સાચા સંન્યાસનો વિચાર
ગયા અધ્યાયમાં આપણે વિચારી ચૂક્યા કે ઈશ્વરના શરણ ને અનુગ્રહ વિના શાંતિ મળવી અશક્ય છે, તે માટે હૃદયશુદ્ધિ જરૂરી છે. જ્યાં સુધી દંભ પાખંડ ને અજ્ઞાનમાં માણસને આનંદ આવે છે, ત્યાં સુધી તેના પર ઈશ્વરનો અનુગ્રહ ભાગ્યે જ થઈ શકે છે, માટે માણસે દંભ, પાખંડ ને કપટ છોડી અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે પ્રયાસ કરવો જોઈએ. જે માણસ દંભ કે પાખંડનો આધાર લઈને બીજાને છેતરવાનું કામ કરે છે, તેનો ઉદ્ધાર કદી પણ થઈ શકતો નથી. છતાં ખેદની વાત છે કે માણસ દંભ ને પાખંડનો આધાર લે છે, સાધારણ માણસો જ નહિ, પણ જે અસાધારણ કહેવાય છે તેવા શાસ્ત્રી ને પંડિતો પણ દંભ ને પાખંડનો તથા અજ્ઞાનના અસુરનો આશ્રય લેતા હોય છે. વિદ્વાનો પણ મોહમાં પડે છે, ને ધનની લિપ્સામાં પડીને અવનવા કીમિયા કર્યા કરે છે.
વિચાર ને વર્તનમાં માણસે સાફ થવું જોઈએ, પવિત્ર રહેવું ને પ્રામાણિક બનવું જોઈએ. આત્મિક વિકાસમાં આ વાત ખૂબ મહત્વની છે ને અભણ કે સાધારણ માણસોએ જ નહિ, પણ વિદ્વાનોએ પણ તેનું મનન ને પાલન કરવાનું છે.
પવિત્ર આચારવિચાર, પ્રેમ, સમતા ને પ્રભુપરાયણતાના સર્વોચ્ચ શિખર પર પહોંચવાથી જ માણસ સંત, મહાત્મા, વિરક્ત કે સંન્યાસી થઈ શકે છે. એ યાદ રાખવા જેવું છે. યાદ રાખીને બેસી રહેવાનું નથી, પણ તેનો અમલ કરવા તૈયાર થવાનું છે. તો જ જીવનની ઉન્નતિ થઈ શકે. સંસારમાં જે જે સંતપુરૂષો થયા છે, તે વિચાર ને વર્તનનો મેળ કરવાથી જ થયા છે. માટે મહાન થવા ઈચ્છનારે વિચાર, વર્તન ને પવિત્રતાથી જીવનને શોભાવવું જોઈએ.
યાદ રાખો કે કેવલ ઘરબારનો ત્યાગ કરવાથી તેમજ કપડાં ને નામ બદલવાથી જ કોઈ મહાત્મા, સંન્યાસી કે યોગી બની જવાતું નથી. કાગડાની પાંખને રંગી દઈએ ને ધોળી કરીએ તેથી કાગડો શું હંસ બની જાય છે કે ? માણસો કોઈ કારણથી ઘરબારનો ત્યાગ કરે છે, ને નામરૂપને બદલી સાધુનો સ્વાંગ સજીને ફરતા ફરે છે. પણ ત્યાગ કરીને ઉત્તમ સાધુ કે યોગી થવા માટે સાધના કરતા નથી. અશાંતિ ને અલ્પતાને દૂર કરવા ને પરમાત્માનું દર્શન કરવા પુરૂષાર્થ કરતા નથી, તેમજ ત્યાગી જીવન શાને માટે છે તેનો વિચાર પણ કરતા નથી. પોતાના અમૂલ્ય જીવનનો સદુપયોગ કરીને તે મહાન ને મુક્ત બની શક્યા હોત પણ અજ્ઞાન, અનાધિકાર ને આળસને લીધે જીવનને ભારરૂપ બનાવી તથા બરબાદ કરીને તે કોઈ સલામત સ્થળમાં બેસી રહે છે કે આમતેમ ફરતા ફરે છે. આવા માણસો ધર્મપરાયણ મનાતા આ દેશમાં હજારોની સંખ્યામાં જોવા મળે છે. દેશનો ઉડતો પ્રવાસ કરનારા પુરૂષો આ વાતને સહેજે સમજી શકશે. અધુરા, અનાધિકારી ને અજ્ઞાની માણસો સાધુસમાજની ગંદકીરૂપ છે તે ગંદકી આપણા દેશની આધ્યાત્મિક મિલ્કતને શોભારૂપ નથી. તેનો ઈલાજ કરવાની જરૂર છે.
