Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૭...લેખ-૨

શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૭...લેખ-૨


એન.એસ.જી. કમાન્ડો ટીમના બ્રિગેડિયર રાજ સીતાપતિએ આૅપરેશન પૂર્ણ થયા પછી તેના પ્રત્યાઘાતરૂપે કોઈ તોફાન કે સામાન્ય હલચલ પણ ન જોતાં, તેમણે જણાવ્યું કે સમગ્ર દેશની પ્રજામાં આજે જે શાંતિ સ્થપાઈ છે તે માટે શ્રી પ્રમુખસ્વામી મહારાજની શાંતિની અપીલ, વર્તન અને વ્યવહાર જ કારણભૂત છે. શ્રી પ્રમુખસ્વામી મહારાજના આ વલણથી દુનિયામાં Akshardham Response નામનો નવો શબ્દપ્રયોગ શરૂ થયો.


સત્પુરુષો સર્વથા, સર્વદા અને સર્વત્ર નિર્ભયતાથી ભરેલા હોય છે. તેઓની ક્રિયાઓમાં, વિચારોમાં કે સમજણોમાં સ્થિતપ્રજ્ઞતાનો પ્રભાવ ખૂબ સહજપણે ઝળહળતો હોય છે. સર્વોપરી, સર્વકર્તા અને સર્વશક્તિમાન્પરમાત્મસ્વરૂપના ઉત્તમ-નિર્વિકલ્પ નિશ્ચયથી તેમની બુદ્ધિ છલોછલ હોય છે. આથી તેઓ ક્યારેય, ક્યાંય પણ, કોઈનાથી પણ, કોઈ પણ રીતે ભય પામતા નથી. તેમનું અંતઃકરણ સદાય શાંત સરોવર જેવું નિર્મળ હોય છે. વાયુ રહિત સ્થળમાં મૂકેલ દીવાની જ્યોતની જેમ તેઓની બુદ્ધિ જરાય કંપ્યા વગર અત્યંત સ્થિરતા ધરી રહે છે.

૧૯૮૧ની વાત છે. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઊજવવાનો હતો. ૩૭ દિવસ ઉત્સવ ચાલવાનો હતો, પરંતુ મહોત્સવના આરંભ પહેલાં જ અમદાવાદમાં અનામત આંદોલન શરૂ થયું. દિવસે દિવસે આંદોલન ઉગ્ર બનતું ગયું. પરિસ્થિતિ વધુ સ્ફોટક બનતી જતી હતી. ખાસ કરીને સાબરમતી આશ્રમ પાસે જ્યાં ઉત્સવ ઊજવવાનો હતો તે સ્થળ જ ચારે બાજુ તોફાનથી ઘેરાયેલું હતું. આવા સંજોગોમાં ઉત્સવ કેમ થશે? એવા ભયથી આયોજનમાં સેવા આપતા સંતો, કાર્યકરોનાં મન ચિંતિત હતાં. તૈયારીઓ તો જોર-શોરથી શરૂ થઈ હતી, પરંતુ હવે બીક લાગતી હતી કે ચાલુ ઉત્સવે જો તોફાન થાય અને જાનહાનિ કે માલહાનિ થાય તો ભારે મુશ્કેલી સર્જાશે. આથી સૌ સ્વામીશ્રી પાસે દોડી ગયા. વર્તમાન પરિસ્થિતિની ભયજનકતાનો ચિતાર સ્વામીશ્રી સમક્ષ રજૂ કર્યો. સૌને પાક્કી ખાતરી હતી કે સ્વામીશ્રી પણ આ વિગત સાંભળી, વિચાર કરી ઉત્સવ કરવાનો વિચાર માંડી વાળશે, પરંતુ સ્વામીશ્રીએ તો શાંત ચિત્તે સૌને સાંભળ્યા. હવે શું કરવું? એ અંગે સૌનો મત લીધો. બધાએ જ્યારે સર્વાનુમતે જણાવ્યું કે ઉત્સવને મોકૂફ રાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય સૂઝ તો જ નથી. ત્યારે અત્યંત નિર્ભયતાથી, દૃઢતાથી અને શાંત ચિત્તે જણાવ્યું કે 'આપણે ઉત્સવ તો નક્કી કર્યા પ્રમાણે જ ઊજવવો છે. મહારાજ બધું સારું કરશે. મહારાજનું કામ છે, તે મહારાજ કરશે. દેશકાળ ઉડાડી દેશે.' સ્વામીશ્રીના શબ્દોમાં ભગવત્સ્વરૂપની નિશ્ચળ નિષ્ઠા અને શ્રદ્ધા પડઘાતી હતી. ગીતાની સ્થિતપ્રજ્ઞતાનો આ પ્રત્યક્ષ પુરાવો હતો. સ્વામીશ્રીની સ્થિતપ્રજ્ઞસ્થિતિએ સૌ આયોજકોના ભયને ભગાડ્યો. સૌને બળ મળ્યું. સૌ પુનઃ નિર્ભયતાથી સેવામાં જોડાઈ ગયા. અને ખરેખર, સૌના આશ્ચર્ય વચ્ચે ઉત્સવ શરૂ થતાં સુધીમાં જ વાતાવરણ કાબૂમાં આવી ગયું. નિર્વિઘ્ને ઉત્સવ ઊજવાઈ ગયો!

