પૂર્વજન્મનું જ્ઞાન થઈ શકે છે
ત્યારે શું માણસને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થાય ખરું ? હા, માણસ પ્રયાસ કરે, તો તેને પોતાના એક જ નહિ, પણ અનેક જન્મોનું જ્ઞાન થઈ શકે છે. તે માટે સાધનાની જરૂર પડે છે. તે સાધના સાચી દિશામાં થવી જોઈએ. સાચી સાધના દ્વારા યોગી પુરૂષ ધ્યાનની પરિપકવ દશામાં, પૂર્વજન્મને જાણી શકે છે, ને ભક્તપુરૂષ ઈશ્વરની કૃપાથી તે જ વસ્તુને સમજી શકે છે. પોતાના જ નહિ, બીજાના પૂર્વજન્મને જાણવાની શક્તિ પણ યોગીપુરૂષોમાં હોય છે.
હમણાં કેટલાંક વરસો પહેલાં ભારતમાં સાંઈબાબા નામે એક સિદ્ધપુરૂષ થઈ ગયા. તેમની શક્તિઓ અલૌકિક હતી. તે ગમે તે માણસના ભૂત ને ભાવિની વાત કહી શકતા. પશુપક્ષીના પૂર્વજ્ઞાનની માહિતી પણ તે મેળવી આપતાં. એકવાર તે શિરડી ગામથી દૂર ખેતરમાં ફરવા ગયા હતા. બપોરનો વખત હતો એટલે ક્યાંક છાયા નીચે બેસવાનો તેમનો વિચાર હતો, એટલામાં એક બીજો માણસ આવ્યો. બંને એક ઝાડની છાયામાં બેઠા, તે ચલમ પીતા પીતા વાતો કરવા માંડ્યા. થોડા વખત પછી કોઈ દેડકાનો ભયભરેલો અવાજ આવ્યો. પેલા માણસે બાજુના ઝરણાંની પાસે જઈને જોયું તો એક સાપે દેડકાને મોંમાં પકડી લીધો હતો. દેડકો ભયથી અવાજ કરતો હતો. સાંઈબાબાને તેણે આ સમાચાર આપ્યા ને કહ્યું કે ચાલો, તે દેડકાને છોડાવીએ. સાપ તેને ગળી જશે. પણ સાંઈબાબા તો શાંતિપૂર્વક આ શબ્દો સાંભળી રહ્યા. ચલમ પીવાનું તેમણે ચાલુ જ રાખ્યું. તે માણસે તેમની આવી ઉદાસીનતાનું કારણ પૂછ્યું. તો તેમણે કહ્યું કે દેડકાના અવાજથી જરાપણ ચિંતિત થવાની જરૂર નથી. સાપ તેને ગળી નહિ જાય. તે બેઉ રોજ ભેગા થાય છે, એકમેક પ્રત્યે વેર ઠાલવે છે, ને છૂટા પડે છે. હમણાં તેમની ચિંતા કર્યા વિના ચલમ પી. પછી ત્યાં જઈશું. દેડકાનો અવાજ આવ્યા જ કરતો હતો. પેલા માણસને ચિંતા થતી હતી પણ સાંઈબાબા તો શાંતિથી વાતો કર્યે જતા હતા.
