Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Friday, January 18, 2013

અર્જુનની જિજ્ઞાસા - જ્ઞાન મોટું કે કર્મ

અર્જુનની જિજ્ઞાસા - જ્ઞાન મોટું કે કર્મ



બીજા અધ્યાયમાં ભગવાને સ્વધર્મના પાલનની શિક્ષા આપી, પણ સાથે સાથે વિવેકપૂર્વક કર્મ કરવા જોઈએ એમ પણ કહ્યું. આટલું કહીને બેસી રહ્યા હોત તો હરકત ન હતી પણ આનંદમાં આવ્યા હોય તેમ તે બે ડગલાં આગળ પણ વધી ગયા. ગાયનના રસિયા માણસને ગાવાનું કહેવામાં આવે, તો તે એકને બદલે કેટલીકવાર અનેક ગીત ગાઈ નાખે છે પછી તેને કાબૂમાં રાખવાનું કઠિન થાય છે. ઉપદેશ–જે ભજનવાણીથી જરાય ઉતરતો નથી-પણ આગળ ને આગળ ચાલ્યા કરે છે. કોઈ વાર આપણને થાય કે હવે ઉપદેશ પૂરો થશે, ત્યાં તો અધ્યાયને અંતે કોઈ એવી વાત આવીને ઊભી રહે કે જેને માટે બીજો અધ્યાય શરૂ કરવો જ પડે. ભગવાને વિવેકપૂર્વક કર્મ કરવાનો ઉપદેશ આપીને ગાડીને રોકી દીધી હોત તો વાત આગળ ના વધત. પણ તેમણે તો બે સ્ટેશન આગળ કરી લીધાં. લૌકિક ને પરલૌકિક ભોગવાસનાનો ત્યાગ કરવાનો ને પરમાત્મા સાથે એકતા સાધવાનો તેમણે ઉપદેશ આપ્યો. આ વાત જ્ઞાન સિવાય થાય નહિ. એટલે તેનો ને તેની પ્રાપ્તિ કરી પૂર્ણ થયેલા મહાપુરૂષનો મહિમા પણ ગાયો. એટલે અર્જુનની જિજ્ઞાસા વધી. તેનું દર્શન આપણને ત્રીજા અધ્યાયની શરૂઆતમાં જ થઈ રહે છે.


ત્રીજા અધ્યાયની શરૂઆતમાં પોતાની જિજ્ઞાસા રજૂ કરતાં અર્જુન પૂછે કે પ્રભુ ! તમે કર્મના વખાણ તો કરો છો; પણ સાથે સાથે કર્મના, ત્યાગનાં કે જ્ઞાનનાં પણ વખાણ કરો છો. આથી તો મારી મૂંઝવણ વધે છે. મને દુવિધા થાય છે. મારે કર્મ કરવું કે કર્મનો ત્યાગ કરીને જ્ઞાનના માર્ગનો આધાર લેવો એ મને સમજાતું નથી. આ પરિસ્થિતિમાંથી મારે માર્ગ કેવી રીતે કાઢવો ? મેં તો તમારી પાસેથી કોઈ ચોક્કસ નિર્ણયની આશા રાખી હતી. ત્યારે તમે તો ગોળગોળ વાત કરતા હો એમ લાગે છે. તે વાત મૂકી દો ને કર્મ ને જ્ઞાનમાં શું ઉત્તમ છે તે કહી દો. કર્મ ને કર્મનો ત્યાગ એ બેમાં શું શ્રેષ્ઠ છે તે મને સમજાવો, જેથી હું કોઈ એક માર્ગને અપનાવી શકું.


અર્જુનને જે પ્રશ્ન થયો છે તે પ્રશ્ન કેટલાંય માણસોને થાય છે. ઉત્તમ શું છે, ને શાંતિ શાનાથી મળી શકે તેમ છે, કર્મથી કે કર્મનો ત્યાગ કરીને ફક્ત જ્ઞાનનો આધાર લેવાથી, એ પ્રશ્ન ભલભલા માણસોને પણ મુંઝવે છે. ગીતામાતા તેનો ઉત્તર આપવામાં બહુ ડહાપણ બતાવે છે. એકાંતમાં રહેનારા ને વ્યાવહારિક સંબંધો કાપી ચૂકેલા કોઈ જ્ઞાની પુરૂષને પૂછો તો તે તરત ઉત્તર આપશે કે ભાઈ જગત મિથ્યા છે. સંસારમાં કર્મ કરીને સુખની ઈચ્છા રાખવી મિથ્યા છે. આ કાંઈ સાચું જગત છે ? આ તો મૃગજળ છે. પાણીની ઈચ્છાથી પાસે પહોંચો પણ હાથમાં કાંઈ જ ના આવે. કર્મ કરવાથી વળશે શું ? કર્મનો મોહ છોડી દો ને અમારી જેમ ત્યાગી બનીને એકાંતમાં આસન વાળો તો સુખી થશો ને શાંતિ પણ ત્યારે જ મળશે. પણ બધાનાં સંબંધમાં આવું થોડું બને છે ?


કેટલાક માણસો કર્મ કરવામાં જ માને છે. તેમને કામ વિના ચેન પડતું જ નથી. પેલા વ્યવહારત્યાગી ને એકાંતવાસી પુરૂષોને કામ આપો તો તેમને નહિ ગમે. કામ વિનાનું જીવન તેમને આનંદમય લાગશે પણ આ કામગરા માણસોને જો કામ નહિ મળે તો બેચેન બનશે. કામ એ જ તેમનું જીવન છે. કામ વિના તે તરફડાટ કરશે, જીવનનો આનંદ ખોઈ બેસશે. તેવા માણસોની સલાહ લો તો તમને જુદો જ અભિપ્રાય આપશે. તે કહેશે, ભાઈ, એમાં પૂછવા જેવું છે જ શું ? કામ વિના ઠામ ક્યાં છે ? જે કરે તે પામે. કામ કરો તો તમારો ને બીજાનો ઉદ્ધાર કરી શકશો. એક સારા કર્મવીર નેતાની મુલાકાત વખતે એક ભાઈએ પોતાને પ્રિય એવા એક સંતપુરૂષનો પરિચય આપ્યો ને કહ્યું કે આ મહાત્મા હિમાલયમાં વધારે ભાગે વાસ કરે છે. થોડીવારે તેમને તે સંતપુરૂષનો ફોટો પણ બતાવ્યો. તે જોઈને પેલા કર્મવીર તરત બોલી ઊઠ્યા : પણ આવા પુરૂષો હિમાલયમાં રહે તેથી બીજાને શો લાભ ? સમાજનું તેથી શું હિત સધાય ? સમાજમાં રહીને તેમણે કામ કરવું જોઈએ.


આવા માણસો એમ માનતા લાગે છે કે કામ વસ્તીમાં જ થાય. એકાંતમાં ના થાય પણ તે માન્યતા લૂલી છે. શું વસ્તીથી દૂર રહીને એકાંતમાં પણ માણસ કામ નથી કરી શકતો કે ? કાશ્મીરનું રક્ષણ કરવા માટે કેટલાય સૈનિકો શ્રીનગર ને જમ્મુ જેવાં સ્થળોમાં ફરે છે, ને નિરંતર પ્રવૃત્તિ કરે છે, પણ દસ દસ હજાર ફીટ જેટલા ઊંચા પર્વતીય પ્રદેશ પર પણ કોઈ કોઈ સૈનિકોને રહેવું પડે છે. ત્યાં નથી બજાર કે નથી યાતાયાતનાં ખાસ સાધન કે વસ્તી. ઠંડી પણ અસહ્ય હોય છે. મેદાની પ્રદેશની પેઠે ત્યાં કોઈ મોજશોખનાં સાધન પણ નથી. ત્યાં તો કષ્ટ ને યાતના છે છતાં નિર્જન સ્થાનમાં હસતાં હસતાં વસવાટ કરીને તે સૈનિક ચોકી કરે છે. આખા દેશનું આવું છે. ભારતમાં બધા સૈનિકો વસ્તીમાં જ વસે છે એવું નથી. પહાડની કંદરાઓમાં ને ઊંચાઈ પર પણ તેમને રહેવું પડે છે. તેવા એકાંત સ્થળોમાં પોસ્ટઓફિસો પણ હોય છે. ત્યાં રહેનારા માણસો ને સૈનિકો શું દેશની સેવા નથી કરતા ? તો પછી હિમાલય જેવાં એકાંત પ્રદેશમાં રહેનારા પુરૂષો સમાજને માટે કૈં ઉપયોગી કામ નહિ કરતા હોય એમ પહેલેથી જ શા માટે માની લો છો ? તેવા પુરૂષનો સંપર્ક સાધી જરા તપાસ તો કરો કે તે શું કરે છે ? શીખ ગુરૂ ગોવિંદસિંહે બદરીનાથના માર્ગમાં આવતી ફૂલની ખીણ પાસે પૂર્વજન્મમાં લાંબો વખત તપશ્ચર્યા કરી હતી. એ સ્થાન શું વસ્તીથી દૂર એકાંતમાં નથી ? સમર્થ રામદાસે શું એકાતમાં રહીને વરસો સુધી તપ નહોતું કર્યું ? પ્રેમ ને અહિંસાનો પાઠ આપનાર બુદ્ધે એકાંતવાસ નહોતો કર્યો ? વ્યાસ, વાલ્મિકી ને તુલસી શું એકાંતવાસી ન હતા ? માનવજાતિના મંગલ માટે શરૂઆત કરતાં પહેલાં ઈસુએ એકાંતનો આશ્રય લઈને શું પ્રખર તપ નહોતું કર્યું ? દયાનંદ સરસ્વતીએ શું હિમાલયવાસ નહોતો કર્યો ? તે સૌનો એકાંતવાસ શું નિરર્થક હતો કે ? તેમનાથી શું સમાજને લાભ નથી થયો ?


વિચારોના આ બે પ્રવાહો જગતમાં જોવા મળે છે. એક કર્મને બિલકુલ માનતો નથી, ને બીજો કર્મનો એટલો બધો પક્ષપાતી છે કે કર્મ વિનાની દશાને જરાય પસંદ કરતો નથી. આ બે પ્રવાહો વચ્ચે ઉત્તર ને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર છે. આ બંને પ્રવાહની અંદર અટવાતો એક ત્રીજા પ્રવાહ પણ છે. તેનું વલણ સ્થાયી કે ચોક્કસ નથી, જેની અસર નીચે આવે તેની અસરથી રંગાય એવી તે પ્રવાહમાં રહેતા માણસોની દશા છે. એવા માણસો ઘણા જોવા મળે છે. કોઈ મહાન કર્મવીરના સમાગમમાં આવે તો તેમની કર્મઠ થવાની ફિલસૂફી વધારે જોશ ધારણ કરે, ને તે મહાન કર્મવીર થવાના સ્વપ્નાં સેવે. થોડા વખત બાદ કોઈ ત્યાગી પુરૂષના સમાગમમાં આવે, ને તેમની કથાવાર્તા શ્રવણ કરે, એટલે તેમનો સૂર ફરી જાય ને નવો રાગ ગાવા માંડે કે કે પ્રવૃત્તિ તો પ્રપંચ છે. આ દશા તંદુરસ્ત દશા નથી. આગળ જતાં પોતાની દશા પણ ત્રિશંકુ જેવી ને નાદુરસ્ત ના થઈ જાય, તે માટે અર્જુન આ અધ્યાયની શરૂઆતમાં જ ભગવાન પાસે આ વિશે ખુલાસો માંગી લે છે અથવા ચોક્કસ અભિપ્રાયની માગણી કરે છે. બંને બાજુ ઢોલકી બજાવવાનું મૂકી દઈ હે પ્રભુ, હવે એક જ ઉત્તમપક્ષની સૂચના આપો. તે પ્રમાણે ચાલીને હું મારૂં જીવન સફળ કરી શકું, એમ અર્જુન પ્રાર્થના કરે છે.


- શ્રી યોગેશ્વરજી



ભગવાનનો ઉત્તર


અર્જુનની પ્રાર્થનાનો ભગવાને જે ઉત્તર આપ્યો છે તેમાં તેમની ઉદારતાનો પરિચય થાય છે. તેમના ઉત્તરમાં કટ્ટરતાનો તદ્દન અભાવ છે. તે ઉત્તરને સમજવાનો પ્રયાસ થાય તો જ્ઞાન કે કર્મ ને ત્યાગ કે વ્યવહારના અટપટા વિવાદનો અંત આવે. જ્ઞાનીઓ જ્ઞાનને જ મહત્વનું માને છે, ને કર્મવીરો કર્મના ગુણગાન ગાતાં થાકતાં નથી. ત્યાગીઓ ત્યાગને અપનાવવાથી જ સૌનો ઉદ્ધાર થઈ શકશે, એમ ખાત્રીપૂર્વક માને છે, ને કર્મવીરો વ્યવહારને જ સર્વ પ્રકારની ઉન્નતિનું સાધન કહીને ત્યાગને નિરર્થક મનાવવા સદાયે તૈયાર રહે છે. પોતાને પસંદ હોય તે માર્ગની પ્રશંસા કરવામાં હરકત નથી. પણ તેથી આગળ વધીને માણસ જ્યારે પોતાને પસંદ ના હોય તે માર્ગનો વ્યર્થ વિરોધ કરે, ને તે માર્ગને ઉપેક્ષા ને ઈર્ષાની દૃષ્ટિથી જુએ, ત્યારે તેનું વલણ બરાબર છે એમ કહી શકાય નહિ.


