Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૯...લેખ-૧

શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૯...લેખ-૧


ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે - 'जातस्य हि घ्रुवो मृत्युर्घ्रुवं जन्म मृतस्य च। तस्माद्अपरिहार्येर्थे न त्वं शोचितुम्अर्हसि॥' જેનો જન્મ થયો તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને જેનું મૃત્યુ થયું તેનો જન્મ નિશ્ચિત છે. તેથી આ અપરિહાર્ય વિષયમાં (એટલે કે જેમાં કોઈ ફેરફાર ન થઈ શકે એવા વિષયમાં) તારે શોક કરવો યોગ્ય નથી. (ગીતા ૨-૨૭)

'जातस्य हि घ्रुवो मृत्युः'


જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત

અધ્યાય - ૨


અનુસંધાન - શ્રીકૃષ્ણ અર્જુનને સાંખ્યજ્ઞાનનો ઉપદેશ કરી રહ્યા છે. તેમાં દેહ અને આત્માની ભિન્નતા તથા અચ્છેદ્ય, અભેદ્ય, નિર્વિકારી તથા નિત્ય એવા આત્માના સ્વરૂપનો ઉપદેશ કરી સાંખ્યજ્ઞાનનું એક પાસું આ પૂર્વે સમજાવ્યું. હવે સાંખ્યજ્ઞાનનું બીજું પાસું ઉજાગર કર્યું છે તેનું ચિંતન કરીએ.


ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે - 'जातस्य हि घ्रुवो मृत्युर्घ्रुवं जन्म मृतस्य च। तस्माद्अपरिहार्येर्थे न त्वं शोचितुम्अर्हसि॥' જેનો જન્મ થયો તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને જેનું મૃત્યુ થયું તેનો જન્મ નિશ્ચિત છે. તેથી આ અપરિહાર્ય વિષયમાં (એટલે કે જેમાં કોઈ ફેરફાર ન થઈ શકે એવા વિષયમાં) તારે શોક કરવો યોગ્ય નથી. (ગીતા ૨-૨૭)

પરિવર્તન! પ્રકૃતિનો એક અપરિવર્તનીય નિયમ. જન્મ એટલે ઉત્પત્તિ. ઉત્પત્તિ એટલે પરિવર્તન, અવસ્થાનું પરિવર્તન. મૃત્યુ એટલે વિનાશ. વિનાશ એટલે પરિવર્તન, અવસ્થાનું પરિવર્તન. જન્મ અને મૃત્યુ પરિવર્તનનાં બે પડખાં છે. માટી પ્રથમ તો જુદા જુદા ઢેફારૂપે વીખરાયેલી અવસ્થામાં પડી હોય. પછી કુંભારના પ્રયત્નથી તે પરિવર્તન પામીને એક સંગઠિત પિંડાકાર અવસ્થા પ્રાપ્ત કરે તેને ઘટનો જન્મ થયો કહેવાય. એ જ પિંડાકાર અવસ્થા પરિવર્તન પામીને પાછી ધૂળ ભેગી ધૂળ થઈ વીખરાઈ જાય તેને ઘટનો વિનાશ થયો કહેવાય. જગતની સૂક્ષ્માતિસૂક્ષ્મ વસ્તુઓથી માંડીને અનંત કોટિ બ્રહ્માંડો સુધી જન્મ-મરણરૂપે દેખાતી આ પરિવર્તનની ઘટમાળ જાણે પ્રકૃતિનું વણથંભ્યું તાંડવ છે. પરમાત્મા પ્રકૃતિ પાસે આ તાંડવ કરાવે છે.

જન્મતાંની સાથે સાથે જ મૃત્યુ પણ ભેગું જ પાંગરવા લાગે છે. ઊગતાંની સાથે જ સૂર્ય આથમણી દિશાએ ડગ દેવા માંડે છે. તે ઊગ્યો એટલે તેનું આથમવું નિશ્ચિત અને આથમ્યો એટલે તેનું ઊગવું નિશ્ચિત. એટલે જ તો કાળનિર્ણયનાં ચોપાનિયાં પણ સૂર્યોદયની વેળાના નિર્ણયની સાથે સાથે જ સૂર્યાસ્તનો સમય પણ એટલી જ ચોક્કસાઈથી જણાવે છે.