ગીતા કહે છે કે આળસુ બનીને તન કે મનથી કોઈયે કામ કર્યા વિના બેસી રહેવાથી કોઈ યોગી કે સંન્યાસી થઈ શકતું નથી. અગ્નિને ના અડવાથી પણ કોઈ ત્યાગી કે સંન્યાસી બની શકતું નથી. સંન્યાસીએ અગ્નિને ના અડવું એ નિયમ ઘડવાનું મુખ્ય કારણ તેને રસોઈ બનાવવાની ક્રિયામાંથી મુક્ત કરવાનું છે. સંન્યાસી જો હાથે રસોઈ બનાવે, તો રસોઈનાં સાધનો પણ તેને એકઠાં કરવા પડે. તેને માટે બીજા પર આધાર રાખવો પડે. તેનો ઘણો સમય રસોઈ કરવામાં ને રસોઈની આગળ પાછળની ક્રિયા કરવામાં જ જતો રહે. વળી તે ઈચ્છા પ્રમાણેની ને જુદી જુદી વાનગીઓ બનાવે એટલે સ્વાદજય કરવાનું કામ પણ તેને માટે મુશ્કેલ બને. એટલે સંન્યાસીએ અગ્નિને અડવું નહિ અથવા પોતાને હાથે રસોઈ ના બનાવવી એવું કહેવામાં આવ્યું છે. રસોઈનો પ્રશ્ન હલ કરવા માટે શાસ્ત્રોએ તેને ભિક્ષાનો માર્ગ બતાવ્યો છે. ભિક્ષા માગીને તે જીવે, ને તે ભિક્ષા પણ માગીને ના લેવી; જે વખતે જે ભિક્ષા મળે તેનો બડબડાટ વિના સ્વીકાર કરવો એ શાસ્ત્રની આજ્ઞા છે. કેટલાક સંન્યાસી માંગીને ભિક્ષા લે છે; તો કેટલાક એક જ સ્થળે રોજ કે વારંવાર જાય છે ને કોઈવાર ઈચ્છા પ્રમાણે ભિક્ષા ના મળતાં ક્રોધે ભરાય છે ને શાપ આપવા પણ તૈયાર થાય છે. એ પદ્ધતિ બરાબર નથી.
- શ્રી યોગેશ્વરજી
ઋષિકેશના સંન્યાસીની વાત
ઋષિકેશમાં અમારી પાસે એક દંડી સંન્યાસી આવતા હતા. તે વસ્તીમાં ભિક્ષા માગતા હતા. અમારી પાસે આવતા ત્યારે કહેતા કે હું ભિક્ષા લેવા આવતો નથી. તમારા જેવા તપસ્વી અહીં વાસ કરે છે તેમની કુશળતા જોવા આવું છું. હું ઉત્તર આપતો કે જ્યારે ઈચ્છા થાય ત્યારે પ્રેમપૂર્વક આવવું. તે ઊભા ઊભા જ વાતો કરતા ને પછી વિદાય થતા.
એક દિવસ તેમણે આવીને થોડીક આડીઅવળી વાત કર્યા પછી કહ્યું કે સાધુ સંન્યાસી ઘર પર આવે તો તેમને ખાલી હાથે પાછા ના જવા દેવા જોઈએ. છેવટે કાંઈ ન મળે તો પાણી ને ગોળની ગાંગડી પણ આપવી જોઈએ.
તેમની ઈચ્છા મુજબ અમે તેમને તે દિવસે ગોળની ગાંગડી આપી ને તે ચાલતા થયાં.
પણ પછી તો તેમનો આવવાનો ક્રમ જરા ટૂંકો થયો. પહેલા મહિનામાં એકાદવાર ભાગ્યે આવતા. તેને બદલે હવે દસબાર દિવસે આવવા માંડ્યા. અમે તેમનો સત્કાર કરવા તેમને એકાદ ફૂલ આપતા. એક દિવસ તે કહેવા માંડ્યા કે ગુજરાતી ખીચડી ખૂબ સરસ બને છે. મને ખાવાની ઈચ્છા થઈ છે.
મેં કહ્યું : ભલે અમારી રસોઈ જરા મોડી બને છે. પણ કાલે જરા વહેલી બનાવીશું. ગામમાંથી ભિક્ષા લઈને કુટિયા પર જવાનું થાય ત્યારે આવી જજો. ખીચડીની ભિક્ષા જરૂર તૈયાર રાખીશું.
બીજે દિવસે લાંબા વખત લગી રાહ જોઈ, પણ તે આવ્યા જ નહિ. આખરે અમે જમ્યાં ને વધેલી ખીચડી ગાયને નાખી દીધી. બે ત્રણ દિવસ પછી સ્વામીજી પાછા આવ્યા ત્યારે તેમણે ખુલાસો કર્યો કે તે દિવસે અહીં આવવાની વાત તો હું ભૂલી જ ગયો ! જો કોઈ જમવાનું આમંત્રણ આપે તો તે યાદ રહે છે, બાકી છૂટક ભિક્ષા લેવા જવાનું યાદ નથી રહેતું. મને આ ખુલાસો જરા વિચિત્ર લાગ્યો. છેવટે એક દિવસ તે રસોઈ બની ગઈ ત્યારે આવી પહોંચ્યા. એટલે અમે તેમને રસોઈમાંથી પણ ભિક્ષા આપી. જો કે વધારે ભાગે તો ફલ આપવાની જ પદ્ધતિ રાખી હતી.
