Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, January 21, 2013

જ્ઞાનનો પ્રભાવ


જ્ઞાનનો પ્રભાવ

નવમા અધ્યાયની શરૂઆતમાં ભગવાન કહે છે કે હે અર્જુન, હવે હું તને છૂપામાં છૂપું જ્ઞાન કહી રહ્યો છું. તે જ્ઞાન કેવલ સૂકું નથી પણ અનુભવ સાથે મળી ગયેલું છે. તે જ્ઞાનને અનુભવની મહોર વાગી છે. તેને જાણવાથી શું પરિણામ આવશે ? ભગવાન કહે છે કે તેને જાણી લેવાથી અશુભ વસ્તુથી છૂટાશે. ભગવાનના આ શબ્દો ઘણાં મહત્વના છે. તેમાંથી બે પ્રકારનો સંદેશ મળી રહે છે. પહેલો સંદેશ એ છે કે એકલા પુસ્તકિયા જ્ઞાનથી શાંતિ મળતી નથી. મગજમાં ઘણી માહિતી ભેગી કરવાથી કોઈ ખાસ હેતુ સરી શકતો નથી. જે માહિતી મેળવી છે તે જીવનમાં ભળી જવી જોઈએ. જ્ઞાન પચીને જીવનમાં ઉતરી જવું જોઈએ. તો જ શાંતિ મળી શકે ને જીવન ધન્ય બની શકે.

બીજો સંદેશ એ છે કે જ્ઞાન અશુભ વસ્તુથી છોડાવે છે. અશુભ વસ્તુ એટલે દુર્ગુણ, કામ, ક્રોધ, અહંકાર જેવી દુષ્ટ વૃત્તિઓ ને બુરાં કર્મો તથા તે સૌના સરદાર તરીકે કામ કરનારું અજ્ઞાન. જેને જ્ઞાન મળે છે તેની અંદરથી એ બધી વસ્તુઓ દૂર થાય છે. જ્ઞાનનો મહિમા એવો ભારે છે. જ્ઞાનને કેટલીકવાર પ્રકાશરૂપ કહેવામાં આવે છે તે સાચું છે. પ્રકાશની શક્તિ તો તમે જાણો છો. તે જ્યાં પથરાય છે ત્યાંથી અંધારૂં નાસી જાય છે.

આ ઓરડો અત્યારે બંધ છે ઘરની રચના જૂના વખતની છે. એટલે કોઈ બારીની સગવડ પણ નથી. ફક્ત એક બારણું છે પણ તેની બેત્રણ મોટી ફાટમાં થઈને ઓરડામાં સૂર્યના કિરણ આવે છે. એટલે ઓરડામાં અજવાળું થઈ જાય છે. દિવાલ પર જે સંતપુરૂષોના ફોટા  છે તે પણ ખૂબ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. ને ઓરડો બંધ છે છતાં આ લખવાનું કામ ચાલે છે. બેચાર ફાટમાંથી આવતા કિરણોનો મહિમા આવો અગાધ છે તો પછી સૂર્યનાં બધાં કિરણોનો પ્રતાપ કેટલો ભારે હશે ? જ્ઞાનનો પ્રતાપ એથી પણ ભારે છે, કેમ કે સૂર્યનો પ્રકાશ તો બહારની વસ્તુઓને જ અજવાળે છે. પણ જ્ઞાનનું અજવાળું માણસની અંદર ને બહાર બંને તરફ પડે છે. જ્ઞાનને લીધે અંદરની ને બહારની બંને દુનિયા પ્રકાશિત બને છે. માણસનું મન પવિત્ર થાય છે, ને મનનો મેલ દૂર થાય છે. જ્ઞાનનો પ્રકાશ પડે પછી અજ્ઞાનરૂપી અંધકાર રહે જ ક્યાં ? અશુભ ને અસત્ય વસ્તુમાંથી માણસને છૂટો કરવો એ જ્ઞાનનું રોજિંદુ કામ છે. આટલી વાત સમજ્યા કે નહિ ? જો ના સમજ્યા હો તો ફરી ફરી વિચાર કરીને સમજી લો. જો આટલી વાત સમજ્યા હશો તો સહેલાઈથી સમજી જશો કે જે જૂઠનો આધાર લેતો હોય, ને જૂઠમાં રમતો હોય તેને જ્ઞાની કહેવાય નહિ. જેનામાં દુર્ગુણ, દુષ્ટ વૃત્તિ, વાસના ને વિષયસુખની લાલસા હોય, તેને જ્ઞાન મળ્યું છે એમ કહી શકાય નહિ. જેનામાં અહંકાર, મોહ ને રાગદ્વેષ હોય, તેને જ્ઞાની કહેવાય નહિ. ને જે પરમાત્માથી વિમુખ હોય, તેને પણ જ્ઞાનીનું ઉત્તમ બિરુદ આપી શકાય નહિ. જે જ્ઞાનના ગ્રંથો વાંચે, ઉપદેશ આપે, પણ અંતરમાં વિષયોને ભજે ને માનવતાને શરમાવનારાં કામ કરે તે સાચો જ્ઞાની નથી. સાચો જ્ઞાની ભલેને ઉપદેશ ના આપે કે ગ્રંથ વાંચે કે લખી ના શકે, તો પણ હૃદયની નિર્મલતાને લીધે તથા પરમ સત્યસ્વરૂપ પરમાત્માને ઓળખવાને લીધે તેની મહત્તા વધે છે. આનો અર્થ એ થયો કે જેનું આચરણ ઊંચું છે તે પુરૂષ જ્ઞાની છે, ને સદાય વંદનીય છે. તે મહાપુરૂષ કે દેવતા છે. તેના ચરણોમાં પ્રણામ કરવા આપણે સદાય તૈયાર રહેવું જોઈએ. આપણા તેને પ્રણામ છે.

જે વાત અર્જુનને તે આપણને પણ લાગુ પડે છે. ભગવાને આપેલા જ્ઞાનનો લાભ લઈને આપણે પવિત્ર થવાનું છે. ચારિત્ર્યના ચોખ્ખા થવાનું છે, ને જે ખોટું છે તેનો ત્યાગ કરી સાચાને ભજવાનું છે, તે વિના જ્ઞાન મેળવવાનું આપણું કામ અધૂરૂં રહેશે. બૂરા વિચાર તો આપણી પાસે ફરકી પણ ના શકે એવી શક્તિ મેળવવાની છે.

- શ્રી યોગેશ્વરજી


પ્રભુશરણની શક્તિ

ગામમાં બધા કૂવા કાંઈ ખારા નથી હોતા. મીઠા કૂવા પણ કેટલાય હોય છે. પણ કોઈ કોઈ કૂવાનું પાણી તો ખૂબ મીઠું હોય છે. મીઠું મધ જેવું જ સમજી લો. પાણીના રસિયાં માણસો બીજા કૂવા છોડીને ત્યાં પાણી ભરવા દોડી જાય છે. આ ગામની વાત જ એવી છે ને ! આ ગામમાં વાવ છે. તેનું પાણી મીઠું છે પણ લોકોને વાળા નીકળ્યા છે. એટલે તેનું પાણી પીવાનું બંધ કર્યું છે. સારા પાણીના બીજા કૂવા છે પણ વધારે લોકો તો પેલા મીઠા કૂવે જ દોડી જાય છે. કારણ કે મીઠા કૂવાનું પાણી પણ સારું ને પાચક છે. ગીતાનો સ્વાદ પણ એવો મીઠો છે. બીજા શાસ્ત્રો સારાં છે પણ ગીતા તો મીઠા કૂવાની ગરજ સારે છે. અજ્ઞાનનું અજીર્ણ થયું હોય તેવા માણસો તેનો સ્વાદ લઈને તંદુરસ્ત બને છે, ને જે તંદુરસ્ત હોય તે વધારે શક્તિ મેળવે છે.

ગીતાના તો અઢાર અધ્યાય. જાણે અઢાર કૂવા જ સમજી લો. તેમાં નવમા અધ્યાયને અંતે એવું તો મીઠું ઝરણ પ્રકટે છે કે જેનો સ્વાદ આપણા અંતરમાં કાયમને માટે રહી જાય. સમુદ્રમંથનમાંથી જેવું અમૃત નીકળ્યું હતું, તેથી પણ વધારે શક્તિશાળી અમૃત આ અધ્યાયને અંતે નીકળે છે. એનો અર્થ એમ નથી કે ગીતામાં બીજે ક્યાંય એવું અમૃત નથી. અમૃતના છાંટા તો ગીતામાં ઠેરઠેર વેરાયેલા પડ્યા છે. તેમાંના કોઈયે છાંટાથી માણસ અમૃતમય થઈ જાય છે, ને ધારેલો હેતુ સરી રહે છે, પણ આ અધ્યાયને અંતે જે અમૃત વેરાયું છે તે તો બધા અમૃતના અર્ક જેવું છે. તેનું પાન કરવાથી માણસ કૃતાર્થ થાય છે. એ અમૃત કયું છે તેનો વિચાર તો આપણે પાછળથી કરીશું. હાલ તો એટલું જ કહીશું કે ભગવાન જે ગુહ્ય જ્ઞાન આપવા માગે છે, તેનો સાર એમાં સારી પેઠે સમાઈ ગયો છે. તેથી જ આ અધ્યાયને રાજવિદ્યા રાજગુહ્યયોગનું નામ આપવામાં આવ્યું છે.

આ ગુહ્ય જ્ઞાનમાં મુખ્ય સાર વસ્તુ એ છે કે માણસે પ્રભુપરાયણ થઈ જવું. પ્રભુના નામસ્મરણ, ગુણગાન ને ચિંતનમાં તેણે મશગુલ બનવું ને પ્રભુનુ ધ્યાન ધરવું. જો આટલું થાય તો માણસ સુખી બની શકે. પ્રભુનું શરણ લેવાથી તેને પ્રભુકૃપા મળે ને પ્રભુની કૃપાનો અનુભવ કરીને તેનું જીવન ધન્ય બને. જે માણસોને આ વાતમાં શ્રદ્ધા નથી, તે પ્રભુની પ્રાપ્તિ કરી શકતાં નથી.

પ્રભુના મંદિરના બારણાં સૌને માટે ઉઘાડાં છે. જે ધારે તે તેમાં પ્રવેશ કરી શકે છે, ને પ્રભુની કૃપાનો લાભ લઈ શકે છે. પ્રભુની કૃપા મેળવીને તેનું જીવન ધન્ય બની જાય છે. નાતજાતના ભેદ વિના કોઈયે માણસને માટે આ વાત સાચી છે. પ્રભુની કૃપાના એકાદ કિરણની પણ જેને પ્રાપ્તિ થાય છે, તેનું મન સંસારના રસમાં લાગતું નથી. ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય શ્રી હરિદાસજીને ભગવાનની લગની લાગી હતી. ભગવાનના નામના ત્રણ લાખ જપ કરવાનો તેમનો રોજનો નિયમ હતો. એકવાર કેટલાક માણસોએ એક વેશ્યાને તેમને મોહમાં નાખવા મોકલી. વેશ્યાએ હરિદાસજીને પ્રણામ કર્યા ને તેમની પાસે બેઠી. હરિદાસજી તો ભગવાનના પરમ પ્રેમી. સવારના વહેલા જપમાં બેસે તે નક્કી જપ કરતાં કરતાં દિવસ પૂરો થઈ જવા આવે. વેશ્યા તો રાહ જોઈને થાકીને ત્યાંથી વિદાય થઈ. બીજે દિવસે પણ આવીને તે બેઠી પણ હરિદાસજીની તો એ જ દશા. વેશ્યા સામે જોવાનો પણ વખત નહિ, તો વેશ્યાના મોહમાં તો તે ક્યાંથી પડે ? પૂરા ત્રણ દિવસ થઈ ગયા પણ પ્રભુના સ્મરણમાં મસ્ત બનેલા હરિદાસજીને વેશ્યાની સાથે વાત કરવાનો પણ વખત ના મળ્યો. વેશ્યાને ભારે અજાયબી લાગી. તેનું દિલ પલટાઈ ગયું. ગદ્ ગદ્ સ્વરે તેણે હરિદાસજીને પૂછ્યું કે હું તમારી પાસે આટલા બધા વખતથી બેઠી છું, છતાં તમે મારી તરફ જોતા પણ નથી. તેનું શું કારણ ? હરિદાસજીએ જવાબ આપ્યો કે પ્રભુના સ્મરણમાં એવો રસ છે. તેની પાસે બીજા કોઈએ રસની રૂચિ રહેતી નથી. એ વચનોના પ્રભાવથી ને સંત હરિદાસજીના સત્સંગથી વેશ્યાનો નવો અવતાર થયો. તેને પોતાના જીવન પર ઘૃણા થઈ. પછી તો તેણે હરિદાસજીને ગુરૂ કર્યા. તેમની પાસેથી પ્રભુના નામની દીક્ષા લીધી ને પ્રભુસ્મરણમાં પોતાનો સમય પસાર કરવાનું શરૂ કર્યું. ભક્તોમાં તે હરિદાસીના નામથી જાણીતી થઈ. પ્રભુની કૃપાથી તે પણ મહાન બની ગઈ.

- શ્રી યોગેશ્વરજી


કર્મ કરતાં નિર્લેપ રહેવાની જરૂર

ભગવાન કહે છે કે આ સંપૂર્ણ જગત મારાથી વ્યાપ્ત છે. જગતમાં બધે જ હું રહેલો છું. જે જ્ઞાની છે તે ભગવાનના આ શબ્દોનો અનુભવ કરે છે. જગતમાં તે બધે જ ભગવાનનું દર્શન કરે છે. તે જાણે છે કે જડ ને ચેતન બધે એક ભગવાન રહેલા છે. ભગવાન જગતની રચના કરે છે, છતાં સંસારનું કર્મ તેમને બાંધી શકતું નથી. કેમ કે તેમની અંદર કોઈ જાતનો અહંભાવ હોતો નથી. સંસારનું કર્મ તે સહજ ભાવે કરે છે. વળી મમતાથી રહિત થઈને કરે છે. જ્ઞાની પુરૂષે પણ એ રીતે સહજ ભાવે ને મમતાથી રહિત થઈને કર્મ કરવાનું છે. તો તે સંસારમાં લેપાઈ ના શકે. સાધારણ માણસો કર્મ કરે છે, પણ કર્મની અસરથી રંગાયા વિના રહી શકતા નથી. સારા કે નરસા કર્મની અસર તેમના પર જરૂર થાય છે. કર્મ પ્રમાણે તેમના મનનો રંગ બદલાયા કરે છે. આ વસ્તુ ઠીક નથી. ખૂબ સાવધ રહીને માણસે તેનો અંત લાવવો જોઈએ. કર્મ કરો પણ કર્મની સારી કે નરસી અસરથી દૂર રહો.

