Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, January 22, 2013

Skanda 06-ભાગવતનો સારસંદેશ


Skanda 06-ભાગવતનો સારસંદેશ


ભાગવતનો સારસંદેશ

Canto 06

પરમપ્રાતઃસ્મરણીય સ્વનામધન્ય સંતશિરોમણિ શુકદેવજીના સુરદુર્લભ સત્સંગનો સ્વાદ મેળવીને પરીક્ષિતની પ્રસન્નતા ઉત્તરોત્તર વધવા માંડી. એમને થયું કે પોતાને પરમાત્માની પરમકૃપાની પ્રાપ્તિથી એક સાચા સદ્દગુરુનો સમાગમ થયો છે. એ સમાગમના સુપરિણામ રૂપે જીવન જ્યોતિર્મય ને સાર્થક બનશે. એવા સર્વોત્તમ સદ્દગુરુની કૃપાદૃષ્ટિની પ્રાપ્તિ થાય પછી શું બાકી રહે ? આ લોક કે પરલોકની એવી કયી વસ્તુ છે જે ના મળે ? અવિદ્યાનાં બંધનને તોડવાનું કામ એમને માટે જરા પણ કઠિન નથી હોતું. પરીક્ષિતને એનો અનુભવ થવા માંડ્યો. એવા સુરદુર્લભ સદ્દગુરુ બ્રહ્મા બનીને નવો જન્મ આપે છે, વિષ્ણુ બનીને એના ભાવો, વિચારો અને સંસ્કારોને - કહો કે સમસ્ત જીવનને પાળે છે, પોષે છે તથા રક્ષે છે, અને શંકર અથવા મહાદેવ બનીને એની નિર્બળતાનો, અશાંતિનો અને અવિદ્યાનો નાશ કરે છે. એટલે એ અર્થમાં એમને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ્વર માનવામાં આવે છે એ સાચું છે.

પરીક્ષિતની જિજ્ઞાસા વધતી જતી હતી. શુકદેવનાં અત્યાર સુધીનાં વચનો એમને સારુ સુધાવર્ષણ કરનારાં થઇ પડેલાં. એથી પ્રેરાઇને એમણે પૂછ્યું કે મને કોઇક સારો ઉપાય બતાવો જેનો આધાર લેવાથી મનુષ્યોને ભિન્નભિન્ન યાતનાઓથી ભરેલા નરકલોકમાં ના જવું પડે. ભાગવતના છઠ્ઠા સ્કંધનો આરંભ જ પરીક્ષિતની એ જિજ્ઞાસાવૃત્તિથી થાય છે.

અને ભગવાનના પરમપ્રેમી ભક્તશ્રેષ્ઠ શુકદેવ પરીક્ષિતને બીજો ક્યો ઉત્તર આપે ? એમની પાસેથી બીજા ક્યા ઉત્તરની આશા રાખી શકાય ? એમણે એમના સ્વાનુભવના આધાર પર જણાવ્યું કે સર્વ પ્રકારની વાસનાઓ તથા યાતનાઓમાંથી મુક્તિ મેળવવાનો એક માત્ર અકસીર, અમોઘ, મૂળભૂત ઉપાય ભગવાનની ભક્તિ કરવાનો, એ દ્વારા ભગવાનની પાસે પહોંચવાનો ને ભગવત્સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિનો છે.

સમસ્ત ભાગવતનો એ એક અગત્યનો સર્વોપયોગી સારસંદેશ છે. એને ભાગવતનું સુપ્રસિદ્ધ ધ્રુવપદ કહીએ તો પણ ચાલે. એનું ચિંતન, મનન અને રટણ ભાગવતમાં અવારનવાર - જ્યારે જ્યારે સાનુકૂળ હોય છે ત્યારે કરવામાં આવે છે. ભાગવત એવી રીતે સૂચવવા માગે છે કે સર્વ પ્રકારના ક્લેશોની કે દુઃખોની આત્યંતિક નિવૃત્તિનો એક માત્ર ઉપાય ભાગવત બનવાનો કે ભગવાનના થવાનો છે. જે ભગવાનના બને છે ને ભગવાનની કૃપા માટે જીવે છે, તલસે છે કે કોશિશ કરે છે, તે સુખી થાય છે. એનું જીવન ઉજ્જવળ બને છે. શુકદેવજી અહીં એ જ સર્વકલ્યાણકારક સંદેશને સંભળાવી રહ્યા છે ને જણાવે છે કે ભક્તિનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ, સરળ, સલામત, ભયરહિત અને મંગલ છે. એનો આશ્રય લેનાર આ લોકની અને પરલોકની બધી જ યાતનાઓમાંથી મુક્તિ મેળવી ભગવાનની સંનિધિ પામીને ધન્ય બને છે.

