Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧...લેખ-૧

શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧...લેખ-૧


ગાંધીજીએ ગીતા વિષે પોતાનો અભિપ્રાય કહ્યો - ''મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છુ. જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે, તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી. તે હંમેશા આનંદમાં રહે છે.


શ્રીમદ્ ભગવદ્ ગીતાનો વૈભવ


પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારત યુદ્ધના આરંભે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપે પ્રગટેલી શ્રીમદ્ભગવદ્ ગીતા માત્ર હિન્દુ પરંપરા નહીં, પરંતુ સમસ્ત માનવજાતિ માટે અધ્યાત્મ અને જીવન વ્યવહારની દીક્ષા આપતો એક અદ્ભુત ગ્રંથ છે. ભારતના તમામ પ્રાચીન અને અર્વાચીન આચાર્યો તેમજ વિશ્વભરના ચિંતકોએ ભગવદ્ ગીતાના સંદેશને વારંવાર ઘૂંટ્યો છે, તેના પર મનન-ચિંતનનો પ્રવાહ વહાવ્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ ભગવદ્ ગીતાને પ્રમાણિત કરી છે.


ભગવદ્ ગીતા! એક વિરલ ઘટના! જીવનની વાસ્તવિકતાઓથી આરંભી આદર્શોનાં અંતિમ શિખરો સર કરતું એક અભિયાન! જીવદશામાંથી બ્રહ્મદશામાં રૂપાંતરિત કરતું દિવ્ય રસાયણ! તત્ત્વજ્ઞાન અને જીવનને સમરસ બનાવતું અધ્યાત્મમંથન! વ્યક્તિશાંતિથી વિશ્વશાંતિની ચિંતનધારા! વિષાદને પ્રસાદમાં પલટાવતી શક્તિની ખાણ!

ભગવદ્ ગીતા શું નથી? તેના વિષે તો આવું કેટલુંય કહી શકાય.

ગાંધીજીએ ગીતા વિષે પોતાનો અભિપ્રાય કહ્યો - ''મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છુ. જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે, તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી. તે હંમેશા આનંદમાં રહે છે. હું તો ચાહું છુ કે ગીતા રાષ્ટ્રીય શાળાઓમાં જ નહીં પરંતુ પ્રત્યેક શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવામાં આવે. એક હિંદુ બાળક કે બાલિકા માટે ગીતા વિષે ન જાણવું તે શરમની વાત હોવી જોઈએ.'' (ગાંધીજી)

વિનોબા ભાવેજીના ઉદ્ગારો પણ સંભારવા જેવા છે - ''મારું શરીર માના દૂધથી પોષાયું છે. પણ તેથીએ વિશેષ મારું હૃદય અને મારી બુદ્ધિ એ બંનેનું પોષણ ગીતાના દૂધથી થયું છે. (વિનોબા ભાવે - ગીતા પ્રવચનો)

ભગવદ્ ગીતાના સંપર્કમાં આવનારને આવા અવનવા અનુભવો થયા કરે છે.

હા, ક્યારેક, મીઠાની પૂતળી દરિયાનો તાગ કાઢવા ગઈ ને ઓગળી ગઈ! તેવું ગીતાની બાબતમાં પણ બન્યું છે. ઘણા વિદેશીઓએ અમસ્તું જ કે પછી કોઈ હેતુસર ગીતામાં ડોકિયું કર્યું ને તેને સમર્પિત થઈ ચૂક્યા છે. હેન્રી ડેવિડ થોરો કહે છે - 'મારા જીવનના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આ નાનકડી પુસ્તિકામાં છે.'(હેન્રી ડેવિડ થોરો) એમર્સનના શબ્દો છે, 'ગીતા માનવજાતની સર્વોચ્ચ સંપત્તિ છે. 'सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि।'(ગીતા-૬/૨૯) જેવાં વાક્યો વાંચી મારું હૃદય પુલકિત થઈ ઊઠે છે.'' (એમર્સન) વોરન હેસ્ટિંગ્સે પણ અનુભવ્યું કે - ''નીતિને ઉન્નતિના ટોચ પર પહોંચાડવામાં ગીતાનો ઉપદેશ અદ્વિતીય છે.'' (વોરેન હેસ્ટિંગ્સ્)