પહેલાના વખતમાં યુદ્ધો કેવાં થતાં તે ખબર છે ? યુદ્ધ વસ્તુ ખૂબ ભયંકર છે. તેનો આશ્રય લેનાર માણસ  ભલે થોડા વખત માટે, પણ ભયંકર બની જાય છે. છતાં પહેલાંના વખતમાં સાંજના વખતે જ્યારે લડાઈ બંધ પડતી, ત્યારે યોદ્ધાઓ પરસ્પર ભેગા મળતા, ને વિરાધી પક્ષોની છાવણીમાં જઈને ઘવાયેલાની સારવાર કરતા. કેટલી ઉદારતા ! માણસે એવી ઉદારતા કેળવવાની જરૂર છે. અત્યારે તો કોઈ સાધારણ વાતમાં મતભેદ પડે કે બોલચાલ થાય તો માણસો ગુસ્સે થઈ જાય છે, ને અબોલા લઈ લે છે. મતભેદ પડવાના કે બોલચાલ થવાના સાધારણ કામની કેટલી બધી ભારે અસર થાય છે ! આ વસ્તુ બરાબર નથી. માણસે સાગર જેવા ગંભીર ને ગહન બનવું જોઈએ. જેમ સાગરની અંદર મીઠા, ખારાં ને ખાટાં સર્વ પ્રકારનાં પાણી સમાઈ જાય છે, તેમ મીઠાં ને કડવા બધા અનુભવોને તેણે પોતાની અંદર સમાવી લેવા જોઈએ. તેનાથી તેની માનસિક શાંતિનો ભંગ થવો ના જોઈએ. જુદાં જુદાં કર્મોની અસર નીચે આવ્યા છતાં તેણે ભાન ભૂલવું ના જોઈએ. વિવેકને કાયમને માટે તાજો રાખીને તેણે બધાં કર્મ કરવા જોઈએ.

એવી રીતે કર્મ કરવાની જરૂર છે. શું તમે એવી રીતે કર્મ કરો છો ? શું કર્મનું પરીણામ ધાર્યા પ્રમાણે ને સારું આવે તો તમે અહંકારમાં આવી જાવ છો કે ફુલાઈને ભાન ભૂલી જાવ છો ? કર્મ કરો. પણ તેમાં જો ઈચ્છા પ્રમાણે સફળતા ના મળે તો શું તમને દુઃખ થાય છે ? ને એટલી હદ સુધી દુઃખ થાય છે કે છેવટે કર્મ કરવાનો વિચાર જ છોડી દો ? શું બધામાં એક પ્રભુ રહેલા છે એ વાત યાદ રાખીને તમે કર્મ કરો છો ? શું તમારી આંખમાં રાગ અને દ્વેષ ભરેલા છે ? કોઈને શત્રુ ને કોઈને મિત્ર તથા કોઈને પોતાના ને પરાયા માનીને તમે વ્યવહાર કરો છો ? આ બધા પ્રશ્નોના ઉત્તર જો હા માં આવતા હોય, તો નક્કી સમજજો કે તમારી કર્મ કરવાની પદ્ધતિમાં મોટો દોષ રહેલો છે, ને તે દૂર થયા વિના તમને કર્મનો આનંદ નહિ મળી શકે. કમલ જેમ કાદવમાં રહ્યા છતાં પણ નિર્મલ રહે છે, ને તલવારને ઢાલમાં રાખ્યા છતાં પણ તે ઢાલથી તદ્દન અલિપ્ત રહે છે, તેમ વ્યવહારમાં રહીને નિર્મલ ને અલિપ્ત રહેવા માટે કર્મની કળાને જાણી લેવાની જરૂર છે. કર્મની કળાને જાણી લો પછી કર્મ કરો તો જરા પણ હરકત ના આવે. કર્મ કર્યા વિના સંસારમાં કોઈને પણ ચાલતું નથી. કર્મ તો કરવાનું જ છે તો પછી ઉત્તમ કામો કેમ ના કરવા કે જે આપણો ઉદ્ધાર કરે ? આપણામાંના બધા જ પોતાનો ઉદ્ધાર ઈચ્છે છે. કોઈ પોતાના પતનની ઈચ્છા કરતું નથી. ભગવાને કર્મ વિષે જે ગુહ્યજ્ઞાન આપ્યું છે, તે જાણવાની જરૂર એટલા માટે જ છે.

- શ્રી યોગેશ્વરજી

સ્વભાવનો સુધાર

કેટલાક માણસો એવા હોય છે કે સાકાર રૂપમાં કોઈ કામના પૂરી કરવા માટે ઈશ્વરની ઉપાસના કરે છે. તે સંકુચિત હૃદયના ને કટ્ટર હોય છે, એટલે ઈશ્વરના  જે રૂપને માને છે તેને જ સૌથી શ્રેષ્ઠ ગણે છે. આટલાથી અટકતા હોત તો તો સારું, પણ વધારામાં ઈશ્વરનું દર્શન કરતા નથી. આવા માણસોને જ્ઞાની કે વિવેકી ના કહી શકાય, પોતાને ગમે તે ઈશ્વરના રૂપને માનવાની ને ભજવાની સૌને છૂટ છે પણ બીજાના રૂપને સાધારણ કે હલકું સમજવાની છૂટ કોઈને પણ ના હોઈ શકે. ધારો કે કોઈ રામને માને છે અથવા તો ઈશ્વરનું રામરૂપ તેને વધારે ગમે છે, તો તે રામને ભલે માને ને ભજે. પણ કૃષ્ણ, શંકર, માતા, ક્રાઈસ્ટ, મહમ્મદ કે બુદ્ધને તેણે સાધારણ કે હલકા માનવા ના જોઈએ. તેણે તો તેમને પણ પ્રિય સમજવા જોઈએ, તેમના ભક્તોને પણ તેણે માનની નજરે જોવા જોઈએ. તેને બદલે જો તે તેમની ટીકા, ઉપેક્ષા કે નિંદા કરવા માંડે, તો તે અવિવેકી છે એમ જ સમજી લેવું. ઈશ્વર કોઈ એક જ ધર્મ કે સંપ્રદાયે ખરીદી લીધો છે, ને કોઈ એક જ સ્વરૂપના માળખામાં સમાયલો છે, એમ માનવાની જરૂર નથી. તેના પર તો બધા જ ધર્મોનો સરખો અધિકાર છે. તેના રૂપ પણ અનંત છે. માટે એ બાબતમાં ખૂબ જ ઉદાર થવાની જરૂર છે. બુદ્ધ, ઈશુ, મહમ્મદ, રામ, કૃષ્ણ, શક્તિ ને શંકર બધાં એક જ ઈશ્વરનાં જુદા જુદા રૂપ છે ને ઈશ્વરનાં બીજા હજારો રૂપ થઈ શકે છે. એ સૌને વંદન કરવા આપણે તૈયાર રહેવું જોઈએ. એ બાબત કોઈ જાતની કટ્ટરતા સેવવાની જરૂર નથી. જે વિવેકી છે, તે પોતાને પસંદ ઈશ્વરી સ્વરૂપની ઉપાસના તો કરે જ છે; પણ બીજાં સ્વરૂપોમાં પણ ઈશ્વરનું દર્શન કરે છે. સૌને સરખા માનપાત્ર સમજે છે.

બીજી વાત એ છે કે પોતાના ઉપાસ્ય ઈશ્વરી સ્વરૂપનું તે બધે જ દર્શન કરે છે. રામને ભજનાર ભક્ત જડ ને ચેતનમાં બધે જ શ્રી રામનો મહિમા અનુભવે છે ને કૃષ્ણનો ભક્ત ચરાચરમાં શ્રી કૃષ્ણનું દર્શન કરે છે. એ રીતે સૌનું સમજી લેવાનું છે. માણસ ગમે તે રૂપની ઉપાસના કરે પણ જેની ઉપાસના કરે તેની ઝાંખી તેણે જગતના નાના મોટા બધા જ પદાર્થોમાં કરવી જોઈએ. એ વસ્તુ મહત્વની છે.

કોઈ કોઈ ભક્તો ભગવાનનું કીર્તન કરે છે, ધ્યાન ધરે છે, ને ભગવાનના સ્મરણ મનનમાં મસ્ત રહે છે. પણ પારકાંની પીડા તેમને સ્પર્શી શકતી નથી. બીજાનું દુઃખ જોઈને તેમનું દિલ દ્રવી ઊઠતું નથી, તેમને માટે શું સમજવું ? એ જ કે તેમની ભક્તિ એકાંગી છે. ભગવાન પ્રત્યેની તેમની ભાવના અધૂરી છે. તેમની દૃષ્ટિમાં દોષ છે, તેથી તે બીજાની અંદર રહેલા ઈશ્વરને જોઈ શકતા નથી. ઈશ્વર સૌની અંદર વાસ કરે છે. એ સત્યને જે સમજે છે તે તો સૌમાં રહેલાં ઈશ્વરને અનુભવે છે. તે પારકાની પીડા જોઈને દ્રવી ના ઊઠે તે બને જ કેમ ? પારકાની પીડા જોઈને તે કઠોર કેવી રીતે રહી શકે ? એવા મહાન ભક્તને માટે નરસૈંયાએ કહ્યું છે કે ‘તે પીડ પરાઈ જાણે રે’, ખરી વાત છે. સખત તાપને લીધે પથ્થર પણ તપી જાય છે, ને કઠણ લોખંડ પણ જો તપાવવામાં આવે તો કોમળ થઈ જાય છે, તો પછી જેનામાં માનવતા છે તે તો બીજાનું દુઃખ જોઈને દ્રવી જાય, એમાં આશ્ચર્ય શું છે ? ભક્તિ કે કોઈયે જાતની ઉત્તમ સાધના માણસને માણસાઈથી છૂટાછેડા લેવાનું કદી પણ શીખવતી નથી. તે તો તેને વધારે મહાન બનાવે છે ને માણસાઈની મૂર્તિ કરે છે. જે વ્યક્તિ ભક્ત, જ્ઞાની કે સાધક હોવાનો દાવો કરે, તે બીજા પ્રત્યે નિષ્ઠુર કેવી રીતે હોઈ શકે ? આપણે જેવા ઉત્તમ વ્યવહારની આશા આપણે માટે રાખીએ છીએ, તેવી આશા બીજા પણ રાખે છે એમ સમજીને બીજા પ્રત્યે આપણે ઉત્તમ વ્યવહાર કરતાં શીખવું જોઈએ. દંભ, કપટ, દ્વેષ ને કઠોરતાનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે તે વિના ગમે તેવા ભક્ત, જ્ઞાની કે સાધકની શોભા નથી.

થોડાં વરસો પહેલાં અમે ઈડર પ્રદેશના એક ગામમાં ગયા હતા. ત્યાં એક ભક્તરાજ આવતા હતા. તે વખતે તે ભક્તરાજ ત્યાં હાજર હતા. તેમના તરફથી રાતે રોજ કીર્તન ભજન થતાં. કીર્તનનો સમય પણ રાતનો. રાતે દસેક વાગે નિરાંતે બધાં ભેગાં થાય ને ભજન ગવાતા જાય. કેટલીક વાર તો ભજન ઠેઠ મળસ્કા સુધી ચાલે. પણ જરા નવાઈની વાત એ જોઈ કે એક પણ પુરૂષ તે ભજનમાં સામેલ થતો નહિ. સ્ત્રીઓની તો ઠઠ જામતી, સ્ત્રીઓ પણ કેવી ? કેટલીક તો ભજનમંડળીમાં સરદાર જેવી ગણાતી. તે સ્ત્રીઓ કેટલીકવાર ભજન ગવડાવે, ને વધારે મસ્તીમાં આવી જતાં નાચવા ને કૂદવા પણ માંડે. કેટલીકવાર કોઈ કોઈ સ્ત્રી સાચી કે ખોટી બેહોશ પણ બની જાય. તેવી સ્ત્રીઓનો દરજ્જો જરા વધારે ઊંચો ગણાતો. બધી સ્ત્રીઓ વધારે ભાગે વિધવા જ હતી. એ બાજુ વિધવા સ્ત્રીઓ વધારે હોય છે.

એક વાર અમારે બાજુના ગામમાં જવાનું થયું. અમારી સાથે બીજા પણ ભાઈ હતા. તેમની કોઈ કુટુંબી બેન એમને પોતાને ઘેર લઈ ગઈ. ઘરમાં તે બેનનાં સાસુમા બેઠાં હતાં. તેમણે અમને જોઈને મોં મચકોડ્યું. અમને બોલાવ્યા પણ નહિ. બેન હિંમતવાળી હતી. હિંમત કરીને તેણે અમને દૂધ વગેરે પાયું ને અમારી સાથે કેટલીક વાતો કરી. થોડીવાર વાતો કરીને છેવટે અમે ઊભા થયા. છતાં બેનનાં સાસુમા તો ખાસ કાંઈ જ બોલ્યાં નહિ ! તેમના કંઠમાં માળા લટકતી હતી. કપાળે જરા ભસ્મ હતી. તેથી અમને તેમના વિશે કાંઈક માહિતી મેળવવાનું મન થયું. બેને માહિતી આપતાં કહ્યું કે પેલા ભક્તરાજનાં તે અનન્ય શિષ્યા હતાં. ભક્તરાજની મંડળીના તે સરદાર હતાં, ને ભજનો ગાવા–ગવડાવવામાં ખૂબ કુશળતા ધરાવતાં હતાં. ભજનો ગાતાં તે નાચવા માંડતાં ત્યારે કોઈવાર તેમને સમાધિ પણ થઈ જતી. ભક્ત સ્ત્રીઓના મંડળમાં તે કેટલીક સ્ત્રીઓનાં ગુરૂ પણ થઈ પડ્યાં હતાં. છતાં અમારા જેવા સાધારણ અતિથિ તરફ તેમણે જે વર્તાવ કરી બતાવ્યો તે શું તેમના ગૌરવને અનુરૂપ હતો ? કદાપિ નહિ. જેટલો વખત અમે તેમના ઘરમાં રહ્યા તેટલો વખત તેમનું મોઢું ગંભીર અને કઠોર જ રહ્યું-જાણે દીવેલ પીધું હોય તેમ. તેના પર આનંદ કે ઉત્સાહની છાયા પણ ન હતી. મીઠાશનો છાંટો પણ તેમની આંખમાં નહોતો દેખાતો.

વધારે ઊંડા ઉતરતાં જણાયું કે તે પોતાના દીકરાની વહુ પ્રત્યે ખૂબ કઠોર હતાં. તેને પૂરું ને સારું ખાવાનું પણ ના આપતાં. તેની સાથે વાત ના કરતાં ને તેને ત્રાસ આપતાં. કારણ ગમે તે હશે પણ આ જાતનો વર્તાવ ને સ્વભાવ તેમને માટે જરા પણ સારો ના ગણાય. કોઈનેય માટે સારો ના ગણાય. ગળામાં માળા લટકાવીને ભજન ગાવાથી જ કોઈ ભગત થઈ જતું નથી. કપાળે ભસ્મ લગાડવાથી કે મરજાદી થવાથી પણ ભગત, જ્ઞાની કે સાધકમાં ખપાતું નથી. કીર્તન કરતાં કરતાં નાચવાથી ને સાચા કે ખોટા બેહોશ થઈને પડી જવાથી કે વેશપલટો કરવાથી પણ ભગવાનના પ્યારા થઈ શકાતું નથી. જ્યાં સુધી માણસનું હૃદય પલળે નહિ, તેનો સ્વભાવ સુધરે નહિ, ને તે વધારે ને વધારે સદ્ ગુણી બને નહિ, ત્યાં સુધી તે સાધક જ્ઞાની, ભક્ત કે સજ્જન થઈ શકે નહિ. માણસની મુખ્ય મિલકત માણસાઈ છે. તે જળવાય ને વધે તો જ તે મહાન ગણાય. તેની ઉપેક્ષા કોઈયે કારણસર ને કોઈયે સંજોગોમાં બરાબર નથી. ભક્તિ કે સાધના કોઈ નશો નથી. તે તો એક ઔષધિ છે, જે તેનું સેવન કરે છે તેનું સમસ્ત જીવન પલટાઈ જાય, ને તેનો સ્વભાવ શુદ્ધ બને છે.