અમારી બાજુના મકાનમાં એક સંન્યાસી રહેતા હતા. તેમની સાથે તેમની પુત્રી પણ રહેતી. એટલે તેમની રસોઈ ઘેર જ બનતી. થોડા વખતમાં તે સંન્યાસી મહારાજનું શરીર છૂટી ગયું. એટલે તેમની પુત્રી એકલી પડી. તે ખૂબ શોકમગ્ન રહેતી. દંડી સ્વામી શરૂઆતમાં તો કહેતા કે જે ખૂબ આનંદમાં હોય ને જે શોકમાં હોય તેની ભિક્ષા હું નથી લેતો, પણ પછી તો માગીને પણ ભિક્ષા લેવા માંડ્યા. એકવાર તે બેન જરા શોકમાં હતી. પિતાજીના મૃત્યુનું દુઃખ તાજુ હોવાથી તે કેટલીકવાર રસોઈ પણ બનાવતી ન હતી. એવે એક દિવસે દંડી સ્વામી જઈ ચઢ્યા પણ ભિક્ષા ન મળી એટલે તરત પાછા ફર્યા. મારી પાસે આવીને કહેવા માંડ્યા કે પહેલાંના લોકો તો બરાબર વિચાર કરતા કે કયે વખતે કોણ ભિક્ષા લેવા આવશે ને કોને માટે રસોઈ તૈયાર રાખવી જોઈએ. હવે તો વખત ફરી ગયો છે.
મેં કહ્યું : વાત સાચી છે. પણ પહેલાંના સાધુસંન્યાસી પણ કેવા હતા ? કયે વખતે ને ક્યાં ભિક્ષા લેવા જવું જોઈએ તેનો તે સંપૂર્ણ ખ્યાલ રાખતા. બેન પોતે સંન્યાસી જેવી છે. એ કાંઈ સંસારી નથી. બીજાની દયા પર તે જીવે છે. કેટલીકવાર તો ખાતી પણ નથી. તેની પાસે ભિક્ષા માગવાનું શું સારું છે ? ગામમાં ભિક્ષા આપનારા ઘણા છે તે ઉપરાત અહીં તો અન્નક્ષેત્ર પણ છે. ભિક્ષાની ક્યાં કમી છે ?
સંન્યાસી મહારાજને મારી વાત કેવી લાગી તે તો તે જ જાણે પરંતુ વાત સાંભળીને તે તરત વિદાય થયા. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે ત્યાગી કે સંન્યાસીએ કેટલા સત્યશીલ ને સાવધ રહેવાની જરૂર છે તેનો ખ્યાલ આવે. માણસ કયા પ્રદેશમાં રહે છે તે બહુ મહત્વનું નથી પણ તે શું કરે છે, ને તેનું ચારિત્ર્ય ને જીવન કેવું છે તે જ મહત્વનું છે.
ભિક્ષા માગવા આવનાર પેલા દંડી સ્વામીની વાત મેં આગળ લખી છે. તે પરથી કોઈ એમ ના સમજે કે હિમાલયમાં બધા જ સાધુઓ એવા હોય છે. વિવેકી સાધુઓ કોઈ નથી. ભિક્ષા માટે ફરનારા કોઈ કોઈ સાધુ સંન્યાસી વિવેકી પણ હોય છે. ઋષિકેશમાં અમારે ત્યાં એક બીજા સંન્યાસી આવતા હતા. અમારા નિયમ પ્રમાણે અમે તેમને પણ એક ફલ આપ્યું. એકવાર ફલ મળવાથી તે વારંવાર આવવા માંડ્યા. મકાન પાસે આવીને નારાયણ હરિ કરીને તે ઊભા રહેતા ને એકાદ મિનિટ રાહ જોઈને ચાલવા માંડતા. એક દિવસ અમારી પાસે ફલ પણ ન હતું એટલે અમે તેમને કાંઈ ના આપ્યું. તેમને ભિક્ષા સારા પ્રમાણમાં મળતી એટલે કાંઈ હરકત જેવું પણ ન હતું. બીજીવાર તે આવ્યા ત્યારે અમારી રસોઈ તૈયાર હતી એટલે અમે તેમને તૈયાર ભિક્ષા આપી. પાછા તે એકાદ દિવસ પછી આવ્યા. તે વખતે હું કોઈની સાથે વાર્તાલાપ કરતો હતો. તે પરથી તે સમજી ગયા કે હું પણ ત્યાગી છું, ને તેમની જેમ બીજા પર જીવું છું. માતાજી તેમને ભિક્ષા આપવા ગયાં. એટલે તરત જ બોલી ઊઠ્યા કે શું તમે ત્યાગી છો, સાધુ છો ?