માણસો કટ્ટર ને કડવા તથા સંકુચિત શા માટે બને છે ? હૃદય કે મનનાં બારણા બંધ રાખે છે તેથી બંધ ઘરની અંદર અજવાળું કેવી રીતે આવે ને તે વિના, ગંદકી દૂર પણ કેવી રીતે થાય ? કટ્ટરતા ને સંકુચિતતા પણ ગંદકી છે. જે માણસો ખૂબ કટ્ટર છે, તે પોતાના જ કક્કાને ખરો માને છે, તેમને આપણે પૂછીશું કે શરીરને માટે વધારે જરૂરી શું છે, માથું કે પેટ ? શરીરમાંથી મસ્તક લઈ લઈએ તો શું તે સારું લાગે ? મસ્તક કેવલ શોભા માટે નથી. ઈશ્વરે તેને ભાવના ને વિચારોનું કેન્દ્ર બનાવ્યું છે. એવા મસ્તક વિના શરીર શોભી શકે ? શું તંદુરસ્ત ને સુંદર શરીરમાં મસ્તકનું સ્થાન મહત્વનું નથી ? તે જ પ્રમાણે પેટનો વિચાર કરો. ઊંઘમાં પણ પેટનું કામ ચાલુ રહે છે. તે પ્રબળ કર્મવીર છે. જીવનની સાથે સાથે તેને કર્મ વારસામાં મળે છે. પેટનું કામ દેખાતું નથી છતાં તેનું કામ શરીરધારણ માટે કેટલું જરૂરી છે ? પોતાની પ્રવૃત્તિ બંધ કરીને જો તે બેસી જાય તો શરીરનો સંચો કામ કરી શકે ? તેની તંદુરસ્તી ને શક્તિ પર તેની કેટલી બધી અસર પહોંચે ? પેટમાં પ્રજ્વલિત થયેલો જઠરાગ્નિ પણ એવો છે. એમ માનો કે પેટ એક યજ્ઞની વેદીમાં જાગેલો અગ્નિ છે જે આહુતિ ના મળતાં ઓલવાઈ જાય છે. વિધિ પૂરી થતાં યજ્ઞ પણ પૂરો થાય છે. પણ ઉદરનો અગ્નિ તો ઓલવાતો જ નથી. તેનો યજ્ઞ તો નિરંતર ચાલુ જ રહે છે એ યજ્ઞની મૂળ આધારભૂમિ જેવા પેટ વિના શરીરનું કામ ચાલી શકે ખરું ?


ત્યારે પેટ ને મસ્તક બંનેમાં વધારે ઉપયોગી ને મંગલ કરનારું કોણ - એ પ્રશ્ન કરવામાં આવે તો આપણે શું કહીશું ? આપણે તો કહીશું કે બંને ઉપયોગી ને મંગલકારક છે. એકલા પેટને મહત્વનું માનીને બેસી રહેવાની શિક્ષા આ દેશની પ્રજાને તો નથી જ મળી ને મારી સમજ પ્રમાણે સંસારના ઉત્તમ કહેવાતા ઉપદેશકોએ આ દેશની બહારની પ્રજાને પણ એવી શિક્ષા નથી આપી. પેટની ઉપેક્ષા આપણને પસંદ નથી. તેની જરૂરી  કિંમત ને પ્રતિષ્ઠા કરવા આપણે સદાય તૈયાર છીએ. પણ આપણે રાક્ષસોના વંશજ થવું નથી. સાચા માનવ ને દેવ બનવું છે. તેથી મસ્તકની ઉપયોગિતા પણ સમજવી પડશે. મસ્તકને પણ નિરોગી બનાવવું પડશે. તંદુરસ્ત પેટ તંદુરસ્ત મસ્તકના ઘડતરમાં ઘણો અગત્યનો ભાગ ભજવશે. તે બંને મળીને એક સુંદર ને ઉપયોગી વ્યક્તિત્વની રચના કરશે, એટલે પેટ ને મસ્તક બંને જીવનને માટે મંગલકારક છે. તે જ પ્રમાણે જીવનની સમૃદ્ધિ માટે જ્ઞાન ને કર્મ બંને જરૂરી છે. ત્યાગ ને વ્યવહાર બંને ઉપયોગી છે. સંસારમાં કેટલાંક માણસો પેટપરાયણ જોવા મળે છે. મસ્તકને કેળવવા પાછળ તેમનું ધ્યાન તદ્દન ઓછું હોય છે. તે પ્રમાણે કેટલાક બુદ્ધિજીવી વધારે હોય છે તે પેટ પ્રત્યે વધારે ભાગે દુર્લક્ષ કરે છે. તેવી રીતે કેટલાક લોકોને જ્ઞાન ને ત્યાગ વધારે પસંદ પડે છે, તો કેટલાકને કર્મ ને વ્યવહાર ગમે છે. જેવી જેની રૂચિ તે પ્રમાણે તે પોતાની પસંદગી કરે છે. ખીચડી ને રોટલી બંને ઉપયોગી છે આ વાત યાદ રહે તો વિવાદ ને કડવાશનો અંત આવે. ભગવાન અર્જુનને આ જ વાત સમજાવે છે.


- શ્રી યોગેશ્વરજી



સિદ્ધિ માટે કર્મ જરૂરી છે


આ ઉપરાંત, એક બીજી વાત છે. પેટ ને માથું જેમ શરીરના બે અવયવ છે, તેમ જ્ઞાન કે કર્મ કે કર્મસંન્યાસ ને કર્મયોગ તંદુરસ્ત માણસનાં બે જરૂરી અંગો છે. માણસ ત્યાગી હોય કે સંસારી, કર્મની જરૂર તો તેને રહેવાની જ એમ ભગવાન કહી બતાવે છે એ વાત પણ સમજવા જેવી છે. કોઈ કોઈ માણસ જ્ઞાની થવા માગે, પણ જો બધાં જ કર્મો મૂકી દઈને તે આળસુ બનીને બેસી રહે તો શું જ્ઞાની થઈ શકશે ? જ્ઞાન મેળવવા માટે તેણે પ્રખર પરિશ્રમ કરવો પડશે. જ્ઞાનની ઈચ્છાવાળો માણસ બધી જાતની ક્રિયા કે પ્રવૃત્તિ મૂકી દઈને આખો દિવસ ઊંઘવા માંડે, તો શું તેને જ્ઞાન મળી શકે ખરું કે ? જ્ઞાનની ઈચ્છાથી તેણે નમ્રતાની મૂર્તિ બનીને સદ્ ગુરુ કે જ્ઞાનીપુરૂષનું શરણ લેવું જોઈએ. જ્ઞાનના ભંડાર જેવા ગ્રંથોની પાસે પહોંચવું જોઈએ ને છેવટે પોતાની અંદર જે જ્ઞાનના પૂર્ણ સ્વરૂપ જેવા પરમાત્મા છે, તેમનો સાક્ષાત્કાર કરવા તૈયાર થવું જોઈએ. જ્ઞાની પુરૂષ એકાંતમાં વાસ કરે છે. મનની એકાગ્રતા માટે એકાંતમાં અનુકૂળ વાતાવરણ હોય છે. જ્ઞાની કે યોગીપુરૂષ ત્યાં રહીને ઈશ્વર કે પોતાના સ્વરૂપના વિચારમાં મગ્ન બને છે, તથા ધારણા, પ્રાણાયમ કે ધ્યાન કરે છે. એકાંતવાસી ભક્તપુરૂષ જપ ને સંકીર્તનનો આધાર લે છે. ઈશ્વરની પ્રાર્થના ને પ્રાપ્તિમાં તે વધારે ને વધારે ડૂબતો જાય છે. શું આ બધું કર્મ નથી ?


માણસ બહુ દોડદોડ કરે ને આમતેમ ફર્યા કરે, તો જ કર્મ કરે છે તેમ નથી. કેટલાય માણસોને કાંઈ જ કામ નથી હોતું. કહો કે તેઓ બેકાર હોય છે પણ ઘરમાં બેસે તો તેમનો વખત કેમ જાય ? વળી બેકારમાં ગણતરી થાય ને બધાની આંખે ચડાય તે વધારામાં એટલે તે ફરવા નીકળે છે. દિવસનો વધારે ભાગ આખા ગામમાં કે શહેરમાં આંટાફેરા કરીને જ તે પૂરો કરે છે. છતાં તે કામગરા કહેવાય છે. પણ એકાંતમાં રહેનારા કે એક ઠેકાણે બેસી રહેનારા માણસો પણ કામ કરે છે. કામને બેસી રહેવા કે ફરવા ને દોડાદોડ કરવા સાથે કાંઈ સંબંધ નથી. એટલે જે બેસી રહે છે તે કામ નથી કરતા એમ ના સમજતા. તે પ્રમાણે કામ કોલાહલ કે એકાંતમાં જ થાય એમ પણ ના સમજતા. કામ ગમે ત્યાં થઈ શકે છે. એકાંતમાં રહેનારા પુરૂષો પણ કર્મ કરે છે. પછી તે કર્મ ઈશ્વરની ઉપાસનાનું હોય, ધ્યાન કે જપનું હોય, પોતાના સુધારનું હોય કે જ્ઞાન મેળવવાનું ને આપવાનું હોય. માણસ કંઈ જ ના કરે, ને કોઈ લાગણી કે આવેશની અસર નીચે આવી જઈને એકાંતનો આધાર લે, ને કર્મ કે પુરૂષાર્થનો ત્યાગ કરીને પ્રમાદી બને, તો શું તેની ઉન્નતિ થઈ શકે ખરી ? વ્યવહારમાં રહેનાર માણસ પણ કામકાજ છોડીને બે હાથ જોડીને આળસુ થઈને બેસી રહે, તો તેનો ઉદય કેવી રીતે થઈ શકે ? વિદ્યાર્થીને શરૂશરૂમાં કેટલી બધી મહેનત કરવી પડે છે ! તે તેના જ ભલા માટે છે તેથી તેને જ્ઞાન મળે છે, ને લાભ થાય છે. પોતાના શિક્ષકનો વાદ લઈને તે મહેનત ના કરે, ને વાંચે કરે નહિ, તો તેને જ્ઞાન ક્યાંથી મળે ? તેણે વિચાર કરવો જોઈએ કે પોતાના ગુરૂ હાલ વાંચતા કે પરિશ્રમ કરતા નથી. અત્યારે તો જ્ઞાનની મૂર્તિ જેવા છે. પણ એ દશાએ તે એમનેમ નથી પહોંચ્યા. વિદ્યાર્થી દશામાં તેમણે ભારે પરિશ્રમ કર્યો છે તેનું આ ફળ છે કે તે જ્ઞાનની મૂર્તિ બન્યા છે. આ રીતે વિચાર કરવાથી તેને પ્રેરણા મળશે ને ગુરૂનું ખોટું અનુકરણ કરી પુસ્તકોને કબાટમાં મૂકી દઈ ને તે બેસી નહિ જાય, ઉલટું તે વધારે ને વધારે પરિશ્રમી બનશે.


માણસે અંતરના અંતરતમમાં લખી રાખવાની જરૂર છે કે સંસારમાં જે સિદ્ધિ દેખાય છે તેની પાછળ પરિશ્રમ રહેલો છે. કર્મનું ફળ ભોગવતા માણસોએ પહેલાં એક યા બીજા પ્રકારે કર્મ કરેલું છે. જે સડક પર થઈને તમે ચાલો છો, ને આ ઉપરાઉપરી મોટરો દોડે છે, તે સડક શું કોઈપણ જાતની ક્રિયા વિના બની છે કે ? થોડાંક વરસો પહેલાં ચોપાટીના દરિયા પાસે શું હતું ? ગાઢ જંગલ. પણ આજે મોટા રસ્તા ને મકાનો છે. તેને માટે કેટલી બધી મજૂરી કરવી પડી હશે તેનો વિચાર કરો. માળી પોતાના બગીચામાં ઊગેલા ફૂલોની માળા બનાવે છે તે પહેલા તેણે કેટલી ધીરજ રાખવી પડે છે ને કેટલો બધો પરિશ્રમ કરીને બાગને તૈયાર કરવો પડે છે ! સાધારણ સાધકો કોઈ સિદ્ધપુરુષનું દર્શન કરીને કેટલીકવાર ડઘાઈ જાય છે. તે જોઈને તેમને એમ થાય છે કે આપણે પણ કામકાજ છોડીને આમ બેસી રહીએ તો સિદ્ધાવસ્થાએ પહોંચી જઈએ ને પૂજાઈએ. પણ તે માન્યતા ખોટી છે. સિદ્ધપુરુષે સિદ્ધિ કે શાંતિની પ્રાપ્તિ કાંઈ એક બે દિવસમાં નથી કરી. તેને માટે તેણે સતત કર્મ કર્યું, પરિશ્રમ કર્યો છે. વ્યવહાર કે પરમાર્થ-ગમે તેમાં તપ વિના સિદ્ધિ ક્ચાં છે ? શ્રમ વિના સફળતા ક્યાં છે ? એટલે જ શ્રમની સાથે છુટાછેડા લઈને બેસી જાય છે તેની ઉન્નતિ અટકી જાય છે. કર્મનો ત્યાગ કરીને બેસી જવા માત્રથી કોઈને શાંતિ કે સિદ્ધિ મળી જતી નથી. ગીતાની આ શિક્ષા છે. તે કહે છે કે હે માનવ, તું કર્મ કર. નિરંતર કર્મ કર. તું જ્ઞાની હો, યોગી હો કે ભક્ત હો, સંસારમાં હો, સાંસારિક વ્યવહારની બહાર હો, ઉન્નતિનો એક જ અકસીર ઉપાય છે કે તું કર્મ કર.