- શ્રી યોગેશ્વરજી



જગત વિકારી કેમ છે ?

મારી પાસે આવનારા કોઈ કોઈ માણસો મને પૂછે છે કે ભગવાન તો પરિપૂર્ણ પરમાનંદસ્વરૂપ ને પરમ શાંતિમય છે. તેમની અંદરથી જો જગત થતું હોય, તો જગત વિકારી, અપૂર્ણ ને સુખદુઃખ તથા હર્ષશોકથી ભરેલું કેમ દેખાય છે ? હું કહું છું કે ગીતામાતાએ એના વિશે જે ખુલાસો કર્યો છે તેનો વિચાર કરો. ગીતામાતા કહે છે કે જગતના કર્તા ભગવાન છે. પણ ભગવાનની જે પ્રકૃતિ છે તેમાંથી જગત થાય છે. ભગવાનની પ્રકૃતિ સાધારણ ને અસાધારણ બે જાતની છે. તે વિકારવાળી છે. સત્વ, રજ ને તમ–ત્રણ ગુણથી ભરેલી છે. એટલે જગત પણ વિકારવાળું છે. બાળકમાં એકલા પિતાના નહિ, પણ માતાના ગુણ પણ ઉતરે છે. માતાપિતાના મિશ્રિત સંસ્કાર બાળકને વારસામાં મળે છે. જગતનું પણ તેવું સમજવાનું છે. પરમાત્મારૂપી પિતા જ તેને માટે જવાબદાર હોત, તો તે પરમાત્મા જેવું જ હોત, ને પરમાત્માની જ વિશેષતાને વારસામાં લઈને જન્મત, પણ સાથે માતા પણ છે. પ્રકૃતિમાતા પણ તેને માટે જવાબદાર છે. એટલે માતાના ગુણધર્મ તેની અંદર પ્રકટ થાય એ સમજી શકાય તેવું છે. પ્રકૃતિ નટખટ છે એ કોણ નથી જાણતું ? ગીતામાતા આવો સચોટ ખુલાસો કરે છે. છતાં જો મારી દૃષ્ટિએ કહું તો મને તો આવા પ્રશ્નો ને તેની ચર્ચામાં ઉતરવું નિરર્થક લાગે છે.

જગત જેવું છે તેવું આપણી સામે છે. તે આવું ખરેખર કેમ છે તે વિશે આપણે વિચાર જરૂર કરી શકીએ, અથવા તર્કવિતર્ક કરીએ. છતાં તે વાત જગતના કર્તાને આધીન હોઈ, તેનું ખરું રહસ્ય આપણે ભાગ્ય જ શોધી શકીએ. તે વિશે કોઈ ખાસ હઠાગ્રહ કરવો નકામો છે. વિકારી જગતમાં રહીને આપણે અવિકારી બની શકીએ કે કેમ, અથવા સુખ ને દુઃખ તથા હર્ષ ને શોકના જોડકાથી છૂટીને પરમશાંતિ સુખ મેળવી શકીએ કે કેમ ને કેવી રીતે તે જ વસ્તુ મને વધારે મહત્વની લાગે છે.

ધારો કે એક માણસ કોઈ કારણથી કુવામાં પડી ગયો છે. તેનો અવાજ સાંભળીને કેટલાંક માણસો કુવા પર ભેગાં થાય છે. કુવામાં પડેલો માણસ કુવામાં કેવી રીતે પડ્યો એની ચર્ચામાં જ બધાં માણસો ઉતરવા માંડે તો શું તે ઠીક ગણાશે કે ? ગયા વરસે ગંગાજીમાં પુષ્કળ પૂર આવ્યું હતું. પૂર ઉતર્યા પછી પણ ગંગાજી વિશાળ રહેતી હતી. કેટલાક રસિયા માણસો તેમાં તરવા પડતા. કમનસીબે તેમાંના કેટલાક ડૂબી પણ જતા. ડૂબકા ખાતા માણસોને જોઈને કિનારા પર લોકો ભેગા મળતા. તેમાંના કેટલાક તરવાનું જાણતા છતાં તે પરસ્પર વાતો જ કર્યા કરતાં. ગંગાની ભયંકરતાની તથા મુત્યુની ચોક્કસતાની ચર્ચામાં તે ઉતરી પડતા. પણ બધા માણસો કાંઈ એવા હોય છે ? કોઈ વીરલ માણસો પણ નીકળી આવતા. અમારી નજર સામે તે ગંગામાં કૂદી પડતા, ને ડૂબતા માણસને બચાવવાનો બનતો પ્રયાસ કરતાં. એવા માણસોને જોઈને અમને બહુ આનંદ થતો. ને સૌને થાય એ સ્વાભાવિક છે.

કૂવા પર ભેગાં થયેલાં માણસો પણ મૂળ વાત ભૂલી જઈને જો ચર્ચામાં ઉતરી પડે, તો તેથી કોને આનંદ મળે ? નકામી ચર્ચા કરીને વખત બગાડવાનો કાંઈ અર્થ નથી. કૂવામાં પડેલો માણસ ગમે તે કારણથી પડ્યો હોય, છતાં કૂવામાં પડ્યો છે એ નક્કી છે. હવે તો તેને બહાર કાઢવાની જ જરૂર છે. માટે કૂવા પર ભેગાં થઈને વાતો કરનારા માણસોને કહેવું જોઈએ કે ભાઈઓ, બીજી ચર્ચા મૂકી દો. હવે જો બની શકે તો ગમેતેમ કરીને અંદર પડેલા માણસોને બહાર કાઢવાનો પ્રયાસ કરો. ચર્ચા તો પછી નિરાંતે થઈ શકશે.

જગત વિષે પશ્ન પૂછનારને પણ આપણે એમ જ કહીશું કે ભાઈઓ જગત જેવું છે તેવું તમારી સામે જ છે. તે આવું કેમ છે તેની ચર્ચા કરવાની જરૂર છે જ એમ નથી. મુખ્ય વાત એ છે કે તમે કૂવામાં પડેલા છો. કાળના પ્રવાહમાં તણાઈ રહ્યા છો, ને પરમ શાંતિ, પૂર્ણતા ને સ્થિરતાને ચાહો છો. તેને મેળવી લેવાનાં સાધન શોધી કાઢો. તેની મદદથી અજ્ઞાનના કૂવામાંથી બહાર નીકળો. બીજા બધા મુદ્દાઓમાં વખત ગુમાવવાને બદલે આ કામનો મુદ્દો યાદ રાખો તો તેમને વધારે લાભ થશે. જીવનને સફળ કરવા માટે બહુ વાણીપંડીત થવાની જરૂર નથી. અગમનિગમની વાતો ઉકેલવાની પણ જરૂર  નથી. તે માટે તો સફળતાના જરૂરી સાધનને સારી પેઠે સમજી લઈને તેનો ઉપયોગ કરવાની જરૂર છે માટે નકામી વાતોમાં વખત ગુમાવી ના દેશો. સમય ટૂંકો, ઝડપી ને કિંમતી છે કામ ભારે છે. આડવાતોમાં પડી જશો તો કરવાનું કામ ચૂકી જશો.

- શ્રી યોગેશ્વરજી


મહાપુરુષો સદા ભગવાનને ભજે છે

આ જીવન ટૂંકું છે. જ્ઞાનીઓ તેને પાણીના પરપોટા જેવું કહે છે. પરપોટો પાણીમાં જન્મે છે ને ફુટી જાય છે. જીવનનું પણ તેવું જ સમજવાનું છે. પરપોટાની પેઠે તે આજે છે ને કાલે ફુટી જશે, અરે, કાલે શું કામ ? એક ઘડી પછી આ જીવનનું શું થશે તેની કોને ખબર છે ? તાપ ને છાયાની જેમ જીવનના રંગો બદલાયા જ કરે છે. જે કાલે હતો તે આજે નથી, ને આજે છે તે કાલે નહિ હોય. આવા જીવનનો વિશ્વાસ શો ? જે મહાપુરૂષો છે તે તો આ જીવનમાં વહેલામાં વહેલી તકે પરમાત્માની કૃપા મેળવવાનો નિરધાર કરે છે સાધારણ માણસો પરમાત્માની પ્રાપ્તિ કરવાના કામને મુલતવી રાખે છે ને બીજા સાંસારિક કામ પહેલાં કરે છે. પણ મહાપુરૂષોની વાત જુદી છે. પોતાની પૂર્ણતાના જરૂરી કામને મુલતવી રાખવાનું તેમને પસંદ નથી. તે કહે છે કે માણસો ખાવાનું, પીવાનું ને સુવાનું તથા લગ્નાદિ કરવાનું મુલતવી નથી રાખતા તો પછી પરમાત્માની પ્રાપ્તિના કામને કેવી રીતે મુલતવી રખાય ? પોતાની જાતના ઉદ્ધારના કિંમતી કામમાં આળસુ બનીને બેસી કેમ રહેવાય ? તે કામ તો વહેલામાં વહેલી તકે કરી લેવું જોઈએ. તેમાં આળસ કરવી એટલે પોતાને માટે મૃત્યુ નોતરવું; અથવા પતનની ખાઈ ખોદવી. માટે તેવા મહાપુરૂષો એકેક ક્ષણનો હિસાબ રાખે છે, ને પોતાના ઉદ્ધારના કામમાં લાગી જાય છે. આ જીવન પૂરું થાય તે પહેલાં જ પરમાત્માને મેળવી લેવાનો તે પ્રયાસ કરે છે. જીવન અનંત છે. આકાશમાં ટમટમતા તારાઓ જેમ ગણ્યા ગણાય નહિ તેટલા હોય છે, તેમ જીવનનો હિસાબ પણ કોઈથી કરી શકાય તેમ નથી, છતાં પણ પોતાના વિકાસની વાતને બીજા જીવન પર મુલતવી રાખવાનું ઠીક નથી. એમ સમજીને મહાપુરૂષો આ જ જીવનમાં ને વહેલામાં વહેલી તકે પૂર્ણતા મેળવવા તલપાપડ થઈ જાય છે.

ઈશ્વરને માટે જેના દિલમાં લગની લાગે છે, તેમની વાત એવી જ છે. તે તો વાત મુલતવી રાખીને એક ઈશ્વરના જ દર્શન માટે અધીરા બને છે. પોતાના દિલમાં ઈશ્વરની મંગલ મૂર્તિની પધરામણી કરીને ઈશ્વરના કૃપાપાત્ર થવા માટે તે સદા તૈયાર રહે છે. ઈશ્વર વિના બીજા કોઈનોયે રાગ તેમના હૃદયમાં રહેતો નથી. ઈશ્વરના પ્રેમસંગીતથી તેમનું રોમેરોમ રસાળ બની જાય છે. ભાવવિભોર હૃદયથી તે ઈશ્વરને ભજે છે; ઈશ્વરની આરાધનામાં મસ્ત બને છે; ને ઈશ્વરની યાદમાં ચકચુર થઈ જાય છે. ઈશ્વરનું સ્મરણ તેમને માટે પરમસુખ ને શાંતિનું સ્થાન થઈ જાય છે. ઈશ્વર વિના તેમને કાંઈ રુચતું નથી, ને તેમનું મન કશામાં લાગતું નથી. ઈશ્વરને મેળવવા માટે તે જુદી જુદી જાતનાં તપ ને વ્રત કરે છે, ને સાધના તથા પ્રાર્થનામાં સમય પસાર કરે છે. સંસારના સઘળા પદાર્થોમાં ઈશ્વર રહેલો છે. એમ માનીને સૌમાં રહેલાં ઈશ્વરને વંદન કરે છે.

આપણે ત્યાં નમસ્કાર કરવાનો રિવાજ છે તે શું બતાવે છે ? આપણે કોઈને નમસ્કાર કરીએ છીએ એટલે કાંઈ તેના સ્થૂળ શરીરને નમતા નથી; પંચમહાભૂતના પુતળાને હાથ જોડવાનો આપણો આશય નથી હોતો. આપણે તો તેની અંદર રહેલા ઈશ્વરને નમીએ છીએ. સામેનો માણસ આપણને હાથ જોડે છે કે નમે છે એટલે તે પણ આપણી અંદરના ઈશ્વરને નમે છે. આ મહાન ભાવનાને સમજી લઈએ તો આપણે સૌને પ્રેમ કરતાં શીખી જઈએ; સૌના પ્રત્યે મીઠું વર્તન કરીએ, ને કોઈની હિંસા ના કરીએ, કોઈનું બુરૂં ના કરીએ કે તાકીએ, કે કોઈને દગો ના દઈએ. નમસ્કાર કરવાની ટેવ રોજીંદી થઈ પડી છે પણ તેની પાછળની ભાવના મરી પરવારી છે. માટે તો માણસો જેને નમસ્કાર કરે છે તેને જ પાછળથી ગાળો દે છે; તેની નિંદા કરે છે ને તેનું બુરૂં તાકે છે. એટલે નમસ્કાર કરવાની ઉત્તમ ક્રિયાની પાછળની ભાવનાને જીવતી કરવાની ને અમલી બનાવવાની જરૂર છે. મહાપુરૂષો ને ઈશ્વરના પ્યારા ભક્તોના હૃદયમાં એ ભાવના સદાય જીવતી હોય છે. તેમના નાનામોટા દરેક કર્મમાં તે ભાવના ટપકતી  હોય છે. સારી સૃષ્ટિને તે વંદન કરે છે ને સારી સૃષ્ટિનું મંગલ ઈચ્છે છે.

આ તો ભક્તોની વાત થઈ. પણ જે જ્ઞાની છે તે પણ બધે પ્રભુનું દર્શન કરે છે ને સૌનું મંગલ ચાહે છે. પરમાત્માનો અનુભવ કરીને કૃતાર્થ થવા માટે તે પણ સદા તલસ્યા કરે છે. ટમકતા તારામાં ને ચમકતી ચપલામાં, સાગરનાં મોજાં ને નદીના નીરમાં, ફૂલની ફોરમમાં ને આકાશની અનંતતામાં, બધે તેને એક ઈશ્વરનો અનુભવ થાય છે. સારા કે નરસા બધા પદાર્થો તેને મન પ્રભુની પ્રતિમા જેવા બની જાય છે. સાધારણ માણસને સંસાર વિના બીજું કશું દેખાતું નથી, પણ જ્ઞાનીની વાત જુદી છે. જ્ઞાનીને પૂછો તો તે તરત બોલી ઉઠશે કે મને ઈશ્વર વિના કાંઈ જ દેખાતું નથી. ઈશ્વર નથી એમ કહો છો ? ઈશ્વર વિના બીજું શું છે એ જ કહેશો ? તમારી દૃષ્ટિમાં દોષ છે તે દૂર કરો. એટલે તમને પણ મારા જેવો જ અનુભવ થશે, ને મારા કથનની ખાત્રી થશે. એવા ભક્ત ને જ્ઞાનીની મહાન દશાએ આપણે પહોંચી જઈએ તો કેટલો આનંદ થશે ? એ વિના જીવનમાં સાચો આનંદ ખરેખર નથી જ. પ્રભુની કૃપાથી આપણને એ દશા વહેલામાં વહેલી તકે મળે; કહો કે સૌને મળે.