મેં જવાબ આપ્યો કે લગભગ એવું જ જીવન જીવું છું.
આ સાંભળીને તેમને ઘણું દુઃખ થયું. તેમણે કહ્યું : મને તો એમ કે તમે આ મંદિરના કોઈ કર્મચારી છો. આવી ખબર હોત તો હું અહીં ભિક્ષા લેવા ના આવત. ત્યાગી પુરૂષે ત્યાગીની પાસે ભિક્ષા લેવાની હોય નહિ. હવે હું ભિક્ષા લેવા નહિ આવું પણ કોઈ વાર તમારા દર્શન માટે આવીશ.
તેમનો વિવેક જોઈને મને આનંદ થયો. છતાં મેં કહ્યું કે જ્યારે ઈચ્છા થાય ત્યારે જરૂર આવવું. અતિથિ ને અભ્યાગતની સેવા ત્યાગી પુરૂષો પણ અનુકૂળતા પ્રમાણે કરી શકે છે. ભિક્ષા લેવા આવશો તો અનુકૂળતા પ્રમાણે ભિક્ષા આપીશું. નહિ તો આદરપૂર્વક હાથ જોડીશું.
પણ પછી તે સંન્યાસી મહારાજ દેખાયા નહિ. અમે પણ થોડા જ દિવસોમાં ઋષિકેશ છોડીને મુંબઈ જવા રવાના થયા.
સાર એ છે કે ત્યાગી કે સંન્યાસીએ સદાય જાગ્રત રહેવું જોઈએ, ને વિવેકી બનવું જોઈએ. સંન્યાસ લીધો તો ખરો, પણ પછી એવું વર્તન કરવું જોઈએ કે જેથી સંન્યાસ શોભે. તો જ સંન્યાસ સફળ થાય ને સંન્યાસનો આનંદ પણ મળી શકે.
- શ્રી યોગેશ્વરજી
સંન્યાસનો વિચાર
કેટલીકવાર માણસો મને પૂછે છે કે હિમાલયમાં બધા ધર્માત્મા જ રહે છે, અથવા શું ઈશ્વરદર્શી મહાન સંતો જ ત્યાં નિવાસ કરે છે ? તેમને આ વાત પરથી પણ કેટલુંક જાણવા જેવું મળી રહેશે. માણસ હિમાલય પર જાય, એવરેસ્ટ શિખર પર જાય કે ગમે ત્યાં જાય, પોતાના મનને તો લેતો જ જાય છે. વિચાર, ભાવ ને સંસ્કારોથી તિજોરી જેવું મન તેની સાથે જ રહે છે. એટલે જ્યાં જાય છે ત્યાં પોતાનો નવો પણ રૂચિપૂર્વકનો સંસાર શરૂ કરે છે. એ મનને વિશુદ્ધ કરવાથી કે પલટાવવાથી જ માણસ મહાન બની શકે છે. સાધારણ માણસની જેમ સંન્યાસી, યોગી કે પ્રભુપરાયણ પુરૂષને માટે પણ આ વાત સાચી છે. તેવો પુરૂષ જો બહારનો જ ત્યાગ કરીને બેસી રહેશે, તો કામ કેવી રીતે ચાલશે ? એકલા બહારના ત્યાગથી કોઈ સાચો ત્યાગી કે સંન્યાસી થઈ શકતો નથી. જીવનનો આનંદ પણ તેથી મળતો નથી. સાચા ત્યાગી કે સંન્યાસી થવા ને જીવનનો આનંદ મેળવવા માટે માણસે અંદરનો ત્યાગ પણ કરવો જોઈએ. દુર્ગુણોને દૂર કરી, સ્વભાવથી કામ, ક્રોધ, લોભ ને અહંકાર જેવી ગંદકીને દૂર કરી મમતા ને મદમાંથી તેણે મુક્તિ મેળવવી જોઈએ. સંસારના સઘળા સુખને અસાર સમજી પરમાત્માની પ્રાપ્તિ ને પ્રીતિ માટે તૈયાર થવું જોઈએ. ત્યાગ કે સંન્યાસ ત્યારે જ સાર્થક થઈ શકે, જીવનના વિકાસમાં તે ત્યારે જ મદદરૂપ બની શકે.