- શ્રી યોગેશ્વરજી




કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી


કર્મ કર્યા વિના રહી પણ કોણ શકે ? ગીતા કહે છે કે માણસના જીવનમાં કર્મ તાણા ને વાણાની પેઠે સંકળાયેલું જ છે. કોઈ પ્રાણી એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતું નથી. કોઈ પૂછશે કે શું આ વાત સાચી છે ? આપણે કહીશું જરૂર સાચી છે. તમે પોતે વિચાર કરો એટલે આ વાત સમજાઈ જશે. ધારો કે કોઈ માણસ હાથપગ હલાવવાના બંધ કરીને બેસી રહે તો પણ તે કર્મ તો કરવાનો જ. માણસ એકલા શરીરથી કર્મ કરે છે એવું થોડું છે ? મનથી પણ કર્મ કરવામાં આવે છે. માણસો સત્સંગમાં બેસે છે, પણ મન દ્વારા દૂર દેશાવરમાં ને પોતાના ઘરમાં પહોંચી જાય છે. મનોમન કેટલીક વાતો પણ કરી લે છે. સ્વપ્નમાં શરીર સૂઈ જાય છે પણ મન જાગે છે, ને જુદાં જુદાં દૃશ્યો જુએ છે તે બધા જાણે છે. આ તો મનની વાત થઈ પણ ઈન્દ્રિયોથી પણ કર્મ થાય છે. જુઓને, આપણે બધા વિશાળ ખંડમાં બેઠા છીએ. મારૂં મુખ બોલે છે, ને તમારા કાન સાંભળવાનું કામ કરે છે. હાથ કોઈને ગ્રહણ કરે છે. એક ઠેકાણે બેઠા છતાં આંખ કેટલું બધું કામ કરે છે ! કોઈને તે ઓળખી કાઢે છે, ને કોઈને નથી ઓળખતી. આ બધી ઈન્દ્રિયોને રોકીને ને મનનો સંયમ કરીને કોઈ બેસી જાય કે ઊંઘવા માંડે તો પણ કર્મ તો ચાલુ જ રહેવાનું.


માણસ કશું જ નહિ કરે તો પણ જીવનને ધારણ કરવા તેણે શ્વાસોચ્છ્શ્વાસની ક્રિયા તો કરવી જ પડશે. એ પણ એક કર્મ જ છે. યોગી શ્વાસને પણ રોકી લેશે, ને સમાધિસ્થ થઈ જશે છતાં તે દિશામાં પણ તે કર્મથી મુક્ત તો નથી જ કેમ કે તે સમાધિમાં સ્થિત છે ને સમાધિમાં સ્થિત થવું તે પણ એક ઉત્તમ જાતનું કર્મ જ છે. સૃષ્ટિ સારી ગતિશીલ છે. તે સતત રીતે સૂર્યની આસપાસ ફરવાનું કામ કર્યા જ કરે છે. સૃષ્ટિના પદાર્થો પણ પોતાની માતાની પેઠે ક્રિયા કર્યા કરે છે. માતાનો સ્વભાવ તેમને વારસામાં મળ્યો છે. જુઓને, આ પવન કેવો પ્રસન્નતાપૂર્વક વહ્યા કરે છે ! પાણી પણ પ્રમાદી બનીને બનીને બેસી રહેતું નથી. સૂર્ય, ચંદ્ર ને નક્ષત્રો ઊગે છે ને અસ્ત થાય છે. તે નિયમિત રીતે કર્મ કર્યા જ કરે છે. પાણીની વરાળ, વરાળનાં વાદળ, વાદળનો વરસાદ ને એમ ચક્ર ચાલતું જ રહે છે. જુદી જુદી જાતની ઋતુઓ આવે છે ને જાય છે. દિવસ ને રાતનો ક્રમ આજે યુગો થયા છતાં એકધારો ચાલુ જ છે. કર્મ આમ સંસારનો પ્રાણ છે. સૃષ્ટિનું સત્વ છે. આવી કર્મ, કર્મ ને કર્મના મંત્રનો જપ કરી રહેલી સૃષ્ટિમાં માણસ એકલો કર્મ વિના કેવી રીતે રહી શકે ? ખાવું, પીવું, ઊંઘવું, વિચારવું, શ્વાસ લેવો, પોતાનું ને બીજાનું હિત કરવું, એવાં એવાં અનેક જાતનાં કામ તે કર્યા જ કરે છે. એટલે જ ભગવાનની ઉપદેશવાણી જેવી ગીતા કહે છે કે કર્મ કર્યા વિના સંસારમાં કોઈ રહી શકતું નથી. એ કથન સાચું છે.


કર્મ વિના માણસ રહી શકતો નથી પણ તેનો અર્થ એ નથી કે બુદ્ધિને ગીરે મુકીને તેણે આંખ મીંચીને મનમાં ફાવે તેવાં કર્મ કરવાં. ના, ગીતા કર્મનાં વખાણ કરે છે : જીવનના મંગલને માટે કર્મને જરૂરી પણ માને છે. પણ તેણે કર્મયોગ નામે સુંદર શબ્દનો પ્રયોગ કર્યો છે તે પ્રમાણે માણસે બધાં કર્મોને યોગમય કરી દેવાં જોઈએ. કર્મને યોગમય કરી દેવાથી તેનું સ્વરૂપ બદલાઈ જાય છે, ને તે મુક્તિ, શાંતિ કે ઈશ્વરને મેળવવાનાં કામમાં મદદરૂપ થઈ શકે છે. એટલે માણસે એકલાં કર્મ કરવાનાં નથી પણ કર્મયોગની સાધના કરવાની છે, કર્મનો યોગ કરવાનો છે.


કોની સાથે ? વિવેક એટલે જ્ઞાન કે ભગવાનની સાથે. આમાં કર્મયોગની ખૂબી રહેલી છે, માણસ જ્યારે સંપૂર્ણપણે જાગ્રત રહીને વિવેકી બનીને કર્મ કરે છે, ને તે કર્મનો સંબંધ ભગવાનની સાથે જોડી દે છે. ત્યારે તેનાં કર્મ સાધનામય કે યોગમય થઈ જાય છે, ને તેના મૂલ્યમાં ખૂબ વધારો થાય છે. તેવાં કર્મ જીવનને તારી શકે છે, ને માણસનો ઉદ્ધાર કરે છે. તેથી તાપ, શોક ને બંધનનો અંત આવે છે. આ પ્રમાણે કર્મ ને જ્ઞાનની સાથે દોસ્તી થાય તો જ જીવનને ઉજાળી શકાય એમ ગીતામાતાનું કહેવું છે.


- શ્રી યોગેશ્વરજી



સંયમની સમજ


કર્મયોગ વિશે વધારે વિચાર કરીએ તે પહેલાં ગીતાએ રજૂ કરેલો એક બીજો વિચાર જોઈ જઈએ. એ વિચાર શો છે ? ગીતા કહે છે કે માણસે સંયમ સાધવો જોઈએ, ને તનનો તથા મનનો બંને પ્રકારનો સંયમ સાધવો જોઈએ. ધારો કે એક માણસ એકાંત સ્થાનમાં ઈન્દ્રિયોને રોકીને આંખ બંધ કરીને બેસી જાય છે. બહારથી જોતાં એમ લાગે છે કે તે કાંઈ જ કરતો નથી અથવા પરમાત્માના ધ્યાનમાં મગ્ન છે. પણ ખરી રીતે વસ્તુસ્થિતિ તેવી ના હોય. આંખ બંધ હોવા છતાં તેની આંખ આગળ જુદાં જુદાં દૃશ્યો રજૂ થતા હોય. સિનેમાના પડદા પર જેમ નવાં નવાં દૃશ્યો રજૂ થાય છે તેમ તેના મન પર ઈન્દ્રિયોના પદાર્થો અંકાતા જતા હોય. આ દશામાં શું થાય છે ! તે પરમાત્માનું ધ્યાન ધરવાને બદલે ઈન્દ્રિયોના વિષયોનું ધ્યાન ધરે છે, ને વીતી ગયેલી વાતોને યાદ કરીને તથા બીજી નવી વાતો કલ્પના દ્વારા તાજી કરીને તે સુખદુઃખ ભોગવે છે, ને ઈન્દ્રિયોનો રસાસ્વાદ માણે છે. એક ઠેકાણે બેઠેલો ને કૈં પણ કામ કરતો ના હોય તેવો દેખાવ છતાં તે ન જાણે કેટલું બધું કામ કરી નાંખે છે. કોઈની સાથે વાતો કરે છે તો કોઈ ને ધિક્કારે છે. સારી સારી વાનગીઓ ખાવાનો લ્હાવો પણ લૂંટે છે ને કામ તથા ક્રોધ પણ કરે છે. એકાંતનો આશ્રય લેનારા કે ઈશ્વરનું ચિંતન કરવા માટે આંખ બંધ કરીને બેસી રહેનારા ઘણા સાધકોનો આવો અનુભવ છે. જે સાધક નથી તે પણ આ વાત અનુભવે છે. કોઈ માણસ દુનિયાની દૃષ્ટિએ બ્રહ્મચારી હોય, પણ તેનું મન કામવાસનાના રસમાં ડૂબેલું હોઈ શકે છે. મનથી તે સ્ત્રીના લાવણ્યનો વિચાર કર્યા કરે, ને સ્ત્રી–પુરૂષના વિલાસનું ચિંતન કરીને માનસિક આનંદનો અનુભવ પણ કર્યા કરે. તે જ પ્રમાણે કોઈ કુંવારી, પરણેલી કે વિધવા સ્ત્રી બહારથી સ્વચ્છ ને સંયમી દેખાય, પણ અંદરથી મેલી હોય, એટલે કે શરીરના વિલાસ તેમજ વિષયસુખની કલ્પના કરીને આનંદ કરતી હોય, એમ પણ બને. તો તે દશામાં મનથી વિષયનો સ્વાદ લેવાનું કામ ચાલું છે એટલે તેને સંયમ ના કહેવાય, મિથ્યાચાર ગણાય.


એકાદશીને દિવસે લોકો ઉપવાસ કરે છે પણ કેટલીકવાર સારીસારી વાનગીઓની ચર્ચા કરે છે. તેમ કરવાથી મોંમા પાણી છૂટે છે, ને તેમને આનંદ થાય છે એનું પરિણામ કેટલીકવાર બહુ ભારે આવે છે, ને સ્વપ્નમાં પણ તે ખાયા કરે છે. આ પ્રમાણે શરીરની ક્રિયા બંધ છે, પણ મનની ક્રિયા ચાલુ જ રહે છે. આને સંપૂર્ણ સંયમ કેવી રીતે કહેવાય ? આ તો મિથ્યાચાર છે, આ તો બગલાના જેવું થયું. નદી કિનારે ફરવા ગયેલાં છોકરાં બગલાને જોઈને કેટલીયે વાર ભરમાઈ જાય છે. કોઈ કહે છે, બગલો વૈરાગી બની ઊભો રહ્યો છે. કોઈ કહે છે, હવે તેને સંસારમાં સુખ નથી દેખાતું એટલે સંન્યાસી થવાનાં સ્વપ્નાં સેવતો લાગે છે. કોઈ કહે છે, ના ના, એ તો ધ્યાનમાં કોઈ યોગીની જેમ સમાધિમાં ડૂબી ગયો છે. પણ થોડીવાર પછી બગલો પાણીમાં ઝાપટ મારે છે ને માછલાને ગળીને પાછો પહેલાં જેવો ઊભો રહે છે, ત્યારે છોકરાંઓનો ભ્રમ ભાંગી જાય છે. તે કહેવા માંડે છે કે આ તો ધ્યાનનો ઢોંગ કરે છે. દેખાય છે કેવો ડાહ્યો ! પણ ધ્યાન માછલાનું ધરે છે, તેની નજર પાણીમાં જ ફર્યા કરે છે ! વધારે ભાગના માણસોની દશા આ બગલા જેવી છે. બહારથી શાંત લાગે, કૈં જ નથી કરતા એમ દેખાય, પણ અંદરખાને ભારે કામ કરી રહ્યા હોય, એકાંતમાં રહીને પણ વિષયસુખને યાદ કરે. વસ્તુને બહારથી ત્યાગે, અથવા વસ્તુ તેમને ત્યાગે તેથી બહારનો ત્યાગ પાળે, પણ મન દ્વારા તેને ભજતા હોય.


- શ્રી યોગેશ્વરજી



વેશ્યાનો પ્રસંગ


એક માણસે ત્યાગ કરીને કોઈ તીર્થમાં વાસ કર્યો. તેણે વ્યવહાર છોડી દીધો ને વેશ પણ બદલ્યો, તેથી તેની પૂજા થવા માંડી. તીર્થમાં વાસ કરીને નિરંતર પ્રભુસ્મરણ કરવાની તેની ઈચ્છા હતી. તે પ્રમાણે તેણે પ્રભુસ્મરણ શરૂ કર્યું. પરંતુ તેનું ધ્યાન એક બીજી જ વાતમાં દોરાયું. તેના આશ્રમની સામે કોઈ વેશ્યા રહેતી હતી. તેની પાસે કેટલાય લોકો આવતાં. તે જોઈને આ ત્યાગી પુરૂષને વેશ્યા પર તિરસ્કાર થયો. એક દિવસ વેશ્યા પાસે જઈને તેમણે ઉપદેશ આપ્યો : અરે, તું કેવા પાપમાં પડી છે ! આવું ઉત્તમ શરીર મેળવીને તેં પાપ જ કર્યા કર્યું છે. એ પાપનું પોટલું બાંધીને તારે કેટલાય જન્મો સુધી ફરવું પડશે. માટે હજી ચેત, પ્રભુનું સ્મરણ કર તો તારો ઉદ્ધાર થાય.