- શ્રી યોગેશ્વરજી


ભગવાન ભક્તોનો યોગક્ષેમ ચલાવે છે

ગીતામાં ભગવાને કેટલીક બાંહેધરીઓ આપી છે અથવા કહો કે કેટલીક પ્રતિજ્ઞા કરી છે, એમાંની બે પ્રતિજ્ઞા ધ્યાન ખેંચનારી છે. ભગવાન કહે છે કે મારા ભક્તોનો કદી નાશ થતો નથી, મારા ભક્તોનું કદી અમંગલ થતું નથી. એ પ્રતિજ્ઞાનો વિચાર આપણે આગળ પણ કરી ગયા છીએ. આ અધ્યાયમાં બીજી મહાન પ્રતિજ્ઞા આવે છે. ભગવાન કહે છે કે જે લોકો મારૂં અનન્યભાવે સ્મરણ મનન કરે છે ને મારી ભક્તિ કરે છે, તેમના યોગ ને ક્ષેમની જવાબદારી હું ઉપાડી લઉં છું. યોગ એટલે જીવનની જરૂરતોની પ્રાપ્તિ ને ક્ષેમ એટલે ભક્તોની સંભાળ ને ઉન્નતિ. કેટલી સરસ પ્રતિજ્ઞા છે ? ભગવાનના પ્રેમમાં મસ્ત બનનારની બધી જ ચિંતા ભગવાન પોતે ઉપાડી લે છે. તેની ઉન્નતિ પણ તે જ કરે છે. પોતાનો ભક્ત જો કોઈ કારણથી સંસારના મોહમાં ફસાઈ જાય કે પ્રલોભનમાં પડી જાય, તો ભગવાન તેને તેમાંથી બહાર કાઢે છે. તેની રક્ષા કરવા માટે ભગવાન સદા તૈયાર રહે છે. તેના માર્ગને સાફ કરે છે, ને છેવટે પોતાનું દર્શન આપીને તેને ન્યાલ કરે છે. પોતાનો ભક્ત જો કોઈ કારણથી ગફલતમાં પડી જાય, ને સાચો રસ્તો ભૂલી જાય, તો ભગવાન તેને મદદ કરે છે, તેની વહારે આવે છે, ને તેને સાચો રસ્તો બતાવે છે.

પ્રભુની કૃપાથી સાધારણ માણસો પણ આ પ્રમાણે પોતાની જાતના કલ્યાણમાં પ્રભુની મદદ મેળવી શકે છે. તો પછી જે ભક્તો છે તેમને માટે તો કહેવું જ શું ? પ્રભુને દિવસરાત યાદ કરનારા ને પ્રભુને પોતાના જીવનનો ધ્રુવતારો બનાવી બેઠેલા માણસોની સંભાળ પ્રભુ ડગલે ને પગલે રાખે એમાં શી નવાઈ છે ? પોતાના ભક્તોને યોગ્ય ગુરૂ કે મહાપુરૂષોનો મેળાપ કરાવી દેવો એ પણ પ્રભુનું કામ છે. તેમને સાધનાના જુદા જુદા અનુભવો કરાવીને શાંતિ આપવાનું કામ પણ તે જ કરે છે. જે પ્રભુનું નિરંતર સ્મરણ કરે, ને પ્રભુની કૃપા મેળવવા મહેનત કરે છે, તેમની સમજમાં આ વાત સહેલાઈથી આવી શકશે.

જે ભક્તો હૃદયમાં રાગ ભરીને ભગવાનને ભજે છે, તેમને બીજી કયી વસ્તુની ઈચ્છા હોય ? મહાપુરૂષોના દર્શનના ને તેમની સાથે વાતચીત કરવાના જે અનુભવો તેમને થાય છે, તેથી તેમને આનંદ જરૂર થાય છે. પણ તેમનો સાચો આનંદ તો ભગવાનના દર્શનમાં રહેલો છે. કોઈ બાળકને ગમે તેટલા સારા વાતાવરણમાં મૂકો, ને તેને ખાવાપીવાના તથા રમવાના બધા જ સુંદર પદાર્થો પૂરા પાડો તેથી તેને આનંદ જરૂર થશે, પણ તે આનંદમાં તે પોતાની 'મા'ને ભૂલી જશે કે ? કદાચ થોડા વખત માટે ભૂલી જાય, પણ પછી તો તે 'મા'ને માટે રડવા માંડશે, ને 'મા'ને મળવા તલપાપડ બની જશે. કેમ કે 'મા'નો પ્રેમ તેના જીવન સાથે જડાયેલો છે. તે કદી દૂર થઈ શકે તેમ નથી. તમે હજારો ઉપાય કરો, પણ તેના દિલમાંથી 'મા'ના આસનને દૂર કરવામાં સફળ નહિ થઈ શકો. 'મા'ની પાસે તેને જે હૂંફ ને સુખ મળે છે, તે જુદી જ છે. તેની સરખામણી સંસારના કોઈયે સુખની સાથે થઈ શકે તેમ નથી.

ભક્તોની વાત તેવી જ છે. સાધનાના બીજા અનુભવો તેમને આનંદ જરૂર આપે છે પણ તેથી તેમને પૂરો આનંદ મળતો નથી. તેમનો પૂરો આનંદ તો ભગવાનના દર્શનમાં જ રહેલો છે. તે આનંદને અનુભવવા માટે તે તલપાપડ થઈ જાય છે. તેમનું હૃદય ભગવાનના દર્શનને માટે રડી ઊઠે છે, તેમની ભાવના ને ભક્તિ જોઈને ભગવાન તેમને સમય પાકતાં દર્શન આપે છે. તે દ્વારા આપણને ભગવાનની મહાન દયા, કરુણા ને ભક્તવત્સલતાનો પરિચય થાય છે. જે મારૂં અનન્ય ભાવે સ્મરણ કરે છે, તેમને હું મારો મેળાપ કરાવી આપું છું, ને તેમનું સર્વ પ્રકારે કલ્યાણ કરું છું, એ ભગવાનનું વચન ખરેખર સાચું છે. તેનો અનુભવ કરવાની છૂટ સૌ કોઈને છે. યોગ એટલે ભગવાનનો મેળાપ એવો અર્થ કરવાથી આ પ્રમાણે સમજી શકાય છે.

હિમાલયમાં ઉત્તરકાશી નામે સ્થાન છે. કેટલાંક વર્ષો પહેલાં ત્યાં એક મહાત્મા રહેતા હતા. તેમણે ત્યાગ કર્યા પછી ભારે પરિશ્રમ કર્યો હતો. સખત તપ, વ્રત ને અનુષ્ઠાન કર્યા હતાં પણ તે છતાં તેમને શાંતિ મળી ન હતી. છેવટે તેમને કંટાળો આવ્યો. શાંતિ વિનાનું જીવન તેમને સાલવા લાગ્યું. તેમણે વિચાર કર્યો કે શાંતિ ન મળે ત્યાં સુધી ચેન નહિ વળે. હવે તો આ શરીરને ફગાવી દેવું જોઈએ. કાં તો શરીર પડી જાય, કાં તો શાંતિ મળે. બાકી અશાંતિની આ દશામાં જીવવાનું જરા પણ ઠીક નથી.

ઉત્તરકાશીથી તે ગંગોત્રી ગયા, ને ગંગોત્રીથી લગભગ બે માઈલ દૂર એક ગુફામાં તેમણે આસન જમાવી દીધું. શાંતિ મળે કે પછી શરીર પડે પણ અન્નજલ ન લેવાં એવો નિર્ણય કરીને તે પ્રભુનું સ્મરણ કરતાં સમય પસાર કરવા માંડ્યા. સમય કોની રાહ જુએ છે ? તે તો ઝડપથી ચાલ્યો જ જાય છે. તમે તેને પસાર કરો કે તે તમને પસાર કરે. બાકી તે રાહ જોઈને રોકાઈ રહેવાનો તો નહિ જ. મહાત્માજીનો સમય પણ પસાર થવા માંડ્યો. ત્રણ દિવસ થઈ ગયા પણ શાંતિ ના મળી. મહાત્માજીની ચિંતા વધતી જતી હતી. શરીર છોડી જ દેવું હોય તો ક્યાં વાર લાગે એમ છે ? ગંગામાતામાં પડવાથી શરીર શાંત થઈ શકે એમ છે, પણ મહાત્માજીના મનમાં આશા હતી. ભગવાનની દયા પર તેમને વિશ્વાસ હતો. ભગવાન ને સંતોના શબ્દોમાં શ્રદ્ધા હતી-પોતાના ભક્તની રક્ષા કરવી ને બધી કામના પૂરી કરવી એ તો તેમનું વ્રત છે-એ વ્રતમાં તેમને શ્રદ્ધા હતી.

ને આખરે એ શ્રદ્ધા સાચી ઠરી. ચોથે દિવસે સવારે ગુફામાં પ્રકાશ થઈ રહ્યો. મહાત્માજીએ જરાક અચરજ ને આનંદ સાથે જોયું તો પોતાની સામે ભગવાન દત્તાત્રેય ઊભા હતા. તેમણે ભોજપત્રની કૌપીન પહેરી હતી. શરીર ખૂબ તેજોમય હતું. કેટલું સુંદર ને મંગલ દર્શન ! પણ તેથીયે વધારે મંગલ વાણીમાં તે બોલ્યા : બેટા, આ એકાંત જંગલની ગુફામાં આમ અન્નજલ છોડીને કેમ બેઠો છે ?

મહાત્માજીએ ઉત્તર આપ્યો કે ‘મારે શાંતિ જોઈએ છે.’

શાંતિ ? દૈવી પુરૂષે કહ્યું, તું શાંતિસ્વરૂપ જ છે. આ સ્થાનમાંથી તું જલદી નીચે ચાલ્યો જા, ને ઉત્તરકાશીમાં વાસ કર. તને શાંતિ જરૂર મળી જશે. ને એટલું કહીને તે અંતર્ધ્યાન થઈ ગયા.

મહાત્માજીની સાધના ફળી. તેમના આનંદની અવધિ ના રહી. ભગવાન દત્તાત્રેયની આજ્ઞા પ્રમાણે તે ઉત્તરકાશી આવ્યા. ત્યાં થોડા જ વખતમાં તેમને નિર્વિકલ્પ સમાધિ થઈ ને શાંતિ મળી. પરમશાંતિની મૂર્તિ બનીને તેમણે બાકીનું જીવન પૂરું કર્યું.

આ અનુભવ સાચો છે. આવા અનુભવ સાધકોમાંના ઘણાને થતા હશે. માણસો કહે છે કે અમે તો ઘણી ઈચ્છા રાખીએ છીએ પણ અમને તો કાંઈ જ મળતું નથી ને કોઈ ખાસ અનુભવ થતો નથી. એટલે આવી વાતો સાચી હોય તો પણ તેમાં શ્રદ્ધા નથી. મારે કહેવું પડે છે કે જે સૂર્યની દિશામાં જાય છે તેને પ્રકાશ મળે છે. તેવી રીતે ફૂલના બાગમાં જઈને બેસનારા માણસને ફૂલની ફોરમ પણ જરૂર મળે છે. તમે પણ જો અનુભવની ઈચ્છા કરતા હશો, ને તે માટે બરાબર પ્રયાસ કરતા હશો, તો તમને પણ અનુભવ થશે એ વાતમાં વિશ્વાસ રાખજો. બધા સાધકોને એક જાતના અનુભવ થતા નથી. બધાના અનુભવો કેટલીકવાર જુદા જુદા હોય છે. પણ તમારી ગાડી જો યોગ્ય પાટા પર ચાલતી હશે, તો એક કે બીજી જાતના અનુભવ તમને જરૂર થશે એમાં શંકા કરવાની જરૂર નથી. ઈચ્છા રાખવા છતાં અનુભવ ના થાય તો સાધનાને મૂકી ના દેતા. નિરાશ પણ ન થતા. ઈશ્વરમાં ને તમારી જાતમાં અશ્રદ્ધા ના કરતા. સાધનાની ગાડીને ચાલુ જ રાખો. તેને આગળ ને આગળ ધપાવ્યે જ રાખો. આવા બીજા પુરૂષોને થયેલા અનુભવોને નજર સામે રાખીને પ્રેરણાનું ભાથું ભરો ને ઉત્સાહ, આશા, હિંમત વધારો.

જે મહાત્મા પુરૂષની વાત આપણે કરી ગયા, તેમને શું એક જ દિવસમાં આવો દૈવી અનુભવ થયો હતો કે ? બાર વરસ તો તેમણે આકરી તપશ્ચર્યા કરી. કેટલોક વખત ફલાહારી તો કેટલોક વખત દૂધ પર રહ્યા. કેટલાં બધાં વ્રત ને અનુષ્ઠાન કર્યા. ત્યારે છેવટે શાંતિ માટે તેમનું હૃદય રોઈ ઊઠ્યું છે. તેમને આ રીતે શાંતિ મળી. માટે તમે કોઈયે સંજોગોમાં નિરાશ થશો નહિ. તમારૂં કામ સદાય ચાલુ રાખો. ઈશ્વર પોતાનું કામ જરૂર કરી લેશે, તે જરાય ગાફેલ નથી. તેના દરબારમાં તો પાઈએ પાઈનો હિસાબ છે. પોતાની પ્રતિજ્ઞા પણ તે જાણે છે. ભક્તોને માટે તેણે જે બાંહેધરી આપી છે, તેની તેને ખબર છે. સમય થતાં તે તમને જરૂર અનુભવ આપશે, ને તમારી સામે પ્રકટ થઈને તમને પરમ શાંતિમાં સ્નાન કરાવશે.

- શ્રી યોગેશ્વરજી


ભગવાનની કૃપા

પોતાનું અનન્ય ભાવે સ્મરણ કરનારા ભક્તોની સંભાળ રાખવા ભગવાન સદા તૈયાર રહે છે. પોતાના પ્રેમી માણસોના જીવનની જરૂરતો પૂરી પાડવાનું તેમનું વ્રત છે. યોગ ને ક્ષેમની વાતને એ રીતે પણ સમજી શકાય. ભગવાનને અનંત આંખવાળા કહ્યા છે. વળી તે અનંત પગ ને હાથવાળા છે એટલે સંસારના કોઈયે ખૂણામાં પડેલા ભક્તની દશાનું દર્શન કરીને તેને તે મદદ કરે છે. આ વાતમાં જો આપણે વિશ્વાસ કરતા થઈ જઈએ તો આપણી ચિંતા ઓછી થઈ જાય ને મુંઝવણ મટી જાય. સુખ ને દુઃખમાં તથા સારી ને નરસી દશામાં આપણી સંભાળ રાખનાર કોઈ છે એ વાત આપણી સમજમાં આવી જાય. જીવનને ચલાવવાની ચિંતા આપણને સતાવે નહિ તે વાત સાચી છે. ભક્તોને માથે ભગવાનનો વરદ હાથ કાયમને માટે મૂકાયેલો છે. પછી તેમને કોનો ભય છે ? ભગવાન જેવા સંરક્ષક છે, પછી ભક્તોને પોતાની રક્ષા માટે ભય શા માટે હોવો જોઈએ ?