યાદ રાખો કે ત્યાગ કે સંન્યાસ કાંઈ ધ્યેય નથી. બહારનો ત્યાગ કે સંન્યાસ કોઈ એવી વસ્તુ નથી કે જેનો આશ્રય લઈને માણસ કૃતકૃત્ય બની શકે. પરમપદ, પૂર્ણતા ને કૃતકૃત્યતાને માટે તો મહાન તપ કે સાધનાની જરૂર પડે છે. બહારનો ત્યાગ તે માટે જરૂરી છે જ એમ નથી. જેને જરૂર હોય તે તેને અપનાવે પણ તેને અપનાવીને બેસી રહેવાથી જ કલ્યાણ થઈ જશે એમ માનવું ભૂલભરેલું છે. ત્યાગ કે સંન્યાસ તો સાધન છે. તેનો ઉપયોગ કરીને માણસે આગળ વધવાનું છે. આ વાતને વિસરી ગયેલા સાધુસંન્યાસીઓ હિમાલયમાં પણ ઓછા નથી. આ દશા દુઃખદ છે. કેટલાક સાધુ સંન્યાસી નાની નાની વાતો માટે લડી મરે છે. દંડી સંન્યાસી કહેશે કે અમે તો દંડવાળા, માટે બીજા સંન્યાસી કરતાં મોટા. બીજાની સાથે એક પંક્તિએ બેસીને અમે જમી ના શકીએ. મોટાઈનો આવો ગર્વ શા માટે ? જેણે ઘરબાર છોડ્યાં છે તે ગર્વને નથી છોડતા એ કેટલું અજબ છે ! સાચો ત્યાગ તો અહંકાર, મમતા ને મનના મેલનો છે. તે ત્યાગ કરીને જે પરમાત્માની કૃપા મેળવે છે કે મેળવવા પુરૂષાર્થ કરે છે, તે જ સૌથી મોટો છે. બાકી તો નામ, રૂપ કે વેશપલટાના આધાર પર આ સંસારમાં કોઈને મોટા ને કોઈને છોટા માનવા તેમાં અજ્ઞાન વિના બીજું કાંઈ જ નથી. ઈશ્વરની સૃષ્ટિમાં સઘળા જીવો સરખા છે. તેમાં ભેદભાવ કરવો ઠીક નથી. જે ભેદભાવમાંથી મુક્તિ મેળવે તે જ જ્ઞાની છે, ને સાચો સંન્યાસી પણ તે જ છે.
કેટલાક સંન્યાસીઓ એવો આગ્રહ રાખે છે કે સૌએ તેમની જેમ સંન્યાસી થવું જોઈએ ને ભગવાં ધારણ કરવાં જોઈએ. કેટલાક સાધુઓ જટાદાઢી રાખવાનો, અમુક રીતે તિલક કરવાનો ને ભસ્માદિ ચોળવાનો આગ્રહ કરે છે. આ બધો દુરાગ્રહ છે, ને તેવા દુરાગ્રહનું કારણ અજ્ઞાન છે. મને કેટલાક લોકો પૂછે છે કે તમે ભગવાં કેમ નથી પહેરતા કે દાઢી કેમ નથી રાખતા ? હું કહું છું કે ભગવાં પહેરવાના ને દાઢી રાખવાના તબક્કામાંથી હું પસાર થઈ ચૂક્યો છું. તેના પ્રયોગ મેં કર્યા છે, પણ તેને વળગી રહેવાનું મને મારે માટે સારું નથી લાગતું. જેને સારું લાગે તે તેવા બહારનાં રૂપરંગને વળગી રહે. તેનો મને વાંધો નથી પણ તેને વળગી રહેવાનો દુરાગ્રહ સૌને માટે રાખવો બરાબર નથી. ગીતાના અઢારે અધ્યાયને ઉથલાવી નાંખો તો પણ બહારનાં રૂપરંગ માટેનો એવો દુરાગ્રહ કોઈ પણ ઠેકાણે જોવા નહિ મળે. ભગવાં વસ્ત્રો ને સંન્યાસની આ પ્રથા તો હમણાંથી શરૂ થઈ છે. આદ્ય શંકરાચાર્યે તેની વ્યવસ્થા કરી છે. તે પહેલાં પણ ભારતમાં સંતપુરૂષો તો હતા જ. તે બધા શું ભગવાં વસ્ત્રોમાં રહેતા હતા કે ? ઉપનિષદ્ ને વેદકાળના સંતો ને મહર્ષિઓ શું સફેદ વસ્ત્રો નહોતા પહેરતા ?