આમ ગીતા સ્થિતપ્રજ્ઞતા દ્વારા આપણને નિર્ભયતાનું વરદાન આપે છે.

વીતક્રોધ :


ત્રીજી વાત છે ક્રોધની. ક્રોધ એટલે ગુસ્સો. આ પણ એક આંતરિક લાગણી છે. આપણા મનોરથના માર્ગને કોઈ અવરોધે છે ત્યારે આપણી બુદ્ધિ આહત થઈ બેસે છે અને પરિણામે તે અવરોધ કરનાર સામે ક્રોધાગ્નિ ભડકી ઊઠે છે.

આ પરિસ્થિતિમાં આંતરિક શાંતિ સાવ ખોરવાઈ જાય છે. બુદ્ધિ વિવેકપૂર્ણ વિચાર કરવાનું સામર્થ્ય ખોઈ બેસે છે અને એક પ્રકારની મૂર્ખતાને વશ થઈ જાય છે. પછી તેની પ્રતિક્રિયાઓ છેક શારીરિક સ્તર સુધી પણ પહોંચે છે.

મનુષ્ય તથા પ્રાણીઓ સૌ કોઈમાં ક્રોધની આગ ભભૂકતી દેખાય છે. ગુસ્સે થયેલા આખલાની ભયાનકતા ઘણાએ જોઈ હશે. વાઘ, સિંહ, બિલાડા, કૂતરાં કે પછી અન્ય જાનવરોના હાવભાવ જોતાં પણ તેઓનો ક્રોધ સમજી શકાય છે. કીડી, મકોડા જેવાં જંતુઓ પણ ચટકાં-બટકાં ભરતાં પાછીપાની નથી કરતા. આપણે પણ એવું જ છે. મનુષ્ય જ્યારે ક્રોધના આવેગમાં ઝ ડપાય છે ત્યારે તે આંતરિક પરિવર્તનની સાથે બાહ્ય શરીર ઉપર પણ ઘણાં પરિવર્તનો અનુભવે છે. જેમ કે તેની ભાષા બદલાઈ જાય. અપશબ્દો અથવા ન બોલવાનું બોલવા લાગે. આંખો લાલ થઈ જાય. હોઠ તથા અન્ય ગાત્રો ધ્રૂજવા લાગે. ન કરવાનું કરી બેસે. ઉતાવળે અયોગ્ય નિર્ણયો કરી તેને તુરંત જ અમલમાં મૂકવા રઘવાયો થઈ જાય. શરીરમાં લોહીનું દબાણ વધવા લાગે. નાડીના ધબકારા અણધારી સીમાએ જઈ પહોંચે અને હૃદય આહત થવા લાગે, વગેરે. આમ ક્રોધનાં પરિણામો ભયાનક હોય છે. જેમ વંટોળિયો કે વાવાઝ ùડું થોડી ક્ષણો માટે જ આવે, પરંતુ તેનાથી થયેલાં નુકસાનને ભરપાઈ કરતાં વરસો વીતી જાય અથવા તો ભરપાઈ થાય જ નહીં. એવું જ ક્રોધનું છે. ક્રોધના વાવાઝ ùડામાં સમજણના દીવાઓનું કાંઈ ઠેકાણું રહેતું નથી. ક્રોધની શરૂઆત મૂર્ખતાથી થાય છે, ને અંત પશ્ચાત્તાપથી. ખરેખર, ક્રોધના હેતુઓ કરતાં એનાં પરિણામો કેટલાં હાનિકારક હોય છે તે વિચારવામાં ઉપેક્ષા ન કરવી જોઈએ. ક્રોધની અસર બંને બાજુ થાય છે. હા, ઘણીવાર કરનારને તે વધુ નુકસાન પહોંચાડે છે.