આખરે ચલમ પૂરી કરીને તે ઊભા થયા, ને પેલા માણસને તેમણે આજ્ઞા કરી કે ચાલો, હવે સાપની પાસે જઈએ. સાપની પાસે પેલા માણસે જે જોયું તેથી તેના આશ્ચર્યનો પાર ના રહ્યો. સાપે દેડકાંને પોતાના મોઢામાં જ રાખ્યો હતો. પણ વધારે નવાઈ તો તે માણસને એ પછીથી લાગી. ઝરણાની તદ્દન નજીક પહોંચીને સાંઈબાબાએ સાપ ને દેડકાંને સંબોધીને કહ્યું, ‘કેમ રે વીરભદ્રાપ્પા, આ બસપ્પાને શા માટે મોંમા પકડી રાખ્યો છે ? પૂર્વજન્મના વેરને લીધે સાપ ને દેડકો થઈને જન્મ્યા તો પણ હજી નથી ભૂલ્યા કે ? આમ ક્યાં સુધી કર્યા કરશો ? એ શબ્દો કહેતાવેંત સાપે દેડકાને છોડી દીધો, ને બંને પાણીના પ્રવાહમાં દોડી ગયા. પેલા માણસને તો આ જોઈને આશ્ચર્ય જ થયું. તેણે સાંઈબાબાને આ બધી વાતનું કારણ પૂછ્યું. બાબાએ કહ્યું, ‘ચાલ, પેલા ઝાડ નીચે બેસીએ. પછી તને આ બંનેના પૂર્વજન્મની વાત કહું.’ એ પછી બંને એક ઝાડ નીચે બેઠા. ત્યાં તેમના પૂર્વજન્મની વાત સાંઈબાબાએ ખૂબ સવિસ્તર રીતે કહી સંભળાવી, સાંઈબાબાની શક્તિ કેટલી લોકોત્તર છે એનો પ્રત્યક્ષ પુરાવો મળતાં તે માણસ ખરેખર ગદ્ ગદ્ થઈ ગયો.
પ્રસિદ્ધ મહાપુરૂષ શ્રી રામકૃષ્ણ પરમહંસદેવની શક્તિ પણ એવી જ અજબ હતી. તેમણે સ્વામી વિવેકાનંદને કહ્યું કે તું સપ્તર્ષિમાંનો એક છે તે હું જાણું છું. તારી દ્વારા સંસારમાં મહાન કામ થવાનું છે.
એટલે પૂર્વજન્મનું જ્ઞાન થઈ શકે છે એ વાત સાચી છે. દરેક માણસ તે જાણી શકતો નથી. જાણીને જીરવી શકવાની શક્તિ પણ દરેક માણસમાં નથી હોતી. મહાપુરૂષો ને ઊંચી કોટીના સાધકો આ જ્ઞાનને જીરવી શકે છે. પોતાના પૂર્વજન્મનું જ્ઞાન તેમને કેટલીકવાર ખૂબ લાભદાયી થાય છે. તેવા જ્ઞાનથી તેમને વધારે ભાગે પ્રેરણા ને ઉત્સાહ મળે છે. તેથી સાધનાની અમુક દશાએ પહોંચતાં તેમને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. કેટલીકવાર માણસ સાધક ના હોય તો પણ પૂર્વજન્મનું જ્ઞાન તેને અપવાદરૂપે વારસામાં મળે છે. પણ એવા પ્રસંગ ખૂબ વિરલ પ્રમાણમાં જોવા મળે છે. કેટલાકને કોઈ સિદ્ધ મહાત્માપુરૂષોની કૃપા થતાં, સ્વપ્નાદિ દશામાં પણ પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. છતાં વધારે ભાગના માણસોને તેની જરૂર નથી હોતી. તે વિના જીવન ચાલે છે, ને સારી રીતે ચાલે છે. ઈશ્વરદર્શન કરવાની જરૂર માનવમાત્રને છે, તે પ્રમાણે પૂર્વજન્મના જ્ઞાનની જરૂર છે જ એમ નથી. પૂર્વજન્મના જ્ઞાન વિના પણ માણસને શાંતિ ને મુક્તિ મળી શકે છે, ને ઈશ્વર દર્શન થયું હોય તેવા માણસોમાંથી પણ બહુ થોડાને પૂર્વજન્મનું જ્ઞાન હોય છે. એટલે માણસે તે માટે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પૂર્વજન્મ ગમે તેવો હોય, આ જીવનનું મૂલ્ય તેને માટે વધારે છે. આ જીવનને ઉજ્જવલ કરવાનું તેના હાથમાં છે.
- શ્રી યોગેશ્વરજી
No comments:
Post a Comment