ભારતીય સંસ્કૃતિ તો ઘણી વિશાળ ને ઉદાર છે. તેમાં દરેક જાતની રૂચિ ને માન્યતાવાળા માણસોને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ, કબીર ને નાનક, શ્રી સાઈબાબા, મહાત્મા ગાંધીજી, રમણ મહર્ષિ ને અરવિંદ જેવા મહાપુરૂષોના જીવનમાં આ સંદેશ છૂપાયેલો છે. તે શું સફેદ વસ્ત્રો નહોતા પહેરતા ? છતાં તે પરમશાંતિ મેળવીને પ્રભુમય બની શક્યા છે. માણસો આવો વિવેક કરી શકતાં નથી એટલે જ ગોટાળો ઊભો કરે છે. હિમાલયના પ્રદેશમાં તો આ વિશે ભારે ગેરસમજ પ્રવર્તે છે. જે ભગવાં વસ્ત્રો પહેરે તેને ત્યાં સ્વામી, સંન્યાસી કે મહાત્મા માનવામાં આવે છે, ને જે સફેદ પહેરે તેને બ્રહ્મચારી કહેવામાં આવે છે, સફેદ પહેરનારો માણસ સ્ત્રી સંતાનને છોડીને આવ્યો હોય ને મોટી ઉંમરનો હોય, તો પણ બ્રહ્મચારી કહેવાય છે. સંન્યાસી કરતાં તેનો દરજ્જો નીચો ગણાય છે. આવી ગેરસમજનો અંત આવવો જોઈએ, ને પરમાર્થના પંથમાં બધા જ પથિકો સરખા માનના અધિકારી ગણાવા જોઈએ. ગીતામાતાનું કથન આવું જ છે. એટલે સાંપ્રદાયિક ભેદભાવમાં પડ્યા વગર જીવનની ઉન્નતિ માટેની જરૂરી યોગ્યતા તરફ તે આપણું ધ્યાન ખેંચે છે.
- શ્રી યોગેશ્વરજી
કાર્ય કર્મ એટલે શું ?
યોગી કે સંન્યાસીની બીજી એક વિશેષતા કયી છે ? ગીતામાતા તે તરફ આપણું ધ્યાન દોરતાં કહે છે કે જે સંન્યાસી કે યોગી છે તે કાર્ય કર્મનો આશ્રય લે છે. આજ વાતને જો બીજી ભાષામાં કહીએ તો કહી શકાય કે જે કાર્ય કર્મને કરે છે, તે જ સંન્યાસી ને યોગી છે. કાર્ય કર્મ સિવાયના બીજા કર્મો સંન્યાસી છોડી દે છે. ત્યારે કર્મનો અર્થ શો છે તે જાણવું જોઈએ. કાર્ય કર્મ એટલે કરવા યોગ્ય કર્મ. માનવજીવન મેળવીને જે કર્મ કરવા જેવાં છે તે કર્મ. ત્યારે વળી પાછો પ્રશ્ન થાય છે કે માનવજીવન મેળવીને કરવા જેવું કર્મ કયું છે, અથવા તેવા કર્મ જો એકથી વધારે હોય તો તે કયા છે ? આ બાબત માટે બધાં શાસ્ત્રો ને સઘળા સંતો સહમત છે. તેઓ એક સૂર છોડતાં કહે છે કે માનવજીવન પરમાત્માની પ્રાપ્તિ કરીને મુક્તિ, પરમશાંતિ કે પૂર્ણતા મેળવવા માટે છે. બંધન, દુઃખ ને દર્દ દૂર કરવા માટે છે ને બીજાની સેવા સારું છે. માનવશરીર દ્વારા કરવા જેવું ખાસ કામ આ જ છે. આ જીવનનો સદુપયોગ કરવાની જરૂર છે. ને જીવન પૂરું થઈ જાય, આ ઉત્તમ ને મહામૂલ્યવાન શરીર છૂટી જાય, તે પહેલાં જીવનનાં આ ઉત્તમોત્તમ કામને કરી લેવાનું છે. બીજા બધાં જ કામને ગૌણ ગણીને આ પ્રધાન કામમાં મન પરોવવાનું ને લગનપૂર્વક લાગી જવાનું છે.
