Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, January 22, 2013

4-ભાગવતનો ભાવાર્થ


4-ભાગવતનો ભાવાર્થ

ભાગવતમાં મોટે ભાગે શું છે ? ભાગવતમાં સમાવાયેલી શાશ્વત સામગ્રીનું સ્વરૂપ કેવું છે ? ભાગવતનો મહત્વનો સારસંદેશ શો છે અને ભાગવત શબ્દનો ભાવાર્થ શો છે ? ભાગવતનો અર્થ ભગવાનના એવો કરીએ તો કહી શકાય કે ભાગવત માનવમાત્રને જીવનમાં શાશ્વત સુખ, શાંતિ, મુક્તિ તથા પૂર્ણતા મેળવવા ને જીવનને સાચા અર્થમાં સફળ અને રસમય કરવા માટે ઇશ્વરાભિમુખ થવાનો કે ભગવાનના બનવાનો સંદેશ આપે છે. એનો આધાર લઇને સૌએ ભગવાનના બનવા અથવા ઇશ્વરમય જીવન જીવવા માટે પ્રયત્ન કરવાનો છે. એ પ્રયત્ન જેટલા પ્રમાણમાં સફળ થશે તેટલા પ્રમાણમાં જીવન ઉજ્જવળ બની શકશે. એને માટે માનવે પરીક્ષિતની પેઠે વિચાર કરતાં, વિવેકી બનતાં, ને દુન્યવી પદાર્થો તથા રસો અને આકર્ષણોમાંથી ઉપર ઉઠતાં કે ઉપરામ બનતાં શીખવાનું છે. એ છે ભાગવતનો મહત્વનો સારસંદેશ - પરીક્ષિતની પેઠે પરમાત્માભિમુખ બની, પરમાત્માના પરમપ્રેમને જગાવીને કાયમને કાજે નિર્ભય તથા કૃતાર્થ બની જવું.
ભાવતમાં સમાવાયેલી શાશ્વત સામગ્રીનું સ્વરૂપ કેવું છે અથવા ભાગવતમાં મોટે ભાગે શું છે એનો ખ્યાલ ભાગવત શબ્દ પરથી સારી રીતે ને સહેલાઇથી આવી શકે છે. ભાગવત શબ્દના અર્થ પ્રમાણે એમાં ભગવાન વિશેની ચર્ચાવિચારણાનો સમાવેશ થાય છે. ભગવાન એટલે શું, ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે, ભગવાનનો અનુગ્રહ કેવી રીતે અનુભવી શકાય છે, ભગવાનનો સાક્ષાત્કાર કોને, ક્યારે ને ક્યા સાધનથી થઇ શકે છે, એમના સાક્ષાત્કારથી કેવો લાભ થાય છે, તેની વિશદ અને વિસ્તૃત છણાવટ એમાં કરવામાં આવી છે.
ભગવાનના પૃથ્વીના પરિત્રાણને માટે જે જે મહત્વના અવતારો થયા છે તેમનું વર્ણન તેમની દૈવી જ્વાજવલ્યમાન જીવનલીલા સાથે શ્રીમદ્ ભાગવતમાં ક્રમશઃ અને વિસ્તારથી જોવા મળે છે. એવી રીતે પણ એનું ભાગવત નામ સાર્થક છે. એ જીવનલીલાઓનું પઠન-પાઠન કે ગુણસંકીર્તન કરીને માનવ પરમાત્માભિમુખ બની, પરમાત્માના પ્રેમને જગાવી તથા વધારીને, પરમાત્માની સાથે સંબંધ બાંધીને જીવનને પરમાત્માના અસાધારણ અનુગ્રહથી અલંકૃત કરી શકે છે.
એ ઉપરાંત ભાગવતમાં એક બીજી અગત્યની વસ્તુવિશેષનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ વસ્તુ પરમભાગવતોના જીવનને લગતી છે. જગતમાં જન્મીને જગતના પરિવર્તનશીલ સ્થૂળ પદાર્થેમાંથી પોતાનાં મનને પાછું વાળીને જેમણે ભગવાનના ચારુ ચરણોમાં પરોવી દીધું, ને જેમણે મન વચન કાયાથી ભગવાનના બનીને ભગવાનના સાક્ષાત્કારની સાધના કરીને જીવનની સર્વોત્તમ સંસિદ્ધિ મેળવી, એવા બડભાગી પ્રાતઃસ્મરણીય પરમભક્તો કે ભાગવતોના જીવનવૃતાંતનો સમાવેશ પણ આ મહાગ્રંથમાં કરવામાં આવ્યો છે. એ દૃષ્ટિએ જોતાં પણ એનું ભાગવત નામ સંપૂર્ણ સાર્થક લાગે છે. એ બધા નાના મોટા જીવનવૃતાંતો આજે પણ એટલા જ પ્રેરક, પથપ્રદર્ષક અને પ્રકાશપ્રદાયક છે. એમની અંદર આત્માને અનુપ્રાણિત કરવાની અને અલૌકિક બનાવવાની શક્તિ છે. એટલે ભાગવતમાં મુખ્યત્વે ચાર વિષયો પર પ્રકાશ પાથરવામાં આવ્યો છેઃ
૧ ભગવાનના નિર્ગુણ નિરાકાર સ્વરૂપની સમ્યક્ સ્વાનુભવપૂર્ણ તલસ્પર્શી સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારણા
ર ભગવાનના સગુણ સાકાર સ્વરૂપનું અથવા એમના અગત્યના અવતારોનું વર્ણન.
3 ભગવાનના બનવા માગનારા કે બની ગયેલા ભક્તો અથવા પરમભાગવતોનાં રેખાચિત્રો અને
