Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, January 22, 2013

દિતિ અને કશ્યપ


દિતિ અને કશ્યપ

તૃતીય સ્કંધના ચૌદમા અધ્યાયમાં દિતિ અને કશ્યપની જે પ્રેરક કથા કહેવામાં આવી છે એ પણ ઉલ્લેખનીય હોવાથી એનું વિહંગાવલોકન કરી જઇએ.

દિતિ દક્ષ પ્રજાપતિની પુત્રી હતી. એણે એકવાર સંધ્યા સમયે પુત્રપ્રાપ્તિની ઇચ્છાથી કામાતુર બનીને પોતાના પતિ મરીચિનંદન કશ્યપ પાસે કામવાસનાની પૂર્તિની માગણી કરી. કશ્યપ એ વખતે એમની યજ્ઞશાળામાં શાંતચિત્તથી ધ્યાનમાં બેઠેલા.

કામવાસનાની પૂર્તિની પ્રાર્થના કરવાનું અને એ પ્રાર્થનાને માન્ય રાખવાનું ગૃહસ્થાશ્રમમાં જોડાયેલા પતિ-પત્નીને માટે અનુચિત અથવા તો આશ્ચર્યકારક ના કહેવાય. સંસારનો એવો ક્રમ છે. પરંતુ કશ્યપની જીવનદૃષ્ટિ જુદી હતી. એ દૃષ્ટિ વિલાસી માનવની નહિ પરંતુ એક ઉત્તમ આદર્શ ઋષિની દૃષ્ટિ હતી. એમણે દિતિને તરત જ જણાવ્યું કે આ સમય શરીરના કામવાસનાથી પ્રેરાઇને કરાતા સમાગમનો નથી પરંતુ ઇશ્વરના આનંદદાયક એકાગ્રતાપૂર્વક થનારા આરાધનનો છે. માટે આવી કામના ના કરવી જોઇએ. અત્યારે તું પણ ઇશ્વર આરાધનમાં લાગી જા.

એ શબ્દો ખૂબ જ મહત્વના છે. ઇન્દ્રિયલોલુપ અથવા વિવેકાંધ વિષયાસક્ત પુરુષ એવા શબ્દો ના કહી શકે. એ એવી રીતે જાગ્રત ના રહી શકે. એ તો લાગણીના આવેગમાં તણાઇ જાય, દેશકાળનો વિચાર ના કરે, વિવેકને ખોઇ બેસે, અને ના કરવાનું કામ પણ કરી બેસે. એની અંદર કશ્યપ જેવી સદ્દબુદ્ધિ ના હોય. સંસારના મોટા ભાગના માનવોનો એવો અનુભવ છે. એ ઇચ્છાનુસાર આવેગ આવે છે ત્યારે ખાય છે, પીએ છે, હરે છે, ફરે છે ને ભોગ ભોગવે છે. એ અંદરથી ઉત્પન્ન થનારા આવેગને કોઇ પણ પ્રકારના વિચાર વગર વશ થાય છે, પરંતુ પોતાની જાતને પ્રશ્ન નથી પૂછતા, ને સંયમ પણ નથી કરતા.

કશ્યપ ઋષિ હોવાથી એવી સદ્દબુદ્ધિથી સંપન્ન હતા માટે જ દિતિને એવું કહી શક્યા. બીજા વિલાસી વિષયલોલુપ મનુષ્યો તો એવું કહેવાની કલ્પના પણ ના કરી શકે.

પરંતુ દિતિમાં એવા આત્મસંયમનો અભાવ હતો. એનું મન અતિશય વિહવળ બની ચૂકેલું. એટલે તો એણે પહેલેથી જ કશ્યપને કહેલું કે કામદેવે પોતાના સુતીક્ષ્ણ શરથી મારા અંતરને વીંધી નાખ્યું છે. મદોન્મત્ત હાથી કેળના વૃક્ષને કચડી નાખે તેવી રીતે મને અબળાને એ પરવશ કરીને પીડા પહોંચાડે છે. તમારે માટે મારું મન કામાતુર બની ગયું છે.

