ્ત થયેલા એ યોગનો સંદેશ તને મારો ભક્ત કે સખા સમજીને સંભળાવી રહ્યો છું.

ઉભયના ઉદ્દગારોમાં કેટલું બધું અદ્દભુત, આશ્ચર્યકારક અને સુખદ સામ્ય છે ? ગીતા અને ભાગવતના તુલનાત્મક અભ્યાસની દૃષ્ટિએ એનું મહત્વ ખૂબ જ વધી જાય છે.

મહર્ષિ કપિલ માતા દેવહુતિને ઉપદેશ આપતાં એના અનુસંધાનમાં જે મહત્વની વાત કહે છે તે એ છે કે માનવના બંધન અને મોક્ષનું કારણ એનું મન છે. એ મન જો પ્રકૃતિના ગુણો કે વિષયોમાં આસક્ત બની જાય છે તો બંધનનું કારણ બને છે ને પરમપુરુષ પરમાત્મામાં જોડાઇ જાય તો મોક્ષનું. બંધન અને મોક્ષ એવી રીતે મન દ્વારા અનુભવાય છે ને મનની અલગ અલગ અવસ્થાઓ છે.

અહંતા અને મમતા જેવા દોષોમાંથી મુક્તિ મેળવીને મન જ્યારે નિર્મળ, સુખદુઃખની અસરોથી રહિત અને સમદર્શી બને છે ત્યારે શુદ્ધ, પ્રકૃતિથી પર, ભેદરહિત, સ્વયંપ્રકાશ, સૂક્ષ્મ, અખંડ, અમાપ, અવ્યય, આત્માનો સાક્ષાત્કાર થાય છે.

વિષયોની ઘોર આસક્તિ માનવના જીવનને જડ કરે છે ને બરબાદ બનાવે છે પરંતુ એજ આસક્તિ જો ઇશ્વરમાં થાય તો પરમ કલ્યાણકારક ઠરે છે ને ઇશ્વરના દર્શનનો દેવદુર્લભ લહાવો ધરે છે. ભક્તિનું પ્રમુખ પ્રયોજન એજ છે. એનો આશ્રય લેનારો માનવ સંસારના પાર્થિવ પરિવર્તનશીલ પદાર્થોને ભજવાને બદલે ભગવાનને જ ભજે છે, તન મન ને વચનથી જીવનની પ્રત્યેક પળે ને હરેક સ્થળે ભગવાનને જ ભજે છે, ને સર્વ પ્રકારે ભગવાનનો થઇને રહેવામાં જ ગૌરવ ગણે છે અને આનંદ માને છે. ભક્તિ ભગવાનનાં ચરણોમાં એવું સમજપૂર્વકનું, ભાવસહિત, સર્વસમર્પણ છે. અથવા એવું કહો કે ભક્તને ભગવાન સાથે, માનવની વ્યક્તિગત આત્મિક ચેતનાને પરમાત્માની સમષ્ટિગત સર્વવ્યાપક પરમચેતના સાથે જોડનારો સેતુ છે. એક ભવપાર કરનારી અવિદ્યારૂપી અર્ણવને તરવામાં મદદરૂપ થનારી નૌકા છે. એની મદદથી પુરુષ સાચા અર્થમાં પુરુષ અને પછી પુરુષોત્તમ બની શકે છે.

ભક્તિના બે પ્રકારો છે : સકામ અને નિષ્કામ. સંસારના સઘળા પદાર્થો પરિવર્તનશીલ છે અને સાચું સુખ નથી આપી શકતા; સાચું શાશ્વત સુખ તો કેવળ ભગવાનને ભજવાથી ને ભગવાનના સાક્ષાત્કારથી જ સાંપડે છે; એવું સમજીને જે ભક્તિ કેવળ ભગવાનના દર્શનની ઇચ્છાથી, અથવા માનવસહજ સ્વધર્મ સમજીને થાય તે ભક્તિને નિષ્કામ ભક્તિનું નામ આપવામાં આવે છે, અને એ સિવાયની, ભગવાન વિનાના બીજા નાનામોટા લૌકિક કે પારલૌકિક પદાર્થોની, વિષયોપભોગોની કે સિદ્ધિઓની પ્રાપ્તિના મનોરથવાળી ભક્તિને સકામ ભક્તિનું નામ આપવામાં આવે છે. જીવનના સાચા સાફલ્યને માટે સકામ ભક્તિના ક્ષેત્રમાંથી આગળ વધીને નિષ્કામ ભક્તિમાં પ્રવેશવાની આવશ્યકતા છે, ભક્ત નરસી મહેતાએ કહ્યું છે કે ‘હરિના જન તો મુક્તિ ન માગે.’ તેવી રીતે નિષ્કામ ભક્તોને મુક્તિની ઇચ્છા પણ નથી હોતી. એ તો કેવળ ઇશ્વરને જ ઇચ્છે છે. ‘નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે.’ એવા ભક્તો ઇશ્વરના અસીમ અનુગ્રહથી જીવન મુક્તાવસ્થાનો આહલાદક અનુભવ કરતા હોય છે. એ અમૃતમય બની જાય છે. એમનું પોતાનું જીવન તો ઉત્સવરૂપ બને જ છે પરંતુ એમના સંસર્ગમાં આવનારનું જીવન પણ ઉજ્જવળ, મધુમય અને મહોત્સવરૂપ બની જાય છે.

મનુષ્યનો જીવનનો સૌથી મોટો ભાગ્યોદય કયો ? ધન, પદ, પરિવાર કે પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય તે ? એ વિષયોપભોગોથી ઘેરાઇ જાય તે ? ના. એને એનો સર્વોત્તમ ભાગ્યોદય ના કહી શકાય. મહર્ષિ કપિલ કહે છે કે એનો સર્વોત્તમ ભાગ્યોદય તો ઉત્કટ ભક્તિની પ્રાપ્તિમાં રહેલો છે. ભગવાનની અસાધારણ અનન્ય ભક્તિની પ્રાપ્તિ થવાથી મન ભગવાનમાં જોડાઇને સ્થિર બને એના સરખું સદ્દભાગ્ય બીજું કોઇ જ નથી. સાચા સંનિષ્ઠ ભક્તો એ જ સદ્દભાગ્યની ઇચ્છા કરે છે. જેને એ સદ્દભાગ્ય સાંપડ્યું છે તેને મોટામાં મોટી પ્રાપ્તિ થઇ ગઇ એવું સમજી લેવું. માનવ પાસે બીજું બધું જ હોય પરંતુ પરમાત્માનો પ્રેમ અને પરમાત્માની સાથેનો સંબંધ ના હોય તો શું કામનું ? એનું જીવન ત્રુટિપૂર્ણ અને અતૃપ્ત જ રહેવાનું. મહર્ષિ કપિલ એ સંદેશ આપતાં એના સંદર્ભમાં જ કહે છે કે માનવ ઇશ્વરાભિમુખ થાય, ઇશ્વરનો બને, અને ઇશ્વરને ઓળખે એ જ એનો મોટામાં મોટો ભાગ્યોદય છે. આજની પ્રજા એ સુંદર સર્વોપયોગી સંદેશને સમજવાનો ને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશે ખરી ?


No comments:

Post a Comment