સાચો કોણ - સંન્યાસી કે ત્યાગી ?
સાચો કોણ સંન્યાસી કે ત્યાગી ? ગીતા કહે છે કે કોઈ માણસ ઘર છોડે, સ્વજન છોડે કે સ્ત્રી ને સંતાન છોડે, ને નામ તથા વેશ બદલી નાખે, તેથી તેને ત્યાગી કે સંન્યાસી કહી શકાય નહિ. ગીતામાં જ્યાં જ્યાં ત્યાગની વાત આવે છે ત્યાં કામક્રોધ ને લોભ તથા અહંકાર ને મમતાનો ત્યાગ કરવાનું કહેવામાં આવે છે. પણ ઘરબાર ને સ્વજનોનો ત્યાગ કરવાનો ઉપદેશ કોઈ યે ઠેકાણે મળતો નથી એનું કારણ એ છે કે માણસ બહારના ત્યાગ કે વેશપલ્ટા કરતાં અંદરના ત્યાગને મહત્વનો માને એવી ગીતાની સૂચના સાચી છે. કેમકે અંદરનો ત્યાગ જ સાચો છે. દુર્ગુણોને છોડવાનું કામ કેટલું કપરૂં છે તે સૌ જાણે છે. વળી અહંકાર, મમતા ખોટા વિચાર ને વિકારનો ત્યાગ કરવાનું કામ પણ ઓછું કઠિન નથી. ભલભલા પંડિત ને પહેલવાનો પણ એ કામમાં પાછા પડે છે. જે માણસ એ કામ કરવા તૈયાર થાય છે, ને તેમાં સફળ થવાનો પુરૂષાર્થ કરે છે, તે સાચો વીર છે, ને મહાન પણ તે જ છે.
પોતાના દુર્ગુણો ને દુષ્ટ વિકારોની સાથે સાથે પોતાના જીવનનો ને જીવનની મિલ્કતનો જે પરમાત્માના પવિત્ર ચરણોમાં ત્યાગ કરે છે તે જ સાચો ત્યાગી છે, ને સાચો સંન્યાસી પણ તે જ છે. તેવા પુરૂષની પાસે ત્યાગનું લેબલ કે ત્યાગનો પરવાનો નહિ હોય તેથી તે ત્યાગી નથી એમ નથી. તેણે અંદરનો સાચો ત્યાગ કરેલો છે તેથી ગમે ત્યાં ને ગમે તે દશામાં રહેવા છતાં તે ત્યાગી જ છે. તેને કોઈના પર દ્વેષ કે વેરભાવ નથી, તેમજ કોઈ દુન્યવી સુખની કામના પણ નથી. તે સૌના પર પ્રેમ રાખે છે. સૌનું હિત ચાહે ને કરે છે, તથા સૌમાં રહેલા પરમાત્માનું દર્શન કરે છે. માન ને અપમાન ; નિંદા ને સ્તુતિ તથા સુખદુઃખથી તે ચલિત થતો નથી, પોતાના સ્વભાવને સુધારીને તેણે મન ને ઈન્દ્રિયોનો કાબુ કર્યો હોય છે, ને અજ્ઞાનને દૂર કરી જ્ઞાનના પાવન પ્રદેશમાં સ્થિતિ કરી હોય છે આવો પુરૂષ સાચો સંન્યાસી ને ત્યાગી છે. તે ગમે તે નામ કે રૂપમાં ને સ્થળમાં હોય તો પણ સદાયે વંદનીય છે એમાં સંદેહ નથી.
જેની અંદર રાગ ને દ્વેષ ભરેલાં છે, ને અહંકાર તથા મમતા રહેલાં છે, તેને સાચો ત્યાગી કે સંન્યાસી કેવી રીતે કહી શકાય ? જે સંયમી નથી ને સ્વચ્છંદી છે, તે પણ ત્યાગીના ઉત્તમ વર્ગમાં બેસવા માટે અધિકારી નથી. સંન્યાસી કે ત્યાગી પુરૂષ ખૂબ સંયમી હોવો જોઈએ.
ત્યાગી કે સંન્યાસીમાં પણ અંદરઅંદર વેરઝેર દેખાય છે. મોટાઈ ને અહંકારના રોગથી તે પણ પીડાય છે ને કેટલીકવાર તો લઠ્ઠ થઈને પરસ્પર લડવા પણ નીકળી પડે છે. અલબત્ત, બધા સંન્યાસીઓ આવા નથી હોતા. પણ જે સંન્યાસીઓ આવા છે તે ત્યાગની મહાન સંસ્થાને માટે શરમરૂપ છે એમાં શંકા નથી. કુંભમેળામાં જુદા જુદા પ્રકારના સાધુઓનાં સરઘસ નીકળે છે. તે સાધુઓમાં જે પોતાને શ્રેષ્ઠ સમજે છે તેમની અંદર સરઘસમાં સૌથી પહેલું કોણ રહે તે વિષે વિવાદ થાય છે. હરદ્વારના કુંભમેળામાં મોટા મનાતા મંડલેશ્વરો વચ્ચે એવો વિવાદ થયો હતો. મોટા મોટા સાધુઓમાંથી કોનો હાથી સૌથી પહેલો ચાલે તે પ્રશ્ન પર ટપાટપી થઈ હતી. ને તેનો અંત કેવો આવ્યો તે ખબર છે ?
એક યોગીરાજ ને મહાન પુરૂષ સંન્યાસી મહારાજે હાથી પર ચઢવાનું ને સરઘસમાં નીકળવાનું બંધ રાખ્યું. તેમને મનાવવાના પ્રયાસો થવા માંડ્યા. મેળામાં મહાત્માઓના દર્શન માટે એકઠા થયેલા કેટલાય લોકો આ દૃશ્ય જોતા હતા, ને વિચારતા હતા કે ત્યાગી થયા પછી પણ જો મોટા-નાનાના અહંકારને વળગી રહેવાનું હોય તો તેવો ત્યાગ શું કામનો ? તેવા ત્યાગી કરતાં તો આપણે સંસારી માણસો જ વધારે સારા છીએ. આવા ત્યાગીઓનાં જીવનમાંથી આપણને અપનાવવા જેવું શું મળે ? સરઘસમાં આગળ ચાલવામાં મોટાઈ માનનાર ને આગળ ચાલવા ના મળતાં ગુસ્સે થઈને સરઘસનો બહિષ્કાર કરવા તૈયાર થનાર સાધુઓ એવા બાહ્ય વિવાદોનો ત્યાગ કરીને, માનાપમાનમાં સમતા ધારણ કરવાનો પ્રયાસ કરવાની સાથે સાથે સાચા સાધુ કે સંત થવાનો પુરૂષાર્થ કરશે, ને સંતપુરૂષનાં સાચા લક્ષણોને વળગી રહેવાનો આગ્રહ રાખશે તો સાધુસમાજનું ને ત્યાગમય જીવનનું વધારે શ્રેય સાધી શકશે ને પોતાનું પણ મંગલ કરશે એમાં સંદેહ નથી.
- શ્રી યોગેશ્વરજી
No comments:
Post a Comment