વેશ્યા સંસ્કારી હતી એટલે સાધુના શબ્દો તેના અંતરમાં ઉતરી ગયા. તેણે નિશ્ચય કર્યો કે હવે આ પાપકર્મ બંધ કરવું. તે તો પોતાના ઘરમાં બેસીને રોજ પ્રભુનો વિચાર કરવા માંડી, ને પ્રભુનું નામ લેવા લાગી. પણ માણસો હજી આવ્યા જ કરતા હતા. તેમની સાથે તેમને ખુશ કરવા તે હાવભાવ કરતી, પણ તેનું દિલ સદાયે ડંખ્યા કરતું, તે વ્યાકુળ મનથી પ્રભુને પ્રાર્થના કરતી કે, હે પ્રભુ, મને આ પાપજાળમાંથી છોડાવો. હવે આ બાજુ પેલા સાધુની શી દશા થઈ તે જોઈએ. તેને હવે ભજન સાધનમાં રસ લાગ્યો નહિ. તેના પુરાણા સંસ્કાર તાજા થયા. આખો દિવસ તે વિચારવા માંડ્યો કે વેશ્યા જુદા જુદા માણસો સાથે કેવી લીલા કરતી હશે ! તે વિચારથી તેનું હૃદય રસ માણતું પણ વેશ્યાને ત્યાં તો માણસો આવ્યે જ જતા. તેને થયું કે વેશ્યા બહુ જડ છે. મારા ઉપદેશની તેને કાંઈ અસર થઈ નથી. ખરેખર તે ઘણી પાપી છે. પછી તો તેણે વિચાર કર્યો કે વેશ્યાને તેના પાપનો હિસાબ બતાવવો. બસ, સવારે ઊઠીને તે આશ્રમના દ્વાર પાસે બેસતો, ને  વેશ્યાને ત્યાં જેટલા માણસો જાય તેટલા પત્થર એક તરફ એકઠા કરતો. રાત સુધી તે આ કામને ખૂબ ચીવટથી કરતો. થોડા દિવસમાં તો પત્થરનો ઢગલો ખૂબ મોટો થઈ ગયો. આ કામમાં તે પ્રભુને પણ ભૂલી ગયો.


એટલામાં તો વેશ્યાનું મૃત્યુ થયું. થોડા દિવસે તે પણ મૃત્યુ પામ્યો. તેને નરકમાં લઈ જવામાં આવ્યો તેથી તેને ખૂબ નવાઈ લાગી તેણે પૂછ્યું કે પેલી વેશ્યા ક્યાં છે ? મારૂં સ્થાન તો સ્વર્ગમાં છે. તમે મને ભૂલથી અહીં લાવ્યા લાગો છો. દૂતોએ કહ્યું, ના ઈશ્વરના રાજ્યમાં કોઈ ભૂલ નથી. વેશ્યા પાપી હતી પણ પાછલી જિંદગીમાં તેનું જીવન સુધરી ગયું હતું. પરિણામે તેને પાપ તરફ ઘૃણા થઈ, ને પાપમાંથી છૂટવા તેણે પ્રભુની સાચા દિલથી પ્રાર્થના કર્યા કરી એટલે તેના પર પ્રભુની કૃપા ઉતરી, ને તેને સારા લોકની પ્રપ્તિ થઈ છે. સ્વર્ગનું દ્વાર તેને માટે ખુલ્લું થયું પણ તમારી વાત જુદી જ થઈ. પાપ ને પાપી તરફ તમને ઘૃણા હતી, પણ પાપની ગણતરી કરવાનો પ્રયાસ કરતાં છેવટે તમારું મન પણ પાપમાં રમવા માંડ્યું. તમે સાધનાનો માર્ગ ભૂલ્યા એટલે તમને નરક મળ્યું છે એમાં કોઈ પ્રકારની ભૂલ થઈ નથી.


કેટલાંક માણસોને પોતાની ઈચ્છા વિરૂદ્ધ અમુક જાતનું જીવન જીવવું પડે છે. કોઈ તે જીવનનાં  શિકાર બન્યાં હોય છે. બદી ભરેલા જીવનમાં રહ્યા છતાં તેમનો આત્મા સદાય જાગ્રત રહે છે, ને બંધનોનો ત્યાગ કરી વધારે સારા જીવનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યા કરે છે. એવા માણસોને તેમના બહારના જીવન પરથી તિરસ્કાર કે સૂગની દૃષ્ટિથી જોવાનું કામ ઠીક નથી, એ વાત સદા યાદ રહેવી જોઈએ.


સ્વામી વિવેકાનંદના જીવનમાં એક પ્રસંગ આવે છે. એક વાર એક ભોગપરાયણ શ્રીમંત રજવાડી પુરૂષે તેમને પોતાની સાથે પ્રવાસમાં રહેવાનું આમંત્રણ આપ્યું. તેમની સાથે ભારે રસાલો હતો. નાચગાન રસિયા હોવાથી તેમણે એક વેશ્યાને પણ બોલાવી રાખી હતી. રાતે જલસો રાખ્યો હતો તેમાં વેશ્યા તરફથી નાચગાન થવાનાં હતાં. વિવેકાનંદજીને તે જાણીને ભારે દુઃખ થયું. પેલા શ્રીમંત પુરૂષ ને વેશ્યા પર તિરસ્કાર પણ થયો, ને તેમણે જલસામાં આવવાની સખ્ત શબ્દોમાં ના પાડી. તેમના શબ્દો સાંભળીને વેશ્યાને ઘણું દુઃખ થયું. પણ તે કાંઈ બોલી ના શકી. રાત પડી ને જલસો શરૂ થયો. વિવેકાનંદજી તેમાં હાજર ન હતા. વેશ્યાને તેનું દુઃખ હતું. તેનું હૃદય રોતું હતું. આખરે જ્યારે ગાવાનો વખત થયો ત્યારે પોતાના દિલના દર્દને ઠાલવતાં તેણે ગાવા માંડ્યું કે હે પ્રભુ, મારામાં ઘણાયે દુર્ગુણ છે. પણ તેના તરફ તમે દૃષ્ટિ ના કરશો, તમે કૃપાળુ છો, સમદર્શી છો, કેવળ ઈચ્છા માત્રથી મને પાર કરી શકો છો તો મારા દુર્ગુણ તરફ તમે ના જોશો. આ રહ્યું સૂરદાસનું એ પ્રસિદ્ધ પદઃ-


પ્રભુ, મોરે અવગુણ ચિત્ત ન ધરો !

સમદરશી હે નામ તિહારો, ચાહે તો પાર કરો !

પ્રભુ, મોરે અવગુણ ચિત્ત ન ધરો !


રાત્રિની અસીમ શાંતિમાં સરી આવતું એ ગીત વિવેકાનંદજીએ પોતાના તંબુમાં સુતાં સુતાં સાંભળ્યું. તેમાં પ્રકટ થતો ભાવ, અનુરાગ ને પશ્ચાતાપનો ભાવ અજબ હતો. સ્વામીજી તે સહેલાઈથી સમજી શક્યા. કેમ કે તે પોતે ત્યાગી ને તત્વજ્ઞાની હોવા ઉપરાંત એક મહાન કલાકાર હતા. તેમનું હૃદય હાલી ઊઠ્યું. પોતાની શય્યા પર તે સૂઈ ન શક્યા. પોતાના સખત શબ્દો માટે તેમને દુઃખ થયું હોય તેમ ઉતાવળે પગલે ગાયન ચાલતું હતું ત્યાં આવ્યા, ને વેશ્યાને પ્રણામ કરીને તેની પાસે બેસી ગયા. તેમની આંખ ભીની હતી. વેશ્યાને કેટલો આનંદ થયો હશે તે વાત સમજી લેજો. સ્વામીના સત્સંગથી તેનું જીવન બદલાઈ ગયું. ને સ્વામીજીનું હૃદય તો દુઃખી ને દીન તથા અનાથ પ્રત્યે પહેલેથી જ અનુકંપા ભરેલું હતું. તે હૃદયમાં વેશ્યાને માટે પણ હમદર્દી કેમ ન હોઈ શકે ?


આ બંને વાતોનો સાર એ છે કે માણસના બાહ્ય આચાર પરથી જ તેનું મૂલ્ય નથી અંકાતું. તેના મનની દશા પણ ધ્યાનમાં રાખવી પડે છે. ગીતા કહે છે કે બહારથી કર્મનો ત્યાગ કરીને બેસી જાઓ, પણ તમારું મન જો કર્મના ઘાટ ઘડ્યા જ કરતું હોય, તો તેથી ખાસ લાભ નહિ થાય. તે દશામાં તમારો ત્યાગ નબળો ને સત્વ વિનાનો બની રહેશે. એટલે ઉત્તમ વસ્તુ તો એ છે કે જેમ બહારથી કર્મનો ત્યાગ કરો છો તેમ અંદરથી પણ ત્યાગ કરો. જે વસ્તુને છોડી દો, તેની લાલસા કે કામનાને મનમાંથી પણ કાઢી નાખો. વિષયના રસમાંથી મુક્ત થયેલા મનને પરમાત્માના ધ્યાન ને વિચારમાં લગાવી દો. તેમ ના કરી શકો, તો પછી કર્મ કર્યા કરો. પણ કેવી રીતે ? આંખો મીંચીને નહિ, પણ વિચારપૂર્વક મનનો સંયમ કરો ને જરૂરી કર્મ કરો પણ કર્મમાં ડૂબી જઈને ભાન ભૂલી જતા નહિ.


- શ્રી યોગેશ્વરજી



અંદરનો ત્યાગ જરૂરી છે


કર્મનો ત્યાગ કરીને એકાંતમાં બેસી પ્રભુપરાયણ જીવન જીવવાની અર્જુનમાં શક્તિ ન હતી. હજી તો હમણાં જ, કૌરવોની સેનામાં સ્વજનોને જોઈને તે લડીશ નહિ એમ કહેવા લાગ્યો, તે પહેલાં તો તેનો લડવાનો વિચાર હતો જ. નહિ તો ગાંડીવને ધારણ કરીને કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં આવત જ શા માટે ? તેને યુદ્ધ જેવા ઘોર કર્મ પરથી વૈરાગ્ય જ થયો હોત, તો રણમેદાનમાં આવવાને બદલે પહેલેથી તે કાશી, પ્રયાગરાજ કે હરદ્વાર તરફ ક્યાંક યાત્રામાં જ નીકળી પડ્યો હોત. પણ કર્મના સંસ્કાર તેના દિલમાં કાયમ હતા. પોતાના ભાઈઓ ને દ્રૌપદીના અપમાનના ઘા તેના દિલમાં હજી તાજા હતા. બદલો લેવાની વૃત્તિ જ તેને યુદ્ધની તૈયારીથી ભરેલી ને ભીષણ બનેલી ધર્મભૂમિમાં દોરી લાવી હતી. એ દશામાં ભગવાને તેને કહ્યું કે ત્યાગ ને જ્ઞાનનો માર્ગ પણ ઉત્તમ છે પણ તારે માટે તો કર્મનો માર્ગ જ સારો છે. કર્મ ને જ્ઞાન જુદાં છે એમ ના સમજીશ. જ્ઞાનપૂર્વક કર્મ કર ને જે કરે તે ત્યાગની ભાવનાથી ને આસક્ત થયા વિના કર. એટલે એક કાંકરે બે પક્ષી મરશે. ફરજનું પાલન થશે, ને તારું મંગલ પણ સધાશે.


ભગવાનનો આ ઉપદેશ બહુ મહત્વનો છે. આપણે ત્યાં ત્યાગ થાય છે, ને માણસો જ્ઞાનની ખોજમાં નીકળી પડે છે. પણ તેમના દિલમાં પહેલાંના ખોટા સંસ્કાર હયાત હોવાથી ત્યાગનો સાચો આનંદ તેમને મળી શકતો નથી. ત્યાગના સાચા આનંદ માટે અંદરના ત્યાગને કેળવવાની જરૂર છે તે તરફ જેટલું ધ્યાન આપી શકાય તેટલું ઓછું છે. મનમાં કામના ને વાસનાનો અડ્ડો હોય તો બહારનો ત્યાગ કે સંન્યાસ શું ફળ આપી શકે ?


ત્યાગી પુરૂષે ઈશ્વર પર જ આધાર રાખવો જોઈએ. ઉપાસના ને સાધના કોઈ બાહ્ય સાધન વિના થઈ શકે છે. માણસોએ પણ વિવેકી બનવાની જરૂર છે. બહારના દેખાવ પરથી કોઈને ત્યાગી કે વૈરાગી ને ભોગી સમજી લેવાને બદલે, અંદરની દુનિયામાં ડોકિયું કરતાં શીખવાની જરૂર છે, અંદરની યોગ્યતાને ઓળખીને પ્રોત્સાહન આપવાની જરૂર છે. બહારનું વાતાવરણ મહત્વનું છે તેની ના નહિ, પણ તેને જ સર્વ કાંઈ સમજી, તે પરથી માણસને માટેનું સર્ટિફિકેટ તૈયાર કરવામાં ભૂલ છે. કર્મયોગનો ઉપદેશ આપતાં આ વાત પર ભગવાન આપણું ધ્યાન ખેંચે છે ને જે દશામાં હોઈએ તે દશામાં રહી, જે કામ કરતાં હોઈએ તે કામ કરતા રહેવાનું કહી મનનો ત્યાગ કેળવવાનું કહે છે, મનની તાલીમ લેવાનો આદેશ આપે છે. ઉજ્જવળ જીવનની ઈચ્છાવાળા સૌ કોઈને એ આદેશ ઉપયોગી છે.