સુદામાની દરિદ્રતા દૂર કરનાર, મીરાંને વિષ તથા સાપથી બચાવનાર ને નરસી ભગતની હૂંડી સ્વીકારનાર ભગવાન જવાબદારી ઉપાડી લેવા તૈયાર છે, પછી ભક્તોએ પોતાની ફિકર શા માટે કરવી જોઈએ ? પોતાની આજીવિકાની ચિંતા કરવાની પણ જરૂર નથી. આજીવિકા માટે કોઈ કામકાજ કરવું હોય તો ભક્તો ખુશીથી કરી શકે છે. પણ ઈશ્વરના સ્મરણ મનન વિના બીજું કામકાજ ન કરે તો કંઈ જ હરકત નથી. ઈશ્વર તેમની આજીવિકાની જવાબદારી ઉપાડી લેશે. આપણી બેન્કો કરતાં ઈશ્વરની કૃપાબેન્ક ઘણી જ સદ્ધર છે. ભક્તો ઈશ્વરનું સતત સ્મરણ કરે છે, ને તે બેન્કમાં તેને જમા કરે છે. બદલામાં તેમને ઈશ્વરની કૃપાનું પરમ ધન મળી જાય છે. આટલું જાણ્યા છતાં પણ આપણે ઈશ્વરનું સ્મરણ ન કરીએ તો આપણા જેવા અણસમજુ બીજા કોણ હોઈ શકે ? ભગવાનની કૃપાનો વિચાર કરી તથા ભગવાને આપેલી બાંહેધરીનો ખ્યાલ કરી, ભગવાનનું સતત સ્મરણ કરવા આપણે તૈયાર થવું જોઈએ, ને ભગવાનના ચરણસેવક બનવું જોઈએ.

પોતાના ભક્તોની જવાબદારી ભગવાન કેવી રીતે ઉપાડી લે છે ! જુદે જુદે વખતે તે જુદી જુદી લીલા કરે છે. જે સિદ્ધ કોટીના સંતો છે તે પણ પોતાના ભક્તોની સંભાળ રાખે છે. તેમને મદદ કરવા તે સદા તૈયાર રહે છે.

ઈ.સ. ૧૯૪૪ માં બદરી, કેદાર, ગંગોત્રી ને જન્મોત્રીની યાત્રા કરીને અમે ઋષિકેશ આવ્યા. ત્યાં આવ્યા પછી માતાજીને મરડો થયો. ઝાડામાં લોહી પણ પડવા માંડ્યું. તેથી થોડા વખતમાં તેમની નબળાઈ ઘણી વધી ગઈ. અમારી સાથેના મનુભાઈને કોલેરા લાગુ પડ્યો. કોઈ કામ માટે તે દહેરાદૂન ગયા, ને પછી ત્યાં જ બિમારીમાં પટકાઈ પડ્યા. માતાજીની દશા ઘણી ગંભીર થઈ ગઈ. પણ પ્રભુએ કૃપા કરી. લગભગ એકાદ માસની ભયંકર બિમારી પછી તેમને એક રાતે ભગવાન રામના તેજોમય સ્વરૂપનું દર્શન થયું, ને તે દિવસથી તેમને આરામ થવા માંડ્યો. જરાક ભોજન લેવાનું પણ શરૂ થયું. પછી તો એક દિવસ તેમને જલેબી ખાવાની ઈચ્છા થઈ. પણ લાચારી હતી. સાધારણ ભોજન કરવા જેટલા પૈસાની કમી હતી, ત્યાં વળી જલેબી લાવવાના પૈસા ક્યાંથી કાઢવા ? માતાજીને મેં મારી તકલીફ જણાવી. તે સમજી ગયાં.

તે જ દિવસે લગભગ અગીયારેક વાગ્યાના સુમારે, અમે રહેતા હતા તે ધર્મશાળામાં એક બાઈ આવી પહોંચી. ધર્મશાળામાં બધે ફરતાં ફરતાં પૂછવા માડી કે અહીં એક ગુજરાતી બ્રહ્મચારી રહે છે તેમની ઓરડી ક્યાં છે ? કોઈ માણસે તેમને અમારી ઓરડી બતાવી. ઓરડીની અંદર આવીને તેણે મારી સામે થાળી ધરી, ને તેમાંનું ભોજન લઈ લેવાનું કહ્યું. મને ખૂબ આશ્ચર્ય થયું. બાઈ ઘણી સ્વરૂપવાન હતી. તેણે સુંદર વસ્ત્રો પહેર્યાં હતા, ઘરેણાં પણ ઘણા પહેર્યાં હતા. તેમની આકૃતિ પરથી તે કોઈ મારવાડી બાઈ હોય તેમ લાગતું હતું. મેં તેનું ભોજન લેવાની ઘણી આનાકાની કરી. પણ તેનો આગ્રહ જોઈને છેવટે તે લઈ લીધું. અજાણી બાઈ મારી પાસે ક્યાંથી ને કેવી રીતે આવી હશે તે વિશે વિચાર કરતાં મેં તેની પ્રસાદી લીધી. ખોલીને જોયું તો મને વધારે આશ્ચર્ય થયું. બાઈએ અમારે માટે ગરમ પુરી, શાક ને જલેબી આણી હતી.. જલેબી જોઈને માતાજીને પણ આનંદ થયો. પ્રભુની કૃપા ને તેની લીલા વિના આમાં બીજું શું હોઈ શકે, એમ માનીને અમે સમાધાન કર્યુ. બાઈ તો તરત જ રવાના થઈ. તે ક્યાં ગઈ તેની ખબર ના પડી. પછી તે દેખાઈ જ નહિ. આવા પ્રસંગથી ઈશ્વરની કૃપામાં અમારી શ્રદ્ધા વધે એ દેખીતું હતું.

- શ્રી યોગેશ્વરજી


જીવનનું મંગલ

ભગવાનની કૃપાના પ્રસંગો સાધકોના જીવનમાં વધારે કે ઓછા પ્રમાણમાં બન્યા જ કરે છે. પ્રભુનું સ્મરણ મનન કરનારને તેનો અનુભવ થઈ શકે છે. માટે પ્રેમપૂર્વક પ્રભુસ્મરણ કરો ને પ્રભુના પ્રેમી બનો. તમે તમારૂં કામ કરો, એટલે કે પ્રભુસ્મરણ કરો. આગળનું કામ પ્રભુ પોતે સંભાળી લેશે. તે તમારો વાળ પણ વાંકો થવા નહિ દે.

આ બધી વાતનો અર્થ એવો નથી કે માણસે કંઈ જ ના કરવું ને હાથપગ જોડીને બેસી રહેવું. ના એવું સમજવામાં ભૂલ છે. માણસની અંદર લાગણી ને વિવેક છે, ત્યાં સુધી તેણે સાવધ રહીને પોતાની સંભાળ રાખવી જોઈએ. છતાં સાધારણ માણસ પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખે, ને તેની કૃપાથી બધું આવી મળે છે એમ સમજે, તો તેને લાભ થશે. ઈશ્વર પર શ્રદ્ધા રાખીને ઈશ્વરને પોતાના રક્ષક માનીને, તેણે કામકાજ કરતા રહેવું જોઈએ. જેમને ઈશ્વરનાં ચરણોમાં પરમ પ્રેમ છે, તેમની વાત જુદી છે. તે તો રાતદિવસ ઈશ્વરનાં સ્મરણ ને રટણમાં મગ્ન રહે છે. ઈશ્વર વિના તેમને કોઈ આધાર નથી. ઈશ્વર વિના તેમનું પ્રેમપાત્ર સંસારમાં બીજું કોઈ નથી. તેમણે પોતાનો બધો ભાર ઈશ્વરને સોંપ્યો હોય છે. ઈશ્વરની કૃપાના ચાતક બનીને તે જીવન પસાર કરે છે. તેમના જીવનની રક્ષા કરવાનું કામ પણ ઈશ્વર જ કરે છે.

ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરવા સદાય તૈયાર રહે છે. છતાં આપણે તેમની ભક્તિ કરતા નથી, ને તેમનું શરણ લેતા નથી એ આશ્ચર્ય છે. ભગવાનનું શરણ લેવાથી આપણે નિર્ભય બની જઈએ ને ચિંતારહિત થઈએ. લાંબે વખતે તેમનું દર્શન કરીને કૃતાર્થ પણ બની શકીએ. છતાં આવા સર્વ પ્રકારે કલ્યાણ કરનારા ભગવાનને ભૂલીને આપણે રાત દિવસ સંસારમાં ફર્યા કરીએ છીએ ને દુઃખ તથા દરિદ્રના ભોગ બનીએ છીએ તે ખરેખર આશ્ચર્ય છે. માણસો બેડીથી બંધાયેલા છે. બેડીના બંધનમાંથી છૂટવાનો ઉપાય પણ તેમને બતાવવામાં આવે છે. તે ઉપાયને અજમાવવાથી તે કાયમને માટે સુખી થઈ શકે તેમ છે છતાં પણ તે ઉપાય કરતાં નથી, ને જીવનનાં જીવન સુધી બંધાયેલા જ રહે છે, એ આશ્ચર્ય જ છે. સમજુ માણસોએ તો બંધનને તોડવાનો ઉપાય અજમાવવો જોઈએ.

જુઓને, પ્રભુની દયા કેવી અપાર છે ! બાળકના જન્મ પહેલાં જ માતાના શરીરમાં તેની દયાથી દૂધ પ્રગટ થાય છે. હાડકાં ને માંસની વચ્ચે થનારી આ દૂધની રચના કેટલી અજબ છે ! સંસારની કોઈયે રચના સાથે તેની સરખામણી થઈ શકે તેમ છે ? અથવા તો સંસારનાં કોઈયે માનવીથી તેવી રચના થઈ શકે તેમ છે ? કોશેટામાં રહેનારા કીડાનો વિચાર તો કરો. તેને ખોરાક પૂરો પાડનારી શક્તિ કેટલી બધી શક્તિશાળી હશે ? કીડીને કણ ને હાથીને મણ આપનાર ઈશ્વર તેનું પોષણ કરે છે. જલમાં ને વાયુમંડળમાં વસનાર હજારો જીવોને જીવન આપનાર તે જ છે, છતાં માણસ તે વિરાટ શક્તિને ભૂલી જાય છે તે આશ્ચર્ય છે. તેથી જ તે દુઃખી થાય છે, ને અશાંતિનો ઈજારો લઈને ફરે છે. એ દશામાંથી મુક્ત થવા માટે તેણે ઈશ્વરને પ્રેમ કરવાની જરૂર છે. ઈશ્વરના સતત સ્મરણમાં લાગી જવાની જરૂર છે. કીડી ખૂબ નાની છે. પણ તેનો પુરૂષાર્થ કેટલો બધો ભારે છે ! જમીન પર થઈને તે ઝડપથી દોડી જાય છે. તેને જરા ઊભા રહેવાનું કહો તો શું તે ઊભી રહેશે કે ? ના, તે તો પોતાના કામમાં રત છે. આળસુ થઈને વખત ખોવાનું તેને પાલવે તેમ નથી. તમે પણ તેવી રીતે પુરૂષાર્થી બનો ને ઈશ્વર સ્મરણમાં સતત રીતે લાગી જાવ તો સુખી બનશો. ભગવાનને ભૂલવાથી આ સંસારમાં કોઈ સુખી થઈ શક્યું હોય તો કહી બતાવો. ભગવાનને ભૂલવાથી કોઈને બંધનમાંથી મુક્તિ મળી હોય, ને પૂર્ણતા સાંપડી હોય તો કહી બતાવો. ભગવાનને ભૂલવાથી જીવનમાં કોઈને ઉત્તમ ગતિ મળી શકી નથી. એ વાત યાદ રાખો, ભગવાનને નિરંતર રટવાનું વ્રત લઈ લો. આ શરીરને ભગવાન ને ભગવાનના સ્વરૂપ જેવા સંસારની સેવા માટે વાપરવા સંકલ્પ કરી લો. આ સુંદર સંસારમાં શ્વાસોશ્વાસ લેવાનું મળ્યું છે, તે પુરૂં થાય તે પહેલાં જીવનનું મંગલ કરી લો.

- શ્રી યોગેશ્વરજી



સ્વર્ગ કરતાં પૃથ્વી ઉત્તમ છે

સ્વર્ગ મેળવવાની ઈચ્છાવાળા માણસે યજ્ઞ કરવો એમ કહેવામાં આવ્યું છે. ગીતામાતા કહે છે કે યજ્ઞ કરનારને જો તેની ઈચ્છા હોય તો સ્વર્ગ મળે છે. સ્વર્ગલોક મૃત્યુલોક કરતાં વધારે સુખમય છે, પણ મૃત્યુલોકથી ઉત્તમ નથી. સ્વર્ગલોક તો એક જાતની ભોગભૂમિ છે. તે ભૂમિના ભોગ પૂરાં થતાં જીવાત્માએ ફરી મૃત્યુલોકમાં આવવું પડે છે. મૃત્યુલોકમાં જો તે પ્રભુનું શરણ લે, ને જ્ઞાન, ભક્તિ કે યોગનો આધાર લે, તો તેને મુક્તિ મળે. ગીતામાતાના કહેવા પ્રમાણે મૃત્યુલોકનું મૂલ્ય ઘણું મોટું છે. આપણે બધા મૃત્યુલોકના માનવીઓ છીએ, પણ સ્વર્ગના દેવતા કરતાં આપણું સ્થાન જરા પણ ઉતરતું નથી. તેમના કરતાં આપણુ ભાગ્ય ઘણું મોટું છે, ફક્ત તે ભાગ્યનો આપણે ઉપયોગ કરવાનો છે. આપણી અંદરની દાનવતાને દૂર કરી સાચા માનવ થવા કોશિષ કરવાની છે, ને પછી પ્રભુપરાયણ થઈને આપણે દેવતા બનવાનું છે. આ બધું કરવામાં આ મૃત્યુલોક જ ઉત્તમ ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં તમે જેવું બી નાખશો તેવું ઊગી નીકળશે. માટે સારું બી નાખવા સદાય તૈયાર રહો.

કેટલાક માણસો કહે છે કે આ પૃથ્વી જેવી ગંદી જગા બીજા કોઈ નથી. આપણને તો સ્વર્ગમાં રહેવા મળ્યું હોત તો સારું. પણ તેવા માણસોએ પોતાની ભૂલ સમજી લેવી ઘટે છે. પૃથ્વી ગંદી જ છે એમ માની લેવાને કોઈ કારણ નથી. તળાવમાં કાદવ ને કમળ બંને છે. ચંદ્રમામાં પણ પ્રકાશ ને કાળાશ બે સાથે વસે છે. બદરીનાથના પ્રદેશમાં એક બાજુ બરફ જેવા ઠંડા પાણીવાળી અલકનંદા નદી વહી જાય છે. તેમાં આંગળી બોળો તો તે કળી પડે તેવું થાય. પછી ન્હાવાની હિંમત તો કોની ચાલે ? પણ અલકનંદાની બીજી બાજુ કિનારા પાસે જ, ઉકળતા પાણીના કુંડ છે. તેમાંથી વરાળ નીકળે છે. યાત્રી તેમાં સ્નાન કરે છે. પ્રભુની લીલા કેવી અજબ છે ! કુદરત કેટલી અજાયબીથી ભરેલી છે ! આપણી પૃથ્વીમાં પણ તે પ્રમાણે સારી ને નરસી બે જાતની વસ્તુઓ રહેલી છે. ભલા ને બુરા બંનેનો તેમાં વાસ છે, ને સુગંધ તથા દુર્ગંધ બંનેનું તેમાં દર્શન થાય છે. કૃષ્ણ ને કંસ ને રામ ને રાવણ બંનેનો તેમાં વાસ છે. ઈશ્વર ને શયતાન બંનેની તે ક્રીડાભૂમિ છે. તેનો તિરસ્કાર કરવાની જરૂર નથી.