આથી ગીતા વીતક્રોધ - ક્રોધરહિત રહેવાનો ઉપદેશ આપે છે.

સ્થિતપ્રજ્ઞતા ક્રોધનું ઓસડ છે. 'कामात् क्रोघोऽभिजायते' (ગીતા ૨/૬૨). ક્રોધનું મૂળ કામના એટલે કે વાસના છે. સ્થિતપ્રજ્ઞતાને પામેલા મનુષ્યમાં કોઈ પ્રકારની લૌકિક કામના જ નથી હોતી. આથી જ્યાં મૂળ જ નથી ત્યાં ક્રોધને ઊગી નીકળવાની વાત જ કઈ રીતે સંભવે.

વળી, ભગવાનની ઇચ્છા વગર કાંઈ થતું નથી, ભગવાન જે કરે તે સારા માટે જ હોય, ભગવાન સામેવાળામાં રહી મારી કસોટી કરે છે, મને મારી ભૂલો સુધારવાની તક આપે છે... વગેરે. આ પ્રકારના નિશ્ચયો જેની બુદ્ધિમાં સ્થિર થયા હોય તેને ક્રોધના આવેગો ક્યારેય આવે નહીં. તેનાં અંતઃકરણનું શાંત સરોવર ક્યારેય ડહોળાય નહીં.

આથી ગીતા કહે છે - ક્રોધના આવેગો આવે છે? ગુસ્સે થઈ જવાય છે? ભલે એમ થતું, ગભરાશો નહીં. સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરો. લૌકિક કામનાઓને ઘટાડતા જાવ, પરમાત્મપ્રાપ્તિથી સંતુષ્ટ રહો અને પરમાત્માના કર્તાપણાની સમજણને બુદ્ધિમાં સ્થિર કરો તો ક્રોધની લહેરખી સુધ્ધાં નહીં ઊઠે.

સત્પુરુષો આનો જીવંત દાખલો છે. સ્થિતપ્રજ્ઞતાના પ્રભાવે તેમના જીવનમાં ક્રોધને ભભૂકવાનો કોઈ અવકાશ જ રહેતો નથી.

ઈ.સ. ૧૯૮૬માં પ્રમુખસ્વામી મહારાજને થાપામાં થયેલી ગાંઠનું આૅપરેશન મુંબઈમાં કરવામાં આવ્યું. ઓપરેશન પછી સ્વામીશ્રી એક હરિભક્તના ઘરે આરામ માટે રોકાયા હતા. એક દિવસ તે હરિભક્તના મિત્ર દર્શને આવ્યા. એ મિત્ર હતા. મોટા રાજકીય નેતા. તેમનું ભણતર પણ સારું. તેઓ સ્વામીશ્રીની સમીપ આવ્યા. દર્શન અને તબિયત પૂછવાની વાત તો એક બાજુ પર રહી, તેઓના પૂર્વગ્રહનો દાવાનળ ત્યાં ને ત્યાં જ ફાટી નીકળ્યો. અતિ ક્રોધના આવેગમાં આવી જઈ વાહિયાત આક્ષપોનો ટોપલો અતિ હલકા અને કર્કશ શબ્દોમાં સ્વામીશ્રી પર નાંખ્યો. સામાન્ય માણસની બુદ્ધિ પણ એટલું સમજતી હોય કે બીમાર માણસને તો ફક્ત ખબર-અંતર જ પૂછવાનાં હોય, પરંતુ આ પ્રસંગમાં તો એક સુશિક્ષિત અને જવાબદાર માણસ વિપરીત વર્ત્યા. સ્વામીશ્રીના પ્રતિભાવોમાં કોઈ વિપરીતતા ન હતી. તેઓ અત્યંત શાંત હતા. સ્વબચાવનો એક શબ્દ પણ ન બોલ્યા. એટલું જ નહીં પણ જ્યારે સાથેના સંત તે ભાઈના અવિવેકને સુધારવા ગયા, તો તેમને પણ સ્વામીશ્રીએ વાર્યા. તેમને ઊભરો ઠાલવવા દીધો. આ દૃશ્ય જોનાર સૌનાં અંતર સમસમી ઊઠ્યાં. મનમાં આક્રોશ ઊભરાવા લાગ્યો જ્યારે સ્વામીશ્રી તો ગીતાના સ્થિત-પ્રજ્ઞની જેમ વીતક્રોધની અવસ્થા ધારણ કરી રહ્યા હતા.