કામવાસનાનો વેગ એવો અસાધારણ હોય છે. એનું પ્રાબલ્ય એવું પ્રખર હોય છે. ચોમાસાના ઘોડાપુરમાં નદી જેમ મદોન્મત્ત બનીને કિનારાઓને તોડીને ચારે તરફ પ્રલયનું દૃશ્ય ઊભું કરતાં વહેવા અથવા ગાંડીતુર બનીને દોડવા માંડે છે તેમ માણસ પણ એની અસાધારણ અસર નીચે આવીને ભાન ભૂલી જાય છે. સાધારણ તો શું, અસાધારણ કહેવાતા પુરુષો-અને સ્ત્રીઓ પણ-એના પ્રભાવમાં પડીને ના કરવાનું કરી બેસે છે. એ વખતે એમનું શાસ્ત્રજ્ઞાન, બુદ્ધિબળ, શરીરબળ, જપ-તપ કે વ્રતનું સાધન કશું જ કામ નથી કરતું. એ બધું શાંત થઇ જાય છે. એનો પ્રભાવ એવો પ્રબળ હોવાથી જ સત્પુરુષોએ ને શાસ્ત્રોએ કહ્યું છે કે જેણે કામને જીત્યો એણે સમસ્ત સંસારને જીત્યો. શત્રુને જીતનારા, સાગરની પાર પહોંચનારા, પવનપ્રાશન કરનારા, પર્વતો પર ચઢનારા તથા પૃથ્વીની પ્રદક્ષિણા કરનારા મનુષ્યો તો મળે છે પરંતુ પોતાની અંદરની દુનિયામાં ડૂબકી મારીને મન તથા ઇન્દ્રિયો પર વિજય મેળવનારા અને કામમુક્ત બનનારા મહામાનવો અત્યંત વિરલ હોય છે. એ જ્યાં ને જે રૂપમાં રહેતા હોય ત્યાં ને તે રૂપમાં સદાય પૂજ્ય ને પ્રશસ્ય છે. એમનાં જીવન બીજાને માટે પ્રેરક કે પથપ્રદર્શક થઇ પડે છે.

દિતિએ કશ્યપની વાતને ના માની. એણે પોતાની હઠને ચાલુ રાખી.

કશ્યપ એટલા બધા સાવધ અને સમજદાર હોવા છતાં પણ આખરે એની હઠને તાબે થયા, એમણે પોતાના વિરોધને પડતો મૂક્યો, એને એમની નિર્બળતા લેખવી હોય તો લેખી શકાય. પરંતુ એમનો અંતરાત્મા આરંભથી માંડીને અંત સુધી જાગ્રત હતો અને દિતિને તટસ્થ રીતે કામચલાઉ શાંતિ આપવા માટે જ એમણે એની ઇચ્છાની પૂર્તિ કરેલી એવું લાગે છે. માટે તો એ એની સાથેના સમાગમને અંતે પણ સ્વસ્થ રહી શક્યા. ભાગવતકાર કહે છે :

अर्थोपस्पृश्य सलिलं प्राणानायम्य वाग्यत ।
ध्यायज्जजाप विरजं ब्रह्म ज्योतिः सनातनम् ।। (અધ્યાય ૧૪, શ્લોક ૩૧)

કશ્યપે દિતિની ઇચ્છાને સંતોષીને સ્નાન કર્યું, પ્રાણાયામ કર્યો, અને મૌન રહી પરમપવિત્ર પરમાત્માની સનાતન જ્યોતિનું ધ્યાન કરતાં ગાયત્રીમંત્રનો જપ કરવા માંડ્યો.

એ બધી પ્રવૃત્તિ મહર્ષિ કશ્યપની લોકોત્તરતાને પુરવાર કરે છે. એવા લોકોત્તર પુરુષ જ પોતાના મનને એવી રીતે પરમાત્મામાં જોડેલું રાખી શકે અને એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધ્યાન તથા જપની સાધના કરી શકે. આ પ્રસંગમાં ભારતીય સંસ્કૃતિની લગ્નજીવન પ્રત્યેની ઉદાત્ત દૃષ્ટિનું દર્શન થાય છે. ભારતીય સંસ્કૃતિ લગ્નજીવનને કેવળ વિલાસ નથી માનતી, સ્વેચ્છાચારનું સાધન પણ નથી ગણતી, પરંતુ જીવન વિકાસની સંયમપૂર્ણ સાધના સમજે છે. એમાં ડગલે ને પગલે ભારે સાવધાનીપૂર્વક ચાલવાનું હોય છે. એ સંદેશનો પ્રતિઘોષ આ નાનકડા છતાં મહત્વના પ્રસંગમાં ઘણી સારી રીતે પડે છે.