તમારે શું જોઈએ છે તે તમે પસંદ કરી લો, પછી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પૃથ્વીનો તિરસ્કાર ને સ્વર્ગની ઈર્ષા કે આશા કરવાની જરૂર નથી. કેમ કે તેથી કોઈ હેતુ નહિ સરે. જે પૃથ્વી પર આપણે વસીએ છીએ, ને જેની સાથે આપણું ભાગ્ય જડાયેલું છે. તે પૃથ્વીને પ્રેમ કરવા, સુંદર કરવા ને તેનાથી લાભ ઊઠાવવા આપણે તૈયાર થવું જોઈએ. એમ કરવાથી આપણે પૃથ્વીને સ્વર્ગમય કરી શકીશું. પોતપોતાના જીવનને સુંદર બનાવવાનો જો બધા જ પ્રયાસ કરે તો પૃથ્વી વધારે સુંદર બને એમાં શંકા નથી. પૃથ્વીમાં કેટલીક ગંદકીને માણસે પોતે પોતાને હાથે ઊભી કરી છે, ને કેટલીક ગંદકી તે પોતે પોષે છે. તેને દૂર કરવાનો પ્રયાસ કરીને તે સંસારમાંથી નરકની નિશાની દૂર કરી શકે, ને સ્વર્ગનું સર્જન કરી શકે.

સ્વર્ગ કોઈ ઈર્ષા કરવા જેવી વસ્તુ નથી. સ્વર્ગમાં અપ્સરાઓ મળશે, આનંદ મળશે, પણ ભગવાનની પ્રાપ્તિ તો આ પૃથ્વી પર જ થઈ શકશે. પૂર્ણ જીવનની સાધના પણ આ પૃથ્વી પર ને આ પંચમહાભૂતના શરીર દ્વારા જ થઈ શકશે. માટે પૃથ્વીને પ્રેમ કરો, ને સ્વર્ગનાં નકામા સ્વપ્ના છોડી દો અથવા તમે જેવા સ્વર્ગની ઈચ્છા કરતા હો તેવા સ્વર્ગની રચના આ પૃથ્વી પર જ કરવાનો પુરૂષાર્થ કરો. પ્રભુ તમને જરૂર સફળ કરશે. સ્વર્ગ ગમે તેવું સારું હોય તો પણ શું ? તેના સ્વપ્નાં સેવવાથી શું વળશે ? આપણે તો પૃથ્વી પર જ રહેવાનું છે. એટલે આપણે તો પૃથ્વી સાથે જ કામ છે.

જે સતી છે તે પોતાના પતિને જ પ્રેમ કરે છે. તેને કહો કે બીજો પુરૂષ વધારે નિરોગી ને સુંદર છે, માટે તું તેને ભજ તો શું તમારી વાત તે માની લેશે ? તે તો તરત જવાબ દેશે કે હું તો સતી છું. મારાથી વેશ્યા થઈ શકાય નહિ. બીજો પુરૂષ ગમે તેવો કોડીલો કે કામણગારો હોય, અગ્નિની સાક્ષીએ હું જેની સાથે ફેરા ફરી છું, ને જેને મેં દીલ દીધું છે, તેનાથી સુંદર કે શ્રેષ્ઠ મારે મન બીજો કોઈ નથી. માટે હું તો તેની જ સેવા કરીશ ને તેને જ ભજીશ.

એક ગરીબની ઝૂંપડી સામે કોઈ શ્રીમંતે પોતાનો મહેલ ઊભો કરી દીધો. દેખીતી રીતે તે ઘણો જ સુંદર લાગે છે પણ તેથી શું ગરીબ માણસ પોતાની નાની સરખી ઝૂંપડીને તોડી પાડશે ? અથવા તો ઝૂંપડીમાં રહેવાનું બંધ કરશે ? પોતાના પરિવાર સાથે ઝૂંપડીમાં તેને જે નિર્દોષ આનંદ મળી રહ્યો છે, તેને લીધે ઝૂંપડી તેને મન મહેલથી પણ મહાન ને વૈકુંઠપુરી જેવી બની ગઈ છે. તેનો તિરસ્કાર કરી મહેલમાં રહેવાનો નિરર્થક સ્વપ્નાં તે સેવશે કે ?

આપણા નાના સરખા ઘરની બાજુમાં મીઠાઈનું બજાર હોય તેથી શું થયું ? મીઠાઈને જોઈને આપણે રોટલા પ્રત્યે સૂગ કેળવવાની જરૂર નથી. મીઠાઈ સુંદર લાગે તો પણ રોજરોજ તેના પર રહેવાનો ધંધો આપણને ભારે પડી જશે. શરીરને બગાડી નાખનારો સાબિત થશે. પણ રોજનો રોટલો આપણને જરૂરી તાકાત આપી રહેશે. તેવી જ રીતે આપણને આ પૃથ્વીનું સમજી લેવાનું છે. ગામમાં નદી ન હોય તેથી કાંઈ મીઠા પાણીના કૂવાઓને તોડી પાડવાની જરૂર નથી. બગીચામાં આપણા મનપસંદ ફૂલને ઉગાડવા માટે બીજાં બધાં જ ફૂલ સાથે આખા બગીચાને તોડી પાડવાની જરૂર નથી.

જે પૃથ્વી પર શ્વાસ લેવાનો છે તેને આપણે પૂજવી જોઈએ; જનેતાની જેમ સન્માનવી જોઈએ; ને તેને સર્વોત્તમ સમજીને હૃદયમાં સ્થાન આપવું જોઈએ. જરા વિચાર તો કરો કે આ પૃથ્વીની શોભા કેવી અનેરી છે ! તેનો સૌથી મોટો ગુણ એ છે કે માણસને તે બધાં જ બંધનોથી મુક્ત કરે છે, ને પરમાત્માની પાસે પહોંચાડે છે. એ ગુણ ઘણો મોટો છે તેને લીધે તેની કિંમત પણ ઘણી મોટી થઈ જાય છે.

- શ્રી યોગેશ્વરજી


સ્વર્ગ વિશે વિચાર

આપણે ત્યાં કેટલાક વિદ્વાનો છે. તેમની માન્યતા મુજબ સ્વર્ગ ને નરક આ પૃથ્વી પર જ છે. જુઓને, માણસ સુખી છે ને દુઃખી પણ છે. કેટલાકને ખાવાનું મળે છે, ને ખૂબ મળે છે, તો કેટલાકને છેક ભૂખ્યા રહેવું પડે છે. કોઈ આલીશાન ઈમારતમાં રહે છે, તો કો’ક ગંદા ઘરમાં, ને કોઈકને તો ઘર પણ નથી. કોઈની પાસે ઘણાં કપડાં છે, તો કોઈની પાસે શરીર ઢાંકવાનું પૂરતું સાધન પણ નથી. કોઈ નિરોગી છે, તો કોઈ રોગમાં સબડી રહ્યા છે. કોઈ સંયમ સાધે છે, તો કોઈ સ્વચ્છંદતા કરે છે. કોઈ અત્યાચાર, અનાચાર ને પશુને પણ શરમાવનારા ભોગવિલાસ કરી પોતાને ને બીજાને જીવતા દોજખમાં ધકેલી દે છે. કોઈના વિચાર પવિત્ર છે તો કોઈના છેક મેલાં. કોઈના કર્મ સારાં ને બીજાને ઉપયોગી છે, તો કોઈનાં છેક જ નઠારાં, ને પોતાનું ને બીજાનું અમંગલ કરનારાં, આ બધું શું સ્વર્ગ ને નરકનું સૂચન નથી ?

આ સંસારની તપાસ કરો તો સ્વર્ગ ને નરકનાં આવાં કેટલાય ચિત્રો જોવા મળશે. આ ચિત્રો માણસે પોતે ઊભા કર્યા છે, દોર્યા છે, ને માણસ પોતે તેમને દૂર કરી કે સુધારી શકે છે. વાત સાચી છે. આ વિચારને આપણે સારો માનીને આવકારીએ છીએ, પણ બીજા કેટલાક વિદ્વાનો કહે છે કે આ પૃથ્વીઓ જેવી ન જાણે કેટલી પૃથ્વીઓ આ બ્રહ્માંડમાં છે. આપણે હજી તેને જાણી શક્યા નથી. આપણા ઋષિઓ પાસે ઈશ્વરની કૃપાથી મળેલી દૈવી દૃષ્ટિ હતી, તેથી તે બ્રહ્માંડના ને શરીરની અંદરના રહસ્યને જાણી શક્યા છે, ને તેનું વર્ણન કરી ગયા છે. તેમના એ જ્ઞાનનો વારસો આપણે શા માટે ન લેવો ? તેને લેવામાં કે સ્વીકારવામાં કાંઈ જ હરકત નથી. તે તો કહે છે કે પૃથ્વીના જેવું સ્વર્ગ પણ એક લોક છે. ને એવા તો ન જાણે કેટલા લોક છે ! આપણે તેમની માન્યતાને પણ સાચી માનીશું ને સ્વીકારીશું.

તે ઉપરાંત, વિદ્વાનોનો એક બીજો વર્ગ પણ છે તે કહે છે કે સ્વર્ગ આ પૃથ્વીમાં જ છે. આ પૃથ્વીના જ એક પ્રદેશને સ્વર્ગ કહેવામાં આવે છે. પોતાની માન્યતાને વધારે ચોખ્ખી કરતાં તે કહે છે કે હાલ જે પ્રદેશ તિબેટને નામે ઓળખાય છે, તે જ જુના વખતનાં શાસ્ત્રોમાં કહેલું સ્વર્ગ છે, ને હાલનું અમેરિકા પાતાળ છે, હાલનો બ્રહ્મદેશ તે પ્રાચીનકાળનો બ્રહ્મલોક છે. ત્યાંનો રાજા બ્રહ્મા કહેવાતો. વાત સારી છે ને, ને કેટલાક સારા મનાતા વિદ્વાનો તરફથી તેને રજુ કરવામાં આવે છે. વાત જરા નવી લાગે તેવી છે એટલે કેટલાક માણસોને બહુ આકર્ષે છે. પણ તેના વિશે નક્કી અભિપ્રાય આપતાં પહેલાં થોડોક વિચાર કરવાની જરૂર છે.

આપણે ત્યાં શાસ્ત્રોમાં સ્વર્ગ વિશે કેટલાક ઉલ્લેખ છે. તે પ્રમાણે સ્વર્ગમાં દેવો રહે છે, તેમજ સુંદર અપ્સરાઓ વાસ કરે છે. તે દેવો ને અપ્સરાઓ ઈચ્છા પ્રમાણે શરીર ધારણ કરીને પૃથ્વીના ગમે તે ભાગમાં વિચરણ કરે છે. તે આકાશગમન કરી શકે છે તથા વરદાન આપવાની શક્તિ ધરાવે છે. ઘણું દાન ને પુણ્ય કરનારા તથા યજ્ઞ કરનારા જીવો ત્યાં જાય છે. યુધિષ્ઠિર જેવા મહાપુરૂષો ત્યાં જઈ શક્યા છે. ગંગાજી સ્વર્ગથી આવ્યા એમ કહેવાય છે. યુધિષ્ઠિર ને ગંગા હિમાલયમાં થઈને જ પોતાનો માર્ગ કરે છે. તે પરથી સ્વર્ગ એ તરફ છે એમ કેટલાકનું કહેવું છે. છતાં સ્વર્ગનો બીજો ઉલ્લેખ જુઓ. કઠોપનિષદમાં બાળક નચિકેતા ને યમની વાત આવે છે. તેમાં નચિકેતા કહે છે કે સ્વર્ગલોકમાં કોઈ જાતનો ભય નથી. ત્યાં મૃત્યુનું ચક્ર ચાલતું નથી તેમજ ઘડપણ આવતું નથી. ભૂખ ને તરસ બન્નેથી મુક્ત થઈને ત્યાંના જીવો સદાને માટે આનંદ કરે છે. સ્વર્ગનો આ ઉલ્લેખ બીજા શાસ્ત્રોમાં પણ જાણીતો છે.

હવે તમે એની સાથે તિબેટની અત્યારની દશાનું ચિત્ર સરખાવી જુઓ ને વિચારી જુઓ કે એ ઉલ્લેખ સાચો ઠરે છે ? તિબેટનું કુદરતી સૌંદર્ય ગમે તેવું હોય તેની સાથે આપણને ખાસ લેવાદેવા નથી. આપણે તો તિબેટના લોકોની દશાનો વિચાર કરવાનો છે. શું તિબેટના લોકો દેવ જેવા શક્તિવાળા ને રૂપાળા  છે ? ત્યાંની સ્ત્રીઓ શું અપ્સરા જેવી સુંદર છે ? રંભા ને તિલોત્તમાની વંશજ જેવી સ્ત્રીઓ ત્યાં વસે છે ? શું ત્યાંના લોકોને ઘડપણ નથી આવતું ? ઠંડીને લીધે યુવાની લાંબી દેખાતી હોય તો ભલે પણ તેને અંતે પણ શું ઘડપણ નથી આવતું ? શું ત્યાંની પ્રજા ભૂખ ને તરસથી મુક્ત છે ? તિબેટ ઠંડો દેશ છે એટલે ત્યાંની પ્રજાને તરસ ઓછી લાગે એ સમજી શકાય તેવું છે. પણ શું ભૂખ પણ તેમને નથી લાગતી ? શું ત્યાંની પ્રજાને કોઈ દુઃખ નથી ને સદાને માટે આનંદ જ આનંદ છે ?

તિબેટની દશાની જેમને ખબર છે, તે તો તરત કહેશે કે ના, તિબેટની દશા તેવી નથી. ત્યાંની પ્રજા દુઃખી છે, અભણ છે, સંસ્કાર વિનાની છે. જીવનની જરૂરતો તેમને ભારે મુશ્કેલીથી મળી શકે છે, અન્ન ને વસ્ત્રની સમસ્યા તેમને માટે ભારે મૂંઝવનારી છે. ભૂખ તો તેમને ખૂબ લાગે છે, ને જે જાતનો ખોરાક તે ખાય છે, તે દેવો તો શું પણ આપણા જેવા સાધારણ માણસોને પણ ભાગ્યે જ ગમે. પુરાણકાળના દાનવોને મળતો તેમનો આહાર આપણને કેવી રીતે ગમી શકે ? ઘડપણ ને રોગ તથા મરણનું જોર તિબેટમાં સારા પ્રમાણમાં છે. ચોર ને લૂંટારાનો ત્રાસ પણ ભારે છે એટલે ભય પણ છે જ. ત્યાંના લોકો આકાશગમન તો શું, પણ સાધનોના અભાવને લીધે પૂરેપૂરું ને સલામત રીતે પૃથ્વીગમન પણ કરી શકતા નથી. એને જ જો સ્વર્ગ કહેવામાં આવે તો તે સ્વર્ગ તમને જ ભલે મુબારક હો ! અમારે તે સ્વર્ગનું કામ નથી, ને તેવા સ્વર્ગમાં રહેવા જવાની અમારી ઈચ્છા પણ નથી. જો એવા સ્વર્ગમાં જવા માટે ઢંઢેરો પીટાવવામાં આવે, તો ભાગ્યે જ કોઈ માણસ ત્યાં જવા માટે તૈયાર થશે. સ્વર્ગના સુખોનાં ગુણગાન ગાનારા આપણા વિદ્વાનો પણ ત્યાં જઈને વાસ કરવા ભાગ્યે જ તૈયાર થશે.