૨૪મી સપ્ટેમ્બર, ૨૦૦૨, મંગળવારની સાંજે વિશ્વને શાંતિ તેમજ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું નિરાળું શિક્ષણ આપતા 'અક્ષરધામ'ના ગાંધીનગર ખાતેના પરિસરમાં, સમગ્ર વિશ્વ સ્તબ્ધ બની જાય એવી કરુણ ઘટના બનવા પામી. જ્યાં પ્રતિવર્ષે ૨૨ લાખથીય વધુ લોકો શાંતિનો સંદેશ પ્રાપ્ત કરવા આવે છે એવા આ પવિત્ર ધામમાં એ સાંજે ૪-૪૫ વાગ્યે આતંકવાદીઓ ધસી આવ્યા અને એક દારુણ કરુણાંતિકા સર્જાઈ ગઈ.

આતંકવાદીઓ દ્વારા નિર્દોષો પર થયેલ આ અત્યાચારના સમાચાર જેમ જેમ ફેલાતા ગયા, લોકોમાં રોષ ફેલાતો ગયો. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત ૧૬ રાજ્યોમાં જાહેરબંધનું એલાન થયું. દિલ્હી, મુંબઈ, લખનઉ, જયપુર વગેરે ૩૫ જેટલાં શહેરોમાં સજ્જડ બંધ પળાયો. કેટલીય રાજકીય તથા બિનરાજકીય સંસ્થાઓ આ ઘટનાના પ્રત્યુત્તરની વિચારણા કરવા લાગી. કેટલાયને ઈંટનો જવાબ પથ્થરથી આપવાના વિચારો આવવા લાગ્યા. આ પરિસ્થિતિમાં અક્ષરધામના સર્જક શ્રી પ્રમુખસ્વામી મહારાજના પ્રતિભાવની જાણે ઘણા પ્રતીક્ષા કરી રહ્યા હતા. સ્વામીશ્રી પોતાના આશ્રિતોને આ દુષ્કૃત્યનો બદલો લેવા તેજાબી આદેશો કરશે એમ કેટલાયનું અનુમાન હતું. કેવળ આશ્રિતો જ નહીં, આખો ભારત દેશ એ આદેશને પળવારમાં સ્વીકારી લે અને દેશભરમાં બદલાની આગ સળગી ઊઠે એવા સંજોગો હતા, પરંતુ આ સંજોગોમાં શ્રી પ્રમુખસ્વામી મહારાજની જે પ્રતિક્રિયા હતી, તેમાં વિશ્વશાંતિનું રહસ્ય હતું, આનંદમય જીવનની ગંગોત્રી હતી. એ પ્રતિક્રિયા હતી- સ્થિતપ્રજ્ઞતાની. કોઈ પણ મનુષ્યની બુદ્ધિમાં ક્રોધના અંગારા વેરતા વિચારો આવવા લાગે તેવી સ્થિતિમાં સ્વામીશ્રીના અંતઃકરણમાં કોઈ ખળભળાટ ન હતો. બુદ્ધિની સ્વસ્થતા અને વિવેકશીલતામાં લગારેય વિકૃતિ કે વિચલિતતા ન હતી. પરમશાંતિના ઝરણામાં કોઈ મલિનતા ન હતી. જેવા સમાચાર મળ્યા કે તુરંત પોતે એકાગ્ર ચિત્તે સ્વામિનારાયણ ભગવાનની ધૂનમાં જોડાઈ ગયા. વધુ આતંક ન થાય, પીડિતોને રાહત થાય, મૃતકોને સદ્ગતિ મળે અને લોકોને દુઃખ સહન કરવાનું બળ મળે તે માટે ભગવાનને ગદ્ગદભાવે પ્રાર્થના કરી. (યાદ રહે કે જ્યારે