નરક અને સ્વર્ગની વાતો આપણે ત્યાં કેટલીય કરવામાં આવે છે. એ સ્વર્ગ અને નરકનું દર્શન આપણને અહીં જ નથી થતું ? જ્યાં જ્યાં સુખ છે, શાંતિ છે, સંપ છે, સહયોગ છે, સદ્દભાવ અને એથી યુક્ત સત્કર્મોનું અનુષ્ઠાન છે ત્યાં ત્યાં સ્વર્ગ છવાયલું છે એવું નથી લાગતું ? એથી ઉલટું જ્યાં જ્યાં વ્યસન, અપવિત્રતા, દુઃખ, દીનતા, દુર્વિચાર, દુર્ભાવ કે દુષ્કર્મ છે ત્યાં ત્યાં નરકની નિશાની છે એવી છાપ પડ્યા વિના નથી રહેતી. સ્વર્ગ અને નરક એવી રીતે માનવની અંદર અને બહાર રહેતાં હોય છે અને એ બંનેમાંથી ક્યાં રહેવું એ માનવે પોતે જ પસંદ કરવું પડે છે.

ભાગવત કહે છે કે પાપી અથવા દુરાચારીએ પણ નાહિંમત નથી બનવાનું કે નથી ડરવાનું. જીવનના મંગલનો માર્ગ સૌ કોઇને માટે ઊઘાડો છે. જીવનની એકે ક્ષણ એવી નથી જ્યારે માણસના વિકાસનાં બધા જ બારણા બંધ થઇ જાય. માણસ જાગ્રત બનીને ને ઇશ્વરપરાયણ થઇને ગમે ત્યારે વિકાસ સાધીને આત્મકલ્યાણ કરી શકે છે.

જીવનના ગમે તેવા ને ગમે તેટલા આત્મિક અધઃપતન પછી પણ માણસ જાગ્રત થઇ શકે છે એટલું જ નહિ પરંતુ સાચા અર્થમાં ને સંપૂર્ણપણે જાગ્રત થઇને જીવનને સુધારી અથવા જ્યોતિર્મય બનાવીને આત્મોન્નતિના સ્રવોચ્ચ શિખર પર આસીન થઇ શકે છે એ હકીકતમાં મનુષ્યજાતિને માટે અને ખાસ કરીને અધઃપતનના પંથે પ્રયાણ કરી ચૂકેલા પુરુષોને માટે કેટલી બધા પ્રેરણા રહેલી છે ? માણસના જીવનમાંથી આશાનું કિરણ કદાપિ નથી ખૂટતું. ઇશ્વરના મંગલ મંદિરમાં એનું સદાયે, સ્નેહપૂર્વકનું સ્વાગત થાય છે. માયાળુ માતાની પેઠે ઇશ્વર એને બે હાથ ફેલાવીને અપનાવવા અને ભેટવા સદા તૈયાર રહે છે હકીકત જ કેટલી બધી રોમાંચક છે ? ઇશ્વરનો મહિમા એવો અવર્ણનીય અને અનંત છે. માણસ એ મહિમાને સમજી લે એટલી જ વાર છે. અધઃપતનની ગર્તામાં પડેલો ગમે તેવો માણસ પણ પોતાના અધઃપતનને સમજી લે, એને માટે પશ્ચાતાપ કરે, એમાંથી બહાર નીકળવાનો નિર્ણય ને પ્રયત્ન કરે, પોતાની ભૂલોનું પુનરાવર્તન ના કરે અને ઇશ્વરનું સાચા દિલથી શરણ લે તો પોતાની કાયાપલટ કરી શકે છે. જીવનના પરિશોધન અને પરિત્રાણને માટે કદી પણ મોડું નથી થતું. એવું પરિશોધન અને પરિત્રાણ ગમે તે પળથી પ્રારંભી શકાય છે. એને પરિપૂર્ણ પણ કરી શકાય છે. ભાગવતનો એ સુંદર, સર્વોપયોગી, સનાતન સંદેશ છે અને એનો પ્રતિઘોષ છઠ્ઠા સ્કંધમાં કહેવામાં આવેલા અજામિલના જીવનના ઇતિહાસમાં પાડવામાં આવ્યો છે. એ પ્રતિઘોષ ખૂબ જ કલ્યાણકારક હોવાથી એને સાંભળવાનું આવશ્યક છે.