આ વાત સાચી છે. તિબટને સ્વર્ગ કહેવાનું આપણને મન નથી થતું. સ્વર્ગના વર્ણનને મળતી કોઈયે વસ્તુ ત્યાં ક્યાં છે ? તે વિના એને એમ ને એમ સ્વર્ગ કેવી રીતે કહી શકાય ? કોઈ કહેશે કે તિબેટની દશા હાલ ખરાબ હશે. પણ પહેલાંના વખતમાં તેવી નહિ હોય, તે વાત ઈતિહાસકારોના નિર્ણયની છે. તે ભલે તેની શોધખોળ કરે. આપણે તો કહીશું કે શાસ્ત્રોમાં કરાયેલું સ્વર્ગનું વર્ણન કાયમનું વર્ણન છે. જૂના ને નવા બધા કાળને માટે તે સાચું છે. એટલે આ વિદ્વાનોની માન્યતા વિશે આપણે એટલું જ કહીશું કે માન્યતા બરાબર નથી, પણ પાંગળી ઠરે છે, એટલે અનુભવનો આધાર લો. આપણા ઋષિઓએ ઊંડા અનુભવો  કરીને આ બધી વાતો આપણી સામે રજૂ કરી છે. તેમને ટાઢાં પહોરનાં ગપ્પાં મારવાની જરૂર નથી, કપોલકલ્પિત સમજવાની પણ જરૂર નથી. તમારી સમજમાં તે વાતો ના આવે, તો ખામોશી રાખો. અનુભવ કરો ને પછી જ કોઈ નિર્ણય પર આવો. જે અનુભવની વાત છે, તેનો ઉકેલ એકલી બુદ્ધિ નહિ લાવી શકે.

આની સાથે સાથે એ વાત પર આપણે બધાનું ધ્યાન દોરીશું કે આપણી આ પૃથ્વીને પવિત્ર, શાંતિમય ને સુખમય કરવા આપણે બનતો પ્રયાસ કરીએ. પૃથ્વી પરથી દુઃખ, દર્દ, શોષણ, ભૂખમરો ને ત્રાસનો અંત લાવીએ. સેવા, સંપ, પ્રેમ ને સહકારના મંત્રને અપનાવીએ, ને સંસારને સ્વર્ગમય કરીએ. આપણા ને બીજાં બધાનાં જીવનને પવિત્ર, સુખી ને સમૃદ્ધ કરવાનો પ્રયાસ કરીએ, ને તે માટે નિસ્વાર્થ સેવારૂપી કર્મનો યજ્ઞ કરીએ. બીજા યજ્ઞો કરનારાને મર્યા પછી સ્વર્ગ મળે છે. એ વાત શાસ્ત્રોએ કહેલી છે. પણ આપણે જે સ્વર્ગ મેળવવું છે તે માટે મરણ પછીના બીજા જીવનની જરૂર નથી. ઉત્તમ કર્મોનો યજ્ઞ ચાલુ કરો એટલે આ જ જીવનમાં તમારે અને બીજાને માટે સ્વર્ગ ઉતારી શકશો એ ચોક્કસ છે. માટે ઉત્તમ વિચારો કેળવો. સદ્ ગુણોની મૂર્તિ બનો. દુગુર્ણોને ભસ્મિભૂત કરી દો. વાસના ને ખોટા વિકારોની આહુતિ આપી દો. જીવનને સુખમય કરવા માટે આ કામ વહેલામાં વહેલું શરૂ કરો.

આજે હોળી છે, પણ વધારે ભાગના માણસો શું કરશે ? લાકડાં ભેગાં કરીને બાળી મૂકશે. સારાં કપડાં પહેરશે, ને ખાશે પીશે ને મજા કરશે. એવી ક્ષણિક મજાથી શું વળે ? કાયમની ને સાચી મજા મેળવવા માટે અસત્ય ને બુરાઈની હોળી કરવા કાયમને માટે તૈયાર રહેવું જોઈએ. ને સૌના સ્વામી, સખા ને સુહૃદ પરમાત્માનું શરણ લેવું જોઈએ. ત્યારે જ જીવનમાં કાયમી આનંદ મળી શકે ને સંસાર સ્વર્ગમય બને. એટલે દિલમાં જે દાનવ બેઠો છે તેને દૂર કરીને સાચા માનવીની સ્થાપના કરો, ને તેને વિકસીને દેવ બનવા દો એટલે અંતરમાં સ્વર્ગ ઉતરશે, રોમેરોમમાં સ્વર્ગ ઊતરશે ને જ્યાં જશો કે જીવશો ત્યાં સ્વર્ગ ને સ્વર્ગ જ વિલસશે.

- શ્રી યોગેશ્વરજી



બધું ભગવાનને અર્પણ કરો

ભગવાન કહે છે કે જે પ્રેમ કરીને મને પત્ર પુષ્પ, ફળ કે પાણી અર્પણ કરે છે. તેની અર્પણ કરેલી વસ્તુને હું સ્વીકારું છું ને આરોગું છું. એટલે કે ભગવાનના ચરણમાં પ્રેમપૂર્વક ધરેલી બધી વસ્તુ ભગવાનને પહોંચી જાય છે. ભગવાન ભક્તની અર્પણ કરેલી વસ્તુ તેના દેખતા આરોગે છે પણ ખરા. ફક્ત તે માટે ભક્તના દિલમાં ભાવ હોવો જોઈએ. નામદેવ બાળક હતા છતાં તેમના દિલમાં ભગવાનને દૂધ પાવાની તાલાવેલી લાગી ગઈ તો ભગવાને તેમની સામે સાક્ષાત્ થઈને દૂધ પીધું. એવી તાલાવેલી કોના દિલમાં છે ? આજે તો માણસો કોઈ રોજીંદુ કામ કરતા હોય તેમ ભગવાનને પ્રસાદ ધરે છે. ભગવાન તેમના પ્રસાદની ફક્ત સુવાસ લે છે, એથી તેમને સંતોષ લાગે છે. જો પ્રકટ થઈને કે પ્રકટ થયા વિના, ભગવાન બધો પ્રસાદ આરોગી જતા હોત, તો વધારે ભાગના ભક્તો બીજી વાર પ્રસાદ કરતાં પહેલાં વિચાર કરત. માણસ જો ભાવવિભોર બની જાય, ને પોતાનો પ્રસાદ ખાવાનો ભગવાનને નામદેવની જેમ આગ્રહ કરે, તો આજે પણ તે જરૂર સફળ થાય. ભગવાન તેની ભાવના જરૂર પૂરી કરે.

એટલું બધું કરવાની શક્તિ ના હોય તો એક બીજો માર્ગ પણ છે. તમારી પ્રત્યેક ક્રિયાનો સંબંધ ભગવાનની સાથે જોડી દો. એમ કરવાથી તમારા જીવનમાં મહત્વનો ફેરફાર થઈ જશે ને તમને ખૂબ લાભ થશે. નાની કે મોટી કોઈયે ક્રિયા ભગવાનને અર્પણ કરતાં શીખી લો. તેથી તેની ભાવના ને તેના સ્વરૂપમાં ફેર પડી જશે. જુઓ, ખાવાની ક્રિયા તદ્દન સાધારણ છે. પણ તેમાં ભગવાનને ભેળવી દો એટલે તે અસાધારણ બની જશે. કેટલાક માણસો યંત્રની જેમ ખાય છે. ટપાલની પેટીમાં કાગળ નાખીએ તેમ મોઢામાં ખોરાક નાખતા જાય છે. પૂરું ચાવતા નથી ને શાંતિ પણ રાખતા નથી કેટલાક માણસો ખાતી વખતે રોષ ને શોક થાય કે ચિંતા ફેલાય ને ભોજનનો આનંદ ઉડી જાય એવી વાતો રજૂ કરે છે. કેટલીક સ્ત્રીઓને એવી ટેવ હોય છે કે જમતી વખતે પુરૂષોને ઠપકો આપે અથવા પુરૂષની પાસે ઘરનો ઈતિહાસ રજૂ કરે, ને પુરૂષ જમી લે ત્યાં સુધી તે ચાલ્યા જ કરે. પુરૂષનું મન જ એથી બગડી જાય. કેટલાક પુરૂષો પણ એવા હોય છે. તેમના તીખા વર્તનથી સ્ત્રીઓનો જમવાનો વખત પણ સુધરતો નથી. એવા માણસોએ સુધરવું જોઈએ.

ખોરાક ખાવો એ એક કળા છે. તેની અસર જીવન પર બહુ ભારે પડે છે. શરીરની ને મનની સુખાકારી પણ તેના પર આધાર રાખે છે એટલે તે કળાને સમજી લેવાની જરૂર છે. ખોરાકનો એકેક ગ્રાસ ખાતી વખતે ખૂબ શાંતિ રાખવી. એવો વિચાર કરવો કે શરીરની અંદર બેઠેલા દેવતાને આ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. તેમાંથી શુદ્ધ લોહી બનશે, ઉત્તમ પ્રકારનું બળ મળશે, ને તે દ્વારા ઉત્તમ કામ કરી શકાશે. વળી જમતા પહેલાં અન્ન મનોમન ભાવના કરીને ભગવાનને અર્પણ કરવું તેથી તે પ્રસાદમય બનીને તન ને મનને પવિત્ર કરશે. જેમને જમાડવામાં આવે છે તે ભગવાનના સ્વરૂપ છે એમ સમજવું. તેથી તેમની સાથેનો વ્યવહાર સરલ, સાફ ને પ્રેમમય બનશે. ને જમનાર તથા જમાડનાર બંનેને આનંદ મળશે. આ વાત ફક્ત ઘરનાં માણસો પૂરતી લાગુ નથી પડતી. બહારનાં માણસોને માટે પણ આ વાત સાચી સમજવાની છે. આપણે ત્યાં કોઈ અતિથિ આવે તો તેને ભગવાનનું સ્વરૂપ જ સમજવાની ટેવ પાડવી. આપણે જમવા બેઠા હોઈને, ને કોઈ બીજો ભૂખ્યો માણસ આપણે ત્યાં આવે, તો આપણા ભોજનમાંથી તેની તૃપ્તિ માટે ભોજન જરૂર આપી દેવું. તેમ કરવાથી આનંદ મળી શકશે.

હિમાલયમાં ગંગોત્રીથી આગળના સ્થાનમાં એક મહાત્મા રહેતા હતાં. અમે જ્યારે ગંગોત્રી ગયા ત્યારે તેમની મુલાકાત થઈ હતી. તેમના સ્થાનની પાસે ગંગાજી વહી રહ્યાં હતાં. અમે ગયા એટલે તેમણે અમને સત્કાર્યા. તેમના હાથમાં માળા હતી. આશ્રમમાં બીજા શિષ્યો પણ હતા. મહાત્માજીની ઉંમર ઘણી હતી. તે વારંવાર 'જગદીશ જગદીશ'ના જપ કર્યા કરતા. સાંજ પડવાની તૈયારી હતી એટલે અમે જવાની ઊઠવાની રજા લીધી, પણ તેમણે અમને ખૂબ આગ્રહ કરીને જમવા બેસાડ્યા. તે ફલાહાર કરતા. તેમના શિષ્યોએ કહ્યું કે દિવસ દરમ્યાન જે કોઈ આવે તેમને જમાડવાનો તેમનો નિયમ હતો. સાંજ પડ્યા પછી તે દિવસમાં એકવાર જમતા. બધામાં તે જગદીશનું દર્શન કરતા હતાં. એટલે જે આવે તેને જમાડવામાં તેમને અજબ આનંદ આવતો. બીજાને જમાડવાથી તેમને શું મળતું હશે તે કોણ કહી શકે ? પણ એટલું તો સહેજે કહી શકાય તેમ છે કે બીજાને જમાડીને પાછળથી જમનાર તે મહાત્માનું હૃદય ઘણું વિશાળ, પ્રેમાળ ને ઉદાર હોવું જોઈએ. તમે પણ જો એકલપેટા ના બનો, ને બીજાને ખવડાવીને ખાવામાં આનંદ લો, તો તમારૂ હૃદય વિશાળ, ઉદાર ને પ્રેમમય બની જાય. તમે ખાવાની નાની સરખી ક્રિયા દ્વારા આ રીતે પ્રભુની પાસે પહોંચી શકો છો.

ભગવાન કહે છે કે જે જે કરો છો તે મારે ચરણે ધરો; જે ખાઓ તે પણ મને અર્પણ કરો ને જે તપ કરો તે મારે માટે જ કરો ને મને અર્પણ કરો. તપશ્ચર્યાને ભગવાનને ચરણે કેવી રીતે ધરી શકાય ? એક રીત તો એ છે કે માણસે ભગવાનને માટે જ તપ કરવું જોઈએ. ભગવાન સિવાય કોઈયે વસ્તુની કામના તેણે પોતાના હૃદયમાં ના રાખવી જોઈએ. તે ઉપરાંત, પોતાની તપશ્ચર્યા કે સાધના તેણે ચાલુ જ રાખવી જોઈએ. ભગવાનની પ્રસન્નતા માટે તે કરતા જ રહેવું જોઈએ. સાધના દ્વારા જે શક્તિ મળે તેનો ઉપયોગ પણ તેણે ભગવાનની સૃષ્ટિના હિત માટે જ કરવો જોઈએ. એ રીતે પોતાની સાધના કે તપશ્ચર્યા ભગવાનને અર્પણ કરી શકાય. આનું નામ સંન્યાસ. સંન્યાસ લેવા માટે કાંઈ ઘર છોડવાની કે વેશ બદલવાની જરૂર નથી. મન, વચન ને કાયાને પ્રભુની સૃષ્ટિના કામમાં લગાડો; મન, વચન ને કાયાથી પ્રભુની પ્રસન્નતાને માટે કામ કરો ને જીવનની નાનીમોટી બધી પ્રવૃત્તિને પ્રભુની સાથે જોડી દો, એટલે સંન્યાસનો આનંદ મળી જશે. યોગનું રહસ્ય પણ પછી સમજાઈ જશે. કર્મના બંધનમાંથી મુક્તિ મળશે ને પ્રભુની પરમ કૃપાનો અનુભવ થશે. પ્રભુનું દર્શન પછી દૂર નહિ રહે.