સ્વામીશ્રીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી ત્યારે જે જે સ્થળે દર્શનાર્થીઓનું મૃત્યું થયું હતું ત્યાં જઈ ભગવાનની પ્રસાદીનું જળ છાંટી તેઓની સદ્ગતિ માટે પ્રાર્થના કરી હતી. એટલું જ નહીં પરંતુ આતંકવાદીઓ જે સ્થળે મૃત્યુ પામ્યા હતા ત્યાં પણ જઈ તેઓની સદ્મતિ અને સદ્ગતિ માટે પણ પ્રાર્થના કરતાં પ્રસાદીભૂત જળ છાંટ્યું હતું.) તેઓને એ પણ ખ્યાલ હતો કે આ સંજોગોમાં લોકો રોષે ભરાશે અને દેશભરમાં જીવલેણ તોફાનો ફાટી નીકળશે. તેથી તરત જ તેમણે જાહેર જનતા માટે આ પ્રસંગે કોઈ પણ પ્રકારનો બદલો ન લેવા, તોફાનો ન કરવા અને સંપૂર્ણપણે શાંતિ જાળવવા અપીલ કરી. અને ખરેખર, એ અપીલે સમગ્ર દેશને આતંકની આગમાં ભસ્મીભૂત થતાં બચાવ્યો. વિશ્વભરના દેશોમાં આ આતંકના સમાચારથી સૌને આંચકો તો લાગ્યો જ હતો, પરંતુ તેની સામે શ્રી પ્રમુખસ્વામી મહારાજની જે શાંતિમય પ્રતિક્રિયા હતી તેના સમાચારથી સૌનાં હૈયાં સાનંદ આશ્ચર્યચકિત થઈ ગયાં. તેઓને વધુ આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે સ્વામીશ્રીએ અક્ષરધામ પરિસરમાં બંદૂકની ગોળીનું નિશાન માત્ર ન રહે તે રીતે સમારકામ કરી દેવા આદેશ કર્યો. કારણ તેઓ જાણતા હતા કે જ્યાં સુધી ગોળીઓનાં નિશાન રહેશે ત્યાં સુધી લોકોનાં હૃદયનો ઘા રુઝ ëશે નહીં.

સ્વામીશ્રીના આ પ્રતિભાવની વિશ્વફલક પર ખૂબ ઊંડી અસર થઈ. વાસ્તવમાં આ ઓપરેશનનો મુખ્ય ચાર્જ જેમને સોંપવામાં આવ્યો હતો તે એન.એસ.જી. કમાન્ડો ટીમના બ્રિગેડિયર શ્રીમાન્રાજ સીતાપતિએ પોતાના સાથીદારોને આ ઓપરેશનનું નામ થંડર બોલ્ટ આપ્યું હતું, પરંતુ આૅપરેશન પૂર્ણ થયા પછી તેના પ્રત્યાઘાતરૂપે ગુજરાત તથા અન્ય રાજ્યોમાં કોઈ તોફાન કે સામાન્ય હલચલ પણ ન જોતાં અને સંપૂર્ણ શાંતિમય વાતાવરણ જોતાં, તેમણે જણાવ્યું કે સમગ્ર દેશની પ્રજામાં આજે જે શાંતિ સ્થપાઈ છે તે માટે શ્રી પ્રમુખસ્વામી મહારાજની શાંતિની અપીલ, તેમનું આક્રોશ રહિત વર્તન અને વ્યવહાર જ કારણભૂત છે. શ્રી પ્રમુખસ્વામી મહારાજના આ વલણથી દુનિયામાં Akshardham Response નામનો નવો શબ્દપ્રયોગ શરૂ થયો.