ખરેખર! ભગવદ્ ગીતા એ એના વાચકોને ગરકાવ કરી દીધા છે. કોઈ ભટકેલાને જીવનનો રાહ ચીંધ્યો છે, તો કોઈને આવૃત્તચક્ષુ બનાવી અંતર્દૃષ્ટિમાં લીન કરી દીધા છે. કોઈ ધર્મભીરુને ધર્મવીર બનાવ્યા છે તો કોઈ શુષ્કજ્ઞાનીને ભક્તિભીના કર્યા છે. કોઈ રાગીભોગીમાં સંયમને ઘૂંટાવ્યો છે તો કોઈ ભક્તિના ઓથે ઉચ્છૃંખલ બનેલાને વૈરાગ્યનો મહિમા સમજાવ્યો છે. કોઈની આળસ ખંખેરી તેમાં સાધનાનો ઉત્સાહ પૂર્યો છે તો કોઈ પછડાયેલામાં ભરપૂર જોમ ભર્યું છે. શું નથી કર્યું ભગવદ્ ગીતા એ! આ બધું શા માટે શક્ય બન્યું? જવાબ ગીતામાહાત્મ્યના એક શ્લોકમાં મળી આવે છે - ''यस्माद् घर्ममयी गीता सर्वज्ञान-प्रयोजिका। सर्वशास्त्रमयी गीता तस्माद् गीता विशिष्यते॥'' અર્થાત્ ગીતા ધર્મમય છે, જ્ઞાનમાત્રની પ્રયોજિકા છે, અને સર્વશાસ્ત્રમય છે. તેથી જ ગીતાએ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. (ગીતામાહાત્મ્ય અનુસંધાન)

આવો, આવી ભગવદ્ ગીતા  વિષે કેટલુંક જાણીએ.

મહાભારત


શ્રીમદ્ ભગવદ્ ગીતા  વિષે કાંઈ પણ વિચારીએ તે પહેલાં મહાભારત ગ્રંથને સંભારવો જ રહ્યો. કારણ, ભગવદ્ ગીતા  મહાભારતનો જ એક અંશ છે.

મહાભારત 'ઇતિહાસ' છે. સર્વમહાન ભારતવર્ષનો સાંસ્કૃતિક ઇતિહાસ! 'इति' એટલે 'એ પ્રમાણે', 'ह' એટલે 'અવશ્ય', 'ખરેખર' અને 'आस' એટલે 'બન્યું હતું.'

ઇતિહાસ શબ્દનો આ વ્યુત્પત્તિલભ્ય અર્થ છે. આથી 'મહાભારત' એટલે વાસ્તવિક ઘટેલી ઘટનાઓનું દસ્તાવેજી મહાકાવ્ય.

મહર્ષિ વેદવ્યાસ એના રચયિતા છે. ૧૮ પર્વો અને ૧ લાખ શ્લોકોમાં અહીં એક વિશાળ સમયપટ પર પથરાયેલો ભારતવર્ષનો ઇતિહાસ અમરતા પામ્યો છે.

રચયિતા એટલા તો કુશળ છે કે કહેવા જેવું કાંઈ ભૂલ્યા નથી, અને જરૂર વગરનું કાંઈ કહ્યું નથી. ખુદ મહાભારતમાં જ મહાભારત અંગે કહેવાયું છે


'घर्मे चार्थे च कामे च मोक्षे च भरतर्षभ।

यदिहास्ति तदन्यत्र यन्नेहाऽस्ति न तत् क्वचित्॥'


અર્થાત્ 'ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ એ ચાર પુરુષાર્થની બાબતમાં જે આ મહાભારતમાં ઉપદેશાયું છે તે જ સકળ જગતમાં દેખાય છે. અને જે અહીં નથી કહેવાયું તે ક્યાંય જોવામાં નથી આવતું.' (મહાભારત ૧/૫૬/૩૩).

તાત્પર્ય એટલું જ કે મહાભારત જીવનની સર્વાંગીણ સમજૂતીનો સંપૂર્ણ ગ્રંથ છે. આથી જ ભારતીય સનાતન સંસ્કૃતિના ઐતિહાસિક વિશ્વકોશ સમો આ દિવ્યગ્રંથ આજે પણ વૈશ્વિક વાઙ્મયમાં અદકેરા આદરને પામ્યો છે. અને પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતું સર્વમહાન કાવ્ય બની ઝ ળહળી રહ્યો છે.

આવા મહિમાવંત મહાભારતમાં ભગવદ્ ગીતા  શોભી રહી છે. રમણીય ઉદ્યાનમાં કોઈ પારિજાતકનું નાનકડું વૃક્ષ શોભે તેમ! પુષ્પમાળામાં સુગ્રથિત તારો શોભે તેમ! નક્ષત્રમંડળમાં નિશાપતિ ચંદ્ર શોભે તેમ! કુલીન કુટુંબમાં કુલદીપક પુત્ર શોભે તેમ! કે પછી પ્રાણવાન શરીરમાં આત્મા શોભે તેમ.

ખરેખર, આખાયે મહાભારતનું સર્વસ્વ આ નાનકડા શાસ્ત્રમાં અદ્ભુત રીતે સમાયું છે.

આવો, મહાભારતના જ એક દિવ્ય અંશ - શ્રીમદ્-ભગવદ્-ગીતાના વૈભવને માણીએ.