૪ માનવને નિર્ભય, નિર્મમ ને નિરહંકાર કરીને સ્વરૂપના સાક્ષાત્કાર દ્વારા ધન્ય બનાવનારી સાધના.
એ ઉપરાંત ભાગવતમાં બીજા નાના મોટા જે પેટા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમનો ઉલ્લેખ અહીં નથી કરતો. એમની વિચારણા ભાગવતના રસાસ્વાદના સમય દરમિયાન આવશ્યકતાનુસાર ક્રમેક્રમે થતી રહેશે.
ભાગવતના સંબંધમાં કોઇએ કહ્યું છે કે વિદ્યાવતાં ભાગવતે પરીક્ષા ।
શૂરવીરના શૌર્યની પરીક્ષા જેમ સમરાંગણમાં થાય છે તેમ વિદ્વાનોની વિદ્વત્તાની પરીક્ષા ભાગવતમાં થઇ જાય છે. ભાગવત મહર્ષિ વ્યાસની સમાધિભાષાનો મહાગ્રંથ મનાય છે. એને સમજવામાં, સમજાવવામાં અને એમની અનેકવિધ કથાઓનું અર્થઘટન કરવામાં અથવા રહસ્ય ઉકેલવામાં મોટા મોટા પંડિતપ્રવરો, સાક્ષરો અથવા વિદ્વાનોની પણ કસોટી થાય છે. પરંતુ એ બાબતમાં મારે કશી ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હું કોઇ નાનો મોટો વિદ્વાન, સાક્ષર કે પંડિતપ્રવર નથી. હું તો પરમકૃપાળુ પરમાત્માનો એક સાધારણ શરણાગત અથવા પ્રેમી છું. મારા મનને, મારી બુદ્ધિને ને મારા જીવનની ગતિવિધિને તે જ ચલાવે છે. તે જ મારા જીવનના સર્વેશ્વર અને સૂત્રધાર છે, તેમની મહામંગલમયી ઇચ્છાથી જ હું આ મહાન ગ્રંથરત્નનું વિહંગાવલોકન કરવા તૈયાર થયો છું ને મારું કાર્ય એમનું પોતાનું હોઇને એમાં એ મને સફળમનોરથ કરશે જ. જે એમનો થાય છે અથવા એમના શ્રીચરણોમાં પોતાનું સર્વસમર્પણ કરે છે એનો સમગ્ર ભાર તે ઉપાડી લે છે. એને પછી કશી જ ચિંતા નથી રહેતી. તે જ મને દૃષ્ટિ આપશે, જ્યોતિ બક્ષશે, અને મને કેવળ નિમિત્ત બનાવીને પોતાનો ધારેલો અભિનય પૂરો કરશે. ભાગવતની વિચારણા કરવાનું કાર્ય કપરું છે તે જાણું છું, મહાસાગરને મથવાના, આકાશને આલિંગવાના ને મહામંડળને માપવાના કાર્ય કરતાં પણ કઠિન છે. પરંતુ તે કાર્ય મારે ક્યાં કરવાનું છે ? એને કરનારી અથવા કરવા પ્રેરનારી શક્તિ તો જુદી જ છે. વાંસળીએ વાદકને પોતાનું સર્વસમર્પણ કરી દીધું પછી એને કશી ચિંતા ક્યાં છે ? એની અંદર શક્તિસંચાર કરીને એની અંદરથી સંગીતમય સુધાસભર સુરાવલિની સૃષ્ટિ કરવાનું કાર્ય તો એના વાદકનું છે. એ કાર્ય એ આપોઆપ કરી લે છે.
ભાગવત કેવળ બૌદ્ધિક પ્રતિભાસંપન્ન શાસ્ત્ર છે એવું મને નથી લાગતું. એની અંદર હૃદય ઠલવાયું છે અથવા હૃદયનો રસરાસ રચાયો છે. એ ઉપરાંત એમાં અલૌકિક આત્માની આર્ષવાણીની અમોઘ અભિવ્યક્તિ થયેલી છેઃ એટલે ગમેતેવી ને તેટલી અસાધારણ બૌદ્ધિક  પ્રતિભા હોય તો પણ કેવળ એને જ લઇને એની પાસે પહોંચવું અને એને સમજવા કે મૂલવવા પ્રવૃત્ત થવું બરાબર નથી. એની પાસે તો કેવળ બુદ્ધિ નહિ પરંતુ અંતર અને આત્મા લઇને પહોંચવું જોઇએ, અને એથી પણ વિશેષ આવશ્યક રહસ્યમય હકીકત તો એ છે કે પરમાત્માનો સ્નેહમય સંપર્ક સાધવો જોઇએ. તો જ, પરમાત્માની પરમ અનુકંપાથી જ, એને ઓછાવત્તા પ્રમાણમાં સમજી ને સમજાવી શકાય. પરમાત્મા પોતે જ એના રહસ્યોનું ઉદઘાટન કરી દે. મારી પાસે અંતર અથવા આત્માની પણ અનોખી સંપત્તિ વિદ્યમાન નથી. તો પણ પરમાત્મામાં, એમની અનુકંપામાં અને એમની અસાધારણ શક્તિમાં મને વિશ્વાસ છે એટલે મારું કાર્ય સરળ ને સફળ થશે એવી આશા છે.
ભાગવતમાં વિદ્વાનોની પરીક્ષા તો થાય છે જ પરંતુ ભક્તજનો કે પ્રેમીઓની પણ પરીક્ષા થઇ જાય છે. એ સંદર્ભમાં કહી શકાય કેઃ
‘भक्तिमतां भागवते परीक्षा’ અથવા ‘प्रेमवतां भागवते परीक्षा.’

No comments:

Post a Comment