આથી જ આ આતંકવાદી હુમલા પછી જર્મનીમાં હાઈડલબર્ગ ખાતે મળેલી વિશ્વપરિષદમાં (World Conference) આ સમગ્ર ઘટના અને તેમાં શ્રી પ્રમુખસ્વામી મહારાજે અપનાવેલા વલણનો કેસ સ્ટડી (Case Study) રજૂ કર્યો ત્યારે ત્યાં ઉપસ્થિત સૌ સભ્યોએ આ વાતને વધાવી લેતો ઠરાવ પસાર કર્યો હતો કે દુનિયામાં કોઈ પણ સ્થળે ધાર્મિક સંસ્થા પર હુમલો થાય ત્યારે Akshardham Response આપી Forget and Forgiveની Philosophy અપનાવવી જોઈએ.

આ આતંકી ઘટના અને તેના પ્રત્યાઘાતના સમાચાર સાંભળી ન્યૂયોર્કના સેનેટર અને અમેરિકાની હોમ લેન્ડ સિક્યોરિટીના ચીફ શ્રીમાન્માઈકલ બાલબોની કહે છે કે ત્રાસવાદ સામે શાંતિભર્યું વલણ અપનાવી શ્રીપ્રમુખસ્વામીજીએ માનવસમાજને શાંતિની કદાચ સૌથી મોટી ભેટ આપી છે.

આથી જ તા. ૨૬/૯/૨૦૦૨ના રોજ સારંગપુરમાં ભારતના તત્કાલીન સંરક્ષણ મંત્રી શ્રીમાન્જ્યોર્જ ફર્નાન્ડીઝ  સ્વામીશ્રીના દર્શનાર્થે પધાર્યા ત્યારે તેમણે કહ્યું કે - 'आपके शब्द एक विशेष महत्त्व रखते हैं। यह शब्द केवल शांति प्रस्थापित करने तक नहीं बल्कि आतंकवाद के विषय पर एक नया ज्ञान देने की शक्ति आपके शब्द में है।'

ખરેખર, સ્વામીશ્રીએ કરેલ શાંતિની અપીલ એ ગીતોક્ત સ્થિતપ્રજ્ઞતાનું પ્રતિબિંબ છે. તેમણે અપનાવેલું વલણ પણ ગીતાના સ્થિતપ્રજ્ઞની ક્રોધશૂન્યતાની પ્રતિકૃતિસમું છે.

શ્રી પ્રમુખસ્વામી મહારાજની જેમ આપણે પણ જો આ સ્થિતપ્રજ્ઞતાને આપણા જીવનમાં ઘૂંટીએ તો દુનિયામાં બનતી કેટલીય હાનિકારક ઘટનાઓનો ઉકેલ આવી જાય તેમ છે.

આ રીતે वीतरागभयक्रोघः ગીતાના આ એક જ શબ્દે વીતરાગિતા, ભયશૂન્યતા અને ક્રોધશૂન્યતાનો ત્રિવેણી સંગમ સ્થિતપ્રજ્ઞતાના પ્રયાગમાં સાધી આપ્યો છે.

ઉપસંહાર


આમ 'दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः। वीतराग-भयक्रोघः स्थितघीर्मुनिरुत्व्यते॥' (ગીતા ૨/૫૬) એમ કહીને ગીતા આપણને લૌકિક સુખ-દુઃખને પચાવવાની ઔષધિ દર્શાવે છે. રાગ, ભય અને ક્રોધ જેવાં અનિષ્ટોને નેસ્તનાબૂદ કરવાનો ઉપચાર ઓળખાવે છે. સ્થિતપ્રજ્ઞતા જ એ ઔષધિ છે, ઉપચાર છે. બસ, આપણે એનો ઉપયોગ માત્ર કરવાનો છે. અસ્તુ.




No comments:

Post a Comment