- શ્રી યોગેશ્વરજી



યજ્ઞની વિચારણા


આટલી ચર્ચા પછી ગીતામાતા એક બીજી વિચારણા રજૂ કરે છે. તે વિચારણા યજ્ઞની છે. ગીતામાતા કહે છે કે સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માએ પ્રજાને કહ્યું કે તમારી સાથે આ યજ્ઞની ઉત્પત્તિ પણ કરવામાં આવી છે. તે યજ્ઞનો આશ્રય લઈને તમે સુખી થઈ શકશો, યજ્ઞથી દેવતાઓ પ્રસન્ન બનશે ને તમને ઉત્તમ ફલ, સુખ ને સમૃદ્ધિનું દાન કરશે. બ્રહ્માના આદેશ પ્રમાણે જૂના વખતમાં યજ્ઞો થતા હતાં. આજે તે અટક્યા છે, કે પ્રમાણમાં ઘણા ઓછા થયા છે. યજ્ઞની વિધિ માટે આજે વાતાવરણ પણ ભાગ્યે જ અનુકૂળ રહ્યું છે. આ સંજોગોમાં શું કરવું ? ગીતા તેનો સુંદર ઉકેલ કરી બતાવે છે. તે કહે છે કે જુઓને, યજ્ઞની પાછળ ભાવના શી છે ? પોતાની પાસે જે ઉત્તમ હોય તે દેવોને અર્પણ કરવું એ જ ને ? તો તમારી પાસે જ કૈં સારું હોય તે તમે દેવોના પણ દેવ એવા પરમાત્માને અર્પણ કરો, ને પરમાત્માની ને પરમાત્માની સૃષ્ટિની સેવામાં તેનો ઉપયોગ કરો. તો તમે મહાન યજ્ઞ કર્યો ગણાશે. માણસ સંસારમાં રહીને કર્મ તો કરવાનો જ : કર્મ કરવામાં કાંઈ ખોટું પણ નથી; પણ જે કર્મ કરાય તે યજ્ઞની ભાવનાથી કરવું. તો તેવાં કર્મ તેને માટે મંગલકારક થઈ જશે. કર્મને યજ્ઞની ભાવનાથી કરવાં એટલે પોતાની ને બીજાની તથા સંસારના સ્વામી પરમાત્માની સેવા માટે કરવાં. ઈશ્વરે પોતાને સોંપેલી ફરજને અદા કરવાની દૃષ્ટિએ, ઈશ્વરની પ્રસન્નતા માટે કરવાં ને કર્મના પાશથી મુક્ત રહીને કરવાં.


કર્મના પાશથી મુક્ત થવું એટલે શું ? કર્મનો નાશ કયો છે ? સૌથી પહેલાં તો અહંકાર. માણસ જે કર્મ કરે છે, તે વધારે ભાગે અહંભાવથી પ્રેરાઈને કરે છે. કાંઈ સારું થયું હોય તો મેં કર્યું એવું ગુમાન તેને આવી જાય છે. ઈશ્વરની ઈચ્છા વિના એક પાંદડું પણ હાલી શકે એમ નથી, એમ સમજીને તેણે અહંકારનો ત્યાગ કરવો જોઈએ. આ ઉપરાંત કર્મનો બીજો પાશ કર્મના ફલની આસક્તિ છે. કર્મના ફલની ઈચ્છા માણસ રાખે તેનો કાંઈ જ વાંધો નથી; પણ જે ફલ મળે તેની સામે બડબડાટ કરવાની કે તેને મેળવીને ફુલાઈ જવાની ટેવ હાનિકારક છે. તે ટેવ જ માણસને સુખ ને દુઃખના ઝુલા પર ઝુલાવ્યા કરે છે. તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. બીજા અધ્યાયમાં તે તરફ ધ્યાન પણ ખેંચવામાં આવ્યું છે હવે આ અધ્યાયમાં કર્મયોગની સમૃદ્ધિ માટે ગીતામાતા એક બીજી વાત ઉમેરે છે કે કર્મની સાથે યજ્ઞની ભાવના ભેળવી દેવી. યજ્ઞ કરવાની બ્રહ્માએ આજ્ઞા કરી છે. તેને યાદ કરીને તે કહે છે છુટક યજ્ઞો ના થાય તો કાંઈ જ હરકત નથી. તમારા નાના કે મોટા દરેક કામમાં યજ્ઞની ભાવના જોડી દો એટલે ઘેર બેઠાં વ્યવહાર કરતાં ને વિના ખર્ચે તમે યજ્ઞ કરી શકશો.


યજ્ઞની ભાવનાનું રહસ્ય સૌએ સારી પેઠે સમજી લેવાનું છે. માણસે સમજી લેવું જોઈએ કે સંસારમાં જે છે તે બધું ઈશ્વરનું છે, તેના પર તેનો એકલાનો નહિ, પણ જીવમાત્રનો અધિકાર છે. એટલે પોતાની પાસે જે કૈં હોય તે દ્વારા વધારેમાં વધારે જીવોનું હિત કરવાની તેની ભાવના હોવી જોઈએ, ને તેનો અમલ કરવા તેણે સદાય તૈયાર રહેવું જોઈએ. કેવલ પોતાના સુખમાં મસ્ત બનીને બેસી રહેવાને બદલે બીજાને સુખી કરવા પણ તત્પર થવું જોઈએ. તો જ સંસારનું કલેવર બદલી શકાય. યાદ રાખો કે કોઈને આપવાથી વસ્તુ ઘટતી નથી; પણ વધે છે ને બીજા જીવને મદદ કરવાનો આનંદ મળે છે તે નફામાં. આપવામાં સદા સુખ તો છે જ, પણ જે આપે છે તેની મૂડી ઘટતી નથી, પણ વધે છે, ને ઈશ્વર તરફથી બીજું અનેક ઘણું મળે છે, એટલે માણસે હૃદયને વિશાળ ને ઉદાર કરવાની જરૂર છે.


- શ્રી યોગેશ્વરજી



કર્મમાં યજ્ઞની ભાવના


માણસો કર્મો કરે છે પણ યજ્ઞની ભાવનાથી કરતા નથી. એટલે કર્મો કસ વિનાનાં ને બોજારૂપ બની જાય છે. કર્મ થાય છે, પણ તેનો આનંદ મળતો નથી વળી જીવનના વિકાસમાં તે ખાસ ભાગ ભજવતાં નથી. આના ઉપાય તરીકે ગીતામાતા કર્મને સાધનાના પ્રવાહ જેવા કરી દેવાની શિક્ષા આપે છે. તે શિક્ષા પ્રમાણે ચાલો તો કર્મથી બંધનમાં વધારો ના થાય, પણ બંધન હોય તો તે પણ ટળી જાય, ને મુક્તિનો આનંદ મળે. વળી કર્મ દ્વારા ઈશ્વરની ઉપાસના કરી શકાય.


કર્મ ભાવના સાથે થવું જોઈએ. પગે ચાલીને માણસો વ્રજભૂમિની ને બદરીકેદાર જેવાં તીર્થોની યાત્રા કરે છે. અમે ઋષિકેશમાં હતાં; ત્યારે એક માણસની મુલાકાત થઈ. તે દક્ષિણ ભારતમાંથી પગરસ્તે પ્રવાસ કરીને આવતો હતો. કેટલાય મહિને તે ઋષિકેશ આવ્યો હતો. હવે તેને બદરીનાથ જવું હતું ને તે પછી પગે ચાલીને પાછું પોતાના ગામમાં પહોંચવું હતું. શું આવા માણસોને થાક નહિ લાગતો હોય ? છતાં તેમના મુખ પર ઉત્સાહ ક્યાંથી આવે છે ? તેમની ભાવનામાંથી. તીર્થોના દર્શનની દિલમાં રહેલી ભાવના તેમને સદાયે પ્રેરણા આપે છે. તે ભાવના જ તેમને કષ્ટો, મુસીબતો ને મુંઝવણોની વચ્ચેથી પાર કરીને અજાણ્યા પંથના પ્રવાસી બનાવે છે. તેમને માટે પ્રવાસ એક યજ્ઞ બની જાય છે. તીર્થોનાં દર્શનથી પ્રભુની કૃપા ને પ્રસન્નતા મેળવવાની લગન તેમને તાકાત આપીને દૂર દૂર સુધી લઈ જાય છે. કૈલાસની યાત્રા કટલી કઠિન કહેવાય છે ! છતાં કઠિનતાનો સામનો કરીને માણસો તે યાત્રા પૂરી કરે છે. પ્રભુની લીલાનું દર્શન કરવાની ભાવના તેમને કઠિનતામાં પણ આનંદ આપે છે. તે ભાવનાથી થયેલું કર્મ તેમને માટે કલ્યાણકારક થાય છે, ને સાધનામય બની જાય છે. ભાવનામાં એવી શક્તિ છે. ભાવનાને લીધે નાનામાં નાનું કામ પણ મોટું થાય છે, ને રસવાળું બની જાય છે.


ઘરમાં જેને માથે રસોઈ કરવાની ફરજ આવે છે તેનું કામ ભારે છે. કેટલીક સ્ત્રીઓને રસોઈ કરવાનો કંટાળો આવે છે. તૈયાર રસોઈ મળે તે તેમને સૌથી સારું લાગે છે પણ બધાંના નસીબમાં તૈયાર રસોઈ ક્યાંથી હોય ? કો'કને રસોઈ કરવી જ પડવાની. તે પ્રમાણે રસોઈ કરનાર રસોઈ કરે છે પણ બડબડાટ કરવાનું છોડતાં નથી. એટલે રસોઈનું કામ તેમને માટે સેવાનું કામ બનવાને બદલે વેઠનું કામ થઈ જાય છે. પરિણામે તેમને આનંદ નથી મળતો. તેનું કારણ ભાવનાની ખામી છે. તે ભાવનાનો સંબંધ કામ સાથે જોડી દેતાં શીખવું જોઈએ. જેને માથે રસોઈની જવાબદારી છે તે સારી પેઠે જાણી લે કે પોતે એક આવશ્યક ને મહાન સેવા બજાવવાની છે.


રસોઈ એક યજ્ઞ છે. ઘી ને તલ દ્વારા થતા યજ્ઞો તો કોઈકવાર જ થાય છે પણ રસોઈનો ચુલાયજ્ઞ તો નિરંતર ચાલુ રહે છે. જેમ પહેલાંના ઋષિઓને ત્યાં યજ્ઞનો અગ્નિ કદી ઓલવાતો નહિ. તેમ ચુલાનો યજ્ઞ ચોવીસે કલાક ચાલુ હોય એવાં ઘર પણ ઘણાં છે. યજ્ઞથી સ્વર્ગાદિ મળે છે એમ કહેવાય છે. પણ ચુલાયજ્ઞમાં તૈયાર થતી સામગ્રીથી તો સ્વર્ગસુખ સત્વર મળે છે એ સૌનો અભિપ્રાય છે. એ યજ્ઞ પર તો માનવનું સમસ્ત જીવન ટકી રહ્યું છે. માનવના ઉદરમાં જે યજ્ઞ ચાલે છે તેની તૃપ્તિ માટે એ યજ્ઞ જરૂરી છે. એટલે રસોઈ કરનાર કેટલી ભારે સેવા કરે છે એનો ખ્યાલ કરો. તે યજ્ઞ કરે જ નહિ તો બીજા બધાં જ યજ્ઞો બંધ થઈ જાય. રસોઈ બનાવનાર આ ભાવનાને ભૂલે નહિ તો તેને આનંદ આવશે. તેને સમજાશે કે ઘરનાં જુદાં જુદાં સભ્યો ઈશ્વરના પ્રતિનિધિ છે. તેમની સેવા કરવાનું પોતાને આ રીતે સદ્ ભાગ્ય મળ્યું છે તે સદ્ ભાગ્યનો વિચાર કરવાથી તેનો બડબડાટ દૂર થશે ને તેને અનેરો આનંદ મળશે. રસોઈ જેવું કામ એક શુષ્ક ક્રિયા કે વેઠ બનવાને બદલે તેને માટે જીવનના વિકાસની સાધના બની જશે, યોગમય બની જશે.


- શ્રી યોગેશ્વરજી



દૈનિક કાર્યોમાં યજ્ઞની ભાવના


આ રીતે જીવનમાં બધાં જ કર્મોનું સમજી લેવાનું છે. રોજના વ્યવહારમાં સાધારણ જેવાં કર્મો પણ ભાવના સાથે કરવાથી યોગમય બની જાય છે. મળત્યાગ કરવો એ એક સાધારણ કર્મ છે પણ તેને તમે અસાધારણ બનાવી શકો છો. મળને જોઈને તમે વિચાર કરો કે શરીર આવા મળનું ઘર છે. બહારથી તે સારું લાગે છે એટલું જ. અંદરથી તો ખૂબ જ અશુદ્ધ છે. રોજ રોજ ગંદુ થયા જ કરે છે. આવા શરીરમાં પ્રીતિ કરવાનું શું કામ ? બે જ વાતને લીધે શરીર મૂલ્યવાન છે. એક તો તેનાથી પરમાત્માનું દર્શન કરીને પૂર્ણતા મેળવી શકાય છે તે, ને બીજું તેનાથી કોઈકનું હિત સાધી શકાય છે. આ શરીર દ્વારા તે બે વાતો જ સાધવી જોઈએ ને પછી પ્રાર્થના કરો કે હે પ્રભુ, શરીરના રંગરાગ ને આકર્ષણમાં અમારું મન ફસાય નહિ, અમારાં કે કોઈનાય શરીરમાં અમને મમતા થાય નહિ ને આ શરીર દ્વારા તમારી પ્રાપ્તિ કરવાની સાથે સાથે કોઈને મદદરૂપ બની શકાય એવો આશિર્વાદ આપી દો.