વિદ્યાર્થી સારો હોય તો તેને જાણવાની કેવી લગન હોય છે ! ને લોભી લોકોને વધારે ને વધારે ધન કમાવાની લગન પણ ઓછી નથી હોતી. ભારતમાં જ્યારે અંગ્રેજી સત્તા હતી, ત્યારે તે સત્તાનો અંત લાવવાની લગન દેશના કેટલાક નેતાઓમાં કેટલી ભારે હતી ! તેથીયે વધારે લગન આપણા જીવનમાં જે વિદેશી સત્તાનું શાસન ચાલી રહ્યું છે, તેનો અંત આણવા માટે હોવી જોઈએ. ને દેશની આઝાદી માટે આપણા નેતાઓ ને આપણી પ્રજાને જે કષ્ટો વેઠ્યાં ને ભોગો આપ્યા, તેથી પણ વધારે સંકટ સહન કરવા ને તેથી પણ વધારે પ્રમાણમાં કુરબાની કરવા આપણે તૈયાર રહેવું જોઈએ. પ્રખર પુરૂષાર્થી થઈને રાતદિવસ કામ કરવું જોઈએ, તો જ આપણે વિજયી બનીએ ને જીવનનું કરવા યોગ્ય સર્વોત્તમ કામ કરીએ. એટલે આપણે પૂર્ણપણે મુક્તિ મેળવીએ, ને આપણાં તન, મન ને અંતર આઝાદીના અનેરા આનંદથી ઉભરાઈ ઊઠે. આપણા જીવનમાં જે રાક્ષસી રાજ અથવા શયતાનનું શાસન છે, તેનો અંત આવે, ને રામરાજની સ્થાપના થાય. આનંદ, શાંતિ, સલામતિ ને સુખાકારીથી જીવન શોભી ઊઠે, ને સર્વ પ્રકારના ક્લેશ ને દુઃખદર્દનો અંત આવે. આ કામ કરવા માટે જ આપણું જીવન છે. સંસારના લગભગ બધા ઉત્તમ ધર્મો ને ડાહ્યા પુરૂષોનો એ અભિપ્રાય છે. આ કામ કરી લીધું તો જીવનમાં ઉત્તમમાં ઉત્તમ ધન કમાયા નહિ તો જીવનનું મહત્વનું ધન ખોઈ નાખ્યું, ને નુકશાનમાં પડ્યા. આ કામને જ કરવા જેવું અથવા કાર્ય કર્મ કહેવામાં આવે છે ને ગીતાએ તે કરવાની ભલામણ કરી છે. દેવર્ષિ નારદે પોતાનાં ભક્તિસૂત્રોમાં કહ્યું કે સંસારમાં જન્મ લઈને માણસે પરમાત્મામાં જ પ્રીતિ કરવા જેવી છે, ને પરમાત્માની સંપૂર્ણ કૃપા મળે તે માટે પરમાત્માના પ્રેમી મહાપુરૂષોનો સંગ કરવા જેવો છે. શરીરધારણ કરીને કરવા જેવું મુખ્ય કામ આ જ છે.
- શ્રી યોગેશ્વરજી
સંન્યાસી કે યોગી કાર્ય કર્મ કરે છે
જગતમાં બધા જ માણસો કાર્ય કર્મ કરતા નથી. પરમાત્માની પ્રીતિ ને પ્રાપ્તિ દ્વારા પોતાની જાતની મુક્તિ ને પૂર્ણતા મેળવવાનું કામ કરનારા માણસો આંગળીને વેઢે ગણાય તેટલા વિરલ છે. સંસારનું નિરીક્ષણ કરો, તો મહાયોગી ભર્તૃહરીએ જે અભિપ્રાય આપ્યો છે, તે સાચો છે એમ લાગ્યા વિના રહેશે નહિ. જો કે ભર્તૃહરીને થયે કેટલાંય વરસો વીતી ગયાં છે, છતાં તેમના શબ્દો આજે પણ એટલા જ સાચા છે એ વાતનો સ્વીકાર કર્યા સિવાય ચાલે તેમ નથી. તે કહે છે કે રોજ રોજ સૂર્ય ઊગે છે ને આથમે છે, ને રોજ રોજ જીવન ઓછું થતું જાય છે. માણસ માને છે કે પોતે મોટો થયો. પણ દિવસે દિવસે તેનું આયુષ્ય ઓછું થતું જાય છે, એટલે તે કાળની દૃષ્ટિએ નાનો થતો જાય છે. માણસની દશા તો જુઓ, તે અનેક જાતના કામ કરે છે. કેટલાક પ્રશ્નો ઊભા કરે છે ને ઉકેલે છે. કેટલાય કોયડા તેની સામે ઊભા થાય છે. સુખ ને દુઃખ, માન ને અપમાન, નિંદા ને સ્તુતિ, લાભ ને નુકશાન, તાપ ને છાયા તથા જનમ ને મરણના જોડકાંના ઝૂલે ઝૂલનારા માણસને ખબર નથી પડતી કે કાળ કેવી રીતે ને ક્યારે પૂરો થાય છે. સવાર થાય છે ને સાંજ પડે છે ને પાછી સવાર થાય છે. કુદરતનો ક્રમ એ પ્રમાણે સતત રીતે ચાલ્યા જ કરે છે ને એમ એક દિવસ આ ભાડૂતી ઘરને ખાલી કરવાનો વખત પણ આવી જાય છે. સ્વજન, સગાં તથા સ્નેહી ને શત્રુ–અરે સારો સંસાર અહીં જ રહી જાય છે, ને જીવાત્મા બધું છોડીને, કર્મોના પોટલાને માથા પર ઊંચકીને, આગેકૂચ કરે છે. વ્યાધિ ને વાર્ધક્ય તથા બીજા અનેક જાતના દુઃખવાળું આ જીવન વિવેકી માણસોને સુખ આપી શકતું નથી. જે અવિવેકી છે તે તેમાં રમ્યા કરે છે. ડાહ્યા પુરૂષોને મોહ ને મમતામાં આનંદ નહિ આવવાનો. તેમનું મન તો મોહસાગરને તરી જવા માટે તૈયાર થવાનું, ને પરમાત્માના પ્રેમ ને પરમ આનંદનો સ્વાદ લેવા તે તલપાપડ બની જવાના પણ અજ્ઞાની માણસો આથી ઉલટું જ કરવાના. તે તો મોહરૂપી મદિરાના પાનમાં જ મસ્તી માનવાના.