ફૂલ ખીલે છે પણ ખરવાની નિશ્ચિતતા સાથે. કપડાં કે અલંકારો તૈયાર થાય છે પણ જીર્ણતાની તૈયારી સાથે. મહેલો બંધાય છે પણ પડી ભાંગવાના બંધારણ સાથે. સંસારમાં કોઈ એવી વસ્તુ હજુ જન્મી નથી કે જેને પરિવર્તનની ચક્કીમાં પિસાવું ન પડ્યું હોય.

આપણી ચારે બાજુએ જરા નજર ફેરવી લેવા જેવી છે. પરિવર્તનનો મહાસમુદ્ર ઉત્પત્તિ અને વિનાશરૂપે ઘૂઘવતો પથરાયેલો દેખાશે. આપણા ઘરમાં જ આજે જે જૂનું થયેલું દેખાય છે તે એક દિવસ નવું જ હતું. અને આજે જે નવા જેવું દેખાય છે તે એક દિવસ જૂનું થઈ જવાનું છે. જેમ કે કપડાં, ચશ્માં, બૂટ-ચંપલ, વાસણો વગેરે અમુક સમય થાય એટલે બદલવાં પડે છે. જૂનું કાઢી નવું વસાવવું પડે છે. ઘરની બહાર પણ નવા-જૂનીનો ખેલ સતત ચાલતો જોવા મળશે. આ ખેલનો વિચાર કરતાં નવું અને જૂનું એ પરિવર્તનનાં જ બે વિશેષ નામ છે એમ લાગ્યા વિના નહીં રહે. પરિવર્તન જ ક્યારેક નવાના નામે ઓળખાય છે તો ક્યારેક જૂનાના નામે. એમાંય વળી નવાનું પરિવર્તન એટલે જૂનું આ વાત તો જાણે સમજાય તેવી છે. પણ એ નવું પણ જૂનાનું પરિવર્તન છે તે સમજાતાં વાર લાગે છે.

નવા-જૂનીની આ ઘટમાળ જેમ દુનિયામાં ચાલે છે તેમ આપણા આ શરીરમાં પણ એવી જ ચાલે છે. કારણ, આપણું શરીર પણ દુનિયાનો એક ભાગ જ તો છે. એટલે આપણું શરીર પણ કોઈ ચોક્કસ તિથિએ બાળકમાંથી યુવાન કે યુવાનમાંથી વૃદ્ધ નથી થઈ જતું. આ તો રોજનો બદલાવ છે. બદલાવ એક અખંડિત વહેતી ધારા છે. તેને રોકી ન શકાય. બદલાતી તિથિઓ અને તારીખો પરિવર્તનરૂપે ચાલતા કાચબાની ધીમી પણ એકધારી ગતિ છે. તેણે કાયમ સસલાંઓને હરાવ્યા છે. હા, મહાપ્રલયની ભયંકરતાનો અંદાજ શાસ્ત્રોમાં લખેલી વાતોથી થોડોઘણો લાવી શકાય છે. પણ આ નિત્યપ્રલયની સૂક્ષ્મ ગતિને પામવું કઠણ થઈ પડે છે. ભગવદ્ ગીતાજેવાં આપણાં શાસ્ત્રો સંસારના એ છુ પાયેલા સ્વરૂપને જોવાની સમજ આપે છે.

जातस्य हि घ्रुवो मृत्युः આ વાક્યમાં हि શબ્દ નિશ્ચિતતાના અર્થમાં વપરાયો છે. અને घ्रुवः શબ્દનો અર્થ પણ એ જ થાય છે. આમ પુનરાવર્તન કરીને શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને પરિવર્તનની નિશ્ચિતતાને વધુ નિશ્ચિત કરી સમજાવે છે.