- શ્રી યોગેશ્વરજી


ભગવાનનું મંદિર સૌને માટે ખુલ્લું છે

કોઈ કોઈ માણસો તરફથી પૂછવામાં આવે છે કે ‘ભગવાન શું પક્ષપાતી છે ? ભક્તો તરફ શું ભગવાનનો વધારે પક્ષપાત છે.’ આપણે કહીશું કે ના તેવું નથી. ભગવાન તો સમદર્શી છે. પોતાનાં સઘળાં સંતાનો પર તે સરખો પ્રેમ રાખે છે. હા, જે ભક્તો તેમની કૃપા માટે તરસ્યા થાય છે ને તલસે છે, તે તેમની કૃપા પામી શકે છે. ભગવાન તેમની વિશેષ સંભાળ રાખે છે પણ તે કાંઈ પક્ષપાત નથી. એ તો પોતાના નિયમનું તટસ્થપણે થતું પાલન છે. પરીક્ષામાં હજારો વિદ્યાર્થી બેસે છે. તે બધા કાંઈ પાસ નથી થતા. કેટલાક નાપાસ પણ થાય છે. તેથી શું એમ કહેવાશે કે પાસ થયેલા વિદ્યાર્થી તરફ પરીક્ષા લેનારે પક્ષપાત બતાવ્યો ? પરીક્ષા લેનાર તો તટસ્થ છે. તેને કોઈ તરફ પક્ષપાત નથી પણ તેની પાસે પરીક્ષા લઈને પાસ કરવાનું અમુક ધોરણ છે. તે ધોરણ સાથે બંધબેસતા વિદ્યાર્થીને તે કોઈયે જાતના રાગદ્વેષ વિના પાસ કરે છે, ને બીજાને નપાસ કરે છે. એમાં પક્ષપાત ક્યાં છે ? તે પ્રમાણે ભક્તો પર ભગવાન કૃપા કરે છે ને જે ભક્ત નથી, તે ભગવાનની વિશેષ કૃપાથી વંચિત રહે છે. એ તો ઈશ્વરના દરબારનો એક નાનો સરખો છતાં નક્કી ને સૌને લાગુ પડનારો નિયમ છે. એમાં પક્ષપાતને સ્થાન ક્યાં છે ?

નદી કિનારે બે માણસો છે. બંને તરવૈયા છે. તેમાંથી એક માણસ ઊભો થાય છે, તે નદીમાં જઈને પાણી પીવા માંડે છે બીજો માણસ કિનારે બેસીને બૂમો પાડે છે કે ભાઈઓ, સાંભળો આ નદી કેવી પક્ષપાત કરનારી છે તે તો જુઓ. મારી તરસ આ બીજા માણસથી જરા પણ ઓછી નથી છતાં નદીએ મને એક છાંટો પણ ન આપ્યો. ને આ માણસની કોઈ સગી હોય કે તેને લાંબા વખતથી ઓળખતી હોય તેમ, તેને જેટલું પીવું હોય તેટલું પાણી પાય છે. તો નદીની પાસેથી પસાર થનારા વટેમાર્ગુઓ તેને શું કહેશે ? શું તે એમ નહિ કહે કે ભાઈ, નદી તો કોઈની સગી થતી નથી. તે કોઈને ઓળખતી પણ નથી. છતાં કોઈ પણ જાતના ભેદભાવ વિના સૌ કોઈ તેની ઓળખાણ કરી શકે છે. તેનું સગપણ સાધી શકે છે. કિનારે બેસીને બૂમો પાડવાથી શું વળશે ? આળસ છોડીને ઊભા થાવ. નદીની પાસે પહોંચો ને પાણી પીવા માંડો એટલે તે માણસની જેમ તમને પણ જેટલું જોઈએ તેટલું પાણી મળશે ને તમારી તરસ પણ મટી જશે.

ભગવાનની પ્રેમનદી પણ સૌને માટે વહી રહી છે. ભગવાનની કરૂણા ને કૃપાની ગંગા પણ સારાય સંસારને માટે સરી રહી છે. તેનો લાભ લેવા માટે સૌ કોઈ સ્વતંત્ર છે. જેની ઈચ્છા હોય તે તેનો લાભ લઈ શકે છે. જે તેનો લાભ લે છે તે કૃતાર્થ થાય છે. તેમની યુગો જુની તરસ મટી જાય છે, તમે પણ તેનો લાભ લો, ને કૃતાર્થ બનો. ભગવાનની કૃપાનો અનુભવ તમને પણ થશે. પોતાની કૃપા વરસાવવા માટે ભગવાન સદાય તૈયાર છે. હજારો હાથે તમને મદદ કરવા તૈયાર છે, છતાં જો તમે દૂર ને દૂર રહેશો, તો તેમની કૃપાનો અનુભવ કેવી રીતે કરી શકશો ? માટે આળસ છોડો, ને તેમને પામવા ને પ્રસન્ન કરવાનો પુરૂષાર્થ કરો એટલે શાંતિ થશે, ને બધી જ શંકા મટી જશે.

ભગવાનની ભક્તિ કરી ભગવાનનું દર્શન કરવાનો અધિકાર સૌને છે. જ્ઞાન ને યોગના માર્ગ જરા અટપટા છે. તેમાં અધિકારની જરૂર પડે છે પણ પ્રભુના પ્રેમનો માર્ગ તો જુઓ. તેમાં કોઈ અધિકારની જરૂર જ નહિ. ફક્ત તે માર્ગનો લાભ લેવાની ઈચ્છા હોવી જોઈએ. તેને જો અધિકાર કહેવો હોય તો કહી શકો. બાકી તો બધાને તેમાં સરખો અધિકાર છે. સ્ત્રી, વૈશ્ય ને શુદ્ર પણ પ્રભુના પ્રેમનો લાભ લઈ શકે છે. વેદપાઠ કરવાનો ને બીજી કેટલીક ધાર્મિક ક્રિયાઓ કરવાનો અધિકાર સ્ત્રી, વૈશ્ય ને શુદ્રને છે કે કેમ, તેની આપણે ત્યાં ઘણી ચર્ચા ચાલે છે, ને તે વિશે હજી પણ ઉહાપોહ થાય છે. પણ ગીતામાતા પોતાની ઉદારતા ને પ્રીતિનો પરિચય કરાવતાં કહે છે કે પ્રભુનો માર્ગ સૌને માટે ઉઘાડો છે. પ્રભુનું શરણ લઈને સૌ કોઈ તરી શકે છે.

ગીતાના ગાનાર ભગવાન શ્રીકૃષ્ણ બે હાથ ફેલાવીને સૌ કોઈને સત્કારવા ને આલિંગન કરવા તૈયાર ઊભા છે. તેમને ત્યાં કોઈ ભેદભાવ નથી. પાપીઓને પણ પુણ્યશાળી કરવા ને પોતાના કૃપાપાત્ર બનાવવા તે સદા તૈયાર છે. ખરી રીતે તો તેમના ઉપદેશનું સુમધુર સંગીત તેમના પોતાના જીવનના પડઘારૂપ છે. તેમના જેવા મહાપુરૂષની પાસે અભણ જેવી ગોપીઓ પણ બેસી શકે. ગોપીઓને પણ તેમણે પ્રેમ કર્યો. શબરી ને મીરાં પર તેમણે કૃપા કરી. જ્ઞાનમાર્ગમાં રસ લેનારી ઉપનિષદ્કાલની ગાર્ગી ને મૈત્રેયી પણ તેમના વિરાટ ને મૂળ સ્વરૂપને સમજી શકી ને કૃતાર્થ થઈ. ધર્મવ્યાધ સદન કસાઈ ને રાંકાબાંકા જેવાં કેટલાંય સ્ત્રીપુરૂષો તેમનું શરણ લઈને જીવનને સફળ કરી ગયાં. ધ્રુવ ને પ્રહ્ લાદ જેવા બાળકો પણ તેમનું દર્શન કરી શક્યાં. એવા પ્રભુની વાણીમાં કટ્ટરતા ક્યાંથી હોય ? સંકુચિતતાની ગંધ પણ તેમાં ક્યાંથી હોય ? એટલે જ ગીતામાં આપણને આ ઉદાર મતનું દર્શન થઈ શકે છે.

સ્ત્રી, વૈશ્ય, શુદ્ર કે પાપી કોઈ પણ હોય, પ્રભુના મંદિરમાં પ્રવેશ કરવાનો સૌને હક છે. ગીતાના આ શબ્દોને સમજીને જીવનમાં ઉતરવાની જરૂર છે. જેમ પ્રભુનું મંદિર સૌને માટે ખુલ્લું છે, તેમ તમારૂં હૃદયમંદિર સૌને માટે ખુલ્લું રાખો. સૌને પ્રભુના સંતાન ને પ્રભુની કૃપાનાં સરખાં હકદાર સમજો ને સૌને પ્રેમ કરો. કોઈને ધિક્કારશો નહિ. નામ, રૂપ, ધન, પદ કે રંગના આધાર પર કોઈને ઊંચાં ને કોઈને નીચાં માનશો નહિ. ભેદભાવની કૃત્રિમ દિવાલ ઊભી કરીને સૃષ્ટિના સ્વામીનું અપમાન કરશો નહિ. પ્રભુની કૃપા મેળવવા તૈયાર થનાર ને પ્રયાસ કરનાર સૌને સરખા આદરથી જોજો, ને સૌની અંદર રહેલા પ્રભુના પવિત્ર પ્રકાશને નિહાળતાં ને નમતા શિખજો. ગીતાના સંગીતનું શ્રવણ ત્યારે જ સફળ થશે.

- શ્રી યોગેશ્વરજી



જીવનને ભગવાનમય કરી દો

સ્ત્રી, વૈશ્ય, ને શુદ્ર પણ ઈશ્વરની કૃપાના અધિકારી થઈ શકે છે, તો પછી બ્રાહ્મણનું તો કહેવું જ શું ? જે દુરાચારી ને પાપી છે તે પણ ઈશ્વરનું શરણ લઈને ધન્ય બની જાય છે, તો પછી સદાચારી ને સજ્જનનું તો કહેવું જ શું ? તેમને તો ઈશ્વરની કૃપા મળે જ એમાં શંકા શી ? એટલે ઈશ્વરની કૃપા મેળવવા માટે સૌ કોઈ સ્વતંત્ર છે. ઈશ્વરનું દર્શન કરવાનો અધિકાર બધાને છે. આજે તો વધારે ભાગના માણસો પોતાનો આ જન્મજાત અધિકાર ભૂલ્યા છે. માનવ શરીર મેળવીને તે ન કરવાના કામ કરે છે. આ વસ્તુ બરાબર નથી. માણસે વહેલામાં વહેલી તકે ચેતવું જોઈએ, ને ઈશ્વરનું શરણ લેવું જોઈએ. ઈશ્વરની કૃપા માટે તલપાપડ બનવું જોઈએ.

સંસાર ચલાયમાન છે. વળી દુઃખમય પણ છે. તેની અંદર વસતા જીવો જુદી જુદી જાતના દુઃખો ભોગવી રહ્યા છે. અશાંતિની હોળી લગભગ બધા જીવોના જીવનમાં જલી રહી છે. આપણે જે ઉજવીએ છીએ તે હોળી તો વરસમાં એક જ વાર આવે છે. પરંતુ વગર લાકડાં ને વગર અંગારે સળગનારી આ અશાંતિની હોળી તો જુઓ. તે તો દિવસ ને રાત, પ્રત્યેક પળે સળગ્યા જ કરે છે. તેને શાંત કરવા માટે પ્રત્યેક પ્રાણી તલસ્યા કરે છે ને ઝંખે છે. પણ શાંતિ કેવળ તલસવા કે ઝંખવાથી થાય ખરી ? તે માટે તો પ્રભુના પ્રેમરસમાં ન્હાવું જોઈએ, પ્રભુની સાથે એકાકાર બનવું જોઈએ. તેમજ ધર્મ ને નીતિના માર્ગ પર ચાલવું જોઈએ પ્રભુ પોતે પરમ સુખ ને શાંતિના ભંડારરૂપ છે. એટલે તેમની પાસે પહોંચનારને પરમસુખ ને શાંતિ સહેજે મળી જાય છે. માટે જ ભગવાન કહે છે કે મને ભજ. એ શબ્દોમાં ભગવાનના લાંબા ઉપદેશનો સાર સમાઈ જાય છે.

એની સાથે સાથે ભગવાન એક બીજી ગુહ્ય વાત કહી દે છે. નવમા અધ્યાયમાં જ નહિ પરંતુ આખી ગીતાના સારરૂપ એ વાત ઘણી ઉપયોગી છે. ભગવાન કહે છે કે, હે અર્જુન, તું મારામાં મનવાળો થા ને મારો ભક્ત થા. જીવનને યજ્ઞમય કરી દે ને સૌમાં મારી ઝાંખી કરીને મને નમસ્કાર કર. આ પ્રમાણે મારા પરાયણ બન. તન, મન ને અંતરને મારામાં જોડી દે. તો તું મને મેળવી લેશે એમાં શંકા નહિ.

ભગવાનના આ શબ્દોને યાદ રાખીને જીવનને વહેલામાં વહેલી તકે યજ્ઞમય કરી દો. ભગવાન પ્રાપ્તિ માટે તેને તૈયાર કરી દો. ભગવાન વિના મનને કૈં ગમે જ નહિ એવી ટેવ પાડી દો. ગોપીઓ સંસારમાં કામ કરતી, પણ તેમનું મન નિરંતર ભગવાનમાં રહેતું. તમારી દશા પણ એવી જ કરી દો.  ભગવાનના સાચા સેવક ને પ્રેમી ભક્ત બની જાવ. ભગવાનનું દર્શન કરવા ને ભગવાન સાથે વાતો કરવા આતુર થાવ. ભગવાનની પ્રેમસુધામાં સદાને માટે સ્નાન કર્યા કરો. એમ કરવાથી તમે પણ મહાત્મા ને ધર્માત્મા બની જશો, તથા ભગવાનની કૃપા પામી શકશો.

પ્રભુના પ્રેમના ફુવારાને હૃદયમાં ઉડતો કરી દો. પ્રેમના પ્રભાવથી હૃદય પ્રભુ માટે રોતું થઈ જાય, મન સતત પ્રભુની ઝંખના કર્યા કરે, પ્રભુનું રટણ કર્યા કરે એવું કરી દો. સંસારના વિષયોને ભજવાનું મૂકી દઈને, સંસારની મોહમાયાથી અલિપ્ત થઈને પ્રભુને જ ભજવા માંડો. સંસારમાં સઘળા સ્થળે એક પ્રભુની જ ઝાંખી કરો. હૃદયને પવિત્ર કરો; મનને નિર્મળ ને સ્થિર કરી ને તેને પ્રભુના પ્રેમપ્રકાશથી ભરી દો. આટલી તૈયારી કરશો તો પ્રભુનું દર્શન દૂર નહિ રહે. ચરાચરમાં પ્રભુના વિરાટ સ્વરૂપની ઝાંખી થશે ને જીવન ધન્ય બનશે. જન્મમરણના ચક્રમાંથી ને દુઃખ, દર્દ કે ક્લેશમાંથી છૂટવાનો બીજો કોઈ જ માર્ગ નથી. પરમાત્માના દર્શન માટે તલપાપડ બનો તથા સાધના કરો. પરમાત્માની પ્રાપ્તિ કરીને આ જીવન દ્વારા જ ધન્ય થઈ શકાય છે.

- શ્રી યોગેશ્વરજી

No comments:

Post a Comment