આપણે ત્યાં અજામિલની જીવનકથાના સંબંધમાં શિક્ષિત અને અશિક્ષિત લોકોમાંના કેટલાંકમાં કેટલીક ગેરસમજ પ્રવર્તે છે. એ ગેરસમજને દૂર કરવાની આવશ્યકતા છે. એવી ગેરસમજથી પ્રેરાઇને કેટલાય લોકો કહે છે કે અજામિલ ખૂબ જ પાપી હતો. એણે સદધર્મને અને સત્કર્મને તિલાંજલિ આપેલી. ઇશ્વરને અને ઇશ્વરની ભક્તિને તો એ તદ્દન ભૂલી ગયેલો. તો પણ એનો ઉદ્ધાર થયો, એને ભગવદ્દધામની પ્રાપ્તિ થઇ, અને એ એટલા માટે કે એણે પોતાના નાના પુત્ર નારાયણનું નામ લીધું. કેટલાક લોકો એમ પણ કહે છે કે એવી રીતે જીવનભર આપણે ગમે તેવા કુકર્મો કરીશું અથવા ઇશ્વરને ભૂલીને વિપથગામી બનીશું તો પણ અંતકાળે નારાયણ જેવું ભગવાનનું નામ લઇશું એટલે ભગવદ્દધામની પ્રાપ્તિ થશે કે મોક્ષ મળી જશે. આવો સીધો, સહેલો ને સચોટ રસ્તો છોડીને જીવનભર ધર્મપાલન કરવાની કડાકૂટમાં શા માટે પડવું ? એવા લોકો ભાગવતના મર્મને અને અજામિલના જીવનના રહસ્યને સંપૂર્ણપણે સમજ્યા નથી એમ જ કહેવું જોઇએ. એમણે ભાગવતમાં વર્ણવાયલા અજામિલના જીવનવૃતાંતને સારી પેઠે વાંચવો-વિચારવો જોઇએ. તો એમની એ ભ્રાંતિ દૂર થશે ને સમજાશે કે અજામિલને મળેલી સદ્દગતિ કે મુક્તિ કેવળ એના પુત્રના નામસ્મરણને આભારી નહોતી પરંતુ એની પાપકર્મનિવૃત્તિ, ભગવદ્દભક્તિ તથા ઇશ્વરપરાયણતાને આભારી હતી. અવનીના આધ્યાત્મિક ઇતિહાસમાં એવું એક પણ ઉદાહરણ નથી મળતું જેમાં એવું બતાવવામાં આવ્યું હોય કે માણસ છેવટ સુધી કુકર્મ કરતો હોય, જીવનની છેલ્લી ક્ષણ સુધી વિષયાભિમુખ અને ઇશ્વરવિમુખ હોય તો પણ એને જીવનની જરુરી વિશુદ્ધિ વિના ભગવાનની કૃપાની પ્રાપ્તિ થઇ હોય. માણસે પરમાત્માની કૃપાપ્રાપ્તિ કે પ્રસન્નતા માટે પોતાના જીવનના પ્રવાહને પલટાવીને પવિત્ર તથા પરમાત્મપરાયણ કરવો જ પડ્યો છે. અજામિલના જીવનનો ઇતિહાસ પણ એમાં અપવાદરૂપ કેવી રીતે હોઇ શકે ? અજામિલ કુમાર્ગગામી બન્યો હતો એ સાચું પરંતુ એણે પવિત્રતાના પંથ પર પ્રયાણ કરીને ભગવાનની એકનિષ્ઠ ભક્તિ કરી ત્યારે જ એનું આત્મકલ્યાણ થઇ શક્યું. એ હકીકતની પ્રતીતિ ભાગવતને ધ્યાનપૂર્વક વાંચવા-વિચારવાથી સહેલાઇથી થઇ રહેશે. ભાગવતના આધાર પર જ એ વાતનું વિહંગાવલોકન કરી લઇએ.


No comments:

Post a Comment