માનવજીવન મેળવીને જે કામ વહેલામાં વહેલી તકે કરવા જેવું છે, તે પરમાત્માનું કામ સંસારમાં સાધારણ માણસો જ ભૂલ્યા છે એમ નથી. કેટલાક ત્યાગી, સાધુ કે સંન્યાસી પણ તે કામ ભુલ્યા છે ને મોહમદિરાની અસર નીચે આવીને અવિવેકી બન્યા છે. મોહરૂપી ડાકિની ખૂબ શક્તિશાળી છે. માણસ જરા પણ ગફલતમાં રહી જાય, એટલે તે તેના અંતરમાં પગપેસારો કરે છે ને પછી પોતાના પગ પહોળા કરે છે. એટલે ત્યાગી પુરૂષોએ પણ ખૂબ ચેતતા રહેવાની જરૂર છે. સંસારના રંગરાગમાં રહીને તેમણે પુષ્કળ સાવધાની રાખવાની છે. જે સાવધ રહે છે ને જીવનપંથને કુશળતાપૂર્વક કાપે છે, તે જ આ ચિત્રવિચિત્ર સંસારમાં સલામત રહી શકે છે. સંન્યાસી તથા ત્યાગીને પણ સાવધાની ને કુશળતાની જરૂર છે.
જીવન એક કલા છે, મહાન નાટક છે; તેનો અભિનય ત્યાગી કે સંન્યાસી પુરૂષે પણ ખૂબ સાવધાનીપૂર્વક કરવાનો છે. કેટલાક ત્યાગી પુરૂષોની તપાસ કરતાં જણાય છે કે તેઓ આ વાત ભૂલ્યા છે ને બીજી આડીવાતમાં પડી ગયા છે. સંન્યાસ કે ત્યાગનું મુખ્ય ધ્યેય પરમાત્માનું દર્શન અથવા મુક્તિ કે પૂર્ણતાની પ્રાપ્તિ છે. તે ધ્યેયને સાકાર કરવામાં જ સંન્યાસીની સાર્થકતા છે. આની સાથે એ પણ યાદ રાખવાનું છે કે ત્યાગી કે સંન્યાસીએ બીજાની સેવા-સહાયતા સારું તૈયાર રહેવાનું છે. આ બે પ્રકારના કામ જ તેણે કરવાનાં છે. તેમાં પણ પોતાની જાતનાં વિકાસનું કામ તો ખૂબ જ મહત્વનું છે. તે કરવાની અનુકૂળતા મળે તે માટે જ તે ત્યાગ કરે છે ને એકાંતસેવન કરી, બીજી સાંસારિક ઉપાધિથી મુક્ત થઈ સાધનાનો આશ્રય લે છે. શાસ્ત્રોએ તેને ત્યાગ કરવાની છૂટ આ માટે જ આપેલી છે છતાં ખેદની વાત છે કે માણસો કેવલ બહારનો ત્યાગ કરીને બેસી જાય છે, ને તે પછી જીવનની ઉન્નતિ માટે કાંઈ જ સાધના કરતા નથી.
કેટલાક સાધુઓ કે ત્યાગી પુરૂષો બહુ બહુ તો પુસ્તકોનું અધ્યયન કરે–કરાવે છે. પણ તેટલાથી શું વળે ? ત્યાગી જીવનનો આદર્શ એથી ઘણો મોટો છે. કેટલાક ત્યાગી કે સંન્યાસી પુરૂષો આશ્રમ ને મઠની પ્રવૃત્તિઓમાં જ સર્વસ્વ સમજીને બેસી રહે છે, તો કેટલાક ધર્મશાળા ને મકાનો બંધાવવાની પ્રવૃત્તિમાં જ આનંદ માને છે. કેટલાક યજ્ઞ કરવામાં ને દવાખાના વગેરે બાંધવામાં કર્તવ્યતા સમજે છે. તે બધી પ્રવૃત્તિઓ સારી છે, ને બીજાના લાભની છે, તેની ના નહિ. પણ એ બધી પ્રવૃત્તિઓની આડમાં પરમાત્માદર્શન કે પૂર્ણતાની મુખ્ય પ્રવૃત્તિ ભૂલવી જોઈએ નહિ. આપણે કહેવાની મુખ્ય વાત આ જ છે. ગીતામાતા પણ આજ વાત કહે છે કે ત્યાગી અથવા સંન્યાસી કાર્ય કર્મ કરવાનું કદી પણ ભૂલતો નથી.
- શ્રી યોગેશ્વરજી
No comments:
Post a Comment