ખાતા પહેલાં ને ખાતી વખતે ભાવના કરો કે ખોરાક પ્રભુની પ્રસાદી છે. તે શરીરમાં જતાં ઉત્તમ લોહી બનશે, શક્તિ મળશે, શરીર સમૃદ્ધ બનશે. શરીરમાં ઉલ્લાસ ને યૌવન તથા તાજગી ફરી વળશે. શરીર વ્યાધિરહિત બનશે. મન પણ મજબૂત બનશે, ઉત્તમ વિચારો ને ભાવનાથી ભરાઈ જશે. તે દ્વારા જીવનના વિકાસમાં ને બીજાની સહાયતામાં મદદ મળશે. શરીરની અંદર વિરાજેલા પરમાત્માને અર્પણ કરતા હો તેમ ભાવના રાખીને ખોરાક લો, તો તેનું સ્વરૂપ બદલાઈ જશે. તેમાં તમને ખૂબ રસ લાગશે. ખાવાની સાધારણ ક્રિયા આમ તમારે માટે યજ્ઞક્રિયા કે યોગ બની જશે. જુઓને, જરા વિચાર તો કરો. બોર વીણવાનું કામ કેટલું સાધારણ ગણાય ! છતાં તેવા સાધારણ કામમાં ઉત્તમ ભાવના ભળવાથી શબરીને માટે તે કામ મહાન સાધનાના અંગ જેવું બની ગયું.


ઈશ્વરની સેવા ને પ્રસન્નતાની ભાવનાથી તે કરવા માંડો ને તમારી જાતની શુદ્ધિ સાધતાં સાધતાં તે રસપૂર્વક કરો તો તેનું મૂલ્ય વધી જશે. તે કર્મયોગ બની જશે. પ્રભુએ આપણને જે બુદ્ધિ ને ભાવના આપી છે, તેનો ઉપયોગ ના કરવાથી જીવનનું નાટક ક્લેશકારક ને કરૂણ બની જાય છે. કર્મમાં યજ્ઞની ભાવના ભેળવી દેવાથી એક બીજું સુંદર પરિણામ એ આવે છે કે માણસ સ્વાર્થી કે એકલપેટો બનતો નથી. પોતાની પાસે જે કૈં છે તેનો ઉપયોગ પોતાને જ માટે કરવાને બદલે, બીજાને પણ તેથી શક્ય લાભ પહોંચાડવા માણસ સદાય તૈયાર રહે છે. આથી સમાજમાં શોષણ, અનાચાર ને કૃત્રિમ ભેદભાવનો અંત આવે છે. સંપત્તિ ને શક્તિ એક જ ઠેકાણે એકઠી થતી નથી, પણ ફરતી રહે છે, ને સૌને કામ આવે છે. આથી ઘર્ષણ ને વર્ગવિગ્રહ થતા નથી. માણસ માત્ર પોતાના જ સુખનો વિચાર કરીને બેસી રહેતો નથી પણ બીજાના સુખમાં પણ આનંદ માને છે, બીજાના સુખ માટે માર્ગ તૈયાર કરવામાં ગૌરવ અનુભવે છે. પોતાનાં જ ઉત્થાન ને કલ્યાણના મંત્રનો જપ કરવાને બદલે સૌના ઉત્થાન ને મંગલનો તે સાધક બને છે. સંસારમાં જો બધા જ મનુષ્યો યજ્ઞની ભાવનાથી કર્મ કરે તો સંસાર સાચે જ સ્વર્ગમય બની જાય.


- શ્રી યોગેશ્વરજી



મહાપુરુષોને કાર્ય નથી


ત્યારે એવી કોઈ દશા આવે છે જ્યારે કર્મ પૂરું થાય ? ગીતા કહે છે કે માનવજીવન પૂર્ણતાની પ્રાપ્તિ માટે છે. માનવ એક પ્રવાસી છે. કેટલાય જન્મોથી તે જીવનના પુણ્યપ્રવાસે નીકળ્યો છે. પ્રવાસ કરતો કરતો ને સારાં નરસાં કર્મનું ઋણ ચુકવતો પોતાના મૂળ સ્વરૂપ પરમાત્માની પાસે તે પહોંચી જાય, ત્યારે તેનો પ્રવાસ પૂરો થાય. જે માટે આ જીવન શરૂ થયું છે તે હેતુ સિદ્ધ થાય, પછી તેને કરવા જેવું કોઈપણ કર્મ રહેતું નથી. માણસ જન્મ લે છે તે પછી કેટલાંય કર્મો કરે છે. તે બધાં કરવા જેવાં કર્મો હોય છે એમ જ નથી. કરવા જેવું કર્મ તો એક જ છે કે માણસ આ સંસારમાં આવીને પોતાના સ્વરૂપને ઓળખી લે. જન્મ ને મરણ તથા સુખ ને દુઃખના ચક્રમાં ફરતાં ફરતાં પોતે જેને ભૂલી ગયો છે, અથવા જેનાથી દૂર પડી ગયો છે, તે સંસારના સ્વામી પરમાત્માને તે ઓળખી લે. આની સાથે સાથે, બની શકે ત્યારે ને તેટલું કોઈનું હિત કરી લે. બીજાં તો બધાં કામ કે કર્મ છે. તેમના વિના ચાલી શકશે પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરવાના આ કામ વિના નહિ ચાલે. આ કામ કેવલ કામ કે કર્મ નથી; પણ કરવા યોગ્ય કર્મ છે તેથી ગીતાએ તેને કાર્ય કહ્યું છે. કાર્ય નામનો નવો શબ્દ તેને માટે વાપરવાનું કારણ એ જ છે.


ગીતા કહે છે કે ઈશ્વરને ઓળખીને જીવનને પરિપૂર્ણ કરવાના એ કાર્યને માટે જ જીવન મળેલું છે. પણ સંસારના મોહ ને આકર્ષણથી અંજાઈ જઈને માણસો કાર્યને ભૂલી ગયા છે. પરિણામે તેમના જીવનમાં ક્લેશ, શોક ને ચિંતા તથા અશાંતિએ ઘર કર્યું છે. પોતાનું ઘર મૂકીને થોડા દિવસ માટે કોઈ માણસ યાત્રાએ નીકળે, તે પોતાને ઘેર પાછો પહોંચવાને બદલે યાત્રાના જ કોઈ સ્થળમાં ઘરબાર કરીને બેસી જાય, તેવી દશા મોહમાં ડૂબેલા માણસોની છે. તે પોતાના સાચા ઘરને ભૂલી ગયા છે, યાત્રાના રહસ્યને પણ ભૂલી ગયા છે, ને નકલી ઘરમાં પ્રીતિ કરી બેઠા છે. ગીતા કહે છે કે પોતાના મૂળ વતનમાં પાછા ફર્યા વિના કોઈને પણ શાંતિ નથી થવાની. ઈશ્વરથી દૂર રહીને કોઈયે માણસ સુખ શાંતિ કે કુશળતાની પ્રાપ્તિ નથી કરી શકવાનો. તમારામાંથી કોઈ પૂછશે કે તો પછી મુકતાત્મા એવા મહામાનવની દશાનું જરા વર્ણન તો કરો. આપણે તેના જવાબમાં એટલું જ કહીશું કે તેવા મહાપુરૂષ પરમશાંતિની મૂર્તિ જેવા હોય છે. તે પોતે પોતાની અંદર જ તૃપ્ત હોય છે. પરમાત્મામાં જ તેની પ્રીતિ હોય છે. પરમાત્મામાં જ તેને આનંદ લાગે છે, ને પરમાત્મા વિના તેને કાંઈ દેખાતું નથી. જડ ને ચેતનમાં બધે તેને પરમાત્માનું જ દર્શન થયા કરે છે.


ત્યારે શું આ દશાએ પહોંચ્યા પછી તે કોઈને કામ નહિ આવે ? તેનું પોતાનું જીવન તો પરિપૂર્ણ બન્યું, પણ બીજાને તે મદદરૂપ નહિ બને ? જરૂર બનશે. તેવો મહાપુરૂષ આ સંસારમાં કેવલ શ્વાસ લેશે તો પણ બીજાને માટે પ્રેરણાદાયક બની રહેશે. તેનું દર્શન માનવજાતિને જીવનના પૂર્ણ વિકાસની પ્રેરણા પાશે ને ઈશ્વરી માર્ગે પ્રવાસ કરતા સાધકોને સંદેશ દેશે. સંસારમાં ગળાબૂડ ડૂબેલા ને ઈશ્વરને ભૂલેલાં માણસોને માટે તેનું જીવન લાલબત્તી જેવું બનશે. સંસારમાં આપણે જોઈએ છીએ કે દરેક વસ્તુ દ્વારા બે જાતના હેતુ સરી રહે છે. સૂર્યનો પ્રકાશ તેની શોભામાં વધારો કરે છે, ને સાથે સાથે સ્વાભાવિક રીતે જ, બીજાને માટે માર્ગદર્શક બની રહે છે. ફૂલ જે ડાળી પર ખીલે છે તેની શોભાને વધારે છે પણ સાથે સાથે આજુબાજુના વાતાવરણમાં સુવાસ પણ ફેલાવે છે. નદી પોતાના આનંદમાં મગ્ન બનીને સાગરની દિશામાં વહ્યે જાય છે, પણ તેની સાથે લોકકલ્યાણનો હેતુ આપોઆપ સરી રહે છે. તેવી જ રીતે મહાપુરૂષોનું જીવન સંસારને માટે મદદરૂપ જરૂર બને છે. તેમનું જીવન સંસારને માટે નકામું નથી બનતું. તે જીવન તેમનું એકલાનું નહિ, પણ સમસ્ત સંસારનું થઈ જાય છે. ઈશ્વરને ભૂલીને જડવાદના ઉપાસક થઈ જતા માનવને તેવા મહાપુરૂષો નીતિ ને આધ્યાત્મિક જીવનનો રાહ બતાવે છે. માનવના અંધાર ભરેલાં જીવનને અજવાળવામાં તે ખૂબ મદદરૂપ બને છે.


કેટલાક માણસો બોલી ઉઠશે કે માનવ પોતે શાંતિ મેળવીને બેસી રહે તેથી બીજાને શો લાભ ? પોતે પૂર્ણ થઈને બેસી રહેવું એ તો સ્વાર્થ કહેવાય. પોતાની જ ઉન્નતિ માટે સાધના કરવી એ પણ શું સ્વાર્થ નથી ? આપણે જવાબ વાળીશું કે જીવનની પૂર્ણતા માટે સાધના કરવામાં જો સ્વાર્થ રહેલો હોય તો તેથી ડરવાનું કાંઈ કારણ નથી. તે એક ઈચ્છવા જેવો સ્વાર્થ છે ને તેની સિદ્ધિમાં લાગવું એ પ્રત્યેકનો ધર્મ છે. માણસ સમાજનો ઘટક છે. તેના જેવા અનેક માણસો મળીને સમાજ બને છે. એટલે તે જે કૈં કરશે તેની સારાય સમાજ પર જરૂર અસર પડશે. ધારો કે તમે જે ગામમાં રહેતા હો તે ગામને સાફ કરવાની તમારી શક્તિ ના હોય; અથવા ગમે તે કારણથી તમે આખા ગામને સાફ કરી શકતા ના હો; પણ તમારા ઘરની સફાઈ કરીને બેસી રહેવાથી પણ શું તમે ગામની સફાઈમાં સહાય નથી કરતા ? સૂર્ય સૌને પ્રકાશ પહોંચાડે છે. પણ તે આથમે છે, ત્યારે ઘરમાં દિપક કરવામાં આવે છે. તેનો પ્રકાશ આખા જગતમાં નથી પહોંચતો. માટે તેને નકામો કહીને ફેંકી દઈશું કે ? આખા ગામમાં તેનો પ્રકાશ ના પહોંચે પણ આપણા ઘરમાં તો પડે છે ને ? ઘરનું અંધારૂ તો તેનાથી દૂર થાય છે જ. તે પ્રમાણે જે માણસ પોતાના વિકાસ માટે સાધના કરે છે. તે પોતાની સાથે સમાજની સેવા પણ કરે છે આવા પૂર્ણ ને મુક્ત પુરૂષોએ સંસારમાં જબરજસ્ત ધર્મના આંદોલનો ઊભા કર્યા છે. ઈશુ, બુદ્ધ, જરથુસ્ત, મહમ્મદ, કૃષ્ણ ને શંકર તથા નાનક ને મહાવીર જેવા પુરુષો એવા મુક્ત પુરૂષો જ હતા. જો કે બધા પુરૂષો એવું વિરાટ કામ નથી કરી શકતા, પણ બીજાને મદદરૂપ થવામાં તો માને જ છે એટલે તે નાના પાયા પર પણ કામ કરે છે. કામ કરવાની વાત માણસની રુચિ પર અવલંબે છે.