અસ્થિરતા સંસારનો સ્વભાવ છે. ચાલ્યા જવું જગતની તાસીર છે. તેમાં સ્થિરતાની અપેક્ષા ન કરી શકાય. ‘गत्व्छति इति जगत्। संसरति इति संसारः।’ જે જાય તે જગત્અને જે સતત સર્યા જ કરે તે સંસાર. નામાભિધાનમાં જ આમ તો બધો અર્થ સમાયેલો પડ્યો છે.

ભગવાન શ્રીરામચંદ્રજીએ ભરતજીને સંસારના સનાતન સિદ્ધાંતને સમજાવતાં કહેલું - 'सर्वे क्षयान्ता निचयाः पतनान्ताः समुत्व्छ्रयाः। संयोगा विप्रयोगान्ता मरणान्तं च जीवितम्॥' હે ભરત! જેટલું કાંઈ ભેગું થયેલું દેખાય છે તે બધું વીખરાઈ જશે. બધી જ ઉન્નતિઓનો અંત તો પતન જ છે. દુન્યવી દરેક સંયોગે અંતે વિયોગને સ્વીકારવો પડે છે એટલું જ નહીં, પરંતુ આપણા આ જીવનની અંતિમ મર્યાદા પણ મૃત્યુ જ છે. (રામાયણ, અયોધ્યાકાંડ ૧૦૬-૧૬)

મહાભારતમાં પણ આવો જ શ્લોક પ્રાપ્ત થાય છે. (મહાભારત, રાજધર્મ, ૨૭/૨૯)

જગતને આ પ્રકારના દૃષ્ટિબિંદુથી જોવાના અભિગમને નાશવંતપણાની સમજણ કહેવાય.

આમ, ‘जातस्य हि घ्रुवो मृत्युर्घ्रुवं जन्म मृतस्य च’ એમ કહીને સંસારને તેના નાશવંતપણાના વિચાર સાથે જોવાનો વિશેષ દૃષ્ટિકોણ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન સમક્ષ ઉદ્ઘાટિત કર્યો. હવે તેના આધારે બીજી પણ એક અદ્ભુત જીવન જીવવાની જડીબુટ્ટી સમી સમજણ આપે છે.

अपरिहार्येर्थे न त्वं शोचितुम्अर्हसि - અપરિહાર્યમાં શોક શાનો ?


શ્રીકૃષ્ણ કહે છે - 'तस्माद् अपरिहार्येर्थे न त्वं शोचितुम्अर्हसि॥' તેથી નિવારી ન શકાય એવી બાબતમાં તારે શોક કરવો યોગ્ય નથી. (ગીતા - ૨/૨૭)

જે પરિસ્થિતિમાં આપણાથી કોઈ ફેરફાર ન થઈ શકે તેને અપરિહાર્ય કહેવાય. જે બાબતને આપણે સ્વીકારવી જ પડે. ઉનાળામાં પડતા તાપને અપરિહાર્ય કહી શકાય. તે તાપને આપણે રોકી ન શકીએ. વર્ષાૠતુમાં વરસતો મેઘ અપરિહાર્ય કહેવાય. વરસવાનું શરૂ થાય એટલે આપણું કાંઈ ન ચાલે. વળી, ભૂકંપ, જ્વાળામુખી, વાવાઝ ùડાં જેવી કુદરતી ઘટનાઓ જ્યારે ઘટવા માંડે છે ત્યારે તે બધું આપણા માટે અપરિહાર્ય થઈ પડે છે. આવી અપરિહાર્ય બાબતોને બનતી જોઈને દુઃખી ન થવાય. તેને તો જેટલી સહેલાઈથી સ્વીકારી શકીએ તેટલો લાભ છે. હવે કોઈ ઉનાળા કે ચોમાસામાં પડતા તડકાને કે વરસાદને સ્વીકારી ન શકે અને ફરિયાદ કરે કે આવું કેમ બન્યું? અને પછી દુઃખી થાય તો તેનો ઉપાય શો? ઊંટ પર સવારી કરી એટલે રોદા અપરિહાર્ય બની ગયા. હવે એનાં રોદડાં રડે શો ફાયદો?



No comments:

Post a Comment