ભગવદ્ ગીતા નો વૈભવ


કોઈ રાજપ્રાસાદને બે રીતે માણી શકાય. એક તેની બહિરંગ ભવ્યતાનાં દર્શન દ્વારા. અને બીજું અંદર પ્રવેશી તેની અંતરંગ ભવ્યતાના અનુભવ દ્વારા. ભગવદ્ ગીતા  એક ભવ્ય ગ્રંથપ્રાસાદ છે. તેનો બહિરંગ વૈભવ અને અંતરંગ વૈભવ બંને પરમ આહ્લાદક છે.

બહિરંગ વૈભવ


ભગવદ્ ગીતા નો બહિરંગ વૈભવ એટલે તેના સર્જક, સ્વરૂપ, શૈલી ઇત્યાદિ બાહ્ય વિશેષતાઓનો ખ્યાલ.

રચયિતા - व्यासेन ग्रथिता


મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચ્યું. ગીતા મહાભારતનો જ એક ભાગ છે એટલે ગીતાના રચયિતા કોણ છે તે આપ મેળે સમજાઈ જાય છે. ભગવદ્ ગીતા  એક છંદોબદ્ધ ગ્રંથસ્વરૂપે પ્રાપ્ત થાય છે. તેથી કોઈને એમ ઇંતેજારી જાગે કે શું જે રીતે હાલ ગીતાગ્રંથ ઉપલબ્ધ થાય છે તે જ રીતે ભગવાન શ્રીકૃષ્ણે છંદોબદ્ધ શ્લોકરૂપે જ અર્જુનને બોધ આપ્યો હશે? અને શું અર્જુને પણ શ્લોકાત્મક રીતે જ પોતાની જિજ્ઞાસાઓ વ્યક્ત કરી હશે? જવાબ છે - ના. હકીકત એવી છે કે યુદ્ધવેળાએ જે કાંઈ બની ગયું, કે અર્જુને જે કાંઈ પૂછ્યું અને ભગવાન શ્રીકૃષ્ણે જે કાંઈ ઉપદેશ આપ્યો - આ સંપૂર્ણ વૃત્તાંતને મહર્ષિ વેદવ્યાસજીએ શ્લોકબદ્ધસ્વરૂપ આપ્યું અને મહાભારત ગ્રંથમાં ગૂંથી લીધું. આમ અર્જુન સામે ગીતાના ગાનારા ભલે કૃષ્ણ હોય, પરંતુ તેને શાસ્ત્રનું સ્વરૂપ આપી ગૂંથનારા તો મહર્ષિ વ્યાસજી જ છે.

સ્થાન - मध्ये महाभारतम्


મહાભારતના ભીષ્મપર્વમાં ગીતા સ્થાન પામી છે. ભીષ્મ પર્વના કથાપ્રવાહમાં આવતા વર્ણન પ્રમાણે મહર્ષિ વેદવ્યાસ અંધ ધૃતરાષ્ટ્ર પાસે જઈ યુદ્ધ સંદર્ભે જે કાંઈ અવશ્યંભાવી હતું તેની ઘણી વાતો સંભળાવે છે. અને હજુ પણ આ સમરાંગણના આખાયે વૃત્તાંતને ધૃતરાષ્ટ્રજી સારી રીતે જાણી શકે તે માટે જ્ઞાની સંજયને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરી આંખે દેખ્યો અહેવાલ સંભળાવવા નિયુક્ત કરે છે. પછી વ્યાસજી ત્યાંથી સિધાવે છે. અને સંજય પણ દિવ્યદૃષ્ટિના પ્રભાવથી દૂરદર્શનનું સામર્થ્ય પામી, ધૃતરાષ્ટ્રને સંભળાવવાનું આરંભે છે. આ બધાં વર્ણનોમાં ભીષ્મપર્વના ૨૪ અધ્યાયો પૂર્ણ થાય છે. અને ૨૫મા અધ્યાયના આરંભે ધૃતરાષ્ટ્રે પૂછ્યું - ''घर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः। मामकाः पाण्डवाश्र्चैव किमकुर्वत संजय॥'' અર્થાત્ ''હે સંજય! ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકઠા થયેલા મારા પુત્રો (કૌરવો) તથા પાંડુના પુત્રોએ (પાંડવોએ) શું કર્યું તે આપ મને જણાવો.'' (મહાભારત, ભીષ્મપર્વ - ૨૫/૧) બસ! ધૃતરાષ્ટ્રની આ જિજ્ઞાસાએ જ ગીતાનાં શ્રીગણેશ કર્યાં છે. આ શ્લોક જ ભગવદ્ ગીતા નો પ્રથમ શ્લોક છે. તેથી મહાભારતના ભીષ્મપર્વનો પચ્ચીસમો અધ્યાય જ ગીતાનો પ્રથમ અધ્યાય છે. આમ ભીષ્મપર્વના પચ્ચીસમા અધ્યાયથી આરંભી બેંતાલીસમા અધ્યાય સુધીના અધ્યાયોમાં ભગવદ્ ગીતા સમાઈ છે.

No comments:

Post a Comment