કેટલાક માણસો બાહ્ય રીતે કોઈ પણ કામ કરવાની ઈચ્છા નથી રાખતા. તે માને છે કે સંસારની વ્યવસ્થાનો ભાર ઈશ્વર પોતે ઉપાડી લેશે. આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી. આપણી ચિંતાથી વળશે પણ શું ? માણસો પોતાનાં કર્મ પ્રમાણે ફલ ભોગવે છે એમ માનીને તે શાંત થઈને એક બાજુ બેસી જાય છે. છતાં કોઈ તેમની પાસે જાય, ને તેમની મદદની ઈચ્છા કરે, તો મદદ કરે છે. બીજી જાતના માણસો પૂર્ણ કે મુક્ત થયા પછી પણ વિરાટરૂપે કે વધારેમાં વધારે કામ કરવામાં માને છે. અંધારામાં અટવાતાં ને પ્રકાશની ઝંખના કરતાં માણસોને તે પ્રકાશ બતાવે છે, માર્ગ ભૂલીને આમતેમ અથડાતાં માણસોને માર્ગ બતાવે છે, ને તેમ કરવામાં આનંદ માને છે. આ સારું પણ છે કેમકે ઈશ્વરની કૃપા પામેલા બધા જ માણસો જો મૂક બનીને બેસી જાય, તો જેમને ઈશ્વરની કૃપા મેળવવી છે, તેમને માર્ગ કોણ બતાવે ? શાંતિ ને મુક્તિ મેળવી ચૂકેલા મહાપુરૂષ જો કોઈનેય મદદ ના કરે, તો સંસારમાં શાંતિ ને મુક્તિ માગનારને માર્ગદર્શન ક્યાંથી મળે ? એટલે ઈશ્વર જ તેમના અંતરમાં અનુકંપા ઉપજાવે છે. તેથી પ્રેરાઈને તે બીજાના હિતના કામમાં પડે છે.


- શ્રી યોગેશ્વરજી



જ્ઞાની ને અજ્ઞાનીનાં કર્મમાં ફેર


સંસારના મંગલને માટે આ પ્રમાણે કર્મ કરવાની જરૂર છે. લોકકલ્યાણની ભાવનાથી કર્મ કરતા રહેવાની જરૂર છે. ગીતાનો એવો આદેશ છે. જેને પૂર્ણતાની પ્રાપ્તિ નથી થઈ, તેને તો કર્મ કર્યા વિના ચાલે જ કેમ ? તેને તો આળસુ થઈને બેસી રહ્યે કેમ પાલવે ? બધાં જ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરીને તેણે કર્મપરાયણ બનવું જોઈએ, પુરૂષાર્થી થવું જોઈએ. જીવનના ધ્યેયની સિદ્ધિ એદી બનીને ઊંઘ્યા કરવાથી કેવી રીતે થઈ શકશે ? આ સંસારમાં જે પણ મહાન બની ગયા, તે સતત પુરૂષાર્થ કરવાથી જ તેવા થઈ શક્યા છે. પળેપળનો હિસાબ રાખીને કામ કરવું જોઈએ, તો જ સિદ્ધિ પ્રાપ્તિ થઈ શકે. એટલે જ ભગવાન કહે છે કે હે અર્જુન, તું કર્મ કર. આજે તો તું સાધક છે. પણ પૂર્ણ, મુક્ત ને સિદ્ધ થઈ ગયા પછી પણ કર્મને ના છોડતો. ઉત્તમ પ્રકારનાં કર્મો કરીને તું સૌનું હિત કરી શકીશ. જીવનના કેટલાય પ્રવાસી તારે પગલે ચાલશે, ને પોતાનું જીવન ઉજ્જવલ કરશે.


ઉપદેશકનું પોતાનું જીવન તેના ઉપદેશ પ્રમાણે ના હોય, તો તેની અસર કેવીક થાય ? કેટલાક માણસો સભામાં ધર્મ ને નીતિના મહત્વ પર ભાર મૂકે છે, પણ તેમનું જીવન અધર્મથી ભરેલું હોય છે તેથી તેમનું કથન ભાગ્યે જ અસરકારક બને છે. શ્રીકૃષ્ણ ભગવાનના ઉપદેશની વિશેષતા જ એ છે કે તે તેમના જીવન સાથે ઓતપ્રોત થઈ ગયેલી વસ્તુ છે. ભગવાન પોતે પૂર્ણ પુરૂષોત્તમ હતા. તેમને કર્મ કર્યા વિના ચાલે તેમ હતું, જીવનના પાછલા કાળમાં તે જંગલમાં જઈને બેસી શકે તેમ હતું, છતાં તેમ કરવાને બદલે તે અર્જુનનો રથ હાંકવા તૈયાર થયા હતા તે શું બતાવે છે ? એ જ કે જીવન દ્વારા બીજાના મંગલ માટે કામ કરવામાં તે સાચેસાચ માનતા હતા. જે વાતમાં તે માને છે, તે જ વાતનો ઉપદેશ તે અર્જુનને આપી રહ્યા છે. તેથી તે ઉપદેશ આટલો બધો અસરકારક બને છે.


ત્યારે જ્ઞાની ને અજ્ઞાનીના કર્મમાં કૈં ફેર ખરો ? ગીતા કહે છે કે અજ્ઞાની અહંભાવથી કર્મ કરે છે; પણ જ્ઞાનીને અહંભાવ નથી. અજ્ઞાની કર્મના ફલથી સુખી ને દુઃખી થાય છે; પણ જ્ઞાની કર્મના ફલમાં સમતા રાખે છે. અજ્ઞાની સંસારમાં ભાન ભૂલી કે ડૂબી જાય છે. જ્ઞાની તેમાં ડૂબતો નથી, પણ કમલની જેમ અલગ ને અલગ રહે છે. અજ્ઞાની કર્મના નશામાં આવી જઈને ભાન ભૂલી જાય છે. કર્મ શાને માટે છે તેને તે ભૂલી જાય છે. જીવનના ધ્યેયની તેને વિસ્મૃતિ થાય છે. જ્ઞાનીને કર્મનો કેફ ચડતો નથી. કર્મના નશામાં તે કદાપિ ભાન ભૂલતો નથી. આ સંસારમાં પોતાનું જીવન શાને માટે છે, ને પોતે શું કરવાનું છે, તેને તે યાદ રાખે છે. જીવનની સિદ્ધિ કે ઈશ્વરની પ્રાપ્તિ માટે તે કર્મ કરે છે, ને યોગ્ય કર્મ કરીને જીવનની સિદ્ધિ કરી લે છે. અજ્ઞાની કોઈ લૌકિક કામનાને પૂરી કરવા કર્મ કરે છે; પણ જ્ઞાનીનાં કર્મ ઈશ્વર માટે થતાં હોય છે. જ્ઞાની પ્રભુ પ્રીત્યર્થે જ કર્મ કરે છે. માણસ કર્મ કરે છે તેની ના નથી પણ તેણે જ્ઞાની બનીને કર્મ કરવાનાં છે, વિવેકને જાગ્રત રાખીને જ કર્મ કરવાનાં છે, માણસો કર્મ કરે છે, પણ વિવેકને ગીરો મૂકીને, ના કરવાના જેવા કામ પણ તે કરે છે. પરિણામે તેમને ને બીજાને તે કર્મો ક્લેશકારક થાય છે. માણસને તે મજબૂત બંધનમાં બાંધી દે છે, ને દુઃખ આપે છે. એટલે ગીતા કહે છે કે વિવેકપૂર્વક કર્મો કરો. જ્ઞાની પણ અજ્ઞાનીની પેઠે કર્મો કરશે, પણ તેનામાં વિવેક હોવાથી, કર્મો તેને બાંધી નહિ શકે. કર્મોની મદદથી તે કોઈ બંધન હશે તો તેને પણ કાપી નાખશે.


- શ્રી યોગેશ્વરજી



સ્વધર્મનું પાલન કલ્યાણકારક


દુઃખ, ક્લેશ, દીનતા કે બીજા કોઈયે કારણથી પોતાની ફરજ છોડવાનો વિચાર કરવાની જરૂર નથી. દુઃખ કે ક્લેશ તો શું, પણ મૃત્યુ આવે તો પણ ફરજ છોડવાનો વિચાર ના કરવો એમ ગીતા સંદેશ આપે છે. દુઃખ, દીનતા કે મૃત્યુથી પણ ફરજ કે સ્વધર્મને વધારે ઉત્તમ માનો.


પ્રસિદ્ધ સંત શ્રી જ્ઞાનેશ્વર મહારાજના પિતા વિઠ્ઠલ પંતના જીવનમાં આવો જ પ્રસંગ બન્યો હતો. એકવાર કોઈ કારણથી ઘર છોડીને તે કાશી ગયા. ત્યાં પ્રસિદ્ધ સંતપુરૂષ શ્રી રામાનંદ સ્વામી રહેતા હતા. તેમની પાસે જઈને તેમણે કહ્યું કે મારે કોઈ જવાબદારી નથી, હું એકલો જ છું માટે મને સંન્યાસની દીક્ષા આપો. રામાનંદે તેના વચનમાં વિશ્વાસ રાખીને તેમને દીક્ષા આપી. તે પછી કેટલેક વખતે મહાપુરૂષ રામેશ્વરની યાત્રાએ નીકળ્યા. રસ્તામાં વિઠ્ઠલપંતના ગામ આલંદીમાં તેમણે ઉતારો કર્યો. ત્યાં મારુતિ–મંદીરમાં તેમણે વાસ કર્યો. વિઠ્ઠલપંતના પત્ની રુકમણીબાઈ મારુતિ–મંદીરમાં દર્શન કરવા આવતા. તે પ્રમાણે તે દર્શન કરવા આવ્યા. દર્શન કર્યા પછી તેમણે રામાનંદ સ્વામીના ચરણોમાં પ્રણામ કર્યા, એટલે રામાનંદે તેમને ‘પુત્રવતી થા’ એવો આશિર્વાદ આપ્યો. તે સાંભળીને રુકમણીબાઈને હસવું આવ્યું.


સ્વામીજીએ તેનું કારણ પૂછ્યું, તો તેણે કહ્યું : ‘મહારાજ, મારા પતિએ તો કાશી જઈને સંન્યાસ લીધો છે, એમ મેં સાંભળ્યું છે. તમારો આશીર્વાદ સાચો કેવી રીતે પડશે ? એ વિચારથી જ મને હસવું આવે છે.


આ જાણીને સ્વામીજી વિચારમાં પડી ગયા. તેમને નક્કી સમજાયું કે વિઠ્ઠલપંતે તેમની પાસેથી દીક્ષા લીધી છે ને પોતે તેમને ચૈતન્યાશ્રમ નામ આપ્યું છે. તે જ આ સ્ત્રીનો પતિ હોવો જોઈએ. તેમને ચિંતા થઈ. સ્ત્રીનો ત્યાગ કરીને તથા નિઃસંતાન દશામાં ત્યાગ કરીને વિઠ્ઠલ પંતે સંન્યાસ લીધો, ને પોતે તેને સંન્યાસ આપ્યો તે મોટી ભૂલ થઈ છે, એમ લાગવાથી તેમને દુઃખ થયું. રામેશ્વર જવાનો સંકલ્પ છોડી દઈને તે પાછા કાશી ગયા. સાથે રુકમણીબાઈના પિતા સિધો પંતને પણ લેતા ગયા.


કાશી જઈને તેમણે ચૈતન્યાશ્રમને બોલાવીને તેના પૂર્વાશ્રમની હકીકત પૂછી, ને પોતે આલંદીથી પાછા ફર્યા છે એમ કહી દીધું. તે સાંભળીને ચૈતન્યાશ્રમનું શરીર ઢીલું થઈ ગયું. તે રામાનંદનાં ચરણોમાં પડી ગયા. તે વખતે સિધો પંત પણ પોતાની કન્યાને લઈને ત્યાં આવી પહોંચ્યા.


સ્વામીજીએ વિઠ્ઠલ પંતને ઊભા કરીને કહ્યું કે તારી પત્નીનો ફરી સ્વીકાર કર. સ્વદેશ જઈને ગૃહસ્થી બન ને ધર્માચરણ કર. ગુરૂની આજ્ઞા પ્રમાણે પછી તેમણે આલંદીમાં આવીને ફરી નિવાસ કર્યો. સ્વધર્મનો ત્યાગ કરવાની ભૂલ ગુરૂની મદદથી તે સુધારી શક્યા તો પરિણામે સંસારને લાભ જ થયો. પંદર વરસની નાની વયમાં જ્ઞાનેશ્વરી જેવા અદ્ ભુત ગ્રંથની રચના કરનાર સિદ્ધજ્ઞાની ને યોગી શ્રી જ્ઞાનેશ્વર ને નિવૃત્તિનાથ તથા સોપાન ને મુક્તાબાઈનાં જીવન સંસારને માટે મહામૂલ્યવાન થઈ પડ્યાં.


સ્વધર્મનો ત્યાગ કરીને બેસી રહેવાથી સંસારનું કેટલું અહિત થાય તે સમજવા માટે આટલી વાત પૂરતી છે. ભગવાન કહે છે કે હે અર્જુન, ફરજના પાલનમાં તું પ્રમાદ ના કર. ક્ષણિક આવેશમાં આવી જઈને તારો ધર્મ શું છે તે ના ભૂલ. શાંતિ રાખ,ને પૂરો વિચાર કર.