દિતિ પણ સંસ્કારી તો હતી જ એટલે પોતાની પ્રવૃત્તિને માટે પશ્ચાતાપ કરવા લાગી. કશ્યપે એને સાફ શબ્દોમાં જણાવ્યું કે તારું મન સંધ્યા સમયે અપવિત્ર બન્યું ને તું અનુચિત કર્મને કરી બેઠી તેથી મારી દિવ્ય યોગદૃષ્ટિથી હું જોઇ શકું છું કે તને બે અમંગળ અથવા અધમ કુપુત્રોની પ્રાપ્તિ થશે. એ નિરપરાધી દીનદુઃખીઓનો નાશ કરશે, સ્ત્રીઓની પવિત્રતાનો ભંગ કરશે, ને સમસ્ત સંસારને માટે આતંકરૂપ ઠરશે. એમની ઉપર સત્પુરુષોનો કોપ થશે ત્યારે ભગવાન પોતે અવતાર લઇને એમનો જોતજોતામાં નાશ કરી નાખશે.

દિતિ એ સાંભળીને દુઃખી થઇને દિગ્મૂઢ બની ગઇ ત્યારે કશ્યપે આગળ કહ્યું કે તારો એક પૌત્ર સત્પુરુષોના શાસ્ત્રોક્ત માર્ગનું અનુસરણ કરનારો મહાન ભગવદ્દભક્ત થશે ને વિશ્વમાં અત્યંત આદરણીય ગણાઇને વખણાશે. એનો સુયશ સંસારમાં સર્વત્ર ફરી વળશે. જગતના એકમાત્ર આત્મા, સાક્ષી અથવા આધાર જેવા ભગવાન એની અખંડ શ્રદ્ધાભક્તિ તેમ જ અલૌકિક ઇશ્વરપરાયણતાથી પ્રસન્ન થઇને એને દર્શન આપશે. એ મહાન ભક્ત, મહાત્મા, મહાન પ્રભાવશાળી ને મહાપુરુષોમાં પણ મહાન બનીને દેહાભિમાનનો પૂર્ણપણે પરિત્યાગ કરશે. એ વિષયી નહિ થાય પરંતુ સદ્દગુણી, ધૈર્યવાન, બીજાની સુખસમૃદ્ધિથી સુખી તથા બીજાના દુઃખથી દુઃખી થનારો, અજાતશત્રુ, દોષરહિત અને દર્શનમાત્રથી જ સુખ, શાંતિ અને આનંદ આપનારો થઇ પડશે. એને એના જીવનકાળ દરમિયાન શ્રીહરિના દેવદુર્લભ દર્શનનો લાભ મળશે.

પોતાનો પુત્ર નહિ તો પૌત્ર પણ ભગવદ્દભક્ત થશે ને ભગવાનના દર્શનથી પોતાના જીવનને કૃતાર્થ કરશે એ જાણીને દિતિ પ્રસન્ન થઇ.

પોતાના પુત્રો બીજાને માટે અથવા કહો કે સમસ્ત સંસારને સારું આતંકરૂપ બને એવું કયી માતા ઇચ્છે ? કોઇ પણ સદ્દગુણી, સુવિચારશીલ કે સંસ્કારી માતા તો ના જ ઇચ્છે. ના. સ્વપ્નમાં પણ નહિ. એવી માતા તો એવા કુપુત્રોની માતા બનવા કરતાં પોતાનું ચાલતું હોય તો પુત્ર સિવાય રહેવાનું જ વધારે પસંદ કરે. પોતાના પુત્રો અધર્મપરાયણ અથવા અનર્થકારક થશે એવી માહિતી મેળવીને દિતિને ખૂબ જ દુઃખ થયું. પોતે કરેલી ભયંકર ભૂલને માટે એનું હૃદય રડવા લાગ્યું. પરંતુ હવે કોઇ ઉપાય નહોતો રહ્યો.

દિતિ બીજાની સુખાકારી તથા શાંતિમાં માનનારી હોવાથી પોતાના ગર્ભને એણે સુદીર્ઘ સમય સુધી ઉદરમાં ધારણ કરી રાખ્યો. અન્યના કલ્યાણનો નાશ કરનારા એ પુત્રો મોડામાં મોડા જન્મે એવી એની આકાંક્ષા હતી. પરંતુ જે ભવિતવ્ય હોય તેને એક વ્યક્તિ કેવી રીતે ટાળી શકે ? એ પુત્રોનું પ્રાકટ્ય અવશ્યંભાવિ હતું. એમના પ્રાકટ્યની ભૂમિકા પણ તૈયાર થઇ ગયેલી. ત્રીજા સ્કંધના પંદરમાં અધ્યાયમાં એ ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. એ ભૂમિકા ખૂબ જ પ્રેરક છે.

No comments:

Post a Comment