- શ્રી યોગેશ્વરજી



પાપમાં પ્રેરાવાનું કારણ


આટલા ઉપદેશ પછી અર્જુનને હવે વાચા ફૂટે છે. વધારે એક પ્રશ્નની રજૂઆત કરતાં તે કહે છે કે કેટલીકવાર માણસની ઈચ્છા નથી હોતી છતાં તે બળજબરીથી પાપમાં પડે છે કે દુષ્કર્મ કરે છે, તો તેનું કારણ શું ? તેની ઈચ્છા વિરૂદ્ધ તેને દુષ્કર્મમાં દોરી જનારી વસ્તુ કઈ છે ? ને ત્રીજા અધ્યાયને અંતે ભગવાન તે પ્રશ્નનો જવાબ આપે છે. ખરી રીતે તો જે અર્જુનનો પ્રશ્ન છે તે સૌનોય પ્રશ્ન છે. સામાન્ય રીતે વિચાર કરીએ તો કેટલાક માણસોને માટે તે પ્રશ્ન સાચો છે. આધ્યાત્મિક માર્ગના જિજ્ઞાસુઓ મને કેટલીકવાર આ પ્રશ્ન પૂછે છે. તેમને માટે આપણે વિચાર કરીએ તે જરૂરી છે.


સૌથી પહેલાં તો આપણે એ વાતને ચોખ્ખી કરી દઈશું કે દરેક વખતે ઈચ્છા ના હોય તો પણ માણસ પાપકર્મ કરવા પ્રેરાય છે એમ નથી. વધારે ભાગના માણસો ઈચ્છાપૂર્વક, સંપૂર્ણપણે સાવધ રહીને પાપ કરે છે, ને આનાથી પણ બે ડગલા આગળ વધીને પાપ કરવામાં આનંદ પણ માને છે. કેટલાકને માટે પાપકર્મ કરવાનું એટલું બધું સહજ બની જાય છે કે પોતે કોઈ પાપ કરી રહ્યાં છે એમ તેમને લાગતું નથી ને પાપનો ડંખ તેમના દિલમાં જાગતો નથી. વિવેકનો નાશ થવાથી પાપ કરવા છતાં, પોતે પુણ્ય જ કરી રહ્યા છે એમ તે માને છે ને મનાવે છે. માણસની ઈચ્છા ના હોય છતાં તે પાપ કરે છે, એ વાતને સિદ્ધાંત તરીકે સ્વીકારી લેવાથી માનવીની નબળાઈને પોષણ મળશે, ને ઈચ્છા શક્તિ તથા હિંમત કેળવીને માણસ પાપનો પ્રતીકાર ના કરી શકે, એવી લૂલી માન્યતા મજબૂત બનશે. આમાં માનવનું અપમાન છે; માનવના પુરૂષાર્થને માટે આ માન્યતા શરમરૂપ ને પડકારરૂપ છે માટે તેને સિદ્ધાંત તરીકે માની લેવાની જરૂર નથી. સિદ્ધાંતરૂપે તો એમ જ માનવું બરાબર છે કે પાપ કરવું કે ના કરવું એ માણસના હાથની વાત છે. જો તેની ઈચ્છા ખરેખર પાપ કરવાની નહિ હોય, તો તેને પાપમાં પ્રેરવાની તાકાત દુનિયાની કોઈયે વસ્તુમાં નથી.


જીવનમાં દેવ કે દાનવ બનવું એ તેના હાથની વાત છે. છતાં પણ વ્યવહારિક જીવનમાં, કેટલીકવાર અપવાદરૂપે એવું બને છે કે માણસનું દિલ ડંખતું હોય છતાં તે પાપ કરવા પ્રેરાય છે; પાપ સારું નથી એમ સમજ્યા છતાં તે પાપ કરવા પ્રેરાય છે; પાપ કરવાનું પસંદ ના હોય છતાં સાનભાન ભૂલીને, આંખે પાટા બાંધીને, તે પાપ કરવા પ્રેરાય છે. તેનું કારણ શું ? એવે વખતે તેને પાપમાં કોણ પ્રેરે છે ? મહાભારતમાં મહર્ષિ વ્યાસે તેનો ઉત્તર આપવાનો પ્રયાસ કર્યો છે. માણસ જેને કરવા યોગ્ય માને છે, તેમાં તેની પ્રવૃત્તિ થતી નથી ને જેને અધર્મ સમજે છે તેમાંથી તે નિવૃત્ત થતો નથી. દુર્યોધનની દશા આવી હતી. પોતે અધર્મ કરી રહ્યો છે, પાંડવો સાથે વેર બાંધી પોતાને જ માટે આફત વહોરી રહ્યો છે, છતાં છેલ્લી ઘડીએ પણ તેને ધર્મ ને ન્યાયપૂર્વક પગલું ભરીને પોતાનું ને બીજાનું જીવન બચાવી લેવાનું ગમતું નથી. એનું કારણ શું ? તેના ઉત્તરમાં તે કહે છે કે મારા હૃદયમાં બેઠેલા કોઈક દેવ–પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે, તે જેમ કરાવે તેમ, હું બધું કરું છું.


દુર્યોધનના જેવી જ દશા રાવણની હતી. વિભીષણ, હનુમાન અંગદ ને મંદોદરીએ વારંવાર સમજાવવા છતાં રાવણે રામ સાથે વેર બાંધ્યું. સીતાએ પણ તેને શિખામણ આપી છતાં તેણે અધર્મ કરવાનું ચાલુ જ રાખ્યું. સાધારણ માણસોના જીવનમાં પણ આવા નાનામોટા પ્રસંગો બને છે પણ તેના ખુલાસારૂપે જો ઉપર કહેલા દુર્યોધનના શબ્દો સ્વીકારી લઈએ તો પરિસ્થિતિ સુધરવાને બદલે બગડે છે. માણસના દિલમાં રહેલા દેવોના પણ દેવ પરમેશ્વર તેને અધર્મ તથા પાપકર્મમાં પ્રેરે છે, એમ માનવામાં અજ્ઞાન રહેલું છે. પરમેશ્વર તો પવિત્ર ને મંગલ છે, તથા સત્યસંકલ્પ છે. તેમની પ્રેરણા પણ પવિત્ર, મંગલ ને સાચી જ હોય. અધર્મ ને પાપની પ્રેરણા તે કદાપિ ના કરે એમ માનવું જ બરાબર છે. નહિ તો પછી માણસ જે પાપ કરે, તેની બધી જ જવાબદારી પરમેશ્વરને માથે આવે. ને કેટલાકને પુણ્ય તરફ ને કેટલાકને પાપ તરફ તથા કોઈને ધર્મમાં ને કોઈને અધર્મમાં પ્રેરવાથી તે મહાન પક્ષપાતી સાબિત થાય. હા, દુર્યોધનના વચનોનો વિશાળ અર્થ કરીને આપણે એમ માની શકીએ કે ઈશ્વરની યોજના પ્રમાણે સંસાર ચાલ્યા કરે છે.


માણસે જે કર્મ કર્યાં છે તેનું ફળ ઈશ્વર આપે છે ને તે ફળને ભોગવવાનું નક્કી હોવાથી જ તે પાપ ને પુણ્યમાં પ્રેરાય છે. બાકી ઈશ્વર પોતે પાપ ને પુણ્ય કરાવે છે એમ માનવું ખોટું છે. દુર્યોધન કાંઈ એમ નથી કહેતો, પરમેશ્વર તેને અધર્મમાં પ્રેરે છે. તે તો હૃદયમાં રહેલા કોઈ એક દેવનો ઉલ્લેખ કરે છે. તે જ તેને દોરે છે એમ તે કહે છે. પણ તેના હૃદયમાં શું પરમેશ્વરનો વાસ હતો કે ? તેના અંતરના આસન પર તો ઈશ્વરે નહિ પણ કુટિલકર્મી શયતાને અડ્ડો જમાવ્યો છે. તેના હૃદયમાં અધર્મનો જ વાસ છે. એને તે દેવતા માનવાની ભૂલ કરતો હોય તો ભલે; બાકી તેના દિલનો દેવ શયતાન છે, ને તેના જ અવાજને સાંભળી તે પ્રમાણે તે ચાલી રહ્યો છે. સ્થિતિ એટલી હદે પહોંચી ગઈ છે કે પોતાના દિલમાં ખરેખર કોણ બેઠું છે, ને પોતાના પર ખરેખર કોણ રાજ્ય ચલાવે છે, દેવતા કે દાનવ, તે જ કદાચ તેને ખબર નથી, પણ વિવેકી માણસને તેની ખબર પડ્યા વિના રહેશે કે ?


માણસ ગમે તેટલું છુપાવે, પણ તેના કર્મો છૂપાં રહી શકતાં નથી. તે કર્મો પરથી તેને દોરનાર કે પ્રેરણા આપનાર શક્તિ કેવી છે, દૈવી કે આસુરી, તે સહેજે સમજી શકાય છે. અધર્મ, અનીતિ, અન્યાય, પાખંડ ને પાપ કરનાર માણસ મોહાસુરની સત્તાથી વશ થયેલો છે ને પોતાની અંદર દેવતાનો સ્વાંગ સજીને બેઠેલા પાપ ને અધર્મરૂપી દાનવની દોરવણી પ્રમાણે ચાલે છે એ નક્કી સમજજો. આ પ્રમાણે વિચાર કરશો તો દુર્યોધનના શબ્દોનું રહસ્ય વધારે સ્પષ્ટ સમજાઈ જાશે. માણસના દિલમાં જે કામ ને ક્રોધરૂપી રાક્ષસ છે તે જ માણસને બળજબરીથી પાપમાં પ્રેરે છે. તેની ઈચ્છા ના હોય તો પણ તે અધર્મ કરાવે છે. કામવાસના કે કામના માણસને ભાન ભૂલાવે છે. તેની અસર નીચે આવીને માણસ વિવેકને વિસરી જાય છે. કહે છે કે કામથી માણસ અંધ બને છે. કામી માણસ રાતદિવસ કે સ્વજનસ્નેહી કશાનો વિચાર કરતો નથી. ક્રોધ પણ માણસને અંધ બનાવે છે. ક્રોધી માણસને બોલવાનું, ચાલવાનું ભાન નથી રહેતું. તે ભયંકરમાં ભયંકર કામ કરી નાખે છે. ખુની પણ થઈ જાય છે. આ બંનેનો સરદાર અજ્ઞાન છે. આ ત્રણેનો અંત આણવામાં આવે તો જ જીવન સફળ થાય.


એક બીજી વાત પણ સમજવા જેવી છે. માણસે જે કર્મો કર્યાં છે તેના પ્રભાવથી તેની ઈચ્છા ના હોય તેવા સ્થળમાં ને કલ્પના ના હોય તેવી પરિસ્થિતિમાં રહેવું પડે છે. તે કર્મો તેને સારીનરસી દશામાં દોરી જાય છે. છતાં એ વસ્તુ સાચી છે કે કર્મ કરવામાં માણસ સ્વતંત્ર છે. તે ધારે તો સારાં કામ કરી શકે છે, ને ઉજ્જવલ ભાવિ ઘડી શકે છે. કેવલ કર્મોને દોષ દઈને બેસી રહેવાનું બરાબર નથી. ઈશ્વરને પણ દોષ દેવો ઠીક નથી. કેટલાક માણસો કાળને દોષ દે છે ને કહે છે શું કરીએ ? કલિયુગના દોષો જ એવા છે કે માણસ તેમાં સપડાયા વિના રહી જ ના શકે. સત્યયુગ કે ત્રેતા-દ્વાપર યુગમાં જન્મ મળ્યો હોત તો સારું; પણ એ કથન પણ પાયા વિનાનું છે. યુગ ગમે તેવો હોય તેમાં રહીને જ આપણે કામ કરવાનું છે, ને ઉત્તમ માનવ બનીને જીવનનું ધ્યેય મેળવવાનું છે. યુગ ગમે તેવો હોય, તમે કેવા છો, ને કેવા બનવા માગો છો, તે જ પ્રશ્ન છે. દૃઢ નિશ્ચય કરીને પ્રયાસ કરો તો યુગની ચિંતા તમને નહિ રહે.


તુલસીદાસજી કહે છે કે કલિયુગમાં એક મોટી વિશેષતા એ છે કે તેમાં માનસિક પુણ્ય થાય છે, પણ પાપ થતું નથી. । मानस पुण्य होई नहि पापा । શરીર ને ઈન્દ્રિયોનો સંયમ કરો, ને તે દ્વારા થતા પાપનો ત્યાગ કરો. તો પ્રભુની કૃપા મેળવી શકો. ખોટા દસ્તાવેજ ને સહીસિક્કા કરવાનું, ભેળસેળ કરવાનું, લાંચ લેવાનું ને આપવાનું, ચોરી, લૂંટ, હિંસા ને વ્યભિચાર કરવાનું તથા જૂઠું બોલવાનું બંધ કરો તો બેડો પાર થઈ જાય. રસ્તો ઘણો સરળ ને સાફ છે. નબળાઈને છોડીને આગળ વધો તો જીવન કૃતાર્થ બની જાય. યુગનો કે કોઈનો દોષ ના કાઢશો. દોષ તમારો જ કાઢજો. શું ચૈતન્ય, નાનક ને કબીર કલિયુગમાં જ નથી થયાં ? રામકૃષ્ણદેવ, તુકારામ, મીરાં ને નરસિંહ આ યુગમાં જ નથી થયા ? દયાનંદ ને ગાંધીજી શું આ યુગમાં જ નથી જન્મ્યા ? વિવેકાનંદ ને રામતીર્થ કલિયુગની જ ઉપજ ન હતા ? છતાં તે મહાન થયા. તમે પણ તેમની જેમ તમારી નબળાઈઓનો નાશ કરો, તમારા દોષો દૂર કરો, તો મહાન બની શકો. કયા માર્ગે જવું એ તમારા હાથની વાત છે.


- શ્રી યોગેશ્વરજી


No comments:

Post a Comment